જ્યારે કોઈ ખ્યાતિપ્રાપ્ત આંતરરાષ્ટ્રીય ખેલાડી ખુદ એક બ્રાંડ બની જાય ત્યારે તેની સાથે જોડાયેલી તમામ ચીજો તેની ઓળખ બની જતી હોય છે. વર્ષોથી મહાન ટેનિસ ખેલાડી રોજર ફેડરર રૂપી ઓળખ તેની initials રૂપી લોગો RF બની ગયો છે, પરંતુ હવે સંજોગો એવા ઉભા થયા છે કે રોજર ફેડરરને પોતાનીજ આ ઓળખ પરત મેળવવા માટે ઝઝૂમવું પડશે.

બન્યું એવું કે હાલમાં જ રોજર ફેડરરે જાણીતી સ્પોર્ટ્સ એપરલ Nike સાથે છેડો ફાડીને જાપાનીઝ એપરલ કંપની UNIQLO સાથે દસ વર્ષનો કોન્ટ્રેક્ટ કર્યો છે. હાલમાં રમાઈ રહેલી વિમ્બલ્ડનમાં પણ ફેડરર UNIQLOના લોગો સાથે જ કોર્ટમાં રમતો જોવા મળે છે. એવું કહેવાય છે કે UNIQLO સાથે રોજર ફેડરરે લગભગ ત્રેવીસ થી ચોવીસ મિલિયન ડોલર્સમાં આ કરાર કર્યો છે જે Nike ના સાડાસાતથી આઠ મિલિયન ડોલર્સના કરાર કરતા ત્રણગણો છે.
પરંતુ, આટલી મોટી કમાણી અપાવતો કોન્ટ્રેક્ટ મેળવ્યા બાદ રોજર ફેડરર એક તકલીફમાં મુકાઇ ગયો છે. રોજર ફેડરર સાથે તેના ટીશર્ટ્સ પર જે RF લોગો કાયમ જોવા મળે છે તે ખરેખર તો Nike ના નામે રજીસ્ટર થયેલો છે. હવે મુશ્કેલી એ ઉભી થઇ છે કે ફેડરરે Nike સાથે છેડો તો ફાડી દીધો પરંતુ RF લોગો અંગે કોઈ નિર્ણય હજી સુધી લેવામાં આવ્યો નથી.
ફેડરર પોતાના જીવનનો અંતરંગ ભાગ બની ગયેલો RF લોગો પરત મેળવી શકે તે માટે બે રસ્તા છે. પહેલો એક રસ્તો એ છે કે ફેડરર Nikeને એ લોગોને મુક્ત કરવાની વિનંતી કરે (જે તે કદાચ ઓલરેડી કરી ચૂક્યો છે) અને Nike તેની વિનંતીનો સ્વિકાર કરે. અથવાતો ફેડરરની હાલની એપરલ કંપની UNIQLO Nikeને તગડી રકમ ચૂકવે જે ફેડરર સાથે થયેલા કરારની કિંમત ઉપરાંતની હોય અને RF લોગો પોતાના નામે હસ્તગત કરી લે.
આ બધું વાંચ્યા બાદ જો એમ લાગતું હોય કે Nikeની પોઝીશન અત્યારે મજબૂત છે તો તમે સાવ ખોટા નથી પરંતુ Nike માટે પણ આગળનો રસ્તો એટલો સહેલો નથી. વિચારી લો કે કોઈ કારણસર Nike રોજર ફેડરરને RF લોગો આપવાની ના પાડે છે તો તે સમગ્ર વિશ્વમાં પથરાયેલા ફેડરરના વિશાળ ફેન બેઝને નારાજ કરી દેશે. આમ થવાથી એક જવાબદાર કંપની પણ સ્વાર્થી હોવાની નેગેટિવ છાપ ફેલાશે જે Nike માટે બિલકુલ યોગ્ય નહીં હોય.
એવું પણ બને કે RFના કોપીરાઈટ્સ Nike પોતાની પાસેજ રાખે અને નેગેટિવિટીની ચિંતા કર્યા વગર તેનો ઉપયોગ પણ કરે રાખે. ભૂતકાળમાં બે વિખ્યાત ડ્રેસ ડિઝાઈનર્સ એલિઝાબેથ ઇમાન્યુએલ અને કરન મિલન પણ પોતાના જ નામના લોગો વાપરી શક્યા ન હતા કારણકે તેના કોપીરાઈટ્સ તેમના સ્પોન્સર્સ પાસે હતા.
એક શક્યતા એવી પણ છે કે રોજર ફેડરર પોતાની પાસે રહેલા પોતાના નામ સાથે જોડાયેલા અસંખ્ય લોગોનો ઉપયોગ શરુ કરી દે અને ધીરેધીરે તેના ફેન્સ RFને ભૂલી જાય. પરંતુ સ્પોર્ટ્સ માર્કેટિંગના પંડિતો એવું માને છે કે ફેડરર આવું નહીં કરે. તે ઓલરેડી કહી ચૂક્યો છે કે RF એ મારી initials છે તો પછી હું તેને કેવી રીતે છોડી શકું? એવું પણ બને કે ફેડરર પબ્લિક પ્રેશર ઉભું કરે અને Nike ન છૂટકે RF પરનો પોતાનો અધિકાર જતો કરે.
અત્યારે જાણવા મળ્યા મુજબ બંનેમાંથી કોઇપણ પક્ષ કાયદેસરની કાર્યવાહી નથી ઈચ્છતા અને આથીજ બંને વચ્ચે વાટાઘાટો શરુ થઇ ચૂકી છે.
eછાપું
તમને ગમશે: દર્દ દિલો કે કમ હો જાતે … હ્રદય અને તેના રોગોનું મુખ્ય કારણ વિષાદ…