જો ભારતમાં ખેલ પર રમતો સટ્ટો કાયદેસર કરવામાં આવે તો ધનોતપનોત નીકળી જશે?

0
326
Photo Courtesy: socialpost.news

1999ની આસપાસનો એ સમય જ્યારે ક્રિકેટ મેચ ફિક્સિંગ અને સટ્ટાકાંડના બહાર આવવાથી સમગ્ર ભારત હલબલી ગયું હતું. એ સમયે કોઈ ક્રિકેટ પર પણ સટ્ટો રમતું હોય એવું માન્યામાં આવતું ન હતું અને એમાંય પોતાની bet સાચી પડે તેના માટે ખુદ ક્રિકેટરોને ખરીદી લેવામાં આવે છે એવો તો કોઈને સપનામાં પણ વિચાર નહોતો આવતો.

Photo Courtesy: socialpost.news

મેચ ફિક્સિંગનું એ ભૂત પકડાયું તો ખરું પરંતુ તેનો સંપૂર્ણ નાશ ન થઇ શક્યો અને લગભગ ત્રણેક વર્ષ પહેલા તે IPLમાં સ્પોટ ફિક્સિંગના નવા નામે આપણી સમક્ષ ફરીથી આવ્યું અને આ વખતે ખેલાડીઓ ઉપરાંત જે-તે ટીમના માલિકો પણ તેમાં ફસાયા હતા. વારંવાર મહત્વની ક્રિકેટ મેચો પર સટ્ટો રમતા લોકોની ધરપકડ તો અમસ્તી પણ થતી જ હતી અને આથીજ છેલ્લા એક દાયકામાં ભારતમાં સ્પોર્ટ્સ પર સટ્ટો કાયદેસર કરી દેવો જોઈએ એવો ગણગણાટ જોર પકડવા લાગ્યો હતો.

ગયા અઠવાડિયે લો કમિશને પહેલીવાર સરકારને એવી સલાહ આપી કે ભારતમાં પણ સ્પોર્ટ્સ પર રમાતો સટ્ટો કાયદેસર કરી નાખો. પછી તો જેમ કાયમ બને છે એમ તેના પર ચર્ચા ચાલુ થઇ અને લો કમિશનની આ સલાહના વિરોધમાં કોઇપણ પ્રકારની ટેક્નીકલ માહિતી વગર માત્ર તેની સામાજીક આડઅસરો પર વધારે ચર્ચા થઇ. આપણે ત્યાં કોઇપણ નિર્ણય હજી લેવાયો પણ ન હોય તેમ છતાં જો તે લેવાશે તો દેશની પ્રજા પર તેની કેટલીબધી ખરાબ અસર પડશે એવી કલ્પનાતીત વાતો ખૂબ થતી હોય છે અને એકવાર એ નિર્ણય લઈને તેની અસરો શું થાય છે એ જોવાને બદલે એ નિર્ણય જ ડીપ ફ્રીજરમાં મૂકી દેવામાં આવે છે.

સ્પોર્ટ્સમાં સટ્ટો કાયદેસર થાય એની હજી તો સલાહ આપવામાં આવી છે અને અત્યારથીજ એ સલાહ પર કોઇપણ પ્રકારનો નિર્ણય સરકાર ન લે તે માટેનું દબાણ અમુક તત્વો દ્વારા ઉભું કરવામાં આવી રહ્યું છે. આ લોકોની દલીલ એવી છે કે જો સટ્ટો કાયદેસર કરવામાં આવશે તો વધુને વધુ લોકો તેના તરફ આકર્ષાશે અને ભારતીય સમાજ રફેદફે થઇ જશે. એક તો આ તદ્દન વાહિયાત કલ્પના છે. ગુજરાતમાં દારૂબંધી છે એ કેટલી કારગત નીવડી છે તે આપણને હાલના કેટલાક બનાવો પરથી ખ્યાલ આવી ગયો છે.

