Home એટસેટ્રા પાણીપુરી એટલે મહિલાઓ માટે બસ જગ ઘુમૈયા થારે જૈસા ના કોઇ જેવુંજ

પાણીપુરી એટલે મહિલાઓ માટે બસ જગ ઘુમૈયા થારે જૈસા ના કોઇ જેવુંજ

0
151
Photo Courtesy: http://hindi.fakingnews.com

અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી ઠેકઠેકાણે સેલ્ફસર્વિસથી પાણીપુરી મળે તેવા અદ્યતન ‘ખુમચા’ શરૂ થયા છે. જેમાં નોઝલ નીચે પુરી રાખતાં જ સેન્સર ધરાવતા ‘માયા સારાભાઇ’ જેવા અનેક હાઇજીનલવર્સે આ ‘વોટરશોટ્‌સ’ને વધાવી લીધી છે તો મોટાભાગની ‘મોનિષા સારાભાઇ’ એકરાર કરી ચૂકી છે કે ભૈયાના હાથ જેવી મજા આવી પાણીપુરીમાં નથી. બાઘાભાઇની સ્ટાઇલમાં કહીએ તો ‘જૈસી જીસકી સોચ..’ એનીવે’ઝ આપણે ચોમાસાની સિઝનમાં પાણીપુરીની ચટપટી દુનિયામાં લટાર મારીએ….

ભારતીય મહિલાઓ બીજી કોઇ વાતે એક મત થાય કે ન થાય પરંતુ એક વાતે ચોક્કસ સંમત થશે કે જો કોઇ વ્યક્તિએ જીવનમાં પાણીપુરીને ખાધી નથી તો ખરેખર જીવનમાં તેણે કંઇ ખાધું  જ નથી. માત્ર મહિલાઓ જ નહીં સ્વાદના ચટાકિયા હોય તેવા પુરુષો પણ એકવાતે સંમત થશે જ કે મોઢામાં મૂકતાં જ કચર…કચર અવાજ સાથે ફૂટી જતી અને તીખાં-મીઠાં પાણીથી જીભની સાથે આંખ-કાન-નાક એમ દરેક ઇન્દ્રિયને સતેજ કરતી પાણીપુરીને તો રાષ્ટ્રીય વાનગી જેવું બિરુદ આપી જેવું જોઇએ. રિસાયેલી પત્ની કે ગર્લફ્રેન્ડને મનાવવી હોય, દિવસભરની રઝળપાટનો થાક ઉતારવો હોય કે પછી દોસ્તોને સસ્તું ભાડું સિદ્ધપુરની યાત્રા સમાન પાર્ટી આપવી એમ દરેક માટે વન એન્ડ ઓન્લી ઉપાય છે પાણીપુરી! સ્ત્રીઓ સ્વભાવે ખૂબ જ ઉદાર હોય છે અને દરેક બાબતે પોતાને છેલ્લે જ રાખી પતિને આગળ કરે છે. પરંતુ વાત પાણીપુરીની આવે તો સ્ત્રીઓ તેમાં કોઇ ઉદારતા દાખવતી નથી. ‘આજે પાણીપુરી ખાવાની ઇચ્છા નથી’ એમ કોઇ યુવતી કહે છે તો તેનો મતલબ એ જ કે તે ખરેખર ખૂબ જ અપસેટ છે.

પાણીપુરીની શોધ કોણે અને ક્યારે કરી તે અંગે વિવિધ મંતવ્યો જોવા મળી રહ્યા છે. એકસમયના મગધ એટલે કે હાલના દક્ષિણ બિહારમાં પાણીપુરીનું ‘જન્મસ્થાન’ હોવાનું મનાય છે. આ સિવાય પાણીપુરીની શોધ કરનારી ‘મહાન હસ્તિ’ કોણ હતી તેનો ઈતિહાસ જોવા મળતો નથી. પરંતુ તેનો સૌથી પહેલોવહેલો ઉલ્લેખ 19મી સદીની ઉર્દુ-હિન્દી ભાષાની ખારી બોલીની કવિતાઓમાં જોવા મળે છે. જેમ કે, ઉર્દુ કવિ અકબર ઇલાહાબાદીની એક કવિતામાં એક પંક્તિ છે કે ‘ખૂબ ચાવ સે ગોલ-ગપ્પે ખાતી હૈ, ઓર મર્દો કો ગોલ-ગોલ નચાતી હે…’ આ ઉપરાંત અંતિમ મુગલ બાદશાહ બહાદુર શાહ જફર પાણીપુરીના ખૂબ જ શોખીન હતા. 1830ની સાલમાં દિલ્હીના ચાંદની ચૌકની રામરતની કી ચૌકી પર સામાન્ય જનતા માટે પાણીપુરી સૌપ્રથમ વખત વેચાવાની શરૂ થઇ હોવાનું કહેવાય છે.

આપણે ત્યાં ગુજરાતમાં પાણીપુરી કે પકોડી નામથી જ્યારે  ઉત્તર પ્રદેશ-મધ્યપ્રદેશના કેટલાક ભાગમાં ‘બતાશા’અને ‘પાની કે બતાશે’ , પશ્ચિમ બંગાળ-આસામમાં ‘પુચકા’, ઝારખંડમાં ‘ગુપચુપ’ તરીકે ઓળખવામાં આવે છે . આપણા પાડોશી પાકિસ્તાન અને નેપાળમાં પાણીપુરી ખૂબ જ લોકપ્રિય છે. પાકિસ્તાનમાં તેને ‘ગોલગપ્પા’ જ્યારે નેપાળમાં ‘ફુલ્કી’ તરીકે ઓળખવામાં આવે છે. આપણે ત્યાં પાણીપુરી માટે જે સાત-આઠ જાતના પાણીનો ટ્રેન્ડ જોવા મળે છે તેની સૌપ્રથમ શરૂઆત લખનૌથી થઇ હતી.

ઘણા સ્વાદના શોખીનોને શરદી થઇ હોય અને પાણીપુરી ની લારીએ પહોંચી જશે. આ માટે તેમનો તર્ક એવો કે શરદીમાં ફૂદીનાનું પાણી સારું…!! ‘હું બહારનો ખુલ્લો ખોરાક ખાતી જ નથી’ તેવો દાવો કરતી મહિલાઓ પાણીપુરીની વાત આવે તો ત્યારે તેમાં ચોક્કસ કોમ્પ્રોમાઇઝ કરી લે છે. કેટલાક રહસ્ય એ રહસ્ય રહે તેની જ મજા છે અને તેમાં પાણીપુરી કેવી રીતે બને છે તેનો પણ સમાવેશ થઇ જાય છે.

આપણે ત્યાં પાણીપુરી ખાવાની  સ્પર્ધા પણ અવારનવાર યોજાય છે. થોડા વર્ષ અગાઉ રાજકોટમાં ત્રણ મિનિટમાં કોણ વધારે પાણીપુરી ખાય તેવી સ્પર્ધા યોજાઇ હતી. જેમાં એક માનુની આ પૂરેપૂરી 180 સેકન્ડમાં 41 પાણીપુરી ખાઇને વિજેતા બન્યા હતા. તીખી તમતમતી પાણીપુરી ખાધા બાદ મસાલાપુરી ખાવાની મજા જ અલગ છે. જે એક મસાલા પુરીથી ધરાય નહીં એ પાક્કો ગુજરાતી એ અહીં ઉમેરવાની જરૂર ખરી?

eછાપું

તમને ગમશે: Social Media અને સ્ત્રી સુરક્ષા અત્યારસુધી વણચર્ચાયેલો વિષય

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!