ઇતિશ્રી આયુર્વેદ પર બદનક્ષી કરે રાખતા લોકો પરનો અધ્યાય સંપૂર્ણમ!!!

11
497
Photo Courtesy: jdmagicbox.com

આમ તો આ વિષય પરત્વે ઘણું લખી શકાય એમ છે, પણ સમાજને બીજા પણ આયુર્વેદ ના પાસા બતાવવાના હોવાથી આ સીરીઝ નો આ છેલ્લો લેખ… દવાઓ, ભય અને ચળકાટ જ્યાં સમાજ પર રાજ કરે છે ત્યાં જે ચિકિત્સાને ધંધો માનતી નથી એવી પ્રણાલીને પાડી નાંખવા ચોક્કસ વિરોધના સુર ઉઠવાના…

આયુર્વેદનું પ્રયોજન છે ‘સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ અને આતુરસ્ય વિકાર પ્રશમનમ’ અર્થાત પ્રથમ સ્વસ્થ વ્યક્તિના સ્વાસ્થ્યનું રક્ષણ કરવું પછી જ રોગી ના રોગ નું શમન કરવું. પહેલા તમે સાજા વ્યક્તિઓ સાજા રહો એની જ ચિંતા હોય એનો વિરોધ જેના બ્રેડ બટર બીજા નંબરના પ્રયોજનથી ચાલતા હોય એ વિરોધ કરશે જ. પૃથ્વી પર 15-18% વનૌષધિઓ છે એમાંની માત્ર 500-700 સચવાઈ જાય તો ક્યાં સિન્થેટીક દવા ના ચક્કરમાં પડવાની જરૂર છે?

Photo Courtesy: jdmagicbox.com

આયુર્વેદ દવામાં સ્ટીરોઇડ હોય છે…

તદ્દન ખોટી અને વાહિયાત વાત. જ્યારે સામાન્ય માથાના દુઃખાવા, સંધિવાત, તાવને ખરજવા જેવામાં ચણા મમરાની જેમ સ્ટીરોઇડ વપરાય છે ત્યારે આ બુદ્ધિજીવીઓ ક્યાં જાય છે? એ સાચું છે કે કેટલાક ધૃત લોકો દવામાં સ્ટીરોઇડ મેળવે છે.પણ સાચો વૈદ્ય શું કામ મેળવે? અને સ્ટીરોઇડથી જ મટતું હોય તો કોઈ આયુર્વેદ તરફ વળેજ શા માટે?આયુર્વેદ ની ઇમ્યુનિટી વધારતી દવામાં નેચરલ સ્ટીરોઇડ અને તેનું પાચન અને શોષણ થાય તેવા કુદરતી તત્વો હોય જ છે.

એક પણ આયુર્વેદ દવામાં સ્ટીરોઇડ લેબમાં ભેળસેળમાં સાબિત થઇ નથી છતાં પણ આ વિકૃતિ જનમાનસમાં ઠસાવી દેવાઈ છે… તો રજીસ્ટર્ડ આયુર્વેદ પ્રેકટીશનરને ત્યાંથી દવા લો છો સારી કંપની ની લો છો તો સ્ટીરોઇડ ભૂલી જાવ.

