મકાઈ અને ચોમાસા વચ્ચે એક અનોખું બંધન છે. પરંતુ આ કોલમનો જે પ્રકારનો સ્વભાવ રહ્યો છે એ મુજબ આપણે આ સંબંધ વિષે અને ચોમાસાની ત્રણ અનસંગ રેસિપીઓ વિષે જાણીએ તે પહેલા થોડી ચોમાસાની વાત કરી લઈએ? જેથી આ અનોખા સંબંધ વિષે આપણે વધુ જાણી શકીએ?
પાણીના ભરાવા, રસ્તામાં પડતા ભૂવા અને ખોટવાઈ જતા વાહનવ્યવહારને કારણે શક્ય છે કે આપણામાં રહેલા શહેરી/કોર્પોરેટ જીવને ચોમાસું પ્રિય ન હોઈ શકે, પરંતુ તે કદાચ આપણામાં રહેલા પ્રકૃતિપ્રેમી માટે એ જિંદગી જીવી લેવાના દિવસો છે! કહેવાય છે કે ચોમાસું એ એકમાત્ર એવી ઋતુ છે જેને આપણે ‘અડકી’ શકીએ છીએ, બીજી બધી ઋતુઓ ફક્ત અનુભવાય છે.
આપણને સહુને ખબર છે કે ગુજરાતમાં ચોમાસું આવતા-આવતા હવે જુલાઈ તો થઇ જ જાય છે, છતાં પણ ઉનાળાની ગરમીથી અકળાયેલો આ જીવ, જૂન મહિનાની 15મી તારીખ સુધી વરસાદ ના પડે તો ઊંચો-નીચો થઇ જાય છે.
અને પછી આવે ચોમાસું… વરસાદ પડે એની સાથે દાળવડાની લારીઓ પરની લાઈન, ઘરે-ઘરે બનતા ભજીયા અને સોશિયલ મીડિયા પર પ્લેટ્સના ફોટોગ્રાફ.
પણ આજે વાત કરવાની છે ભજીયા-વડા સિવાયની. એવી કેટલીય વાનગીઓ છે, જેના વગર ખરેખર ચોમાસું અધૂરું છે. ભલે મકાઈ આપણું સ્ટેપલ અનાજ નથી, પણ આ મોસમમાં મકાઈ ના ડોડા, મકાઈ ના દાણા, મકાઈનો લોટ – જેટલું જોઈએ એટલો વાપરીએ છીએ, ગુજરાતના કેટલાય ઘર એવા હશે જે ચોમાસામાં મકાઈ નો ચેવડો/દાણો/છીણ/ખીચડી બનાવે જ!!!! અને મોળાકત વ્રત વખતે જ મળતી મોરસની ભાજીના ભજીયા, વ્રત ભલે ના કરીએ પણ એ તો ખાવાનાં જ.
ખૂબ વરસાદ પડતો હોય અને વાતાવરણમાં ઠંડક વધી જાય ત્યારે મેગી કે પછી ગરમાગરમ હોટ એન્ડ સાર સૂપ વગર આપણું ચોમાસું અધૂરું છે.
એટલે જ આ વખતનું ફૂડ મૂડ ચોમાસાના આવા “અનસંગ” ફૂડ હીરો પર છે. અહિયાં મારી મોન્સૂન ફેવરીટ વાનગીઓની રેસીપી આપું છું, તમે પણ તમારી મોન્સૂન ફેવરીટ વાનગીઓ જણાવજો!
રોસ્ટેડ હલાપીનીઓ સૂપ:

સામગ્રી:
4 હલાપીનીઓ મરચાં (અથવા ભાવનગરી મરચા)
1/2 કપ સમારેલું ગાજર
1/3 કપ સમારેલી ડુંગળી
2 કળી લસણ સમારેલું,
1 ટેસ્પૂન તેલ
3 ટેસ્પૂન બટર
¼ કપ મેંદો
2 ½ કપ વેજીટેબલ સ્ટોક
½ કપ દૂધ
1/2 કપ સમારેલા ટમેટાં
1/4 કપ સમારેલા મશરૂમ
મીઠું અને મરી સ્વાદ મુજબ
રીત:
- મરચાને લંબાઈમાં અડધા કાપી, તેના બી કાઢી નાખી, ઓવેનમાં 200 સે. તાપમાને 10-15 મિનીટ માટે શેકો. (ઓવેનની જગ્યાએ ગેસ પર પણ શેકી શકાય). ઠંડા પડે એટલે તેના નાના ટુકડા કરી લો.
- હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં ડુંગળી અને લસણને 1 થી 2 મિનીટ માટે સાંતળો. હવે તેમાં ગાજર અને થોડું મીઠું ઉમેરીને ડુંગળી નરમ થાય ત્યાંસુધી સાંતળો.
- આ મિશ્રણમાં બટર ઉમેરો. બટર ઓગળે એટલે તેમાં મેંદો ઉમેરો અને બરાબર ભેળવો અને મેંદો શેકી જાય ત્યાંસુધી પકવો.
- તેમાં સમારેલા મરચા ઉમેરો અને ધીરેધીરે વેજીટેબલ સ્ટોક ઉમેરો. ઉભરો આવવા દો.
- તેમાં દૂધ ઉમેરીને ઉભરો આવે એટલે ધીમા તાપે, સૂપ ઘટ્ટ થાય ત્યાંસુધી સીઝવા દો.
- સૂપ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી હેન્ડ બ્લેન્ડર ફેરવી સૂપને સ્મૂધ કરી દો.
- તેમાં ટામેટા અને મશરૂમ ઉમેરી સૂપને ફરી ગરમ કરો.
- કોથમીર અને ટામેટા વડે સજાવી, ગરમાગરમ પીરસો.
મકાઈ નો ચેવડો:

