શું દરેક સંબંધ ને આપણે કાયમ અલ્પવિરામ આપવું જરૂરી છે ખરું?

2
513
Photo Courtesy: scribendi.com

સંબંધ વિષે વાત કરીએ એ પહેલા જરા આ દ્રશ્યોની કલ્પના કરી જુઓ તો?વરસાદની સીઝન એટલે એક આલ્હાદક દ્રશ્ય, ભીની માટીની સુગંધ, બારીને શણગારતાં વરસાદનાં ટીપા કે પછી સાંબેલાધાર વરસાદ. બધું જ આપણને ગમે. કેમ કે પાછલી સીઝન એટલે કે ઉનાળો જતાં જતાં પણ હેરાન કરતો હોય. બફારો વધી જાય. અકળામણ થાય. એમ થાય કે શું કરીએ તો વરસાદ આવે!! અને જ્યારે વાદળો ઘેરાય અને વરસાદના તેડાં આવે એટલે મનથી હળવાશ અનુભવાય.

Photo Courtesy: scribendi.com

કેટલું સારું લાગે નહીં વાંચવામાં? હવે વિચારો. જો “વરસાદ” ની જગ્યાએ “સંબંધો અને લાગણી” શબ્દ મૂકીને વર્ણન કરીએ તો કાંઈક આમ હોય. ઉનાળાના ધોમધખતા તાપની જેમ લાગણી પણ તપતી હોય. સંબંધરુપી ઉનાળાની સીઝન વર્ષોથી ચાલી આવતી હોય. ઠંડકથી શરૂ થયેલા સંબંધો ગરમાગરમી વચ્ચે શેકાતા હોય ત્યારે લાગણીનો કયો વરસાદ વરસાવવો?

કોઈ પણ સંબંધમાં આવી અનેક સીઝન આવતી જ હોય છે. બાળક સાથેના માતાપિતાના સંબંધ હોય, પતિ સાથે પત્નીનો, વહુ સાથે સાસુનો, ભાભી સાથે નણંદનો, સાળા સાથે બનેવીનો, કે પછી મિત્ર સાથે મિત્રનો. આ બધા જ સંબંધો લાગણી સાથે એવી રીતે જોડાયેલા છે કે લાગણીના તાંતણાની મજબૂતાઈ માટે પણ થોડી ઘણી સીઝન બદલાવાની રાહ જોઈએ તો ખોટું નથી જ.

લાગતું વળગતું: લિવ-ઈન રિલેશનશીપ – સમાજનો અવળો છેડો!!!

આપણે જ્યારે સ્કૂલમાં ભણતા ત્યારે કોઈ પણ “બે” વાક્યને જોડનારા કે પછી વાક્યને અંતે આવનારા ચિહ્નો ધ્યાનથી ભણ્યા. જેમ કે અલ્પવિરામ અને પૂર્ણવિરામ. આપણી આસપાસના સંબંધોમાં પણ આ અલ્પવિરામ અને પૂર્ણવિરામના નિયમો જ લાગુ પડે છે. શબ્દોનાં પ્રયોગ પછી જ આપણને તેનો ઉપયોગ કર્યાનો અફસોસ થતો હોય છે.

સંબંધો ટકાવી રાખવા, તે માટે આપણે પહેલાના સમય કરતાં વધારે પ્રયત્નો કરવા પડે છે. આપણે સતત સતર્ક રહીએ છીએ કે ક્યાંક આપણાથી કોઈને ખોટું ન લાગે, દુઃખ ન થાય, કે પછી વધારે અપેક્ષાઓ ન બંધાય. બેલેન્સ કરવા જતાં બેલેન્સ ગુમાવવાના પણ દાખલા આપણે જોયા જ હશે. દાખલા તરીકે, એક વોટ્‌સઍપ ગ્રુપ. તેમાં મેમ્બર્સ આપણા જ ફેમિલી કે ફ્રેન્ડ્સ હોય છે. એમાં પણ એક ન દેખીતું ગ્રુપ હોય છે જે એક બીજાને સપોર્ટ કરતું હોય છે. દરેક પ્રકારના લોકો અને સંબંધો મળે. સીધા, લાગણીથી જોડાયેલા, થોડા વાંકા, કડવાશ ભરેલા, મેળ વગરનાં, વિગેરે. જ્યારે આપણે કોઈ પણ વ્યક્તિ સાથે તેને ખુશ કરવા માટે કે સારું લગાડવા માટે પ્રયત્ન કરવા પડે ત્યારે સમજવું કે તે સંબંધમાં કચાશ છે.

આપણે ખરેખર આપણા પોતાનાં સાથે સંકળાયેલા રહેવા માંગતા હોઈએ ત્યારે સંબંધોમાં અલ્પવિરામ મૂકવું જોઈએ. સતત સાથે સમય પસાર કરતા પતિ અને પત્ની પણ આમાંથી બાકાત નથી. એક મજબૂત સંબંધ પાછળ તેમાં અપાતી મોકળાશ મહત્વની ભૂમિકા ભજવે છે. ઇંગ્લિશમાં કહેવાય ને કે “રિલેશનશિપ વિથ સ્પેસ”.  આ સ્પેસ શું છે? વાત ન કરવી? ઓછું બોલવું? ખાનગી રાખવું? બિલકુલ નહીં.

સ્પેસ આપવી એટલે વિશ્વાસ સાથે એ સંબંધને મુક્તિનો શ્વાસ લેવા દેવો. પેરેંટ્સ સાથે બાળકોનો સંબંધ પણ એક સ્પેસ સાથેનો હોવો જોઈએ. રોકટોક વગર, આપણી નજીકની વ્યક્તિને તેમની મરજી મુજબ જીવવા દેવી. કદાચ કાંઈક ન ગમે તો સીધેસીધો અણગમો ન બતાવતાં, કારણ સાથે તેની રજૂઆત કરવી. વહેમમાં જીવતા લોકો માટે આ એક ઉત્તમ સલાહ છે. અને સૌથી મોટી વાત. પાછળથી કોઈની સાથે વાત કરવા કરતાં, જે – તે વ્યક્તિને મનની વાત જણાવી, આપણા મનના સંશયો દુર કરવા. ખાલી આટલું જ કરીએ તો સંબંધ જીવી લેવાશે.

બાકી વહેમ અને ઘમંડ, બંને આપણા સંબંધોને પૂર્ણવિરામ તરફ લઈ જાય છે. વિશ્વાસથી બંધાયેલા કોઈ પણ સંબંધમાં ચડાવ – ઉતાર આવે પણ અંતે સફળતા મળે જ છે.

અસ્તુ!!

eછાપું 

તમને ગમશે: શિક્ષણને શિક્ષણ રહેવા દો એને રાજકારણ નો અખાડો ન બનાવશો પ્લીઝ!

2 COMMENTS

  1. સાચા સંબંધ ની સાર્થકતા એ જ છે કે જેમાં તમારે તમારા સ્વમાન, શીલ, સિદ્ધાંત અને શોખ સાથે સમાધાન કરવું નથી પડતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here