આયુર્વેદ દવામાં હેવી મેટલ્સ હોય એ કીડનીને નુકસાન કરે

આયુર્વેદ માં દરેક દ્રવ્યોનું પહેલા શોધન કરવામાં આવે છે, અર્થાત તેમાં રહેલું ઝેરી તત્વ આ ખાસ ક્રિયાથી દુર થઇ જાય છે અને જીવલેણ રોગોમાં, જીર્ણ રોગોમાં જલ્દી રીઝલ્ટ લાવવા પારાની દવાઓ કે ભસ્મો વાપરવી પડે છે. જો બનાવનારમાં ભૂલ હોય તો એ ચોક્કસ નુકસાન કરે. બીજું કે ઋષીઓને આ તત્વોની આડઅસરનો ખ્યાલ હોવાથી દવા બન્યા પછી એક મારણ નામની ક્રિયા કરાય છે. એ રાસાયણિક-ભૌતિક ક્રિયા પછી એ દવા ક્યારેય શરીરની અંદર કે બહાર પોતાના મૂળ સ્વરૂપમાં પાછી ફરી શકતી જ નથી અને કયાંય નુકસાન પહોંચાડી શકતી નથી. સ્ટાન્ડઅર્ડ કંપની દરેક દવા સેફ છે એના સર્ટીફીકેટ આપે છે. એવી સ્ટાન્ડઅર્ડ દવા બિંદાસ ખાવ એ ક્યારેય લીવર કે કીડની બગાડશે નહીં પરંતુ સુધારશે. લીવર અને કીડનીની મોટા ભાગની દવાઓમાં રસ ઔષધ અને ભસ્મો હોય જ છે, તો જે સુધારે એ બગાડે ખરું?

આયુર્વેદ દવા ની સાઈડ ઈફેક્ટ ના હોય/એક્સપાયરી ડેટ ના હોય

યાર જેની ઈફેક્ટ હોય એની સાઈડ ઈફેક્ટ તો હોય જ ને. દૂધની ઝાડા થાય પણ ખરા અને બંધ પણ થાય. એકલા જાંબુ ખાઈને કોઈ મરી ગયું હોય ને પાણી પી ને દાખલ થવું પડ્યું હોવાના દાખલા છે જ. હરડે થી માંડી ચ્યવનપ્રાશ સુધી એકદમ સાદા લગતા ઔષધો જો ચોક્કસ સલાહ સૂચન ટાઈમ અને અનુપાન (દવા જેની સાથે ખવાય એ પાણી/દૂધ/મધ/ઉકાળો ) વગર આડેધડ લેવાય તો મોટી આફત આવે. ખાલી જેઠીમધની ટીકડીઓ ચૂસવાથી બીપી વધે, શરીરની તાસીર જાણ્યા વગર લીમડો પીવાથી શુક્રાણું શૂન્ય થઇ જાય, બીપીની આયુર્વેદની ગોળી લેવાથી સ્વભાવ ચીડિયો થઇ જાય, ઝાડા બંધ કરવાની ગોળી લીધી હોયને ચામડી પર ચામઠા થઇ જાય આવી સાદી દવાઓ ની અનેક સાઈડ ઈફેક્ટ છે.

અને રહી વાત એક્સપાયરી ડેટની તો કઈ દવાની કઈ એક્સપાયરી ડેટ હોય એતો આયુર્વેદ માં ખાસ વર્ણવેલું છે. સાદું ચૂર્ણ ડબ્બામાં પેક હોય તો બે મહિના અને ખુલ્લો ડબ્બો થયા પછી એક મહિનો (જો પ્રિઝર્વેટીવ નાંખ્યા ન હોયતો)

હા અમુક રસઔષધિઓ, ભસ્મો અને આસવ અરિષ્ટની દવા જેમ જૂની થાય એમ વધુ ગુણકારી બને છે પણ ભારત સરકારના નિયમ મુજબ હવે એના પર પણ એક્સપાયરી ડેટ લખાય છે. તો આવી એક્સપાયરી ડેટ વગરની દવા લેશો જ નહીં…

