ગુજરાતની સ્કૂલોમાં ફી નક્કી થાય તો શિક્ષણના સ્તરની ચર્ચા થાય

0
247
Photo Courtesy: indianexpress.com

છેલ્લા લગભગ દોઢેક વર્ષથી ગુજરાતના વાલીઓ અને સુગ્રીવો, સોરી! ગુજરાતી બાળકોના અવિભાવકો અને શાળા સંચાલકો વચ્ચે વાર્ષિક ફી કેટલી રાખવી તે અંગે ગજગ્રાહ ચાલે છે. શરૂઆતમાં ઘરમેળે પતાવી શકાતા આ ઈશ્યુનો કોઈ ઉકેલ ન આવ્યો તો વાત છેક સુપ્રિમ કોર્ટ સુધી પહોંચી ગઈ અને હવે ત્યાં તારીખ પે તારીખ પડી રહી છે.

Photo Courtesy: indianexpress.com

સુપ્રિમ કોર્ટે પણ વાલીઓ તરફી વલણ અપનાવ્યું હોય એવું તો અત્યારે લાગી રહ્યું છે. પરંતુ દોઢ વર્ષથી ચાલી રહેલી આ લડાઈમાં ચર્ચાનો જે મુખ્ય મુદ્દો હોવો જોઈએ કે ગુજરાતના શિક્ષણનું સ્તર જે દેશના બાકીના અથવાતો ટોચના રાજ્યોના શિક્ષણના સ્તર સાથે મેળ ખાવું જોઈએ એ કેમ નથી તે કોરાણે મૂકી દેવામાં આવ્યો છે.

મૂળ લડાઈ શાળાઓએ કેટલી ફી લેવી જોઈએ તે છે. મારા નસીબજોગે મારો સુપુત્ર હાલમાં જે શાળામાં ભણે છે ત્યાં ફી નું સ્તર અત્યંત યોગ્ય કહી શકાય તેટલું છે અને દર વર્ષે તેમાં નહીવત કહી શકાય તેટલો વધારો થાય છે.

લાગતું વળગતું: વિદ્યાર્થીઓ : વાલી, શાળા અને સરકારની સંયુક્ત જવાબદારી

પરંતુ ગયા વર્ષે સુરતમાં ગાળેલા દોઢ મહિના દરમ્યાન શાળાઓ ઈતર પ્રવૃત્તિ તેમજ કન્વેયન્સના નામે કેવી કેવી અને કેટલી કેટલી ગંજાવર ફી ઉઘરાવે છે અથવાતો ઉઘરાવી શકે છે એનો આછો ચિતાર જરૂરથી મળી ગયો હતો અને સાચું કહું તો ફી ના એ આંકડાઓ વાંચીને શરીરમાંથી હળવું લખલખું પસાર થઇ ગયું હતું.

બાળકો માટે ઈતર પ્રવૃત્તિઓ જરૂરી છે જ એમાં ના નહીં કારણકે આપણે વાલીઓ 3 ઈડિયટ્સ જેવી ફિલ્મો જોઇને બળાપો કાઢતા હોઈએ છીએ કે આપણા શાળામાં બાળકોને માત્ર પુસ્તકિયું જ્ઞાન જ આપવામાં આવે છે. પણ તેનો મતલબ એવો નથી કે શાળાઓ જોર જબરદસ્તીથી એવી ઈતર પ્રવૃત્તિ કરાવે જેમાં બાળકને એક ટકો પણ રસ ન હોય.

ગુજરાતમાં હાલમાં મોટાભાગની શાળાઓમાં આ ચાલી રહ્યું છે. સ્કેટિંગ, સ્વિમિંગ કે પછી ઘોડેસવારી બધા બાળકોને એક્સાઈટ કરી શકે છે પરંતુ એમને તેમાં કાયમી રસ જાગશે જ એની ગેરંટી આપી શકાતી નથી. તો પણ આ શાળાઓ આ પ્રકારની ઈતર પ્રવૃત્તિ બાળકને રસ પડે કે ન પડે તો પણ માત્ર તેની ફી ઉઘરાવવાના બહાને વાલીઓને તે માથે મારે છે.

શાળા સંચાલકોની એ દલીલ કદાચ સ્વીકાર્ય હોઈ શકે કે જો તમારે શાળામાં બાળકોને AC કે અન્ય મોડર્ન સુવિધાઓ મળે એવી અપેક્ષા હોય તો જરૂરિયાત કરતા સહેજ વધુ ફી આપવામાં તમને વાંધો ન હોવો જોઈએ.

કદાચ વાલીઓને તેનો વાંધો છે પણ નહીં, વાંધો બિનજરૂરી પ્રવૃત્તિઓ માટે લેવાતી ઈતર ફી અંગે જ છે. ખરેખર તો જેમ આગળ કહ્યું તેમ ઘરમેળે આ મુદ્દો ઉકેલી શકાયો હોત જો વાત આટલી જ હતી તો, પણ પહેલા સરકાર અને હવે છેક સર્વોચ્ચ ન્યાયાલય સુધી આ વાત પહોંચી છે અને લંબાઈ રહી છે.

મારા નાનપણથી હું જોતો અને સાંભળતો આવ્યો છું કે રાષ્ટ્ર કક્ષાની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગુજરાતી બાળકો, મરાઠી, રાજસ્થાની કે પછી ઉત્તર ભારતના કેટલાક રાજ્યોના બાળકો કરતા ઘણા પાછળ રહી જાય છે.

હાલમાં ખુદની ટેલેન્ટને લીધે ઘણા ગુજરાતી બાળકોને આ મુદ્દે પણ કાઠું કાઢ્યું છે પરંતુ એ રાજ્યોમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરવા માટેનું એક ખાસ વાતાવરણ છેક સ્કુલથી ઉભું કરવામાં આવે છે અને તેના માટે બાળકોને તૈયાર પણ કરવામાં આવે છે, તે ગુજરાતમાં હજી સુધી જોવા મળ્યું નથી.

કદાચ ગુજરાતી વિદ્યાર્થીઓને થોડી પણ તકલીફ ન પડે અને રાજ્યના બોર્ડની પરીક્ષાઓના પરિણામની ટકાવારી સતત ઉંચી રહે તેથી અઘરું પરંતુ સરવાળે ભવિષ્યમાં સફળતાના દ્વાર ખોલી નાખતા ભણતરથી આપણી અત્યારસુધીની સરકારો ડરી રહી છે.

મૂળ ચર્ચા આના પર થવી જોઈતી હતી પરંતુ આપણે હજી સુધી ફી ના ચક્રવ્યૂહમાં ફસાયેલા છીએ અને ગુજરાતના બાળકોનું ભવિષ્ય ફી ના આ જ ચકરાવામાં બીજા બે વર્ષ મોડું જાગશે એવું અત્યારેતો લાગી રહ્યું છે.

eછાપું

તમને ગમશે: વકીલો વિષે આપણા સમાજમાં ઘણી ગેરમાન્યતાઓ પ્રવર્તે છે: અનિલ કેલ્લા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here