જો મલ્ટીપ્લેક્સમાં બહારની વસ્તુ લઈ જવાની છૂટ મળે તો? – એક લેખકની કલ્પના

2
324
Photo Courtesy: eattreat.in

બહુ હરખાવાની જરૂર નથી. લેખક અહીં બહારની મિન્સ નિર્જીવ ખાદ્ય વસ્તુ ની પરવાનગીની વાત કરે છે. તમારી દીવાનગીની નહી..સ્ટુપીડ.

મારા જેવા યુગપુરુષોના રાગડા તાણી-તાણીને ગળા છોલાય ગયા ત્યારે મહારાષ્ટ્રમાં હમણા કાયદો આવ્યો અને તેની અમલવારી ટૂંક સમયમાં થવાની છે કે સિનેમા હોલમાં તમે ઘરેથી અથવા બહારની કોઈપણ ગળચવાની વસ્તુ લઈ જઈ શકશો. સિનેમા હોલની કેન્ટીનોમાં મળતી ખિસ્સાફાળ વસ્તુ તમારે કમને ખરીદવી નહી પડે! ભોળાનો ય ભગવાન હોય ખરો. આવો જ કાયદો ગુજરાત સરકાર પણ નજીકના ભવિષ્યમાં લાવી શકે છે. જપી જાવ…જસ્ટ મુંબઈથી વરસાદ ગુજરાત પહોંચે એટલી જ વાર લાગશે. ખાવાની સાથે પીવાની વસ્તુ પણ લઈ જઈ શકશો, એમાં સોમરસ યથા વાહો ખમવાની શક્તિ મુજબ લઈ જવાય.

Photo Courtesy: eattreat.in

અત્યારે સ્થિતિ એવી છે કે સિનેમા માલિક પોતાની ઓનલાઈન ટીકીટ વહેચણીની સાઈટો પર ઓર્ડર સ્વરૂપે જણાવે છે કે “કૃપયા બહારની કોઈ ખાણીપીણીની ચીજ-વસ્તુઓ થિયેટરમાં લાવવી નહી.” પછીતો એ લોકો એ અંગુઠામાં થૂંક ચોપડી આવી નોટીસો ભૂંસી નાખવી પડશે. ડીંગો ડીંગો. કેન્ટીનની વાસી સેન્ડવીચ, કોકાકોલા, પોપકોર્નના ખપતમાં ઘટાડો થવાથી માલિકોને નુકશાનીનો કોઈ પાર નહી રહે. પાણીની બોટલુંના તો 60-60 રૂપિયા લેતાં! આટલી મોંઘી તો દારૂમાં નાખીને પીવામાંય ન પોસાય. ખોટી વાત મારી બેવડાઓ? કાગદડી બાજુનો કોઈ ફિલ્મ જોનાર તો માખીયું મારતા સિનેમા હોલનીની કેન્ટીનના સ્ટાફને અધ પિક્ચરે ખભે ટપલી મારીને કહેશેય ખરો કે, “મોટા, સેન્ડવીચ તો હું ઘીરે થી લાયવો સુ, પણ તારી ભાભી ચટણી દેતા ભૂલી ગઈ. જીરિક તારા ઓલા લાલ બાટલામાં સોસ સે ઈ દે ને ભૂરા. તો જામો પડી જાય.”

સૌથી મોટો ફાયદો પાન, મસાલા, ગુટકા અને બીડી-સિગારેટના બંધાણીઓને થશે. પકડાવાના ડરથી છોકરાઓના ખિસ્સામાં કે પત્ની-મહિલાઓના પર્સમાં ઉપરની વસ્તુઓ છુપાવવી નહી પડે! છડેચોક… આય મીન છડે ગેટ તેઓ આવી વસ્તુઓ લઈ જઈ શકશે. જે નમૂનાઓ છાશવારે આવી વસ્તુઓ લઈ સિનેમામાં જતાં પકડાયેલા હશે તેને તો દરવાજે ઉભેલો ગેટકીપરેય ઓળખતો હોય. આવા નમૂનાઓ ગેટકીપર સામે દાંતિયું કરશે, ‘લે લેતો જા…રોજ કાચી પાત્રીહનો માવો કઢાવતો તો, આલે… હવે ચેક કર!” અમારા પ્યોર રાજકોટિયન તો આવું કહી બંને હાથના અંગુઠા કાનની ઉપર લઈ હાથના ચારેય આંગળા હલાવી જીભડા ય કાઢશે. (સાસુના સમ ખાઈ હાચું કહો તમે ય આ વાંચતાં આવી ટ્રાય કરીને?)