નાડી જોવે એજ સાચો વૈદ્ય…

સહુથી વધુ તકલીફ દાયક બદનામી આ જ છે. આજકાલ નાડીવૈદ્યોના રાફડા ફાટી નીકળ્યા છે, પણ જેને સાચી નાડી આવડતી હોય એવા તો આંગળીના વેઢે ગણાય એટલા જ વધ્યા છે. બીજું કે આયુર્વેદ માં નાડી સિવાય બીજી સાત એમ ટોટલ 8 પરીક્ષા બતાવી છે અને હાલ રોગ ની તપાસ કરવાના રીપોર્ટસ અને સાધનો ખુબ એડવાન્સ આવી ગયા હોવાથી નાડી ના ચક્કરમાં પડ્યા કરતા એનો સહારો લેવો વધુ યોગ્ય હોય છે.બીજું કે નાડી પ્રત્યક્ષ અનુભવ કરી શીખવાડે એવો ગુરુ જોઈએ એવા ગુરુ હવે રહ્યા જ નથી. માત્ર પ્રશ્ન પૂછી પ્રશ્ન પરીક્ષા થી રોગ વિષે જાણકારી મળી જાય તો બીજા ચક્કરમાં કેમ પડવું? બીજું કે લ્યો સાહેબ મારી નાડી જોઇને કહી દયો કે મને શું તકલીફ છે એ ફાયરીંગ જોઈ ગાડીના સ્પેરપાર્ટ્સ ચકાસવા જેવું છે. જુના જમાનામાં રાણીના હાથે દોરી બાંધી બીજી રૂમમાં દોરી તપાસી વૈદ્યો કહી દેતા કે રાણી એ આગલા દિવસે શું ખાધું હતું? આવી વાહિયાત વાતો ચલાવાય છે. નાડી કરતા ટેકનોલોજીને વૈદ્યો મહત્વ આપે છે. માત્ર નાડી નહીં પણ નાડી, મળ, મૂત્ર, અવાજ, જીભ, ચામડી-સ્પર્શ, આંખો, શરીરનો બાંધો વગેરે તમામ એન્ગલથી તમારા રોગની વૈદ્ય પરીક્ષા કરે એ તમારે આગ્રહ રાખવો જરૂરી છે.

આયુર્વેદ દવા મોંઘી હોય, સ્વાદ સુગંધ અરુચિકર હોય

આયુર્વેદ માં દિનપ્રતિદિન સરકારી નિયમો કડક બનતા જાય છે, સાચું રો મટીરીયલ ખુબ મોંઘુ આવે છે અને આયુર્વેદ ની ઘણી દવા બનાવવાની પદ્ધતિઓ ખર્ચાળ છે તેથી સારી-સાચી દવા ચોક્કસ મોંઘી હોવાની જ. તેની સામે અમુક નિર્દોષ ચૂર્ણો, વટીઓ ખુબ સસ્તી હોય છે. ગરીબો માટે જ આયુર્વેદ છે, કોમનમેન માટે જ આયુર્વેદ છે. વળી મોંઘુ એ જ સારું એ ખોટી વાત છે. અમુક સોનાની કે હીરાની, મોતીની દવાઓ ચોક્કસ મોંઘી હોય છે પરંતુ દરેક સારવારમાં તે જરૂરી નથી જ. શરીર અને રોગ મુજબ અમુક ચોક્કસ સ્વાદ વાળી દવાઓ જરૂરી હોય છે અને સ્વાદના ભાવે તો વૈદ્ય મધ, ઘી કે દૂધ સાથે દવા લેવાનું સૂચવે જ છે. વળી આખાય વિશ્વમાં આયુર્વેદ દવા એવી છે કે જે વિવિધ રૂપે લઇ શકાય. એકલી હરડે 20-25 રૂપે લઈ શકાય અને એને વિવિધ અનુપાનો સાથે લઈએ તો સેંકડો રીતે લઈ શકાય. બાળકોની દવાઓ પણ આયુર્વેદ માં છૂટથી વપરાય છે. ચ્યવનપ્રાશ જેવી બનાવટો વિવિધ કડવી ઔષધિઓને પણ સ્વાદિષ્ટ બનાવે છે.

આયુર્વેદ દવા એટલે ડોશીમાંનું વૈદું, આ દવા ક્રોનિક રોગો માટે હોય, ઉમરલાયક લોકો માટે હોય

આયુર્વેદ ને સહુ થી વધુ લોકભોગ્ય બનાવવામાં અને તેનો ફેલાવો કરવાની લ્હાયમાં ડોશીમાંના વૈદા અને દાદીમાંની પોટલી ના નામે ખુબ તિકડમ ચલાવાય છે. રસોડાના ઔષધો અને આ દાદીમાની પોટલીઓ આયુર્વેદ નો 0.001 મો ભાગ પણ નથી. આયુર્વેદ વિશાળ છે. બીજું કે રસોડામાં વપરાતી સુંઠ અને ઔષધમાં વપરાતી સુંઠની ક્વોલીટીમાં આભ જમીનનો ફેર હોય છે ત્યાં આવા વૈદા કે પોટલીઓના વોટ્સઅપીયા મેસેજો ચોક્કસ સમાજને નુકસાન કરે છે.

