આવો જાણીએ અને માણીએ ચાર નવી મહારાષ્ટ્રીયન વાનગીઓનો રસથાળ

1
6
Photo Courtesy: Aakanksha Thakore

બાઇબલમાં કીધું છે કે, Love Thy Neighbour, એટલે કે તમારા પડોશીને પ્રેમ કરો. સાથેસાથે જ્યોર્જ બર્નાર્ડ શૉ એ પણ કીધું છે કે, There is no love more sincere than love of food, એટલે કે ખાવાના પ્રત્યેના પ્રેમ જેટલો સાચો પ્રેમ કોઈ જ નથી. આથી જ આ વખતે ફૂડમૂડમાં અમે આ બંને વાત ભેગી કરીને લાવ્યા છીએ કેટલીક મહારાષ્ટ્રીયન વાનગીઓ.

મહારાષ્ટ્રીયન રાંધણકળા ખરેખર સ્વાદિષ્ટ છે કારણકે તેમની પાસે ખોરાકની વિશાળ શ્રેણી છે. મહારાષ્ટ્રીયન ખોરાકમાં નાળિયેરનો ઉપયોગ અત્યંત મહત્વનો છે, અને સાથે સાથે રસોઈની બનાવટમાં ઉપયોગમાં લેવાતા મસાલા પણ ખૂબ સ્વાદિષ્ટ હોય છે. ચોખા આધારિત વાનગીઓ મોટાપાયે બનતી હોવાથી ચોખા આ પ્રજા માટે ખૂબ મહત્વની સામગ્રી છે.

મહારાષ્ટ્રીયન વાનગી – કોથીમ્બીર વડી

Photo Courtesy: Aakanksha Thakore

સામગ્રી:

1 ½ કપ સમારેલી કોથમીર

2 કપ ચણાનો લોટ

½ ટીસ્પૂન હળદર પાવડર

½ ટીસ્પૂન લાલ મરચું પાવડર

1 ટીસ્પૂન આદુ મરચાંની પેસ્ટ

1 ટેબલસ્પૂન તલ

1 ટેબલસ્પૂન ખમણેલું કોપરું

¼ કપ શેકેલી મગફળીનો ભૂક્કો

પાણી – જરૂર મુજબ

ચપટી હિંગ

મીઠું સ્વાદમુજબ

રીત:

  1. તમામ સામગ્રીને એક બાઉલમાં લઇ, તેમાં પાણી ઉમેરી સ્મૂધ અને જાડું ખીરું બને તે રીતે ભેળવો.
  2. એક થાળીમાં બરાબર તેલ લગાવી તેમાં આ ખીરું ઉમેરો અને થાળીને ઢોકળિયામાં મૂકો.
  3. ખીરું બરાબર રંધાઈ જાય ત્યાંસુધી તેને પકવવા દો.
  4. તેને ઠંડુ થવા દો. ઠંડુ થાય એટલે તેને થાળીમાંથી બહાર કાઢી તેના ચોરસ કે લંબચોરસ ટુકડા કાપી લો.
  5. આ ટુકડાને બ્રાઉન થાય ત્યાંસુધી શેલો ફ્રાય કે ડીપ ફ્રાય કરી તળી લો.
  6. કોથીમ્બીર વડીને લીલી ચટણી કે ટોમેટો સોસ સાથે ગરમ ગરમ પીરસો.

મહારાષ્ટ્રીયન વાનગી – શેપુ ચી આમટી

Photo Courtesy: Aakanksha Thakore

સામગ્રી:

કૂકરમાં બાફવા માટે:

¼ કપ ફોતરાં વગરની મગની દાળ

¼ કપ મસૂર દાળ

1 કપ પાણી

અન્ય સામગ્રી:

1 ટેબલસ્પૂન તેલ

½ ટીસ્પૂન જીરું

1 બારીક સમારેલું લીલું મરચું

1 ટીસ્પૂન લસણની પેસ્ટ

4-5 મીઠા લીમડાના પાન પાંદડા

½ કપ સમારેલી ડુંગળી

½ કપ સમારેલા ટામેટા

1 ટીસ્પૂન લાલ મરચું પાઉડર

½ ટીસ્પૂન ધાણા પાવડર

½ ટીસ્પૂન ગરમ મસાલા

1 ટીસ્પૂન આમચૂર પાવડર

સ્વાદ મુજબ મીઠું

1 ½ કપ પાણી

3-4 ટેબલસ્પૂન સુવા ભાજી

રીત:

  1. બંને દાળને પલાળી અને બરાબર ધોઈને 1 કપ પણ સાથે પ્રેશર કૂકરમાં મધ્યમ આંચે 2 થી 3 વ્હીસલ સુધી બાફી લો. કૂકર ઠંડુ પડે ત્યાંસુધી બાજુમાં રહેવા દો.
  2. એક પેનમાં તેલ લો, તેલ ગરમ થાય એટલે એમાં જીરું ઉમેરો.
  3. જીરું તતડે એટલે એમાં લીલું મરચું, મીઠા લીમડાના પાન અને લસણની પેસ્ટ ઉમેરો અને લગભગ 1 મિનીટ માટે સાંતળો.
  4. હવે તેમાં સમારેલી ડુંગળી ઉમેરીને ડુંગળી નરમ થાય ત્યાંસુધી સાંતળો.
  5. હવે તેમાં ટામેટા ઉમેરો અને સાથે સાથે મીઠું, ધાણા પાઉડર, લાલ મરચું પાઉડર, આમચૂર પાઉડર અને ગરમ મસાલો ઉમેરો અને બરાબર ભેળવી ટામેટા નરમ થાય ત્યાંસુધી પકવી લો.
  6. તેમાં બાફેલી દાળ અને અડધો કપ પાણી ઉમેરો. સાથે સાથે સુવાની ભાજી ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
  7. એક ઉભરો આવે એટલે આંચ ધીમી કરી 7 થી 8 મિનીટ સુધી ખદખદવા દો.
  8. ભાત કે પરાઠા સાથે પીરસો.

 

લાગતું વળગતું: વરસાદ પડતો હોય ત્યારે ફટાફટ બનાવી શકાય તેવી ત્રણ રેસિપી

 

મહારાષ્ટ્રીયન વાનગી – પીઠ્ળ

Photo Courtesy: healthyvegrecipes.com

સામગ્રી:

1 કપ બેસન

1 મોટી ઝીણી સમારેલી ડુંગળી

2-3 લીલા મરચાં

10-12 મીઠા લીમડાના પાન

¼ કપ કોથમીર

3-4 કળી તાજા લસણની પેસ્ટ

¼ ચમચી હળદર

¼ tsp જીરું

¼ ચમચી રાઈ

ચપટી હિંગ

2 કપ પાણી

1 1/2 ચમચી તેલ

સ્વાદ મુજબ મીઠું

રીત:

  1. એક મોટા બાઉલમાં બેસન લો. તેમાં બેસનથી બમણું પાણી ઉમેરી, ગઠ્ઠા ના રહે તે રીતે બરાબર ભેળવી દો.
  2. હવે એક કઢાઈમાં તેલ લો. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ ઉમેરો. રાઈ તતડે એટલે એમાં જીરું અને હિંગ ઉમેરો.
  3. હવે તેમાં મીઠા લીમડાના પાન, લીલા મરચા, લસણની પેસ્ટ અને ડુંગળી ઉમેરીને બરાબર સાંતળો.
  4. ડુંગળી સંતળાઈ જાય એટલે તેમાં મીઠું અને હળદર ઉમેરીને બરાબર ભેળવી દો.
  5. હવે તેમાં બેસન અને પાણીનું મિકસ્ચર ઉમેરો. અને બરાબર હલાવો.
  6. તેમાં કોથમીર ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
  7. ગેસની આંચ ધીમી કરીને, કઢાઈને ઢાંકીને, મિશ્રણને લગભગ 6 થી 7 મિનીટ માટે પકવો. વચ્ચે વચ્ચે બેસન નીચે ચોંટી નાં જાય એટલે હલાવતા રહેવું.
  8. મિશ્રણ ઘાટું થવા લાગે અને બેસનની કચાશ દૂર થવા લાગે એટલે આંચ બંધ કરી, જુવારની રોટલી અને થેચા સાથે ગરમાગરમ પીરસવું.

મહારાષ્ટ્રીયન વાનગી – થેચા:

Photo Courtesy: food.muktasdiaries.com

સામગ્રી:

10-15 સૂકા લાલ મરચાં

10-15 લસણની કળી

સ્વાદ મુજબ મીઠું

વઘાર માટે:

1 ટેબલસ્પૂન તેલ

1 ટીસ્પૂન રાઈ

રીત:

  1. મિક્સર જારમાં સૂકા લાલ મરચાં, લસણની કળી અને મીઠું લઇ, બરાબર વાટી લો.
  2. હવે એક વાઘરીયામાં તેલ ગરમ થાય એટલે એમ રાઈ ઉમેરી, રાઈ તાંતણે એટલે એને મરચાં અને લસણના મિશ્રણ પાર રેડી બરાબર ભેળવી દો.
  3. પીઠળ, થાળીપીઠ જોડે કે ભાખરી જોડે પીરસો.

eછાપું

તમને ગમશે: બોલિવુડના ભાઈ સલમાન ખાન સાથે મસ્ત મજાના Fryday ફ્રાયમ્સ

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here