બાવર્ચી – મોટા સુખની પાછળ ભાગવા કરતા નાની ખુશીઓ ભેગી કરો

0
758
Photo Courtesy: YouTube

જો હસતાંહસતાં જીવનની ફિલોસોફી સમજવી હોય અને એ સમજ્યા પછી જો તમને તમારા જીવનમાં ઓટોમેટીક ફેરફાર લાવવો હોય તો હૃષીકેશ મુખરજીની ફિલ્મો જોવી. એમની સ્મિત સાથે સંદેશો આપતી ઘણીબધી ફિલ્મોમાંથી એક હતી બાવર્ચી. રાજેશ ખન્નાના પીક સમયમાં પણ તેની પાસે રસોઈયાનો નોન-ગ્લેમરસ રોલ કરાવી શકવાની હિંમત તો ફક્ત હૃષી’દા જ દેખાડી શકે અને બાવર્ચી તેનું શ્રેષ્ઠ ઉદાહરણ હતું.

Photo Courtesy: YouTube

પરંતુ, આપણે બોલિસોફીમાં ફિલ્મોના રિવ્યુ નથી કરતા એટલે આપણે 1972નો આ રસોઈયો એટલેકે બાવર્ચી શું સંદેશ આપી જાય છે તેના વિષે જાણવાનું છે.

બાવર્ચી મુખ્યત્વે બે સંદેશ આપે છે. એક તો એ છે કે નાની ખુશીઓ જે આપણી આસપાસ જ છે તેને આપણે ઇગ્નોર કરીએ છીએ અને કોઈ મોટું સુખ આપણને આનંદ આપે એની આપણે રાહ જોતા હોઈ છે. આમ કરવા જતા પેલી નાની ખુશીઓ જે આપણને બે ઘડી તો બે ઘડી પણ જે સુખનું ટોનિક આપે છે એનાથી આપણે વંચિત રહી જઈએ છીએ. જો આ સંદેશને આપણે આજના સમયમાં જોવો હોય તો આપણે ઘણીવાર રાહ જોતા હોઈએ છીએ કે જો મને ઇન્ક્રીમેન્ટ મળશે તો પરિવાર સાથે કોઈ સારી અને મોંઘી રેસ્ટોરન્ટમાં જમવા જઈશ.

એવું નથી હોતું કે આપણે ઇન્ક્રીમેન્ટ વગર રોડ સાઈડ લારીઓ કે ફૂડ સ્ટોલનું ખાણું ખાવા નથી જઈ શકતા. અહીં મોંઘી રેસ્ટોરન્ટ્સમાં જમવા જવું એ મહાપાપ છે એવું કહેવાનો જરાય ઈરાદો નથી, પરંતુ ઇન્ક્રીમેન્ટ કે પછી વેપારી કે પ્રોફેશનલ હશો તો કોઈ મોટો નફો થવાની રાહમાંને રાહમાં આપણે કોઈ નાની હોટલ કે રોડ સાઈડ લારી પર મુકેલા બાંકડે કે પછી ખુલ્લામાં મુકેલા ટેબલ ખુરશી પર કુટુંબ સાથે ભોજન માણવાની નાનકડી ખુશી મેળવવાની તક ગુમાવી દઈએ છીએ.

બીજું, આપણે મોટાભાગે આ મોટા સુખની કામના આપણા મનમાં જ દબાવી રાખતા હોઈએ છીએ. આમ કરવાથી આપણી દાનત ખોટી નથી હોતી પરંતુ એકવાર આપણે પત્નીને કે સંતાનને પૂછવાની કોશિશ કરીએ તો કદાચ આપણને આશ્ચર્ય થાય એવા ઉત્તરો મળી શકે એમ છે. મોટેભાગે આપણા ફેમિલીને આપણી સાથે બે ઘડી વિતાવવામાં વધારે રસ હોય છે. આથી એમના માટે કોઈ એક સાંજ બધા ભેગા મળીને દોઢ-બે કલાક વિતાવી શકે એ વધારે મહત્ત્વનું હોય છે પછી તે મોંઘુ રેસ્ટોરન્ટ હોય કે પછી શહેરની ખાઉગલીની કોઈ રેકડી.