પિક્ચરનો શો શરુ થવાની પહેલાનો નજારો કેવો હશે તેનું અનુમાન કરો. એક ફેમેલીનું જુંડ ઊભું હશે, તેમાં એક બળુકી સાસુના માથા પર વિમલ પાનમસાલાનો થેલો હશે. તેમાં ઢેબરા, સુકીભાજી, છૂંદો, છાસ અને લસણની ચટણી ઈત્યાદી વાનગીઓ હશે. બાજુમાં ડોહાના હાથમાં આખા દુધની ઘરેથી બનાવેલી ચાનો થરમોસ જુલતો હશે. છોકરા અને વહુના કાખમાં પ્લાસ્ટીકના પાથરણા, ડીસ્પોસેબલ ડીશ, નેપકીન અને પસ્તી હશે. (પાથરવાની શું જરૂર એવું પૂછતા અકોણા વાંચકોને જણાવી દઉં કે અગમચેતીના ભાગરૂપ જો ફિલ્મ બોગસ હોય તો બહાર લોબીમાં પાથરણા પાથરી ગોળ ચકરડું કરી જમવું ન પડે! હાથમાં થાળી પકડી અંધારામાં જમવામાં સવાદ નો આવે ભૂરા.)

એકાદ સુકોમળ, શિક્ષિત વહુએ પોતાના પિયરથી આવેલો કમનસીન વોટર જગ ઊંચક્યો હશે. નાના છોકરાના હાથમાં પોતાને પીવાની પાણીની બોટલ, પોપકોર્નની થેલીઓ હશે. હાઈફાઈ લોકો પ્લાસ્ટીકના ડબ્બા ભરીને સેન્ડવીચ, ઈડલી-સંભાર કે એવી જ ભળતી આચર-કુચર વસ્તુ લઈને ટાંટિયા પછાડતા ઊભા હશે. કોલ્ડ્રીંકન્સની બોટલોમાં માદક પીણાય લઈ જશે. અમુક નાકનું ટીચકું ચડાવતી અર્ધવસ્ત્ર ધારીણી બોલે ય ખરી કે, “સચ એ ઓર્થોડોક્ષ પીપલ, આય કાન્ટ ટોલરેટ ધીસ.” પણ આવી મુમતાઝને જય ભારત સાથ જણાવવાનું કે તમારા માટે તમારો આધુનિક શાહજહાં પાંચ-પચીસ વીઘા જમીન વહેંચી થિયેટર ના બંધાવી શકે, જે છે એમાં ચલાવી લો.

લાગતું વળગતું: અને આખરે બિચારી શીતલીનો ઉપવાસ તોડ્યો….

બહારની ખાદ્ય વસ્તુ લઇ જવાની છૂટ મળતા સિનેમા હોલ ટુરિસ્ટ સ્પોટ બની જશે. અત્યારે ભલે સિનેમા માલિકો ચિંતા કરતાં હોય કે નફામાં નુકશાની થશે. આપણી પબ્લીકને હું નજીક થી ઓળખું છુ, (નજીક એટલે તમે સમજ્યા એવું નહી) હે શેઠિયાવ, મુંજાતા નહી ધાડા ને ધાડા ઉતરશે જો જો. જો નુકશાની જાય તો તમારી ટીકીટ ને મારું માથું. પ્લેટફોર્મ પર સૌરાષ્ટ્ર મેઈલના આગમનથી જેવી અંધાધુંધી વ્યાપે એવું જ કઈક ટીકીટ ચેકર થિયેટરનો દરવાજો ખોલે એટલે થશે! સીટ નીચે, પગથીયા પર સાઈડમાં જ્યાં જગ્યા મળશે ત્યાં થેલા, વોટર જગ દેખાશે. વચ્ચેની સીટવાળાને અત્રેથી તાકીદ કરવામાં આવે છે કે અંધારામાં કોઈના થેલા ઉપર પગ દઈને જતાં નહી, પેલાના ઢેબરા ચીપાઈ જશે તો ફિલ્મ ચાલુ થયા પહેલાં ફિલમ ચાલુ થશે! ઘણા તો રાષ્ટ્રગીત શરુ થતા જ થેલા ફંફોસવા મંડશે.

