સારું થયું કે ક્રોએશિયા હારી ગયું નહીં તો અમદાવાદને શરમાવું પડત

0
519
Photo Courtesy: swedishnomad.com

વિચારવા લાગ્યાને કે ક્રોએશિયા અને અમદાવાદને શું સંબંધ? અરે ભાઈ સીધેસીધો સંબંધ છે. જ્યારથી ક્રોએશિયાએ બે દિવસ પહેલા પૂર્ણ થયેલા FIFA World Cup 2018માં સેમીફાઈનલ અને ફાઈનલ સુધીની સફર ખેડી છે ત્યારથી રોજ અમદાવાદને સાંભળવાનું આવ્યું છે.

હજી ન સમજાયું? ચાલો સમજાવું. અમદાવાદ તો ફક્ત એક ઉદાહરણ છે પરંતુ જ્યારથી ક્રોએશિયન ફૂટબોલ ટીમે વર્લ્ડ કપ ફૂટબોલમાં આગેકદમ કરી હતી ત્યારથી ભારતના દરેક મોટા શહેરોના લોકોને મણમણની સંભળાવવાનો એક ગૃહઉદ્યોગ મેઈન સ્ટ્રીમ મિડિયા અને સોશિયલ મિડિયા પર ધીકતો થઇ ગયો છે.

Photo Courtesy: swedishnomad.com

વાત એવી છે કે ક્રોએશિયા એ અમદાવાદ અને એના જેવા ઘણા બધા ભારતીય શહેરો કરતા નાનો અને ઓછી વસ્તી ધરાવતો દેશ છે. હવે જો ક્રોએશિયા જેવો નાનકડો દેશ છેક ફૂટબોલ વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી શકતો હોય તો એના જેવા અને એનાથી પણ મોટા શહેરો ધરાવતો ભારત દેશ ઘેર બેસીને એ લોકોને ટીવી પર રમતા જોવે તો કેટલું શરમજનક કહેવાય એવો વિચાર આપણા સમગ્ર દેશના કેટલાક ચોખલિયાઓને રાત્રે ઉંઘવા પણ નથી દેતો.

આ એજ ચોખલિયાઓ છે જે વિદેશોની પ્રગતીને ભારતની પરિસ્થિતિ સાથે કાયમ સાંકળતા રહેતા હોય છે અને વિશ્વ સ્તરે ભારતની મોટી સિદ્ધિઓને નજરઅંદાજ કરવામાં પણ આ લોકોની માસ્ટરી હોય છે. ક્રોએશિયા કે પછી ફોર ધેટ મેટર આપણાથી નાનો દેશ ફ્રાન્સ પણ જો ફૂટબોલ વર્લ્ડ કપ રમે અને જીતે તો એમાં આપણે શા માટે શરમાવું જોઈએ?

લાગતું વળગતું: બ્રાવો સુનિલ છેત્રી – ભારતીય સ્પોર્ટ્સ ફેન્સને ઢંઢોળીને જગાડવા બદલ

હા, જો વાત ઓલિમ્પિક્સની હોય તો સમજી શકાય છે કારણકે તેમાં એવી ઘણીબધી રમતો છે જેમાં ભારત આઝાદીના સિત્તેર વર્ષમાં કાઠું કાઢી શક્યું હોત પરંતુ એવું શક્ય બન્યું નથી જેની પાછળ દેશના રાજકારણીઓ સીધેસીધા જવાબદાર છે. જો કે તેમાં પણ છેલ્લા અમુક વર્ષોથી ધીમો પરંતુ નક્કર બદલાવ જરૂર દેખાઈ રહ્યો છે.

પરંતુ જ્યારે કોઈ એક રમતની વાત કરીએ ત્યારે દ્રશ્ય આખું બદલાઈ જતું હોય છે. ફૂટબોલ બેશક વિશ્વની સહુથી લોકપ્રિય રમત છે પરંતુ એમાં આપણે આગળ નથી તો નથી, એમાં આટલું બધું શરમાઈ જવાનું કોઈ કારણ નથી.

જો અમદાવાદથી પણ નાનું ક્રોએશિયા ફૂટબોલ વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી જતું હોય તો ભલેને પહોંચે? એમ તો ક્રિકેટમાં અમદાવાદની સારામાં સારી ક્રિકેટ ક્લબ સામે ક્રોએશિયાની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ મેચ હારી જાય એ પણ એટલુંજ સત્ય છે.

ટૂંકમાં જો આપણા દેશનું પેશન એટલેકે ક્રિકેટ રમવાની પરવા ક્રોએશિયા, ફ્રાન્સ, મેક્સિકો, ઇટાલી કે પછી બ્રાઝિલ નથી કરતા તો આપણે HP એટલેકે હરખપદુડા થઈને અચાનક FIFA વર્લ્ડ કપમાં રમવાની ઉતાવળ કેમ કરીએ છીએ અને એ પણ ફક્ત દર ચાર વર્ષે? જાણેકે આમ કરવાથી આવતો વર્લ્ડ કપ તો ભારત જરૂર રમશે એ નિશ્ચિત થઇ જવાનું હોય!

ક્રોએશિયા બનામ અમદાવાદ કે પુણે કે ચેન્નાઈ ટાઈપના ટોણા આપણા પ્રબુદ્ધો કાયમ જ્યારે ફૂટબોલનો વર્લ્ડ કપ રમાતો હોય ત્યારે જ આપતા હોય છે અને પછી પોણા ચાર વર્ષ એને માળીએ મૂકી દેતા હોય છે. જો ભારતને FIFA વર્લ્ડકપમાં ક્વોલીફાય પણ થવું હોય તો ઓછામાં ઓછા ચાર થી પાંચ વર્લ્ડ કપ પછીની તૈયારી આજથી જ શરુ કરી દેવી પડે એવી હાલત આપણા દેશમાં ફૂટબોલની છે.

