મકાઈ અને ચોમાસા વચ્ચેનું એક અનોખું બંધન – શીખીએ ત્રણ રેસિપીઓ

1
736
Photo Courtesy: Aakanksha Thakore

મકાઈ અને ચોમાસા વચ્ચે એક અનોખું બંધન છે. પરંતુ આ કોલમનો જે પ્રકારનો સ્વભાવ રહ્યો છે એ મુજબ આપણે આ સંબંધ વિષે અને ચોમાસાની ત્રણ અનસંગ રેસિપીઓ વિષે જાણીએ તે પહેલા થોડી ચોમાસાની વાત કરી લઈએ? જેથી આ અનોખા સંબંધ વિષે આપણે વધુ જાણી શકીએ?

પાણીના ભરાવા, રસ્તામાં પડતા ભૂવા અને ખોટવાઈ જતા વાહનવ્યવહારને કારણે શક્ય છે કે આપણામાં રહેલા શહેરી/કોર્પોરેટ જીવને ચોમાસું પ્રિય ન હોઈ શકે, પરંતુ તે કદાચ આપણામાં રહેલા પ્રકૃતિપ્રેમી માટે એ જિંદગી જીવી લેવાના દિવસો છે! કહેવાય છે કે ચોમાસું એ એકમાત્ર એવી ઋતુ છે જેને આપણે ‘અડકી’ શકીએ છીએ, બીજી બધી ઋતુઓ ફક્ત અનુભવાય છે.

આપણને સહુને ખબર છે કે ગુજરાતમાં ચોમાસું આવતા-આવતા હવે જુલાઈ તો થઇ જ જાય છે, છતાં પણ ઉનાળાની ગરમીથી અકળાયેલો આ જીવ, જૂન મહિનાની 15મી તારીખ સુધી વરસાદ ના પડે તો ઊંચો-નીચો થઇ જાય છે.

અને પછી આવે ચોમાસું… વરસાદ પડે એની સાથે દાળવડાની લારીઓ પરની લાઈન, ઘરે-ઘરે બનતા ભજીયા અને સોશિયલ મીડિયા પર પ્લેટ્સના ફોટોગ્રાફ.

પણ આજે વાત કરવાની છે ભજીયા-વડા સિવાયની. એવી કેટલીય વાનગીઓ છે, જેના વગર ખરેખર ચોમાસું અધૂરું છે. ભલે મકાઈ આપણું સ્ટેપલ અનાજ નથી, પણ આ મોસમમાં મકાઈ ના ડોડા, મકાઈ ના દાણા, મકાઈનો લોટ – જેટલું જોઈએ એટલો વાપરીએ છીએ, ગુજરાતના કેટલાય ઘર એવા હશે જે ચોમાસામાં મકાઈ નો ચેવડો/દાણો/છીણ/ખીચડી બનાવે જ!!!! અને મોળાકત વ્રત વખતે જ મળતી મોરસની ભાજીના ભજીયા, વ્રત ભલે ના કરીએ પણ એ તો ખાવાનાં જ.

ખૂબ વરસાદ પડતો હોય અને વાતાવરણમાં ઠંડક વધી જાય ત્યારે મેગી કે પછી ગરમાગરમ હોટ એન્ડ સાર સૂપ વગર આપણું ચોમાસું અધૂરું છે.

એટલે જ આ વખતનું ફૂડ મૂડ ચોમાસાના આવા “અનસંગ” ફૂડ હીરો પર છે. અહિયાં મારી મોન્સૂન ફેવરીટ વાનગીઓની રેસીપી આપું છું, તમે પણ તમારી મોન્સૂન ફેવરીટ વાનગીઓ જણાવજો!

રોસ્ટેડ હલાપીનીઓ સૂપ:

Photo Courtesy: mooshujenne.com

સામગ્રી:

4 હલાપીનીઓ મરચાં (અથવા ભાવનગરી મરચા)
1/2 કપ સમારેલું ગાજર

1/3 કપ સમારેલી ડુંગળી
2 કળી લસણ સમારેલું,

1 ટેસ્પૂન તેલ

3 ટેસ્પૂન બટર

¼ કપ મેંદો

2 ½ કપ વેજીટેબલ સ્ટોક

½ કપ દૂધ

1/2 કપ સમારેલા ટમેટાં
1/4 કપ સમારેલા મશરૂમ
મીઠું અને મરી સ્વાદ મુજબ

રીત:

