ભલે સુપ્રિમ કોર્ટે સ્પષ્ટતા કરી પણ આપ સુધરશો નહીં એની ખાતરી છે

0
338
Photo Courtesy: hindustantimes.com

બે દિવસ પહેલા એક ઐતિહાસિક ચૂકાદામાં દિલ્હી રાજ્યનો આખરી સત્તાધીશ કોણ તેની સ્પષ્ટતા સુપ્રિમ કોર્ટે બહુમતી ફેંસલા દ્વારા કરી દીધી. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર (LG) અનિલ બૈજલને આખરી સત્તાધીશ કરાર કર્યા હોવા છતાં સુપ્રિમ કોર્ટે એમ પણ જણાવ્યું હતું કે છેવટે તો પ્રજા દ્વારા ચૂંટાયેલી સરકાર એટલેકે આપ સરકાર જ દિલ્હીની ખરી સત્તાધીશ કહી શકાય.

Photo Courtesy: hindustantimes.com

દિલ્હીની આપ સરકારે તમામ બાબતોમાં નિર્ણય લેતા પહેલા કે પછી LGની મંજૂરી લેવી જરૂરી નથી અને LGને પણ આપ સરકારના કોઈ નિર્ણયથી પરેશાની હોય તો તેમણે રાષ્ટ્રપતિનું ધ્યાન દોરવું જોઈએ. છેલ્લે પોતાના ચૂકાદામાં સુપ્રિમ કોર્ટે એવી ટકોર પણ કરી હતી કે LG અને આપ સરકારના મુખ્યમંત્રી અને મંત્રીઓએ ભેગામળીને કામ કરવું જોઈએ.

આટલો સ્પષ્ટ નિર્ણય હોવા છતાં આમ આદમી પાર્ટી એટલેકે આપનો અત્યારસુધીનો જે ઈતિહાસ રહ્યો છે તેને જોતા નથી લાગતું કે દિલ્હીમાં હવે સરકાર કામ કરતી થશે. હજી તો આ નિર્ણય આવે ચોવીસ કલાક પણ નહોતા થયા કે એક નવો વિવાદ પણ ઉભો થઇ ગયો. બન્યું એવું કે હવે જ્યારે સુપ્રિમ કોર્ટે કહી દીધું છે કે દિલ્હી સરકાર કોઇપણ નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે તો આપણે અમુક અધિકારીઓની બદલી કરી નાખીએ એમ કહીને આપ સરકારે દિલ્હીના કેટલાક અધિકારીઓની બદલી કરી નાખી. પણ ફરીથી ત્યાંના ચિફ સેક્રેટરીએ તેના પર રોક લગાવી કારણકે એમના કહેવા અનુસાર આ બાબત દિલ્હી સરકારના ન્યાયક્ષેત્રમાં નથી આવતી.

આ ભલે ટેક્નીકલ બાબત હોય પરંતુ તે એ ભવિષ્ય તરફનો ઈશારો જરૂર કરે છે કે આપ સરકાર હજી પણ પગ વાળીને બેસી નહીં રહે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને અન્ય નેતાઓની શઠતા વારંવાર આપણી સમક્ષ આવી ચૂકી છે અને આવનારા દિવસોમાં તેઓ કોઈને કોઈ રીતે એવા નિર્ણયો જરૂરથી લેશે જેથી તેમની અને LG વચ્ચે વિવાદ ઉભો થાય જ અને છેવટે એમને પોલિટીકલ માયલેજ મળી જાય. હવે જાણીજોઈને એવા નિર્ણયો લેવામાં આવશે જે LGને પસંદ નહીં પડે અને તેમણે તેને રાષ્ટ્રપતિને રીફર કરવા પડશે અથવાતો તેની ફેરવિચારણા માટે કેબિનેટને પરત મોકલવા પડશે.

આપ સરકાર આમ કેમ કરશે? જો આવો સવાલ તમારી સમક્ષ આવતો હોય તો એનો જવાબ એક જ છે કે તેને કામ નથી કરવું. મુખ્યત્વે આ આપ પાર્ટીના તમામ નેતાઓ આંદોલનકારીઓ છે અને આંદોલન કરતા કરતા અને ના પાડતા પાડતા રાજકારણમાં પ્રવેશ્યા છે અને દિલ્હી વિધાનસભાની ગત ચૂંટણીમાં બગાસું ખાતા તેમના મોઢામાં 67 બેઠકોરૂપી પતાસું પડ્યું છે. હવે આટલી રાક્ષસી બહુમતી મળી એટલે સરકારતો લોકલાજે બનાવવી જ પડે? એટલે સરકાર તો બનાવી લીધી પણ કામકાજનો કોઈજ અનુભવ ન હોવાથી હવે સરકાર ચલાવવામાં તકલીફ પડી રહી છે અને આથીજ દિલ્હીના લોકોનું ધ્યાન બીજે ખેંચવા વારંવાર વિવાદ ઉભો કરવામાં આવી રહ્યો છે.

જો એમ ન હોત તો ક્ષુલ્લક કારણોસર આઠ-આઠ દિવસ દિલ્હીના મુખ્યમંત્રી અને એમના મંત્રીમંડળના ત્રણ સભ્યોએ LGના ઘેર જઈને ધરણા ન કર્યા હોત. અને જો એમના ધરણા ન્યાયી હતા તો એક પછી એક બે મંત્રીઓ અચાનક જ હોસ્પિટલમાં દાખલ થવાને બહાને ત્યાંથી ભાગી ન ગયા હોત અને ધરણા અચાનક જ બંધ કરીને મિડિયા અને લોકોના સવાલોથી બચવા અરવિંદ કેજરીવાલ વધેલી શુગરને ઘટાડવા છેક બેંગ્લોર ન ભાગી ગયા હોત. જ્યારે ખુદ આપ સરકાર દાવો કરતી હોય કે એમણે સ્થાપેલા મોહલ્લા ક્લીનીક્સ વર્લ્ડ ક્લાસ છે ત્યારે એ સરકારનો જ મુખિયા માત્ર શુગર ટ્રીટમેન્ટ માટે છેક બેંગ્લોર જતો રહે એવું કેવી રીતે માનવામાં આવે?

ટૂંકમાં જ્યાં મથરાવટી જ મેલી છે ત્યાં સુપ્રિમ કોર્ટના પિતાજી પણ કોઈજ સુધારો કરી શકવાના નથી એ નક્કી જ છે.

eછાપું

તમને ગમશે: કેમ આપણી બાળપણ ની રમતોનું આજે બાળમરણ થયું છે?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here