શેરનો ગુજરાતી અનુવાદ ‘ભાગ’ થાય. જી હા તમે જો રિલાયન્સનો શેર ધરાવતા હોવ તો રિલાયન્સમાં તમારી મુકેશ અંબાણી જોડે ભાગીદારી છે. રિલાયન્સના કેપિટલમાં મુકેશ અંબાણી અને એનું કુટુંબ 45% શેરહોલ્ડિંગ ધરાવે છે એનો અર્થ એમનો કંપનીમાં 45% ભાગ છે એમ જ થયું આમ જેનો કંપનીમાં સૌથી વધુ હિસ્સો હોય એ માલિક કે પ્રમોટર કહેવાય અને અન્ય તમામ શેરહોલ્ડર કહેવાય.
હવે જયારે 1977માં રિલાયન્સનો પબ્લિક ઇસ્યુ આવ્યો ત્યારે શેરનો ભાવ દસ રૂપિયા હતો એની ફેસ વેલ્યુ દસ હતી. જેમ જેમ કંપની પ્રગતિ કરતી ગઈ એમ એમ કંપનીના શેરનો ભાવ વધતો ગયો એટલે ટૂંકમાં સમજવું હોય તો જેમજેમ કંપની પ્રગતી કરે તો તેના શેરનો ભાવ વધે અને જો ખોટ કરે તો સ્વાભાવિકપણે તેના શેરના ભાવ ઘટે.

આજે રિલાયન્સનો ભાવ લગભગ રૂ. 950 છે એમાં કંપનીએ બોનસ પણ વચ્ચે આપ્યું હતું. હવે જેમણે રિલાયન્સના શેર જયારે પબ્લિક ઇસ્યુ 1977માં આવ્યો ત્યારથી પકડી રાખ્યા હોય તો કંપનીએ આજે એમને 15% વાર્ષિક CAGR વૃદ્ધિ એમના રોકાણ પર આપી છે. CAGR એટલે ક્યુમ્યુલેટીવ એન્યુઅલ ગ્રોથ રેટ એટલેકે ચક્રવૃદ્ધિ ગ્રોથ કે વળતર.
એટલે સારી સારી કંપનીઓના શેરમાં રોકાણ કરવામાં આવે તો તમને વાર્ષિક 12% થી 15% વળતર છૂટે જ છે જયારે બેંકમાં ફિક્સ્ડ ડીપોઝીટ પર માત્ર 6 થી 7 ટકા વ્યાજ છૂટે છે. વળી આ વ્યાજ છૂટે પરંતુ મુદ્દલ તમારી એની એ જ રહે એથી મોંઘવારી ગણાતા વળતર એથી સમય જતા ઓછું જ થાય જયારે શેરમાં મૂડી વૃદ્ધિ થતી રહે છે એથી એ મોંઘવારી સામે ટક્કર આપે છે. તમારી મૂડી પણ એટલી વધે છે શેરનો ભાવ વધે એ મુજબ આ કારણોને લીધે શેર બજારમાં રોકાણ કરવું સલાહભર્યું છે
ગયા અઠવાડિયે આપણે જોયું કે ઇક્વિટી મ્યુચ્યુઅલફંડમાં રોકાણ કઈ રીતે કરાય. એમાં આપણે જોયું કે મ્યુચ્યુઅલફંડ આપણી પાસે પૈસા લઇ શેરબજારમાં રોકે છે તો એ પણ જો 12% સુધી વળતર આપી શકતું હોય તો જો આપણે જાતે જ શેર બજારમાં રોકાણ કરીએ તો સ્વાભાવિક આપણે એના કરતા વધુ વળતર મેળવી શકીએ આમ કોઈપણ હિસાબે શેર બજારમાં રોકાણ વધુ વળતર અને મૂડી વૃદ્ધિ માટે ફાયદાકારક છે.