ગાંધીજીના નામે અને સામાજીક જવાબદારીના નામે દારૂબંધી ગુજરાતમાં લગાવવામાં તો આવી પરંતુ સાંભળવા પ્રમાણે ગુજરાતમાં ચાહો ત્યારે અને ઈચ્છો એ બ્રાન્ડનો દારૂ મળતો હોય છે. તો આવી દારૂબંધીનો શો મતલબ? હા કાયદાનો થોડોઘણો ડર છે અને કદાચ એટલેજ ગુજરાત રાત્રીના સમયે અન્ય રાજ્યો કરતા સેઈફ છે એ દારૂબંધીનો કદાચ સહુથી મોટો ફાયદો ગણી શકાય. પણ શું સટ્ટો કાયદેસર કરી દેવાથી તેની દારૂબંધી કાયદેસર કરવા જેટલીજ ખરાબ અસર પડશે?

એક વખત વિચારીએ કે ભારતમાં સ્પોર્ટ્સ પર રમાતો સટ્ટો કાયદેસર કરી નાખવામાં આવ્યો તો શું આખું ભારત સટ્ટો રમવા માંડશે? શું દરેકના ઘર આ ‘બદી’ કાયદેસર થવાથી ભાંગવા લાગશે? એક નેતાજીએ તો દલીલમાં એમ પણ કહ્યું હતું કે જો સટ્ટો કાયદેસર થશે તો સહુથી મોટી તકલીફ ગરીબને થશે કારણકે તે કમાયેલા પૈસાથી સટ્ટો રમશે અને તેનાથી તેના કુટુંબને સહન કરવું પડશે. આ પ્રકારની દલીલ માત્ર ભાવનાઓથી ગ્રસિત હોય છે અને તેને કોઈજ આંકડાકીય સપોર્ટ નથી હોતો. જો આ દલીલને દારૂની બદી સાથે જોડવામાં આવે તો શું દેશનો દરેક ગરીબ દારૂ પીવે છે? આ અંગે કોઈ સત્તાવાર આંકડાઓની તપાસ થઇ છે ખરી?

સ્પોર્ટ્સ પર સટ્ટો કાયદેસર થવાથી ફાયદા ઘણા છે. સહુથી મોટો ફાયદો થશે સરકારી આવકને. સટ્ટો એટલેકે બેટીંગની સેવા આપતી કંપનીઓ પર સરકાર GST લગાવશે અને આથી તેને ટેક્સની મોટી આવક શરુ થશે. બીજું, સટ્ટો રમવો કાયદેસર હોવાથી કોણે કેટલી રકમ કઈ રીતે ક્યાં લગાવી તેનો સમગ્ર હિસાબ રાખવો જરૂરી બની જશે. આમ થવાથી મેચ ફિક્સિંગ પર મોટાભાગે કાબુ આવી જશે.

જો કે વિરોધીઓ એવી દલીલ કરી શકે છે કે ઇંગ્લેન્ડમાં સટ્ટો કાયદેસર છે તો પણ પાકિસ્તાની ખેલાડીઓએ સ્પોટ ફિક્સિંગ કર્યું જ હતું. પણ તેમને સીધોસાદો જવાબ એ છે કે એ જ ઇંગ્લેન્ડમાં એ જ ખેલાડીઓ પર કાયદેસરની કાર્યવાહી થઇ હતી અને એ ત્રણેય પાકિસ્તાની ખેલાડીઓએ ત્યાંના કાયદા અનુસાર જેલવાસ પણ ભોગવ્યો હતો, જ્યારે ભારતમાં અત્યારસુધીમાં બહાર આવેલા મેચ ફિક્સિંગ અને સ્પોટ ફિક્સિંગના મામલાઓમાં કેટલાને એ ત્રણ પાકિસ્તાનીઓ જેટલી કડક સજા થઇ છે?

કદાચ સ્પોર્ટ્સમાં સટ્ટો કાયદેસર થાય તો તેના ગેરફાયદા વધુ હશે, પણ તેના પર નિષ્ણાતો દ્વારા ચર્ચા કર્યા વગર અને સરકારનો પક્ષ જાણ્યા વગર સટ્ટાને રાક્ષસ કરાર કરી દેવો એ ક્યાંનો ન્યાય?

eછાપું

તમને ગમશે: મોદીને ગાળો આપવાની બંધ કરો એમના પરાજયનું પ્લાનિંગ શરુ કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here