વોટ્સએપ કહે એટલે ‘પત્થર કી લકીર?’ : ફોરવર્ડ થતા મેસેજ અને ગેરમાર્ગે દોરાતો સમાજ

0
359
Photo Courtesy: YouTube

‘સોશિયલ મીડિયા’. જો આ શબ્દને એક સમાજ કે પછી અલાયદી સંસ્કૃતિ ઘોષિત કરી દેવામાં આવે તો એમાં જરાય અતિશયોક્તિ નથી. ખાસ કરીને વોટ્સએપની વાત કરું તો તમને જાણીને જરાય પણ આશ્ચર્ય નહિ થાય કે એકલા ભારતમાં વોટ્સએપ એપ્લીકેશનના અંદાજે 200 મિલિયન એટલે કે 20 કરોડ વપરાશકર્તા છે. થોડા સમય પહેલા જ જે વોટ્સએપને ફેસબૂક દ્વારા ખરીદી લેવામાં આવી એ વોટ્સએપ આજે સોશિયલ મીડિયા ક્ષેત્રે અજોડ મેસેજ એપ્લીકેશન છે.

Photo Courtesy: YouTube

ભારતની એક કંપની દ્વારા તેના જેવી જ એક હાઈક નામની એપ બનાવવામાં આવી છે. હાઈક પણ સારું એવું કાઠું કાઢી રહી છે. એના હાલમાં ઓવરઓલ લગભગ 50 મિલિયન એટલે કે પાંચ કરોડ યુઝર્સ છે. આ ઉપરાંત ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને આ બધી એપ્સથી ઈન્સ્પાયર થઈને બનાવવામાં આવેલી બીજી ઘણી નાનીમોટી એપ્લીકેશન્સ માર્કેટમાં ઉપલબ્ધ છે.

આ તમામ માધ્યમો કે એપ્સમાં એક વાત કે જે કોમન કહી શકાય તેના વિષે આજે મારે વાત કરવી છે. એ કોમન વાત છે, ‘ફેક મેસેજીસ’એટલે કે ફર્જી મેસેજીસ જેનો હકીકત સાથે ભવોભવ સુધી કોઈ જ સંબંધ ન હોય પણ તેમ છતાં ફોરવર્ડ થયે જ જાય (જો કે સુવિચારોને પણ તમે આ કેટેગરીમાં મૂકી શકો). પોતાના માનીતા દેવી દેવતાના નામે પોસ્ટ 20 કે 50 જણને મોકલવાના સમ આપતા સંદેશાઓથી માંડીને ચાલુ સરકારની નીતિઓને ખોટી રીતે વખોડી કાઢતી પોસ્ટ, કોઈ સંસ્થામાં ભરતી અંગેની નકલી પોસ્ટ અને ઘણીવાર વ્યવસ્થિત મોર્ફ કરેલા ફોટોઝમાં જીવતેજીવત સેલીબ્રીટીઝને મારી નાખતા મેસેજીસ!

ઉફ્ફ! આને વોટ્સએપનો કેટલો વાહિયાત કક્ષાનો ઉપયોગ કહી શકાય એ તમે જ નક્કી કરો. ઘણી વાર આવા કોઈપણ જાતની ખરાઈ કર્યા વગર આડેધડ ફોરવર્ડ કરેલા મેસેજીસ આફતો નોંતરી દેતા હોય છે. જેનો એક કિસ્સો થોડા સમય પહેલા વડોદરાના ચીકુવાડી વિસ્તારમાં જોવા મળ્યો.

લાગતું વળગતું: ફેક ન્યૂઝનો સામનો કરવા WhatsAppનું નવું ફીચર કેટલું કારગત નીવડશે?

વાત જાણે એમ હતી કે રિલાયન્સ કંપનીમાં ઘણી બધી વેકેન્સી માટે વડોદરાના ચીકુવાડીની રોયલ ઓર્ચિડ હોટેલ ખાતે ઈન્ટરવ્યુ થવાના છે એવો નકલી મેસેજ ક્યાંકથી ફોરવર્ડ કરવામાં આવ્યો. હવે આ મેસેજની ખરાઈ કર્યા વગર જ લોકોએ આડેધડ એને લાગતાવળગતા મિત્રોને અને સગાસંબંધીઓને મોકલાવ્યો. બન્યું એવું કે મેસેજમાં કથિત દિવસે રોયલ ઓર્ચિડ હોટેલ આગળ સવારથી અચાનક ઉમેદવારોની મેદની ઉમટી પડી.

