ગુજરાતના મુખ્ય શહેરોમાં રસ્તાઓની સહનશક્તિ કરતા ત્રણગણા વાહનો ફરે છે

0
151
Photo Courtesy: indianexpress.com

“બહુ ટ્રાફિક વધી ગયો છે નહીં? તમે જો જો આવનારા ત્રણ-ચાર વર્ષમાં અમદાવાદમાં ટ્રાફિક બોમ્બે અને દિલ્હીને પણ ટક્કર આપશે.” આવું આપણે કાયમ દર સિગ્નલે અટકતી વખતે બોલતા હોઈએ છીએ. આપણી માન્યતા જ્યારે સાચી પડે ત્યારે પણ અત્યારે એક અભ્યાસ અનુસાર ગુજરાતના મુખ્ય શહેરોમાં વાહનો અહીં બનાવવામાં આવેલા રસ્તાઓની ક્ષમતા કરતા ત્રણગણા જેટલા છે. આમ ગુજરાતના અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં જે રસ્તા બનાવવામાં આવ્યા છે તે જેટલા વાહનો સહન કરી શકે છે તેના કરતા અતિશય વધારે સંખ્યામાં આપણે તેના પર વાહનો દોડાવી રહ્યા છીએ.

ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં હાલમાં જ પ્રકાશિત થયેલા રાજ્યના વાહનવ્યવહાર વિભાગના જ આંકડાનો આધાર લઈએ તો 2017માં અમદાવાદ શહેરમાં 2,813 કિલોમીટર જેટલા રસ્તાઓ સામે 43 લાખ વાહનો રજીસ્ટર થયા છે. આંતરરાષ્ટ્રીય માનકોનો આધાર લઈએ તો અમદાવાદમાં દોડતા વાહનોની સંખ્યા અવેલેબલ રસ્તાઓ કરતા 3.65 ગણી છે. સુરતમાં આ માનકના આધારે રસ્તાઓ કરતા વાહનો 3.66 ગણા, વડોદરામાં સહુથી ઓછા 3.13 ગણા અને રાજકોટમાં સહુથી વધારે 4.42 ગણા છે. વડોદરામાં પરિસ્થિતિ ભલે ચારેય મહાનગરોમાં સહુથી ઓછી હોય પરંતુ તે જરૂરિયાત કરતા અનેક ગણી તો છે જ.

હાલમાં IIM અમદાવાદ દ્વારા એક સરવે કરવામાં આવ્યો હતો. આ સરવેમાં જણાવવામાં આવ્યું છે કે આંતરરાષ્ટ્રીય માનક અનુસાર શહેરના રસ્તાઓ પર બે વાહનો વચ્ચે ઓછામાં ઓછી એક કાર જેટલું અંતર હોવું જોઈએ. જો આ પ્રકારે અંતર જાળવવામાં આવે તો શહેરોમાં અકસ્માતો થવાની શક્યતાઓ સહુથી ઓછી રહે છે. પરંતુ જ્યારે આપણે ઉપરોક્ત આંકડાઓ પર નજર નાખીએ ત્યારે ખ્યાલ આવે છે કે અમદાવાદ, સુરત, વડોદરા કે રાજકોટ ત્યાં આ માનક અનુસાર બે વાહનો વચ્ચે ખાલી જગ્યા મળવી એ માત્ર સ્વપ્ન સમાન જ છે.

ઉપરોક્ત સરવેમાં જો કે અમદાવાદ અને અન્ય શહેરોની મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં આવેલા માર્ગોનું જ અંતર માપવામાં આવ્યું હતું, જ્યારે આપણને ખ્યાલ છે કે ગુજરાતના ચારેય મહાનગરો હાલમાં આ હદને વટાવીને ઘણે દૂર સુધી વિસ્તરી ચૂક્યા છે. અમદાવાદમાં જ આવેલી CEPT યુનિવર્સીટીના એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે તેઓએ ટુ વ્હિલર્સ, થ્રી વ્હિલર્સ અને ફોર વ્હિલર્સ તેમજ સિટી પબ્લિક ટ્રાન્સપોર્ટ એમ તમામ પ્રકારના વાહનોનો અભ્યાસ કર્યો છે અને તેના પરથી ખ્યાલ આવ્યો છે કે હવે ગુજરાતના શહેરોમાં વધુને વધુ કાર ઉમેરાતી જાય છે.

CEPTના અભ્યાસમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે મોટેભાગે ગુજરાતના શહેરોના માર્ગો પર નીકળી પડતી કારમાં માત્ર એક જ વ્યક્તિ સફર કરતો હોય છે. આમ માત્ર એક વ્યક્તિ માટે ગુજરાતના મહાનગરોના માર્ગો પર હવે વધુને વધુ કાર ફરવા લાગી છે. જો કે ચારેય ગુજરાતી મહાનગરોમાં હજીપણ 75% વાહનો ટુ વ્હિલર્સ જ હોય છે તેમ એક ઓટોમોબાઇલ એક્સપર્ટે ઉમેર્યું હતું.

રસ્તાઓ પર વાહનોને ઘટાડવા માટે પબ્લિક ટ્રાન્સપોર્ટનો વપરાશ અથવાતો લોકો વધુને વધુ કાર પૂલ કરે તે ઇચ્છનીય છે, પરંતુ તેના માટે આવનારા વર્ષોનું પ્લાનિંગ અત્યારથી જ કરવું પડે. ગુજરાતના ચારેય મહાનગરોનો વિસ્તાર ધ્યાનમાં લેવામાં આવે તો મુંબઈ જેવી પબ્લિક ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા આ મહાનગરોમાં સ્થાપિત કરવી કદાચ અશક્ય છે.

eછાપું

તમને ગમશે: પિયા કા ઘર – જ્યારે ‘પિયાનું ઘર’ નાનકડું હોય ત્યારે પ્રેમ કેમ થાય ગોપાલા?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here