દરેક વ્યક્તિ ને એક જ દવા લાગુ પડતી નથી તો આવા અખતરા કરવા જોખમી છે.

વળી ક્રોનિક નહીં એક્યુટ રોગોમાં આયુર્વેદનું પરિણામ ખુબ ફાસ્ટ છે, એકવાર અનુભવ કરવા જેવો ખરો અને દરેક ચિકિત્સા દરેક અબાલવૃદ્ધ માટે હોય. જેમ ભક્તિ માત્ર ઘડપણ આવે ત્યારે કરવાની વસ્તુ નથી એમ આયુર્વેદમાં પણ સ્ત્રીઓના રોગો અને બાળકોના રોગો પર MD ની ડીગ્રી ઋષિ મુનીઓ વખતથી અલગ તારવેલી છે. બાળકો કુમળી તાસીરના હોય છે અને સ્ત્રીઓના રોગો પણ ખુબ સાવધાનીપૂર્વક સારવાર કરનારા હોય છે. જેથી ઘણા મોડર્ન ડોક્ટર્સ પણ બાળકો અને સ્ત્રીઓના રોગોમાં આયુર્વેદ સારવાર/દવાની ભલામણ કરે છે. બાળકો માટે આયુર્વેદ બેસ્ટ છે.

આયુર્વેદ ચિકિત્સા કોઈ પણ કરી શકે

આપની આજુ બાજુ ચોક્કસ કોઈક મોરલો હશે જ જેને તમે સુંઠના ગાંગડે ગાંધી થતો જોયો હશે. આયુર્વેદની સલાહો આપવાની ખંજવાળો નો કોઈ ઈલાજ નથી અને પાન બુટમાં પહેરવાથી ડાયાબીટીસ મટાડવાના, બીબલાના પ્યાલામાં પાણીપીવાના, ભીંડાની ચીરીના પાણી પીવાના પ્રયોગો બતાવવાવાળા પોતાને આયુર્વેદના ખેરખાં સમજે છે પણ જે સાચે સાડાપાંચ વર્ષ આયુર્વેદ ભણ્યા છે એ વિશ્વના તમામ લોકો નો એક જ સુર છે કે આયુર્વેદ સમજવા એક જન્મ પણ ટૂંકો પડે… તો ભાઈ તું ક્યાંથી વૈદ્ય થઇ ગયો?

આયુર્વેદ રજીસ્ટ્રેશન બોર્ડમાં નોંધણી કરાવ્યા વગર કોઈ જ ચિકિત્સા ન કરી શકે કે આયુર્વેદ દવાનું પ્રિસ્ક્રીપ્શન ન લખી શકે અને એવો કોઈ તંબુ કે ચંબુ તમારા ધ્યાને આવે તો તમારી જીલ્લાપંચાયતમાં બેસતા જીલ્લા આયુર્વેદ અધિકારી અને કલેકટરશ્રીને અરજી કરી આ દુષણ તમે ચોક્કસ દુર કરી શકો અને એ એક મોટી સમાજ સેવા છે. વોટ્સઅપમાં આયુર્વેદ ના મેસેજો ફોરવર્ડ કરવા કરતા અને આ પણ એક આપણી સંસ્કૃતિ બચાવવાનું સ્વચ્છતા અભિયાન જ છે ને?

જય હો… આવા ત્રણને પકડાવી તેમને બીજા ત્રણને પકડાવા કહેજો…

eછાપું 

તમને ગમશે: પોષાક એટલે તમારા વ્યક્તિત્વનો પડઘો અને તેનું પ્રતિબિંબ….

11 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here