સામગ્રી:
6 દેશી મકાઈ, છીણેલા
2 ટેબલસ્પૂન તેલ
½ ટીસ્પૂન રાઈ
½ ટીસ્પૂન જીરું
¼ ટીસ્પૂન હિંગ
1 ટીસ્પૂન લીલું મરચું, ઝીણું સમારેલું
¼ કપ દૂધ
½ ટેબલસ્પૂન લીંબુનો રસ
મીઠું, સ્વાદ મુજબ
સજાવટ માટે, ઝીણી સમારેલી કોથમીર
રીત:
- એક થીક-બોટમ નોન-સ્ટીક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, હિંગ અને લીલું મરચું ઉમેરો.
- રાઈ અને જીરું તતડે એટલે એમાં છીણેલી મકાઈ ઉમેરીને પાંચેક મિનીટ માટે ધીમા તાપે સાંતળો.
- હવે તેમાં દૂધ અને મીઠું ઉમેરીને બરાબર ભેળવી લો. પેનને ઢાંકણ ઢાંકી, ધીમા તાપે, મકાઈ ચડે ત્યાંસુધી, સીઝવા દો. વચ્ચે વચ્ચે હલાવતા રહો.
- લીંબુનો રસ ઉમેરી બીજી એકાદ મિનીટ માટે પકવો.
- કોથમીરથી સજાવી, તરત જ, ગરમાગરમ પીરસો. સાથે બ્રેડ કે ખીચીયા પાપડ સર્વ કરી શકાય.
નોંધ: આ વાનગી બને તો દેશી મકાઈ થી જ બનાવવી, અમેરિકન મકાઈ ના ચક્કરમાં પડવું નહીં.
વેજીટેબલ સીખ કબાબ:

સામગ્રી:
બટાટા, બાફીને છૂંદેલા 1 મધ્યમ
ગાજર, છીણેલું 1 મધ્યમ
લીલા વટાણા, 1/2 કપ છૂંદેલા
ફણસી, 5-6 છૂંદેલી
આદુની પેસ્ટ 1 ચમચી
આમચૂર પાવડર 1 ચમચી
ચાટ મસાલો 2 ટીસ્પૂન
લીલા મરચાં, 3-4 સમારેલા
અચાર મસાલો 1 1/2 ચમચી
ચણા દાળ(શેકીને પાવડર કરેલી) 3 ચમચી
પનીર(છીણેલું) 150 ગ્રામ
મીઠું સ્વાદ મુજબ
રીત:
- નોન-સ્ટીક કડાઇને ગરમ કરો. તેમાં આદુની પેસ્ટ નાંખી લગભગ અડધા એક મિનિટ માટે રંધાવા દો.
- બટાકા, ગાજર, લીલા વટાણા અને ફણસી ઉમેરી, તેમાંથી સુગંધ ના આવે ત્યાં સુધી શેકો.
- આમચૂર પાઉડર, ચાટ મસાલા, લીલા મરચાં, આચાર મસાલો, શેકેલી ચણા દાળ ઉમેરો અને બે થી ત્રણ મિનિટ માટે રાંધો.
- પનીર ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. મીઠું ઉમેરો અને ફરીથી મિક્સ કરો.
- માવાને આઠ સમાન ભાગોમાં વહેંચો છે. દરેક ભાગને એક skewer પર નળાકાર આકારમાં ફેલાવી દો.
- નોન-સ્ટીક તવાને ગરમ કરી તેના પર skewers મૂકો. મધ્યમ તાપ ઉપર આ કબાબ બધી જ બાજુથી ત્યાં સુધી સમયાંતરે ફેરવતા રહી બરાબર પકવો.
- તમારી પસંદગીની ચટણી સાથે ગરમાગરમ પીરસો.
eછાપું
તમને ગમશે: આપણી સમસ્યા – સજાતિય સંબંધો ધરાવતા વ્યક્તિઓ પ્રત્યેની સુગ
Nice