મેનેજર અને હોટેલ સ્ટાફને તો આ વાતનો ખ્યાલ જ નહતો કે આવું કશું થયું છે! થોડી વાર પછી ભીડ બેકાબુ બનતા હોટેલ માલિકે પોલીસનો સહારો લેવો પડ્યો અને જાહેર થયું કે આવું કોઈ જ ઈન્ટરવ્યુ અહી થવાનું નથી.

હવે જે લોકો બરોડાના જ હશે એ તો ફટાફટ પોતાના કામધંધે લાગી ગયા હશે પણ એમાં ઘણા ઉમેદવારો છેક ભાવનગર અને કચ્છથી આવેલા, એમનું શું? એમનું તો વગર કામનું જ આવવા જવાનું ભાડું અને સમય વેડફાયા ને? અને એ લોકો હેરાન થયા એ અલગથી. આ તો થઇ માત્ર વડોદરા સુધી આવવાની વાત! લોકોના છેક પુણે અને મુંબઈ સુધી ગયાના દાખલા છે.

તો આવા કિસ્સા કેમ બનતા હોય છે ક્યારેય વિચાર કર્યો છે? એટલા માટે કે લોકો સત્યાર્થતા ચકાસતા નથી. એટલી અવેરનેસ નથી કે કોઈપણ મેસેજને ફોરવર્ડ કરતા પહેલા કે પછી કોઈ પોસ્ટને ફેસબુક પર શેર કરતા પહેલા એ પોસ્ટ સાચી જ છે કે કેમ એની ચકાસણી કરવી જોઈએ.

સૌથી પહેલા ઈન્ટરવ્યુ અને નોકરી રીલેટેડ જેટલા પણ મેસેજીસ આવે છે એ કંપની ઓથોરીટીને ફોન કરીને તપાસ કરી લેવી જોઈએ કે આવું કશું છે કે નહિ. જો ન હોય તો તમને જેણે પણ મેસેજ મોકલ્યો હોય તેને પણ જણાવવું જોઈએ જેથી કમસેકમ ત્યાંથી તો ચેઈન સ્ટોપ થશે.

પછી આવે છે માતાજી અને દેવી દેવતાના મેસેજીસ! “તમે આ મેસેજ 10 જણને મોકલો નહિ તો તમારા ઘરે અશુભ થશે” વગેરે જેવા વાહિયાત સ્ટેટમેન્ટ ધરાવતા મેસેજીસને અંધશ્રદ્ધામાં માનતા લોકો ફોરવર્ડ કરી પણ દે છે. તો એવા લોકોને ખાસ જણાવવાનું કે આમ કોઈ મેસેજ ફોરવર્ડ કરીને બધું શુભ થઇ જતું હોત તો વોટ્સએપ આવ્યા પહેલા જે બધું શુભ કે અશુભ થયું એનું શું?

મુદ્દો એ છે કે જો મેસેજનો સેન્ડર એટલે કે મોકલનાર વ્યક્તિ જ જો પોતાની આંખો ખુલ્લી રાખે તો આ બધી ઘટનાઓ ટાળી શકાય. એક વાર ખોટા મેસેજનો ભોગ બન્યા પછી એક ગેરફાયદો એ પણ થાય કે કદાચ ક્યારેક સાચો કે ઓથેન્ટિક મેસેજ આવે ત્યારે પણ “વાઘ આવ્યો”વાળી વાર્તા જેવું થાય.

તો આવા મેસેજીસથી બચવા માટે શું કરવું જોઈએ તેની મારા મત મુજબ ગાઈડલાઈન્સ છે તે કંઈક આવી છે :

(1) કોઈપણ એવો મેસેજ જેમાં કોઈ લિંક પર ક્લિક કરવાનું કહેવામાં આવ્યું હોય એ મેસેજ મોટાભાગે આવી રીતે ફર્જી જ હોય છે. શક્ય હોય અને ઓથેન્ટિક સોર્સ તરફથી ન લાગે તો અવોઇડ કરવો.

