સોનાલી બેન્દ્રેને થયેલું મેટાસ્ટેટિક કેન્સર શું છે અને કેટલું ખતરનાક છે?

0
272
Photo Courtesy: spotboye.com

કહેવાય છે ને કે જ્યારે દુઃખ આવે ત્યારે સઘળું એક સાથે આવી પડે છે. હજી તો આપણે થોડા દિવસ પહેલા ઈરફાન ખાનને કેન્સર થયા બાદ તેણે અમેરિકાથી લખેલો એક ભાવુક પત્ર વાંચીને એવી સ્વસ્થતા કેળવી હતી કે ચાલો એ કેન્સર સામે લડી રહ્યો છે. ત્યાં ગઈકાલે સવારમાં જ Twitter પર એક્ટ્રેસ સોનાલી બેન્દ્રેએ પોતાને મેટાસ્ટેટિક કેન્સર થયું હોવાની જાહેરાત કરી અને ફરીથી મન દુઃખી દુઃખી થઇ ગયું.

Photo Courtesy: spotboye.com

1990ના દાયકામાં જેટલા પુરુષો યુવાન હશે તેની ગમતીલી એક્ટ્રેસની યાદીમાં સોનાલી બેન્દ્રેનું નામ ન હોય એવું કદાચ જ બને. ભલે સોનાલી બેન્દ્રેની કારકિર્દી એટલે ઉંચે ન ગઈ હોય અને સરફરોશ જેવી દેશભક્તિથી ફાટફાટ થતી ફિલ્મમાં આમિરના તેજ હેઠળ માત્ર ‘don’t mind’ કહીને પોતાની છાપ છોડી ગઈ હોય, પરંતુ સોનાલી બેન્દ્રેનું નખશીખ રૂપ કોઈને પણ આંજી દેવા માટે પૂરતું હતું.

એનીવેઝ, આ એક ભૂતકાળ છે અને વર્તમાન એવું કહે છે કે સોનાલી બેન્દ્રે તકલીફમાં છે. જેમ ખુદ સોનાલીએ પોતાની tweetમાં કહ્યું કે તમારા પર દુઃખ ત્યારે તૂટી પડે છે જ્યારે તમને તેની આશા બિલકુલ ન હોય. સોનાલીએ એમ પણ ઉમેર્યું હતું કે તે અત્યારે ન્યૂયોર્કમાં મેટાસ્ટેટિક કેન્સર અંગેની જરૂરી સારવાર મેળવી રહી છે અને તેનું કુટુંબ અને તેના મિત્રો તેની સાથે છે અને તેનો વિશ્વાસ વધારી રહ્યા છે.

આપણને ગમતી વ્યક્તિ કે જાણીતી વ્યક્તિને જ્યારે કેન્સર જેવો મહારોગ થાય અને કેન્સરના એ પ્રકાર વિષે આપણને ખાસ માહિતી ન હોય ત્યારે સતત એના વિષે જાણવાની મનમાં ઈચ્છા થતી જ હોય છે. મેટાસ્ટેટિક કેન્સર વિષે પણ કદાચ આપણી પાસે કોઈ ખાસ માહિતી નથી. વળી, આ પ્રકારનું કેન્સર કોઈના જીવન માટે કેટલું ખતરનાક છે એ પણ આપણે જાણવું રહ્યું.

મેટાસ્ટેટિક કેન્સરના સેલ્સ જ્યારે પોતે શરીરના જે હિસ્સામાં ભેગા થયા હોય ત્યાંથી છૂટા પડીને શરીરના અન્ય ભાગોમાં ફેલાવા લાગે ત્યારે તેને મેટાસ્ટેટિક કેન્સર કહેવામાં આવે છે. કેન્સરના સેલ્સના છૂટા પડીને શરીરના અન્ય ભાગમાં ફેલાવાની આ પ્રક્રિયા લસીકાઓ તેમજ રક્ત દ્વારા થતી હોય છે. જો આ સેલ્સ ભેગા મળીને શરીરમાં ગાંઠ ઉભી કરે તો તેને મેટાસ્ટેટિક ટ્યુમર કહેવાય છે. મેટાસ્ટેટિક કેન્સર જોકે સામાન્ય કેન્સર જેવું જ છે.

એક હેલ્થ વેબસાઈટના જણાવ્યા અનુસાર મેટાસ્ટેટિક કેન્સર સામાન્ય કેન્સરના ચોથા સ્ટેજ પર દેખા દે છે. આનો મતલબ એ છે કે મેટાસ્ટેટિક કેન્સર અત્યંત ગંભીર બીમારી છે અને એના નિદાન સમયે શરીરમાં કેન્સર એટલું બધું મજબૂત થઇ ગયું છે કે તે અન્ય ભાગોમાં આસાનીથી ફેલાઈ શકે તેવું છે. ઉદાહરણ તરીકે જો કોઈને લંગ કેન્સર હોય કે પછી બ્રેસ્ટ કેન્સર અને પછી તેને મેટાસ્ટેટિક કેન્સર થયું હોવાનું નિદાન થાય તો તેને સરળ ભાષામાં ચોથા સ્ટેજનું મેટાસ્ટેટિક લંગ કેન્સર અથવાતો બ્રેસ્ટ કેન્સર કહી શકાય.

સામાન્ય અને મેટાસ્ટેટિક કેન્સર બંને એક સરખા હોવાને લીધે ડોક્ટરો આ કેન્સરનું મૂળ શોધવામાં મોટેભાગે નિષ્ફળ જતા હોય છે. આ પ્રકારના નિદાનને CUP અથવાતો કેન્સર ઓફ અનનોન ઓરીજીન કહેવામાં આવે છે.

આમ, સોનાલી બેન્દ્રેને થયેલું મેટાસ્ટેટિક કેન્સર ભયજનક છે એટલુંજ નહીં પરંતુ તે તેની વ્યાખ્યા અનુસાર ચોથા સ્ટેજ સુધી પહોંચી ગયું હોવું જોઈએ. આશા રાખીએ કે સોનાલીને ન્યૂયોર્કમાં શ્રેષ્ઠ સારવાર મળે અને તે સાજીસમી થઈને ભારત પરત આવે.

eછાપું

તમને ગમશે: ભારતીયોને સોગિયા ડાચાં લઈને ફેરવવાનું કાવતરું કરતી એક ખાસ જમાત

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here