યે મલ્ટીપ્લેક્સ મે મુવી દેખને જાતે હૈ તો પોપકોર્ન ખરીદના ઝરૂરી હૈ ક્યા?

1
355
Photo Courtesy: mouthshut.com

ગુજરાતમાં આજકાલ ચર્ચાનો જબરદસ્ત વિષય છેડાયો છે અને એ છે કે શું મલ્ટીપ્લેક્સ આપણી પાસેથી ફૂડ આઈટમ્સના મોં માંગ્યા ભાવ લઇ શકે કે નહીં. આ ચર્ચામાં બે જુદીજુદી વિચારધારાઓ સામે આવી છે જેમાં એક પક્ષ એવું કહે છે કે મલ્ટીપ્લેક્સ માલિકો આપણને આમ ખુલ્લેઆમ લુંટી શકે નહીં અને બીજી વિચારધારા એમ કહે છે કે જો ફિલ્મ જોવાનો જ એકમાત્ર હેતુ હોય તો પછી ત્યાં જઈને ખાવાની જરૂર શું છે?

Photo Courtesy: mouthshut.com

આ આખીયે ચર્ચા મહારાષ્ટ્ર સરકારના એ નિર્ણય બાદ ઉભી થઇ છે જેમાં એમ કહેવામાં આવ્યું છે કે ઓગસ્ટ મહિનાથી દર્શકો પોતાને ઘેરેથી ફૂડ અને પાણી વગેરે લઇ જઈ શકે છે. આ નિર્ણય પણ મહારાષ્ટ્રમાં પ્રજા દ્વારા મલ્ટીપ્લેક્સ માલિકો વિરુદ્ધ કરવામાં આવેલા સખત વિરોધ બાદ લેવામાં આવ્યો છે.

આ નિર્ણય અને આ વિરોધ વચ્ચે એક વાયરલ વિડીયો પણ આવી ગયો જેમાં મહારાષ્ટ્રના કોઈ મલ્ટીપ્લેક્સમાં ત્યાંના કોઈ સ્થાનિક નેતાજીએ વધારે પડતો ભાવ લેવાને કારણે એ મલ્ટીપ્લેક્સની ફૂડ કોર્ટમાં કામ કરતા બિચારા કર્મચારીને ધડાધડ લાફા ઠોકી દેતા જોવા મળે છે.

આટલુંજ નહીં હાલમાં સુરતમાં એક ખાસ અભિયાન પણ ચલાવવામાં આવ્યું કે એક નક્કી દિવસે મલ્ટીપ્લેક્સમાં ફિલ્મ જોવા તો જવાનું પણ એક રૂપિયાનું પણ ફૂડ અથવાતો બેવરેજ નહીં ખરીદવાનું. ટૂંકમાં કહીએ તો મલ્ટીપ્લેક્સ દ્વારા ફૂડ આઈટમ્સ પર લેવામાં આવતા ‘અસહ્ય’ ભાવ વિરુદ્ધ ગુજરાતમાં પણ વિરોધના પરગણ મંડાઈ ચૂકયા છે.

લાગતું વળગતું: વેપારીઓ ચેતી જજો તમારી હાલત પણ મેકડોનાલ્ડ્સ જેવી થશે

હવે આવીએ આ આખાયે મુદ્દાની વૈધતા પર. પહેલો મુદ્દો છે કે શું મલ્ટીપ્લેક્સ માલિકો ફૂડ અને બેવરેજીઝ પર મન ફાવે તેવા ભાવ ઉઘરાવે છે? તો તેનો જવાબ હા છે. બહાર દસ-પંદર રૂપિયામાં મળતા પોપકોર્ન આ લોકો સો-દોઢસો રૂપિયામાં વેંચે છે એ હકીકત છે. કોલ્ડ ડ્રીન્કસમાં પણ MRP થી અનેકગણા ભાવ લેવામાં આવે છે તે નજરે જોયું અને અનુભવ્યું છે. આમ થવા પાછળ એમ પણ જાણવા મળ્યું છે કે એમનું મલ્ટીપ્લેક્સ ટીકીટ કરતા ફૂડ સ્ટ્ફ્સના વેચાણ પર વધુ નભે છે.

