વર્લ્ડકપ ફાઇનલ અને ફ્રાન્સ: ઝીદાન ની એક ઢીંક જયારે ફ્રાન્સને ભારે પડી ગઈ

1
331
ઝીદાન (સફેદ જર્સી) એ ઇટાલિયન ડિફેન્ડર માતેરાતઝી (બ્લ્યુ જર્સી) ને મારેલી ઢીંક -courtesy: usatftw.files.wordpress.com

ફાઈનલી વર્લ્ડકપ પૂરો થઇ ગયો છે. એક તરફ ક્રોએશિયા આ વર્લ્ડકપના ખરા અંડરડોગ તરીકે આશ્ચર્ય સર્જીને છેક ફાઇનલ સુધી પહોંચી ગયું છે, સામે બીજી તરફ ફ્રાન્સ પણ એક મજબૂત ટીમની જેમ યુરોકપ પછી સળંગ બીજી ફાઇનલમાં પહોંચ્યું હતું. ફ્રાન્સની આ 2006ના વર્લ્ડકપ પછીની આ પહેલી ફાઇનલ છે. અને કદાચ 1998 પછી ફ્રાન્સને પહેલીવાર ચેમ્પિયન બનવાની તક ઉભી થઇ હતી. જો 2006 માં ફ્રેન્ચ કેપ્ટન ઝીનેડિન ઝીદાન એ માર્કો માતેરાત્ઝી ને ઢીંક ન મારી હોત  તો કદાચ 2006નું ચેમ્પિયન પણ ફ્રાન્સ જ હોત, પણ એક્સ્ટ્રા ટાઈમમાં થયેલી આ ઘટના ઝીદાન અને ફ્રાન્સને ભારે પડી ગઈ.

 

ઝીદાન (અને ફ્રાન્સ) અને વર્લ્ડકપ વચ્ચે આટલું જ છેટું રહી ગયું હતું courtesy: juanpabloramirezmx.wordpress.com

ઝીનેડિન ઝીદાન મહાનતમ ફૂટબોલરો માંથી એક છે. મેદાન પર એની ઇન્ટેલિજન્સ, પારખી નજર, બોલ પરનો કંટ્રોલ અને એની ટેક્નિકના લીધે ઘણા ફૂટબોલરો અને સામાન્ય લોકો ઝીદાનના ફેન બની ગયા હતા, અને ઘણા ફ્રેન્ચ યુવાનો એને એક આદર્શ તરીકે જોઈ રહ્યા હતા. 1998ના ઘર આંગણે યોજાયેલા વર્લ્ડકપમાં શરૂઆતમાં ઝીદાનનું પરફોર્મન્સ થોડું નિરાશાજનક રહ્યું હતું. પણ ફેવરિટ બ્રાઝિલ સામે પેરિસમાં યોજાયેલી ફાઇનલમાં કપ્તાન દીદીએ ડીશોમ્પ્સ (જે અત્યારે ફ્રાન્સના કોચ છે) ની આગેવાની હેઠળ રમતું ફ્રાન્સ 3-0 થી જીતી ગયું હતું અને એ ત્રણ ગોલમાંથી બે ગોલ  કરીને ઝીદાને સહુના દિલ જીતી લીધા હતા. અને એ પછી યુરોકપ 2000માં ફ્રાન્સની જીત પાછળ ઝીદાનનો પણ ફાળો હતો.પણ 2002ના વર્લ્ડકપમાં થયેલી ઇજા અને 2004ના યુરોકપમાં ફ્રાન્સની ક્વાર્ટરફાઇનલમાં થયેલી એક્ઝિટ પછી ઝીદાને આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી.

2006ના વર્લ્ડકપમાં ફ્રેન્ચ જનતા અને ફ્રેન્ચ કોચની વિનંતી ને માન આપીને ઝીદાને નિવૃત્તિ પાછી ખેંચી હતી. અને એ સમયે ક્વોલીફાયિંગ ગ્રુપમાં ચોથા નંબરે રહેલું ફ્રાન્સ ઝીદાન, મેકેલેલે અને થુરામ જેવા સિનિયરોની મદદથી આસાનીથી ક્વોલિફાય થઇ ગયું હતું. ગ્રુપ સ્ટેજમાં ધીમી શરૂઆત પછી નોકઆઉટ સ્ટેજ માં ઝીદાન ની મદદથી ફ્રાન્સ મક્કમ રીતે આગળ વધી રહ્યું હતું. રાઉન્ડ ઓફ 16 માં એક ગોલ અને એક આસિસ્ટ, ક્વાર્ટર  ફાઇનલમાં મેન ઓફ ધ મેચ પરફોર્મન્સ અને સેમિફાઇનલ માં ફ્રાન્સ તરફથી એક માત્ર વિનિંગ ગોલ મારવાના લીધે ઝીદાને લોકોના દિલ જીતી લીધા હતા. અને ફ્રાન્સ ઇટાલી સામે ફાઇનલમાં આવી ગયું હતું. અને પહેલેથી જાહેર કર્યા પ્રમાણે ઝીદાનની આ છેલ્લી ઇન્ટરનેશનલ મેચ હતી.