  1. મરચાને લંબાઈમાં અડધા કાપી, તેના બી કાઢી નાખી, ઓવેનમાં 200 સે. તાપમાને 10-15 મિનીટ માટે શેકો. (ઓવેનની જગ્યાએ ગેસ પર પણ શેકી શકાય). ઠંડા પડે એટલે તેના નાના ટુકડા કરી લો.
  2. હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં ડુંગળી અને લસણને 1 થી 2 મિનીટ માટે સાંતળો. હવે તેમાં ગાજર અને થોડું મીઠું ઉમેરીને ડુંગળી નરમ થાય ત્યાંસુધી સાંતળો.
  3. આ મિશ્રણમાં બટર ઉમેરો. બટર ઓગળે એટલે તેમાં મેંદો ઉમેરો અને બરાબર ભેળવો અને મેંદો શેકી જાય ત્યાંસુધી પકવો.
  4. તેમાં સમારેલા મરચા ઉમેરો અને ધીરેધીરે વેજીટેબલ સ્ટોક ઉમેરો. ઉભરો આવવા દો.
  5. તેમાં દૂધ ઉમેરીને ઉભરો આવે એટલે ધીમા તાપે, સૂપ ઘટ્ટ થાય ત્યાંસુધી સીઝવા દો.
  6. સૂપ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી હેન્ડ બ્લેન્ડર ફેરવી સૂપને સ્મૂધ કરી દો.
  7. તેમાં ટામેટા અને મશરૂમ ઉમેરી સૂપને ફરી ગરમ કરો.
  8. કોથમીર અને ટામેટા વડે સજાવી, ગરમાગરમ પીરસો.

મકાઈ નો ચેવડો:

Photo Courtesy: Aakanksha Thakore

સામગ્રી:

6 દેશી મકાઈ, છીણેલા

2 ટેબલસ્પૂન તેલ

½ ટીસ્પૂન રાઈ

½ ટીસ્પૂન જીરું

¼ ટીસ્પૂન હિંગ

1 ટીસ્પૂન લીલું મરચું, ઝીણું સમારેલું

¼ કપ દૂધ

½ ટેબલસ્પૂન લીંબુનો રસ

મીઠું, સ્વાદ મુજબ

સજાવટ માટે, ઝીણી સમારેલી કોથમીર

રીત:

  1. એક થીક-બોટમ નોન-સ્ટીક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, હિંગ અને લીલું મરચું ઉમેરો.
  2. રાઈ અને જીરું તતડે એટલે એમાં છીણેલી મકાઈ ઉમેરીને પાંચેક મિનીટ માટે ધીમા તાપે સાંતળો.
  3. હવે તેમાં દૂધ અને મીઠું ઉમેરીને બરાબર ભેળવી લો. પેનને ઢાંકણ ઢાંકી, ધીમા તાપે, મકાઈ ચડે ત્યાંસુધી, સીઝવા દો. વચ્ચે વચ્ચે હલાવતા રહો.
  4. લીંબુનો રસ ઉમેરી બીજી એકાદ મિનીટ માટે પકવો.
  5. કોથમીરથી સજાવી, તરત જ, ગરમાગરમ પીરસો. સાથે બ્રેડ કે ખીચીયા પાપડ સર્વ કરી શકાય.

નોંધ: આ વાનગી બને તો દેશી મકાઈ થી જ બનાવવી, અમેરિકન મકાઈ ના ચક્કરમાં પડવું નહીં.

વેજીટેબલ સીખ કબાબ:

Photo Courtesy: archanaskitchen.com

સામગ્રી:

બટાટા, બાફીને છૂંદેલા 1 મધ્યમ

ગાજર, છીણેલું 1 મધ્યમ

લીલા વટાણા, 1/2 કપ છૂંદેલા

ફણસી, 5-6 છૂંદેલી

આદુની પેસ્ટ 1 ચમચી

આમચૂર પાવડર  1 ચમચી

ચાટ મસાલો 2 ટીસ્પૂન

લીલા મરચાં, 3-4 સમારેલા

અચાર મસાલો 1 1/2 ચમચી

ચણા દાળ(શેકીને પાવડર કરેલી) 3 ચમચી

પનીર(છીણેલું) 150 ગ્રામ

મીઠું સ્વાદ મુજબ

રીત:

  1. નોન-સ્ટીક કડાઇને ગરમ કરો. તેમાં આદુની પેસ્ટ નાંખી લગભગ અડધા એક મિનિટ માટે રંધાવા દો.
  2. બટાકા, ગાજર, લીલા વટાણા અને ફણસી ઉમેરી, તેમાંથી સુગંધ ના આવે ત્યાં સુધી શેકો.
  3. આમચૂર પાઉડર, ચાટ મસાલા, લીલા મરચાં, આચાર મસાલો, શેકેલી ચણા દાળ ઉમેરો અને બે થી ત્રણ મિનિટ માટે રાંધો.
  4. પનીર ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. મીઠું ઉમેરો અને ફરીથી મિક્સ કરો.
  5. માવાને આઠ સમાન ભાગોમાં વહેંચો છે. દરેક ભાગને એક skewer પર નળાકાર આકારમાં ફેલાવી દો.
  6. નોન-સ્ટીક તવાને ગરમ કરી તેના પર skewers મૂકો. મધ્યમ તાપ ઉપર આ કબાબ બધી જ બાજુથી ત્યાં સુધી સમયાંતરે ફેરવતા રહી બરાબર પકવો.
  7. તમારી પસંદગીની ચટણી સાથે ગરમાગરમ પીરસો.

eછાપું

તમને ગમશે: આપણી સમસ્યા – સજાતિય સંબંધો ધરાવતા વ્યક્તિઓ પ્રત્યેની સુગ

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here