મને ખબર છે ત્યા સુધી અત્યારે કોર્નર સીટોની ડિમાન્ડ છે જે સમજી શકાય. ખાસ કિસ્સાઓમાં એ ડિમાન્ડ ગ્રાહય ખરી, કિન્તુ આ બહારની વસ્તુ લાવવાની છુટછાટ પછી વચ્ચેની સીટોની માંગ પણ વધુ પ્રબળ બનશે! ઊભા રહો એનું કારણ જણાવું. વચ્ચેની આખી લાઈનમાં લાઈનસર આઠ-દસ જણાનું ફેમેલી બેઠું હોય. એની છેવાડાની સીટમાં આપણો નંબર લાગ્યો હોય, એમાં એક અદોદારું પીપળું કોથળામાંથી વાનગી કાઢી-કાઢીને ડીશો તૈયાર કરતુ હોય, ખાવાની વસ્તુ સર્વ કરતુ હોય. ન કરે નારાયણ ને કરે સ્વામીનારાયણ એની બાજુમાં જ આપણી સીટ હોય તો ભૂલથી એકાદ ડીશ આપણને ય મળી જાય. ઘા બેહી જાય! ખોટી વાત છે મારી?

ડોલ્બી સાઉન્ડની આડમાં ઘણા બધા ડાઈલોગ સંભળાશે, જેવા કે…

“મુવાઓ, ખાવા આવ્યા છે કે ફિલ્મ જોવા.”

“અંધારામાં ખાવાનું કઈ દેખાતું જ નથી, હોલમાં થોડીક લાઈટ હોવી જોઈએ.”

“ભાઈ થોડી લસણની ચટણી દેને, થેપલા જોતા હોય તો હું બે આપું. ચા ય છે હો! એ ય ઈન્ટરવેલમાં આપીશ . પણ મને ચટણી દે, અમારાવાળી તૈયાર થવાની લાયમાં ચટણી થેલામાં મુકવાની જ ભૂલી ગઈ બોસ!”

“હું તને કે`તો તો જ, આ થિયેટરમાં અવાય જ નહી, ભૂખળ જ ભર્યા હોય અહિયાં. તને હરખ હતો.”

“ઓ કાકા, જેવી છે એવી ચા પી લો અને હવે કકળાટ કર્યા વગર બેસો છાનામાના. પિક્ચર જોવા દો અમને.”

“મને હવે અહી ખુરશીના હાથા પર ડીશ રાખવા દે, મારો વારો આવવા દે, ખોળામાં ડીશ રાખીને ફાવતું નથી. ચટણી પેન્ટ પર ઢોળાશે તો પેન્ટ ધોવા ટાણે પાછી તું જ ખીજાઈશ.”

“તને કીધું તું મારા માટે ખીચડી બનાવજે. આ ઉમરે અ તારા ચામડા જેવા ઢેબરા ચવાતાં નથી. મારું તો કોઈ દિવસ હાલતું જ નથી ઘરમાં.”

“મેડમ, એને સંભાર નથી જોતો… હવે એને અને અમને ફિલમ જોવા દો, પ્લીઝ.”

“બેટા, તે તો ખાલી પોપકોર્ન જ ખાધા છે, એકાદ સમોસું ખાઈ લે. પછી ઘરે જઈ ને કશું માંગ્યું ને તો હું આપીશ નહી.”

“એલાવ, છુંદા માટે મારામારી ન કરો…આ લો હું આપું. બીજાને નિરાતે પિક્ચર જોવા દયો. સાલ્લાવ ફિલમ જોવા આયવા સે કે ધીંગાણે.”

“કઈ તારી લીપ્સ્ટીક બગડવાની નથી, અહી તારી લીપ્સ્ટીક કોઈ જોવા નથી આવ્યું, ચાપલી થતી ખાઈ લે ને મેંદુવડા.”

“મિસ્ટર, હવે તમારા ફેમેલીને કો ગોકેરો કરવા કરતા જલ્દીથી ખાવાની વિધિ પતાવે. પાંચ મીનીટમાં સેડ સીન આવવાનો છે. પછી ગળે એક કોડયો ય નહી ઉતરે.”