કોઇપણ ટીમ ગેમમાં કોઈ દેશ માત્ર સારા ખેલાડીઓ હોવાથી આગળ નથી આવતો, તેને પ્રજાનો એટલેકે ફેન્સનો ટેકો હોવો પણ જરૂરી છે. એક સમય એવો હતો કે ભારતમાં ક્રિકેટ અને હોકી બંનેની લોકપ્રિયતા સરખી હતી પરંતુ 1980માં મોસ્કો ઓલિમ્પિક્સમાં ગોલ્ડ જીત્યા બાદ હોકીના ખેલાડીઓ વિશ્વકક્ષાની ટુર્નામેન્ટ હારતા ગયા અને 1983 બાદ ભારતીય ક્રિકેટ ટીમ એક પછી એક સફળતાના શિખરો સર કરતી ગઈ એટલે અત્યારે તેની લોકપ્રિયતા ચરમસીમાએ છે અને આવનારા બે દાયકાઓ સુધી રહેશે જ એમાં નવાઈ શું છે?

બેડમિન્ટન જેવું કોઈક જ ઉદાહરણ હશે કે સાઈના નેહવાલ કે પી વી સિંધુની અંગત સિદ્ધિને લીધે તે રમત સમગ્ર દેશમાં લોકપ્રિય થઇ જાય, પણ એ ટીમ ગેમ નથી એ યાદ રાખવું જોઈએ. ફૂટબોલ એ મહારમત છે, ટીમ ગેમ છે એટલે અગિયારે અગિયાર ખેલાડીઓએ સરખા જુસ્સાથી રમવું પડે, જીતવું પડે અને જો એવું સતત ન થાય તો આજે ભારતીય ફૂટબોલ ટીમની જે હાલત છે એવી જ થાય.

ભારતીય ફૂટબોલ ટીમની હાલત એવી દયનીય છે કે દેશમાં જ રમાતી એક ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ જોવા માટે ટીમના કેપ્ટન સુનિલ છેત્રીને વિનંતી કરતી tweet કરવી પડે છે કે ભાઈ, નેવું મિનીટ તો ગુજારો સ્ટેડિયમ મેં?! ટીમ ગેમની લોકપ્રિયતા હંમેશા તેની સફળતાની ટકાવારી પર નિર્ભર હોય છે એ હકીકતની ગાંઠ બાંધી લેવી જરૂરી છે.

એટલેકે જ્યારે પણ ભારતીય ફૂટબોલ ટીમ વધુને વધુ જીત મેળવતી થશે ત્યારેજ તેની ‘ક્રોએશિયા સફર’ પણ શરુ થશે એમાં બેમત નથી. આથી જ્યારે વર્લ્ડ કપ આવે ત્યારે ભારતીયોને ટોણા મારવા અને ક્રિકેટરો જે દેશને સતત ગૌરવ અપાવતા હોય છે એમનું અપમાન કરતા રહેવું એનાથી કશું વળવાનું નથી.

ભારતીય ફૂટબોલ સંઘ એ ઓછેવત્તે અંશે દેશના રાજકારણીઓના કબ્જામાં છે પહેલા તો એને એમાંથી છોડાવવો પડશે અને તેને BCCI જેવી સ્વાયત્ત સંસ્થા બનાવવી પડશે. હવે જોકે IOC અને FIFA જેવી આંતરરાષ્ટ્રીય ખેલ સંસ્થાઓ પણ સ્થાનિક ખેલ સંઘોમાં ઓછામાં ઓછી સરકારી દખલગીરી હોય એ નિશ્ચિત કરી રહ્યા છે એટલે એ દિવસ પણ વહેલો કે મોડો જરૂરથી આવશે એવી આશા રાખી શકાય.

અને હા, જો ભારતીય ફૂટબોલ સંઘ સ્વાયત્ત સંસ્થા થશે ત્યારે તેની ટીમ ભારતીય ટીમ મટી જશે એવું માનવાને કોઈ કારણ નથી કારણકે BCCI દ્વારા સંચાલિત ભારતીય ક્રિકેટ ટીમ એ દેશની જ ક્રિકેટ ટીમ ગણાય છે કારણકે સમગ્ર વિશ્વમાં ક્રિકેટ ચલાવતી એકમાત્ર સંસ્થા ICCએ તેને ભારતનું ક્રિકેટ ચલાવવાની મંજૂરી આપી છે એવી જ રીતે ફૂટબોલની ટીમનું પણ થશે.

જો સરકાર અને ભારતીય ફૂટબોલ ટીમ પાસેથી આપણને પચીસ વર્ષ બાદ FIFA વર્લ્ડ કપમાં ક્વોલીફાય થવાની આશા છે તો આપણી ફરજ પણ સ્ટેડિયમમાં કે જ્યારે પણ ભારત  કોઈ આંતરરાષ્ટ્રીય ફૂટબોલ મેચ રમતું હોય ત્યારે તેનો જુસ્સો વધારવા ટીવી પર પણ તેને જોઈએ એટલી તો છે જ.

જો આમ થશે તો જ એક સુવર્ણ સવારે ક્રોએશિયા અને અમદાવાદની સરખામણીનું સ્વર્ગારોહણ જરૂરથી થશે.

eછાપું

તમને ગમશે: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ: શું આપણી નોકરીઓ ખતરા માં છે?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here