હા શેર બજારમાં રોકાણનું જોખમ ઘણું છે પરંતુ થોડો એનો અભ્યાસ કર્યો હોય અને સાવચેતી રાખી હોય તો જોખમ ઘટાડી શકે છે અને એ નહીવત પણ થઇ શકે. દુનિયાનો સૌથી ધનિક રોકાણકાર વોરન બફે શેરબજારમાં જ રોકાણ કરે છે ને? તો આપણે પણ કેમ ન કરી શકીએ?
શેરમાં રોકાણની એક ખાસિયત એ છે કે જયારે મ્યુચ્યુઅલફંડમાં ઓછામોછુ રૂ. 500થી રોકાણ થાય જયારે શેરમાં ઓછામાંઓછું રૂ. એકથી પણ થઇ શકે. જો કોઈ કંપનીના શેરનો ભાવ રૂ એક હોય તો આપણે એ કંપનીમાં એક શેર લઇ શકીએ. હા શેરદલાલની દલાલીને ઉમેરતા થોડા વધુ રૂપિયા જોઈએ પણ ટેકનીકલ રીતે જોઈએ તો એક રૂપિયાનું રોકાણ પણ અહીં શકય છે.
આમ દર મહીને થોડું થોડું રોકાણ શેરમાં વધારતા જવાય. વળી શેરનો ભાવ વધે એટલે વેચી નફો પણ રળી શકાય આમ શેરબજારમાં વ્યાપાર પણ શક્ય છે. પરંતુ રોકાણ વધુ વળતર આપે છે એ હકીકત છે રોકાણ એટલે લાંબાગાળાનું રોકાણ એટલેકે પાંચ વર્ષ, દસ વર્ષ એમ રોકાણ પકડી રાખવાથી વધુ વળતર છૂટે છે. પરંતુ એમાં કંપની એવી હોવી જોઈએ એથી એમાં કંપની કઈરીતે પસંદ કરવી એ કળા છે. પણ એ કઈ રોકેટ સાયન્સ નથી કે નથી એની અટપટી વિધિ બસ મોખરાની કંપનીઓ હોય, મેનેજમેન્ટ પ્રતિષ્ઠિત હોય, લેભાગુ ન હોય અને માલની માંગ બજારમાં હોય એવી કંપનીઓ ગ્રોથ કરે જ છે અને આપણને વધુ વળતર આપે જ છે.
શેરબજારમાં રોકાણ કરતા પહેલા શું સાવચેતી રાખવી એ આપણે હવે પછી જોઈશું પરંતુ એ પહેલા તમે મન મક્કમ બનાવી લો કે બસ શેરબજારમાં રોકાણ કરવું જ છે અને રોકાણ કરો જ તો જ ઉપર જણાવ્યા મુજબનું વળતર મળશે. હા શેરબજારમાં વળતર મેળવતા પહેલા એકાદ બે વાર નુકશાન કરવું પણ યોગ્ય જ છે ઘણા ખોટ ખાઈને શીખે છે અને ડર્યા વિના રોકાણ કરતા રહે છે તેઓ કમાય છે અને બાકીના એનો લાભ ગુમાવે છે.
આ કોલમમાં આપવામાં આવતી રોકાણ અંગેની સલાહો અને તેના વિચારો શ્રી નરેશ વણજારાના પોતાના છે જે મુંબઈ સ્થિત એક ઇન્વેસ્ટમેન્ટ નિષ્ણાત છે અને eછાપું અહીં આપેલી સલાહને પોતાના તરફથી કોઈ પણ પ્રકારનું અનુમોદન આપતું નથી. વધુ માહિતી માટે વાચક તેમનો સીધો સંપર્ક તેમના મોબાઈલ નંબર- 98217-28704 પર કોલ કરી અને યોગ્ય માર્ગદર્શન મેળવી શકે છે.
eછાપું
તમને ગમશે: દસમા બારમાની પરીક્ષા દરમ્યાન છોકરાઓ સાથે થતો અન્યાય