સૌથી વધુ કડે નોનવેજ વસ્તુ ખાનારાઓ ચડશે. બીરયાનીમાં રહેલો મુરઘીનો ટાંગો ચાવી ચાવીને કેટલો ચવાય? દાંત ન દુઃખે? વળી એને ફેકવો ય ક્યાં એ ય પાછી તકલીફ. સિનેમા હોલમાં પગથીયે પગથીયે કચરાપેટી મુકવાની માંગો ઉઠશે. માત્ર નોન્વેજીયાવના આ ઉગ્ર આંદોલનમાં વેજ ખાવાવાળા પણ જોડાશે. બકા, તેમનેય ડીશોનો નિકાલ કરવો હોય ને? છેવટે કચરાપેટીઓ સિનેમાહોલની શોભામાં અભિવૃદ્ધિ કરશે. પાણીપુરીના ખુમચા, ચાની કીટલી, પાન-મસાલાના ગલ્લા, ટીફીન સેવા, તેમજ ઋતુ અનુસાર શેરડીના સીચોડા, બરફના ગોલા કે કાવો વગેરે માટેના આંદોલનનો અવકાશ ખરો. એની માંગણી મંજુર ન થાય તો ટોપાવ બાકાયદા નફા-નુકાશાનોનું સરવૈયું કાઢી ટીકીટો લઈ અંદર રોકડી કરવા આવે ય ખરા.

હિરો સિંઘમ, થાનોસની ત્રાડની સાથે “એ ચાઈ ગરમ… ઠંડી પાણીની બોટલ લઈ લો… દસની ચાર લિજ્જતદાર પાણીપુરી ખાઈ લો.” સંભળાય તો નવાઈ નહી. એકવાત તો તમારે કાન પકડીને માનવી જ પડશે, સદાવ્રતમાંથી આવતી ભોજનની વસ્તુ, મોહરમ, તાજીયા, જન્માષ્ટમી અને રથયાત્રા જેવા પવિત્ર તહેવારો માટે જે સેવાકીય સંસ્થા ભોજન, છાસ, ચા જેવી વસ્તુઓ નિસ્વાર્થભાવે વિનામૂલ્યે પંડાલો બાંધી વહેચે છે એવા સ્વયંસેવકોને કદાચ ધાર્મિક લાગણી ન દુભાવાના હેતુથી સિનેમા હોલમાં પેસવા દેવા પડશે. આ દેશમાં ધાર્મિકતા પર જરાકેય અડચણ આવે તો કોઈપણ ચમરબંધી ઢીકા ભેગો પડી જાય હો!

એક આડવાત, મૂળા ના પરોઠા, વધુ પ્રમાણમાં લસણનું સેવન, વાલ જેવા ઘાતક, દુર્ગમ વાસ પ્રેરક દ્રવ્યો પર જોનારા સ્વયં અંકુશ રાખે તેવી ભલામણો સિનેમા હોલ્ડરો દ્વારા નોટીસો મૂકી, કેન્સરની જાહેરાતોની જેમ પડદા પર જાહેરાતો બતાવી અપીલ કરવામાં આવશે. તેનું જાગૃત નાગરીકો તરીકે આપણે પાલન કરવું જોઈએ. કરશે પણ ખરા. એમ્બ્યુલન્સ સેવાને ખડે પૈડે તેનાત રાખવી પડશે. ભોજન તેમજ વાસ પ્રેરક દ્રવ્યો થકી જોનારની જ્ઞાતિ-જાતિ સરળતાથી નક્કી થઈ જશે! પરોઠા, દાળ, કઢી કે સુકી ભાજી ગરમ કરવા માટે સિનેમા હોલમાં જ ઓવનની જોગવાઈ કરાશે. સ્મોકિંગ ઝોન ખોલવાની સગ્ગા બાપને ખબર ન પડે તેવી છુપી માંગો ઉઠશે!

વિચારોના ઘોડાને હજી આગળ દોડાવું તો થિયેટરમાં લગ્નનો ભોજન સમારોહ ગોઠવાશે. અમારા ચિરંજીવીના ભોજન સમારંભમાં અચૂક પધારી માણો ફલાણી ફિલ્મ! જે ચોરીછૂપીથી ફિલ્મનું રેકોર્ડીંગ કરે છે અને પછી વેબસાઈટ પર ચડાવી મારા જેવા મફતીયાવનું મનોરંજન મફતમાં ખાટલે સુતા કરે છે એવી પાર્ટીને થોડીક અગવડ જરૂર પડશે. કેમેરાની સામે ડીશો ફેકવા, ચા ની ચુસ્કી લેતા ડોકાઓ કે ક્યારેક છુટા હાથની મારામારીના સીન પણ રેકોર્ડ થઈ શકે. ઈંગ્લીશ ફિલ્મમાં ક્યાં પ્રકારનું જમવાનું સિનેમા હોલમાં લઈ જવાય એના પર ફૂડ બ્લોગરો અમદાવાદી નળિયા(ગાઠીયા) જેવડો લાંબો લચ્ચ બ્લોગ લખી સલાહો આપશે.

