ગુજરાતીઓને મુંજવતો સવાલ – જૂના જોગીઓ કેમ કોંગ્રેસને છોડી રહ્યા છે?

0
270
Photo Courtesy: dnaindia.com

ગઈકાલના આર્ટીકલમાં આપણે જાણ્યું હતું કે એક તરફ કોંગ્રેસ પોતાના પક્ષમાં રહેલી તકલીફને સમજવા તૈયાર નથી અને બીજી તરફ જૂના કોંગ્રેસીઓ પક્ષ છોડીને ભાજપમાં જોડાઈ રહ્યા છે. પરમદિવસની અમિત ચાવડા અને પરેશ ધાનાણીની પ્રેસ કોન્ફરન્સમાં બે બાબતો આ બંને નેતાઓએ વારંવાર કહી હતી. એક તો એ કે કુંવરજી બાવળીયાને કોંગ્રેસે આટલું બધું આપ્યું અને તોય તેઓ સત્તાની લાલચે કોંગ્રેસ છોડીને જતા રહ્યા. બીજી વાત એમણે એમ કહી કે કોંગ્રેસમાં કાયમ નાનામાં નાના કાર્યકર્તાને પોતાનો અવાજ ઉઠાવવાની છૂટ છે.

Photo Courtesy: dnaindia.com

ગુજરાત કોંગ્રેસના આ બંને નેતાઓની આ બંને વાતો પર હસવું કે રડવું એ કન્ફયુઝન છે, કારણકે તેમની આ બંને વાતોમાં જ તેમની સમસ્યાનો હલ છુપાયેલો છે. ગયા વર્ષે કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને એક સમયે ભારતના વિદેશમંત્રી રહી ચુકેલા જૂના કોંગ્રેસી એસ એમ ક્રિશ્ના કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા ત્યારે મોટેભાગે દિગ્વિજય સિંઘે પણ આ જ સવાલ કર્યો હતો કે ક્રિશ્નાને કોંગ્રેસે આટલું બધું આપ્યું તો પણ તેઓ કોંગ્રેસ છોડીને જતા રહ્યા?

ખરેખર તો આજ સવાલ ખુદ કોંગ્રેસે પોતાને કરવા જેવો છે પરંતુ જરા જુદી રીતે. ગુજરાત કોંગ્રેસની જ વાત કરીએ તો તેના વરિષ્ઠ નેતાઓએ ખુદને સવાલ કરવા જેવો છે કે આપણે આપણા જૂના જોગીઓને આટલું બધું આપ્યું અને તો પણ તેઓ આપણને છોડીને જતા રહે છે તો આપણામાં ક્યાંક ખામી તો નથીને? કુંવરજી બાવળીયાને જાણવા મળ્યા મુજબ પક્ષમાં મહત્ત્વનું પદ જોઈતું હતું. તેમણે આ વાત પાર્ટી હાઈકમાન્ડને વિધાનસભા ચૂંટણી અગાઉ કહી દીધી હતી. તો પણ બાવળીયાને ચૂંટણી બાદ ન તો પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા કે ન તો વિપક્ષના નેતા.

જો કોંગ્રેસ ખુદ કહેતી હોય કે કુંવરજીએ કોંગ્રેસમાં રહીને છ કે સાત ટર્મ વિધાનસભામાં અને એક ટર્મ લોકસભામાં મેળવી તો પછી એમને આ વખતે વિપક્ષી નેતા બનાવવામાં શો વાંધો હતો? આ અગાઉ બહારથી આવેલા શંકરસિંહ વાઘેલા જો ચાર વર્ષ વિપક્ષી નેતાનું પદ સંભાળી શકતા હોય તો કુંવરજીભાઈ તો મૂળ અને જૂના કોંગ્રેસી છે! જો કોંગ્રેસને યુવા નેતાગીરી જ આગળ લાવવી હતી તો પરેશ ધાનાણીને વિપક્ષી નેતા બનાવ્યા બાદ કુંવરજીને પ્રદેશ પ્રમુખ બનાવી શકાયા હોત અને એમની કક્ષાના જૂના કોંગ્રેસીને એ રીતે સાચવી લેવાયા હોત. બાકી સત્તા વગર બાવીસ-પચ્ચીસ વર્ષ કોઈ વરિષ્ઠ નેતા, રહી શકે એ વાતમાં માલ નથી.

બીજી વાત અમિત ચાવડાએ પરમદિવસે વખતોવખત કહી કે કોંગ્રેસમાં નાનામાં નાના કાર્યકર્તાને પોતાનો અવાજ ઉઠાવવાની છૂટ હોય છે. આ સાંભળીને રીતસર હસવું આવી ગયું હતું, કારણકે જો અમિત ચાવડાની વાત સાચી હોત તો લોકસભાની ચૂંટણીમાં માત્ર 44 બેઠકો અને ત્યારબાદ ચાર વર્ષમાં માત્ર બે થી ત્રણ રાજ્યમાં સમેટાઈ જનાર કોંગ્રેસના નેતા પ્રમુખપદે અત્યારે રાહુલ ગાંધી ન બેઠા હોત.

સિરિયસલી, ગુજરાતીઓ ખુદ ઈચ્છે છે કે ગુજરાતમાં એક મજબૂત વિપક્ષ હોય અને આ વખતે વિધાનસભામાં પણ તેમણે કોંગ્રેસને એટલી બેઠકો તો આપી જ છે કે જેના વડે તે મજબૂત વિપક્ષની ભૂમિકા ભજવી શકે. પરંતુ કોંગ્રેસે એ માટે પોતાનું ઘર સાચવવું પડશે અને જો આ રીતે જૂના, વરિષ્ઠ અને જમીન સાથે જોડાયેલા કોંગ્રેસી નેતાઓ પક્ષને રામરામ કરીને સત્તાપક્ષમાં જતા રહેશે તો કોંગ્રેસને એવો ફટકો લાગશે કે હવે તેને બેઠા થતા દાયકાઓ લાગી જશે.

eછાપું

તમને ગમશે: કાર્તિ ચિદમ્બરમ – રાજકીય ધરપકડ કે પછી ધરપકડનું રાજકારણ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here