તો શું ગુજરાત જ નહીં પરંતુ ભારતના પણ કોઇપણ મલ્ટીપ્લેક્સમાં ફિલ્મ જોવા જઈએ તો શું ત્યાં આપણને ગળું પકડીને પોપકોર્ન કે ઠંડુ પીવડાવવા એ લોકો ફરજ પાડે છે? તો તેનો જવાબ ના છે. મારો અનુભવ કહું તો હું અમદાવાદના એક ખાસ મલ્ટીપ્લેક્સ માં ફિલ્મ જોવા જવાનું પ્રિફર કરું છું.

આમ કરવા પાછળ મારો મુખ્ય હેતુ તેની સાઉન્ડ સિસ્ટમ અને અન્ય વ્યવસ્થા છે જે મને ફિલ્મ એન્જોય કરવાનો સંપૂર્ણ અનુભવ પૂરો પાડે છે. અહીં હું મને ગમતી ફિલ્મો એકલી અથવાતો પરિવાર સાથે રેગ્યુલર, બોલે તો લગભગ દર અઠવાડિયે જોવા જાઉં છું. પણ શું હું દર વખતે ત્યાં વધારાનો એક રૂપિયો પણ ફૂડ અથવાતો બેવરેજીઝ પાછળ ખર્ચું છું? તો જવાબ છે ના.

અહીંના નાચોઝ મને અને મારા પુત્રને ખુબ પસંદ છે, પરંતુ એક નિયમ એવો બનાવ્યો છે, ખાસકરીને જ્યારે હું અને મારો પુત્ર  કોઈ ફિલ્મ જોવા જોડે ગયા હોઈએ ત્યારે, કે એક વખત નાચોઝ ખાવાના અને બીજી વખત સ્કીપ કરવાનું. કારણ? નાચોઝની કિંમત જે એક સમયે સવાસો રૂપિયાથી શરુ થઇ હતી એ આજે અઢીસો રૂપિયા સુધી પહોંચી ગઈ છે.

વળી, ફિલ્મ જોવા મોટેભાગે જો સાંજના સમયે જવાનું હોય તો પછી એ જ મલ્ટીપ્લેક્સ જે મોલમાં આવ્યું છે ત્યાંની ફૂડ કોર્ટમાં જમ્યા વગર તો પરત અવાય જ નહીં કારણકે પછી રાત્રે ઘરે પહોંચીને પત્નીને કે માતુશ્રીને રસોઈ બનાવવાની તકલીફ ન આપવી એ પણ એક નિયમ બનાવ્યો છે. એટલે ફિલ્મ+નાચોઝ+ડીનર+આવવા જવા માટે ઓટો અથવા કેબ આ બધાનો સરવાળો કરીએ તો એક ફિલ્મ પાછળ બારસોથી પંદરસો રૂપિયા આરામથી ઉડી જાય અને આ તો દર અઠવાડિયાની વાત થઇ.

એટલે પછી સમય સાથે સમાધાન કરીને ઘણીવાર બપોરના સમયે ફિલ્મ જોવા જઈએ જેથી ઘરેથી જમીને જવાય અને પેટ ભરેલું હોય એટલે માત્ર ફિલ્મ જોવા સિવાય અન્ય કોઈજ ખર્ચ ન કરવો પડે. આવું કરવું સરળ છે પણ આમ કરવાનો નિર્ણય લેવા પાછળ થોડો વિચારશ્રમ કરવો પણ જરૂરી છે.

એટલે એ દલીલ સાથે સહમત જરૂર થઇ જવાય કે મલ્ટીપ્લેક્સમાં જો ફિલ્મ જોવા જ જવું હોય તો પછી ત્યાં દર વખતે પોપકોર્ન કે ફોર ધેટ મેટર કોઇપણ પ્રકારનું ફૂડ ખરીદવું જરૂરી નથી અને કોઈ તમારા પર તેને ખરીદવા દાદાગીરી પણ કરતું નથી. એટલે પોસાય તો ખરીદો ન પોસાય તો મારી જેમ ફિલ્મ જોવાનો સમય બદલો. જો સસ્તું જ ખાવું હોય તો મલ્ટીપ્લેક્સ જે વિસ્તારમાં આવેલું છે ત્યાં જ કોઈ સસ્તી અને સારી રેસ્ટોરન્ટ હોય જ હોય તો ત્યાં જમી લો, કોણ રોકે છે?