કેટલાક એટલા ધીમા હોય છે કે તેમનું જમવાનું પૂરું ન થવાના કારણે પાછળનો શો થોડો પાછળ ઠેલાશે. રાત આંધળા હટી હટીને દાબતા લોકોના લીધે ઇન્ટરવલ લાંબો રાખવો પડશે; ન રાખે તો સિનેમાની મુખ્યદ્વારની બહારની ડોકાબારી પર ફરિયાદનો મારો ચલાવાશે. “હજુ તો તમારા બેને બે થેપલા માંડ ખાધા ત્યાં તમે લોકો એ લાઈટો બંધ કરી દીધી ભાઈ! આવું નહી ચાલે હું ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરીશ.” ઘણા સિનેમા માલિકો ફિલ્મની જાહેરાતમાં એવું ખાસ લખશે કે અમારૂ સિનેમા ખાવાની વસ્તુ લઈ આવતા લોકોની સગવડતા માટે નીચે મુજબની સુવિધા પૂરી પાડશે. આવું કહી મેં ઉપર જણાવેલું લીસ્ટ જાહેરાતોમાં એટેચ્ડ કરી શકે છે. આવી ગળાકાપ હરીફાઈમાં પબ્લીસીટી તો કરવી પડે ને?

ટકો ખંજવાળતો હું વિચારે ચડ્યો છું કે 3D સિનેમામાં પ્રેક્ષકો જમવાને કઈ રીતે ન્યાય આપશે? 3D ફિલ્મમાં ખાસ ચશ્માં પહેરવા પડે છે, નહી તો પડદા પરનું ચિત્ર બરાબર દેખાય નહી. આ ચશ્મામાં થાળીમાં રહેલું પેલું થેપલું કેટલું નજીક દેખાય!? પ્રમાણભંગ થવાન યોગ તો છે જ. ડખ્ખો તો થવાનો જ બોસ. “જે થાય એ જોયું જશે પેલા આવો કાયદો આવવા દો પછી બીજી વાત. થેપલા તો અમે હાથમાં લઈ ભૂંગળું વાળીને ખાઈ લેશું.” આવું કોણ બોલ્યું?

આટલું લાંબુ લખ્યું એમાં ફિલ્મ પર તો કઈ ના લખ્યું મેં! હા એક વાત જ મારે ફિલ્મ વિષે કહેવી છે. ફિલ્મના ડાયરેક્ટર સેન્સર બોર્ડમાં એટલું જ કહેશે કે, “સાહેબ, જવા દો, આ સીન શા માટે કાપો છો. એક ચાની ચૂસકી અથવા તો સુકીભાજી સાથે થેપલાનું એક બટકું દાઢે ચડાવો ત્યાં તો આ સીન જતો રહેશે! રેવા દો પ્લીઝ.” સેન્સર બોર્ડના પ્રમુખ કદાચ પોતાની વાઈફ સાથે ફિલ્મ જોવા સિનેમા હોલમાં ગયા હોય અને આવી જ આપવીતી અનુભવી હશે તો ચોક્કસ માની જશે. “મોજ કર, ભલે રહ્યો આ સીન બસ.” બહારની ખાદ્ય વસ્તુ લાવવાના ચુકાદાથી સિનેમા જગતમાં અભૂતપૂર્વ ક્રાંતિ સર્જાશે.

એક અંતિમ આજીજી કરી મારા વિચારોના ઘોડાને ઘોડારમાં પૂરીશ. એ છે…તમે જો સોશિયલ મીડિયા પર હો તો ખાવાની વસ્તુ સિનેમામાં લઈ જવાની છૂટ આપતા ચુકાદાની વિરુદ્ધમાં હોય તેવા લોકોને ટેગ કરી કરીને સિનેમામાં ખાધેલી તમારી ખાલી ડીશોના ફોટા અપલોડ કરજો હો.

eછાપું

તમને ગમશે: eછાપું Exclusive: સુજાતા મહેતા વાત માંડે છે ચિત્કાર, પ્રતિઘાત અને ચિત્કારની

2 COMMENTS

  1. He he he, was visualizing the scenes while reading ? But on a serious note, those who really want the same rule to be implemented here would think again after reading ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here