આ વાર્તાના બે મુખ્ય પાત્રો ઝીનેડિન ઝીદાન અને માર્કો માતેરાત્ઝી બંને આખી મેચમાં છવાયેલા રહ્યા, સાતમી મિનિટે ઈટાલીના પેનલ્ટી બોક્સ માં કરેલા ફાઉલના લીધે ફ્રાન્સને પેનલ્ટી મળી જે ઝીદાને બહુ સરસ રીતે ગોલ માં બદલી નાખી, જે તમે ઉપર આપેલા વિડીયોમાં જોઈ શકશો. ફ્રાન્સ આ ગોલનો ફાયદો ઉઠાવી શકે એ પહેલા 19મી મિનિટે આન્દ્રે પીરલોના કોર્નર શોટને માર્કો માતેરાત્ઝી એ ગોલમાં બદલી ઈટાલીને ફરીવાર મેચમાં લાવી દીધું. અને આ સ્કોર મેચની આખરી મિનિટો સુધી રહ્યો.

એક્સ્ટ્રા ટાઈમને દસ મિનિટની વાર હતી ત્યારે મેચની 110મી મિનિટ માં બે ઘટનાઓ થઇ, ફ્રેન્ચ સ્ટ્રાઈકર ફ્રેન્ક રીબરી ને બદલે ડેવિડ ટ્રેગઝુએટ ને મેચમાં લાવવામાં આવ્યો (જે ફ્રાન્સને એક રીતે ભારે પાડવાનું હતું). અને બીજી તરફ માતેરાત્ઝી અને ઝીદાન વચ્ચે ઘર્ષણની શરૂઆત થઇ ગઈ હતી.

લાગતું વળગતું: ધ ડીસ્ગ્રેસ ઓફ ગીહોન: ફૂટબોલના વર્લ્ડકપનાં ઇતિહાસની સહુથી શરમજનક મેચ

જયારે માતેરાત્ઝી ઝીદાનનો શર્ટ ખેંચી રહ્યો હતો, અને ઝીદાન એને અવોઇડ કરવાની કોશિશ કરી રહ્યો હતો. માતેરાત્ઝી અને ઝીદાન વચ્ચે કંઈક વાતો થઇ રહી હોવાનું મેચના ટેલિકાસ્ટ પરથી લાગી રહ્યું હતું. અને અચાનક ઝીદાન પાછળ વાળ્યો અને માતેરાત્ઝી ને એક જોરદાર ઢીંક મારી દીધી. આ જયારે થયું ત્યારે મુખ્ય ટેલિકાસ્ટ કેમેરા અને રેફરી નું ફોકસ કૈક બીજી જ જગ્યા એ હતું, આ ઢીંક પછી માતેરાત્ઝી મેદાન પાર દર્દથી આળોટવા લાગ્યો અને મેચ ને કામચલાઉ અટકાવી દેવામાં આવી. મુખ્ય રેફરીને કઈ ખબર ન હતી. આસિસ્ટન્ટ રેફરી દ્વારા ધ્યાન દોર્યા પછી મુખ્ય રેફરીને ઘટનાનો ખ્યાલ આવ્યો અને ઝીદાનને રેડ કાર્ડ આપી દીધું. આ મેચ છેલ્લે પેનલ્ટી શૂટ સુધી ગઈ. અને પેનલ્ટી શૂટ આઉટમાં ઇટાલી 5-3 થી જીત્યું. ફ્રાન્સ તરફથી ડેવિડ ટ્રેગઝુએટ સિવાય બધાએ પેનલ્ટી કિક ને ગોલ માં બદલાવી હતી. એ વખતે ફાઇનલ જોવા વાળા દરેકનું એવું માનવું હતું કે ટ્રેગઝુએટ નો પેનલ્ટી ગોલ થયો હોત કે ઝીદાન મેચ માં રહ્યો હોત તો પરિણામ કંઈક  અલગજ હોત.

ફૂટબોલમાં શાંત મગજ એ સારા મિડફિલ્ડરની નિશાની છે. એક તરફ રમતને સમજવી અને પોતાની સ્કિલ થી જયારે સાવ અણધારી પરિસ્થિતિઓ માંથી મેચને પોતાની તરફ ખેંચવા માટે એક સારા મિડફિલ્ડરને શાંત મગજથી રમવું જરૂરી છે. ઝીદાન પણ ઘણા ખરા અંશે શાંત ખેલાડી હતો. પણ અલ્જીરિયન ઇમિગ્રન્ટ માતા પિતાનું ફ્રેન્ચ સંતાન હોવાને લીધે અને અત્યંત ગરીબ પરિસ્થિતિમાં ઉછરેલો હોવાને લીધે ઝીદાન એક લડાયક મિજાજ ધરાવતો ખેલાડી હતો. અને એની ફૂટબોલ કરિયરના શરૂઆત ના સમયથી એ દેખાઈ રહ્યું હતું કે ઝીદાન ને ઉશ્કેરવો બહુ આસાન છે. વખતો વખત ઝીદાનને ચાલુ મેચે કે પ્રેક્ટિસ દરમ્યાન પોતાના માં-બાપ અને પોતાના અલ્જીરિયન મૂળ માટે ઉશ્કેરવામાં આવતો, અને વખતો વખત ઝીદાને એનો એની રીતે ફૂટબોલ ની સ્કિલ થી કે ક્યારેક થોડી હિંસક રીતે જવાબ આપ્યો છે. 2006 પહેલા પણ એકાદ બે વાર ઝીદાને આ રીતે ઢીંક મારી પોતાનો જવાબ આપ્યો હતો.