(2) તમારો એવો કોઈ કોન્ટેક્ટ જે ઘણી વાર તમને આવા ફેક અને ફોર્વર્ડેડ મેસેજીસ મોકલાવતો હોય તેને બ્લોક કરી દેવો હિતાવહ છે. જો બ્લોક થાય તેમ ન હોય તો ચોખ્ખા શબ્દોમાં આવા મેસેજીસ ન મોકલવા કહી દેવું જોઈએ.

(3) કોઈપણ મેસેજને ફોરવર્ડ કરતા પહેલા એના કીવર્ડ્સ (એટલે કે મેસેજમાં આવતા અગત્યના શબ્દો)ના આધારે એની સત્યાર્થતા ચકાસ્યા બાદ યોગ્ય લાગે તો જરૂરીયાત હોય એટલા જ લોકોને એ મેસેજ ફોરવર્ડ કરો.

(4) જે મેસેજીસમાં લાંબુ લચક લખાણ હોય, જોડણી અને ગ્રામરની વધુ પડતી ભૂલો હોય કે પછી કોઈના પ્રત્યે દ્વેષ પ્રગટ કરવાના આશય સાથે લખાયો હોય તો આવા મેસેજીસ આવતાની સાથે જ ડીલીટ કરી દો અને આગળ ફોરવર્ડ ન કરો.

(5) ‘વોટ્સએપનું ગોલ્ડ વર્ઝન’ કે નવું ફીચર વગેરેના મેસેજીસ અવારનવાર આવતા હોય છે. તો એક વાત ધ્યાન રાખવી કે વોટ્સએપ માત્ર અને માત્ર ગુગલના પ્લેસ્ટોર પરથી જ અપડેટ થઇ શકે છે. એટલે એવા મેસેજીસથી ભરમાવું નહિ. એ કદાચ તમારા ડેટા બ્રીચ કરવા માટેનો પેંતરો હોઈ શકે છે.

(6) ખાસ કરીને ‘સ્પીન વ્હીલ’ ફેરવીને જે આઈફોન જીતાડવા માટે દસ લોકોને શેર કરવાના મેસેજ છે એનાથી ચેતવું. એવું કશું હોતું નથી. આજના જમાનામાં પાણીનો પાઉચ પણ બે રૂપિયા આપ્યા વગર નથી મળતો તો મફતમાં લાખ રૂપિયાનો આઈફોન એક્સ આપે એવા દાનવીરો પાકવાનો સવાલ જ નથી.

(7) નોકરી અને કંપનીમાં વેકેન્સીવાળા મેસેજીસ આવે છે એના પરત્વે ખાસ ધ્યાન રાખવા જેવું છે. કારણ કે બેરોજગારીની સમસ્યાના લીધે ઘણાબધા ઉમેદવારો બિચારા ખાતરી કર્યા વગર તમારા જ ભરોસે જગ્યાએ ઉપડી જતા હોય છે. માટે પહેલા ખાતરી કરીને પછી જો ઓથેન્ટિક હોય તો જ આવા મેસેજીસ ફોરવર્ડ કરવા.

(8) છેલ્લી અને સૌથી અગત્યની વાત. જો તમને કોઈ સોર્સ તરફથી મળતી માહિતી ખરેખર ઓફેન્સીવ લાગે તો એ માહિતીના મેસેજનો સ્ક્રીનશોટ લઈને તમે વોટ્સએપના “HELP” સેક્શનમાં અપલોડ કરીને વોટ્સએપની ઓફીસને જાણ કરી શકો છો.

કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે મફતમાં વોટ્સએપ મળે છે એટલે નવરાશના સમયમાં જે આવ્યું તે ફોરવર્ડ કરી દેવું એવી ભાવના રાખવી નહિ. ખાસ કરીને કર્ફ્યું અને તોફાનના સંજોગોમાં તો ખાસ. વોટ્સએપ આપણી સગવડ માટે છે, નહિ કે આપણા ટાઈમપાસથી કોઈને અગવડમાં મુકવા માટે.

આચમન : “‘માર્કેટમાં નવું છે’ એવું કહીને જેટલા પણ મેસેજ ફોરવર્ડ થાય છે એ તમારી હોશિયારી નહિ, પણ તમારી અણઘડતા પ્રદર્શિત કરે છે”

eછાપું

તમને ગમશે: “સમોવડીયા સમાજ” ની સાચી સમજથી સજ્જ થશે જ્યારે તમારું ઘર…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here