બીજી દલીલ એવી છે કે મલ્ટીપ્લેક્સ માલિકો પણ ધંધો કરવા બેઠા છે એટલે એમને જે ભાવમાં ટીકીટો વેંચવી હોય કે પછી એમનું મલ્ટીપ્લેક્સ કયા ભાવે પોપકોર્ન વેંચશે એ એમનો નિર્ણય હોવો જોઈએ. કરેક્ટ! પણ MRP કરતા અનેકગણો ભાવ લેવો એ એમનો અધિકાર બિલકુલ ન હોવો જોઈએ. કોલ્ડડ્રીંકમાં પણ ઘણી જગ્યાએ બોટલ્સ કે પછી કેનની જગ્યાએ માત્ર ફાઉન્ટનની વ્યવસ્થા હોય છે એટલે એક કપમાં કેટલા રૂપિયાનું ઠંડુ આવ્યું એનો આપણને ખ્યાલ નથી આવતો એનો લાભ એ લોકો લઇ લેતા હોય છે. જો કે આવી વ્યવસ્થા બહુ ઓછા મલ્ટીપ્લેક્સ માં જોવા મળી છે.

તો નિર્ણય એ લઇ શકાય કે મલ્ટીપ્લેક્સ માં લેવામાં આવતા અંધાધૂંધ ભાવ જો ન પોસાતા હોય તો આપણે બધાએ પેલા સુરતવાળા મિત્રોની જેમ સ્વયંભુ ત્યાં માત્ર ફિલ્મ જ જોઇને અને એક રૂપિયાનું પણ ફૂડ ન ખરીદીને વિરોધ જતાવવો જોઈએ. જો મોટી સંખ્યામાં આવું થશે તો જ મલ્ટીપ્લેક્સ માલિકો ભાવ ઘટાડવા મજબૂર થશે.

પરંતુ અમારી પેઢીએ છેલ્લે પંદર રૂપિયા ચૂકવીને બાલ્કનીની ટીકીટ ખરીદી હોય એમને માટે દોઢસો, બસ્સો રૂપિયાની ટીકીટ પણ મોંઘી જ કહેવાય પણ એનો વિરોધ જો અમે નથી કરી શકતા તો ફૂડ આઈટમ્સ પર લેવાતા મસમોટા ભાવનો વિરોધ કેમનો થઇ શકે? એટલે એને ન ખાઈને કે કોઈક વાર જ ખાઈને ઓવરઓલ ખર્ચ પર કાપ મૂકી શકાય.

પંદર રૂપિયાની બાલ્કનીની ટીકીટ જ્યારે લેતા ત્યારે થિયેટર કે ઈંટ બનાવવાના ભઠ્ઠા વચ્ચે કોઈજ અંતર નહોતું લાગતું. આજે બોરિંગ મુવી હોય તોપણ એટલીસ્ટ ઠંડા એસીના વાતાવરણમાં નાના મોટા ઝોલાં લઈને પણ દોઢસો,બસ્સો રૂપિયા વસુલ તો કરી શકાય છે?

એટલે MRPથી બમણી કે ત્રણગણી કિંમત જો મલ્ટીપ્લેક્સ વાળા લેતા હોય તો તેના વિરોધ સિવાય બાકી એ લોકો કઈ આઈટમ પર કેટલો ભાવ લે છે તે નિર્ણય તેમના પર છોડીને ફિલ્મ જોઇને ઘેરે પાછું આવી જવામાં જ માલ છે.

eછાપું

તમને ગમશે: ફેસબુક અને કેમ્બ્રિજ એનાલીટીકા- ગંદા હૈ પર ધંધા હૈ યે….

1 COMMENT

  1. સહમત !! પોસાતું નથી એમ તો હવે કહીએ છીએ…. બાકી આટલા ભાવ દેવાની લોકોની ત્રેવડ જોઇને જ અનેક ગણા ભાવ રાખ્યા હશે ને ? મતલબ કે એમનો ધંધો બંધ થાય કે ખબર પડે કે આ ભાવ પોસાય એવો નથી તો કૈંક થાય. બીજી એક વાત, ઘરે થી નાસ્તા પાણી લઇ જવાની છૂટ મળશે તો સ્વચ્છતા માટે પણ આપને કેટલા જાગૃત છીએ એ ખ્યાલ છે જ. આત્મ શિસ્ત વગરના આપણે અપેક્ષા તો બહુ મોટી મોટી રાખીએ છીએ પણ ખુદ અમલ માં મુકવામાં મીંડું છીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here