દુનિયાનો સહુથી ખાનગી દેશ કયો? જો આ સવાલ તમને પૂછવામાં આવે તો તમે તરતજ ઉત્તર કોરિયા એવો જવાબ આપી દેશો. ઉત્તર કોરિયા એવો દેશ છે જેની નાનામાં નાની માહિતી પણ દેશબહાર જતી નથી. અરે ખુદ તેના સરમુખત્યાર કિમ જોંગ ઉન વિષે આપણે ખાસ નથી જાણતા તો તેમની પત્ની રી સોલ-જુ વિષે તો આપણને કેવી રીતે કોઈ માહિતી મળી શકે?

પરંતુ આપણા દેશની જેમ સમગ્ર વિશ્વમાં પણ ખણખોદિયા પત્રકારો પથરાયેલા છે અને તેમણે ખણખોદ કરીને રી સોલ-જુ વિષે કેટલીક માહિતી એકઠી કરી છે અને ઉત્તર કોરિયન સરમુખત્યારની આ સુંદર પત્ની વિષે જે કાઈ પણ માહિતી આપણી સમક્ષ આવી છે તે ખૂબ રસપ્રદ છે. તો આવો આપણે પણ જાણીએ રી સોલ-જુ એટલેકે કિમ જોંગ ઉનની પત્ની વિષે કેટલીક ખાસ વિગતો.
- રી સોલ-જુનો જન્મ ઉત્તર કોરિયાના ચોંગજીન શહેરમાં થયો હતો. તેની મૂળ જન્મતારીખ તો સામે નથી આવી પરંતુ તેનો જન્મ લગભગ 1985 થી 1989ના સમયગાળામાં થયો હોવાનું કહેવાય છે. આથી હાલમાં તેની ઉંમર 31 થી 33 વર્ષની હોવી જોઈએ. રી સોળ-જુ ની માતા શિક્ષક છે અને પિતા ડોક્ટર.
- કિમ જોંગ ઉન સાથે લગ્ન કર્યા અગાઉ રી સોલ ઉત્તર કોરિયાની સહુથી મોટી યુનિવર્સીટી પ્યોન્ગ્યાંગ ખાતે આવેલી કિમ સંગ દ્વિતીય યુનિવર્સીટીમાં ભણી હતી અને 2005માં એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં ઉત્તર કોરિયાની ટીમને સપોર્ટ કરવા ગયેલા પ્રતિનિધિમંડળમાં સામેલ હતી.

- રી સોલ-જુ એક સારી ગાયિકા પણ છે. તેણે ચીનમાં ગાયનની તાલીમ લીધી હતી અને સરકારી ઓરકેસ્ટ્રા ઉન્હાસુ ઓરકેસ્ટ્રાના લાઈવ ટીવી બ્રોડકાસ્ટ દરમ્યાન કિમ જોંગ ઉને પ્રથમવાર તેને ગાયન ગાતા જોઈ હતી.
- કિમ જોંગ ઉનની આ સુંદર પત્નીએ 2010 અને 2013માં બે પુત્રીઓને જન્મ આપ્યો હતો. ત્યારબાદ 2017માં તેણે કિમ જોંગ ઉનને વારસદારની ઈચ્છા હોવાથી પુત્રને જન્મ આપ્યો છે. જો કે આ સમાચારને ઉત્તર કોરિયાએ લાંબા સમય સુધી છુપાવી રાખવામાં સફળતા મેળવી હતી.
- તમને જાણીને નવાઈ લાગશે કે રી સોલ-જુ બળવાખોર સ્વભાવ ધરાવે છે. અત્યારસુધી ઉત્તર કોરિયાના તમામ શાસકોની પત્નીઓએ ફરજીયાત લાંબા વાળ રાખવા પડતા હતા પરંતુ રી સોલ ટૂંકા વાળ ધરાવે છે. રી સોલ-જુ ને વિદેશી એસેસરીઝનો શોખ છે જે તેના ફોટોગ્રાફ્સમાં જોવા મળે છે. આ ઉપરાંત ઉત્તર કોરિયાની કોઇપણ મહિલા પોતાના શાસકના ફોટા સિવાયના બ્રોચ કપડા પર લગાવી શકતી નથી પરંતુ રી સોલ-જુ હંમેશા અલગ અલગ બ્રોચ પહેરેલી જોવા મળે છે.
- રી સોલ-જુ ઉત્તર કોરિયાની મહિલાઓને અમુક પ્રકારની આઝાદી અપાવવા માટે જવાબદાર ગણવામાં આવે છે. શરૂઆતમાં એકદમ કઠોર હ્રદય ધરાવતા કિમ જોંગ ઉનનું હ્રદય પીગળાવવામાં રી સોલ સફળ રહી અને હવે ઉત્તર કોરિયાની મહિલાઓ પેન્ટ્સ, જીન્સ અને બ્લેક ટાઈટ્સ તેમજ હિલ્સ અને પ્લેટફોર્મ ધરાવતા શૂઝ પહેરી શકે છે. આ ઉપરાંત હવે તમને સાયકલ ચલાવવાની પણ છૂટ મળી છે.
eછાપું
તમને ગમશે: તીન બહુરાનિયાં – પછેડી હોય એટલીજ સોડ તાણો અને મોજ માણો