જો એકવાર આપણે આપણા પરિવારજનો સાથે આપણી મોંઘી રેસ્ટોરન્ટમાં જવાની શરતી ઈચ્છા વ્યક્ત કરીશું તો કદાચ એ લોકોજ સામે પોતાની ઈચ્છા રાખશે કે તમારું ઇન્ક્રીમેન્ટ આવશે કે તમને ધંધામાં મોટો ફાયદો થશે ત્યારે જરૂર ફાઈવ સ્ટાર હોટલમાં જમવા જઈશું, પણ શું આજે કે કાલે સાંજે શહેરની ખાઉગલીમાં મળતા મોઢામાં પાણી લાવી દેતા પ્રખ્યાત ભાજીપાઉં ખાવા ન જઈ શકાય? મુદ્દો કુટુંબ સાથે જો ક્વોલીટી ટાઈમ પસાર કરવાનો જ છે તો આ ઓપ્શન પણ ખોટો તો નથીજ ને? બસ બાવર્ચી આ જ સંદેશને ખૂબ સુંદર રીતે સ્મિત અપાવીને સમજાવે છે.

બાવર્ચી બીજો એક મહત્ત્વનો સંદેશ આપે છે કે, આપણું કામ તો આપણે કરીએ જ છીએ પરંતુ કોઈ બીજાનું કામ કરી આપવામાં જે આનંદ આવે છે તેની સરખામણી થઇ શકે તેમ નથી. જમાનો અત્યારે સેલ્ફીશ લોકોનો છે તોલારામ! સ્પર્ધા કારણ હોય કે પછી બીજું કશું, હું પહેલા આવી વૃત્તિ તમારા, મારા અને આપણા બધામાં ઘર કરી જ ગઈ છે. હું કોઈ માટે કશું કરીશ તો શું જરૂર પડે એ મારું કામ કરવાનો કે કરવાની છે? આ વિચાર આપણને લોકોની નાનકડી મદદ કરવાથી પણ રોકે છે. બહારની દુનિયા તો છોડો મોટા કુટુંબમાં પણ હવે તો એકબીજાની મદદ કરવાની ઈચ્છા ઓછી થતી જાય છે.

બાવર્ચી પેલી નાનકડી ખુશીને બીજાને મદદ કરવાની ભાવના સાથે જોડે છે. જો તમે નાની નાની ખુશીઓ મેળવતા રહેશો તો મન અને આત્મા આપોઆપ પ્રસન્ન રહેશે અને જો એમ થશે તો તમને એની મેળેજ કોઈની મદદ કરવાનું મન થશે. જો તમે જોબ કરો છો તો કલીગને આપણું પોતાનું કાર્ય પતી ગયા પછી એના કાર્યમાં મદદ કરો અને પછી જુઓ તમારી ઓફિસનો એ સાથીદાર ન કરે નારાયણ પણ તમને અડધી રાત્રે પણ તકલીફ પડશે તો ખભા સાથે ખભો મેળવીને ઉભો રહે છે કે નહીં!

ઘરમાં પણ જો બહોળું કુટુંબ હોય, અત્યારે તો જોકે એટલું વિસ્તૃત કુટુંબ નથી હોતું પરંતુ તેમ છતાં જો બે ભાઈઓ અને ભાભીઓ એકબીજા સાથે ભેગા એક જ છત નીચે રહેતા હોય તો ભાભીઓ આપસમાં કામ ભલે વહેંચી લીધું હોય પરંતુ પોતાનું કામ પત્યા પછી કે એમનેમ પણ એકબીજાની મદદ કરતી રહે તો કૌટુંબિક શાંતિ આપોઆપ જળવાઈ રહેતી હોય છે અને છેવટે ઘરમાં આનંદની છોળો ઉડતી રહેતી હોય છે.

ઉપર કહેલા બંને ઉદાહરણોમાં ક્યાંય કોઈને નાણાંકીય સહાય કરવાની વાત તો કરી જ નથી. કોઈને ફક્ત તેના કાર્યમાં થતી મદદ પણ કરશોને તો પણ એ તમારો ઉપકાર યાદ રાખશે.

બાવર્ચી ફિલ્મ આવા નાનકડા બે સંદેશ આપણને આપે છે જે આજે પણ એટલા જ પ્રસ્તુત છે અને કદાચ આજની સ્ટ્રેસફૂલ લાઈફમાં આ બંને સંદેશાઓનો અમલ કરવો વધુ જરૂરી બની ગયો છે. આ સંદેશને વધુ સમજવા માટે તમે બાવર્ચી YouTube પર પણ જોઈ શકો છો અથવાતો Amazon પરથી તેની DVD પણ મંગાવી શકો છો. જો તમારે સંદેશો ગ્રહણ નહીં કરવો હોય તો મનોરંજનની તો ગેરંટી છે જ!

રફ પેઈજ!

It is so simple to be happy… but it is so difficult to be simple!!

રાજેશ ખન્ના ઉર્ફે રઘુ ઉર્ફે બાવર્ચી

૧૦.૦૭.૨૦૧૮, મંગળવાર

અમદાવાદ

eછાપું

તમને ગમશે: આપણી ખાવાપીવાની કેટલીક એવી કુટેવો જે આપણને નુકશાન કરે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here