અહીંયા પણ કંઈક એવું જ થયું હતું. માર્કો માતેરાત્ઝી એ ઝીદાનને એના પરિવાર અને એની બહેન માટે ચાલુ મેચે ન કહેવાના શબ્દો કીધા હતા. ઝીદાન આવા શબ્દો સહન કરી લે એમ ન હતો અને એણે માતેરાત્ઝીને એક ઢીંક (Headbutt) મારી દીધી. માતેરાત્ઝીને આ ઉશ્કેરણી બદલ બે મેચના પ્રતિબંધની સજા સંભળાવી. ઝીદાનને ત્રણ મેચની સજા મળી હતી, પણ એ ઓલરેડી નિવૃત્ત થઇ ગયો હોવાને લીધે એણે ત્રણ દિવસ સામાજિક સેવાઓ કરીને પોતાનો પ્રતિબંધ પાળ્યો.

માતેરાત્ઝી આના પછી ઇટાલી માટે બે વર્ષ સુધી રમ્યો. અને ક્લબ ઇન્ટર મિલાન માટે 2001 થી 2011 સુધી રમ્યા પછી 2014માં આપણી ઇન્ડિયન સુપર લીગ ની ચેન્નઇયિન ફૂટબોલ ક્લબના પ્લેયર અને મેનેજર તરીકે 2014-2016 સુધી રમ્યો. અને ફૂટબોલ માંથી લગભગ ભુલાઈ ગયો. જયારે આ તરફ ઝીદાન ચાર વર્ષ પછી પોતે જ્યાંથી પોતાની કરિયર પુરી કરી એ ક્લબ રિયાલ મેડ્રિડ માટે સલાહકાર બન્યો અને ચાર વર્ષ પહેલા મેડ્રિડ ની જુનિયર ટીમનાં  કોચ બનીને પોતાની મેનેજર તરીકેની કરિયર ની શરૂઆત કરી. બે વર્ષ પછી રિયાલ મેડ્રિડની સિનિયર ટીમના મેનેજર તરીકે એની નિમણુંક થઇ ત્યારે મેડ્રિડ ની હાલત ખરાબ હતી, એવા સંજોગોમાં એ જ વર્ષે અને એના પછીના બે વર્ષ સુધી સતત એમ ત્રણ ચેમ્પિયન્સ લીગ, એક લીગ, બે યુરોપિયન સુપરકપ, બે ક્લ્બ વર્લ્ડકપ અને એક સ્પેનિશ સુપરકપ એમ 9 ટ્રોફી જીતીને રિયાલ મેડ્રિડના છેલ્લા દસ વર્ષોના સહુથી સફળ મેનેજર તરીકે સ્થાન મેળવ્યું હતું, અને આ વર્ષે સતત ત્રીજી ચેમ્પિયન્સ લીગ જીતીને મેડ્રિડ માંથી નીકળ્યો ત્યારે એક મેનેજર તરીકે પણ વિશ્વના સન્માનને પાત્ર બન્યો હતો.

આ લખાઈ રહ્યું છે ત્યારે ફ્રાન્સ 2006ની વર્લ્ડકપ ફાઇનલ અને 2016ની યુરોકપ ની હાર માંથી ઉગરીને વર્લ્ડચેમ્પિયન બની ગયું છે. વર્લ્ડ ચેપમિયાન ફ્રાન્સને અભિનંદન અને ઝીદાન ની મેનેજર તરીકે ભવિષ્યની ખુબ શુભકામનાઓ.

ફૂટબોલ વર્લ્ડકપની પુર્ણાહુતી સાથે ફૂટબોલ સ્ટોરીઝ પણ અહીં એક બ્રેક લે છે, ઓગસ્ટની શરૂઆતથી જયારે ક્લબ ફૂટબોલ શરુ થશે ત્યારે વખતો વખત નવી નવી ફૂટબોલ સ્ટોરીઝ સામે આવતી રહેશે, ત્યાં સુધી

મે ધ ફોર્સ બી વિથ યુ…..

eછાપું 

તમને ગમશે: જ્યારે સાહિરે પોતાની માતા ને અમૃતા પ્રીતમ વિષે કહ્યું કે…

1 COMMENT

  1. તલસ્પર્શી છણાવટ અને ખુબજ રસપ્રદ અહેવાલ. એ સમયના દ્રશ્યો તાજા થઇ ગયા!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here