વિમ્બલ્ડનમાં રમવું એ કોઇપણ ટેનિસ પ્લેયર માટે સન્માન છે. એમાંય વિમ્બલ્ડનના સેન્ટર કોર્ટ પર રમવું તે તો અત્યંત સન્માનજનક વાત છે. મોટેભાગે સેન્ટર કોર્ટ અને કોર્ટ નંબર વન પર ટોચના રેન્કિંગ ધરાવતા ખેલાડીઓને રમાડવામાં આવે છે. નોવાક જોકોવિચ પણ ટોચનું રેન્કિંગ ધરાવતો ખેલાડી છે જેની આપણને જાણ છે જ.

પરંતુ, આ વખતે કઠણાઈ એવી થઇ છે કે નોવાક જોકોવિચને માત્ર એક જ મેચ સેન્ટર કોર્ટ પર રમવા મળી છે. નોવાક જોકોવિચ ત્રણ વખત વિમ્બલ્ડન ચેમ્પિયન રહી ચૂક્યો છે. તો સામે પક્ષે બે વખતના વિમ્બલ્ડન ચેમ્પિયન રફેલ નાદાલ અને વિમ્બલ્ડનના કિંગ રોજર ફેડરરે તેમની તમામ મેચો માત્રને માત્ર સેન્ટર કોર્ટ પર જ રમી છે.
નોવાક જોકોવિચ દ્વારા સેન્ટર કોર્ટ પર રમાયેલી એક માત્ર મેચ તેની પ્રી-ક્વાર્ટર ફાઈનલની મેચ હતી જે તેણે બ્રિટીશ ખેલાડી કાયલ એડમંડ સામે રમી હતી. સેન્ટર કોર્ટ પર રમવાનું સન્માન તો છે જ પરંતુ આ કોર્ટ એવું છે જ્યાં સહુથી વધુ પંદર હજાર દર્શકો મેચ જોતા હોય છે. આમ આટલા બધા દર્શકો સામે રમવાનું આવે ત્યારે ઉંચા રેન્કિંગના ખેલાડીનો ઉત્સાહ આપોઆપ વધી જતો હોય છે.
લાગતું વળગતું: વિમ્બલ્ડન વિષેની 10 રસપ્રદ હકીકતો જે તમારે જાણવી જ જોઈએ
હવે જ્યારે ક્વાર્ટર ફાઈનલ રમવાનો વખત આવી ગયો છે ત્યારે એ જાણવું જરૂરી છે કે તમામ ક્વાર્ટર ફાઈનલ મેચો સેન્ટર કોર્ટ અથવાતો કોર્ટ નંબર એક પર રમવામાં આવતી હોય છે. નોવાક જોકોવિચ પોતાની ક્વાર્ટર ફાઈનલ જાપાનના કેઈ નિશિકોરી સામે રમવાનો છે. નિશિકોરી સામે નોવાક જોકોવિચ કાયમ સફળ રહ્યો છે.
જ્યારે નોવાક જોકોવિચને પત્રકારોએ પૂછ્યું કે શું તે પોતાની નિશિકોરી સામેની ક્વાર્ટર ફાઈનલ સેન્ટર કોર્ટમાં રમી શકશે? ત્યારે જોકોવિચનો જવાબ હતો, “જોઈએ!” નોવાક જોકોવિચ આ રીતે જવાબ આપે તેનાથી કોઈને આશ્ચર્ય પણ ન થાય કારણકે આ વર્ષે તેને સેન્ટર કોર્ટ પર રમવા દેવા માટે ખરેખર અન્યાય કરવામાં આવ્યો છે.
આ વર્ષે નોવાક જોકોવિચ પોતાની બે મેચો કોર્ટ નંબર વન પર રમ્યો છે અને તેણે પોતાની બીજા રાઉન્ડની હોરાસીયો ઝેબાલોસ સામેની મેચ તો કોર્ટ નંબર ટુ પર રમ્યો હતો જેની કેપીસીટી માત્ર ચાર હજાર દર્શકોની છે.
આ ઉપરાંત નોવાક જોકોવિચ ત્રણ વખત જે-તે દિવસની છેલ્લી મેચ રમી ચૂક્યો છે જેનો મતલબ એ છે કે નોવાક જોકોવિચને બે સેટ્સ બાદ ઓછી લાઈટમાં રમવાનું આવ્યું છે. જો કે સોમવારે નોવાક જોકોવિચ સમયસર રશિયાના કરેન ખાચાનોવ સામે ત્રણ સીધા સેટમાં જીતી ગયો નહીં તો જો એ મેચ એક સેટ પણ વધુ લંબાઈ હોત તો જોકોવિચને બીજે દિવસે ફરીથી રમવા ઉતરવું પડ્યું હોત.
નોવાક જોકોવિચની એ મેચ અગાઉ એ જ કોર્ટ પર રમાયેલી ગેલ મોનફિલ્સ અને કેવિન એન્ડરસનની મેચ જો પાંચ સેટ સુધી લંબાઈ હોત તો તેની રશિયન સામેની એ મેચ એ દિવસે કેન્સલ કરવી પડી હોત. નોવાક જોકોવિચ આ અંગે કહે છે કે તેને જાણવા મળ્યું છે કે મેચો રીશેડ્યુલ નથી થઇ શકતી કારણકે દરેક કોર્ટની ટિકીટો એ પ્રમાણે અગાઉથી વેંચવામાં આવી હોય છે.
નોવાક જોકોવિચ સામે શું જાણીજોઈને આવો અન્યાય કરવામાં આવી રહ્યો છે તેની તો કોઈ પુષ્ટિ થઇ શકી નથી પરંતુ જ્યારે નોવાક જોકોવિચ કરેન ખાચાનોવ સામે રમી રહ્યો હતો ત્યારે સેન્ટર કોર્ટ પર મિક્સ્ડ ડબલ્સ મેચ રમાડવામાં આવી હતી, એટલુંજ નહીં સૂર્યાસ્ત થઇ જતા સેન્ટર કોર્ટની રૂફ બંધ કરીને લાઈટ્સ ચાલુ કરાવીને મેચ પૂરી કરવામાં આવી હતી. આ ઘટના ઘણું કહી જાય છે.
ખરેખર તો સેન્ટર કોર્ટ પર રમવાની લક્ઝરીનો હકદાર નોવાક જોકોવિચ કે પછી તેની કક્ષાના ખેલાડીઓ હોય છે નહીં કે ડબલ્સના ખેલાડીઓ.
eછાપું
તમને ગમશે: પરણેલા પુરુષ માટે પત્ની ની ઈચ્છા એજ સુપ્રિમ કોર્ટનો આદેશ