Review: સૈરાટ એ સૈરાટ હતી અને ધડક એ ધડક છે

1
320

જ્યારે કોઈ એપિક ફિલ્મની રિમેક બનાવવાની આવે ત્યારે ડિરેક્ટરની જવાબદારી ખૂબ વધી જાય છે. એમાં પણ સૈરાટ જેવી મરાઠી સિનેમામાં ઈતિહાસ રચી ચૂકેલી ફિલ્મની રિમેક બનાવવામાં આવે તો તો… ધડક એ સૈરાટની રિમેક ભલે હોય પરંતુ સૈરાટના કટ્ટર ચાહકોને પણ કદાચ આ ફિલ્મ જોયા પછી ડીટ્ટો સૈરાટ જેવી ન પણ લાગે એવું બને.

ધડક

કલાકારો: જ્હાનવી કપૂર, ઇશાન ખટ્ટર, ખરજ મુખરજી અને આશુતોષ રાણા

સંગીત: અજય-અતુલ

નિર્માતાઓ: કરન જૌહર, હીરુ યશ જૌહર અને અપૂર્વ મહેતા

નિર્દેશક: શશાંક ખેતાન

રન ટાઈમ: 147 મિનીટ્સ

Photo Courtesy: hindustantimes.com

કથાનક

મધુ (ઇશાન ખટ્ટર) ઉદયપુરમાં લેક સાઈડ રેસ્ટોરન્ટ ચલાવતા એક સામાન્ય વ્યક્તિનો પુત્ર છે. મધુ શહેરના મોટા માણસ અને રાજકારણી રતનસિંઘ (આશુતોષ રાણા)ની પુત્રી પાર્થવીને (જ્હાનવી કપૂર) પ્રેમ કરે છે. અસંખ્ય પ્રયાસો બાદ ઇશાન પાર્થવીને મનાવી લે છે. પરંતુ અહીં પણ ઉંચી નીચી જાતિની તકલીફ આ બંનેના પ્રેમની વચ્ચે આવે છે અને રતનસિંઘનો વિરોધ સહન કરવાને બદલે પાર્થવી બળવો પોકારે છે અને મધુને પોલીસની ચુંગાલમાંથી છોડાવીને ભાગી જાય છે. બંને પહેલા મુંબઈ, નાગપુર અને પછી કોલકાતા જાય છે અને થોડા ઝઘડા પછી પોતાનો સંસાર વસાવે છે.

ટ્રીટમેન્ટ

સૈરાટની રિમેક હોવાથી જેમ આગળ આપણે વાત કરી એમ શશાંક ખેતાન પર જબરી જવાબદારી હતી. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું ત્યારેજ આ ફિલ્મને સૈરાટ સાથે સરખાવીને સોશિયલ મિડિયાના ધરાળ રિવ્યુકારોએ તેને ઉતારી પાડતી કમેન્ટ્સ કરી હતી. આ સમયે eછાપું પર આપણે કહ્યું હતું કે કદાચ એવું પણ બને કે ધડક પોતાની અલગ ઓળખ બનાવે અને સાવ સૈરાટ જેવી બિલકુલ ન બને.

લાગતું વળગતું: સૈરાટ વિરુદ્ધ ધડક – ફિલ્મોનું ભવિષ્ય ટ્રેલર જોઇને નક્કી ન થાય

અહીં બરોબર એવુંજ બન્યું છે. સહુથી મહત્ત્વની વાત અહીં એ થઇ છે કે નિર્દેશકે ધડક સૈરાટની ફ્રેમ ટુ ફ્રેમ કોપી નથી બનાવી. જ્યાં એવું લાગ્યું છે કે સૈરાટના અમુક દ્રશ્યો બોલિવુડ ઓડિયન્સ માટે જરૂરી નથી તો તેને અહીં ઇગ્નોર કરવામાં આવ્યા છે. ખાસકરીને અંત.

સૈરાટ અને ધડક બંને સામાન્ય લવ સ્ટોરીઝ છે જે આપણે કરોડો વખત બોલિવુડની ફિલ્મોમાં જોઈ ચૂક્યા છીએ. પરંતુ બંનેમાં આપવામાં આવેલો સામાજીક એંગલ અને ખાસકરીને સૈરાટનો અંત કોઇપણ ભાવુક વ્યક્તિને ઢંઢોળી નાખે તેવો હતો. પરંતુ, નસીબજોગે ધડકને બનાવનારાઓએ તેને સૈરાટથી અલગ અંત આપ્યો છે. પરંતુ ધડકનો અંત સૈરાટ કરતા ભલે અલગ હોય સાવ ઓછો અસરદાર તો નથી જ.

અદાકારી, સંગીત, નિર્દેશન વગેરે

ધડક આમપણ રિમેક છે એટલે જેણે પણ સૈરાટ જોઈ હશે એને આ ફિલ્મ બોરિંગ નહીં લાગે અને જેણે સૈરાટ નથી જોઈ તેને પણ અત્યારસુધીમાં આવી ગયેલી ઘણીબધી ‘ચો ચ્વિટ’ લવ સ્ટોરીઝ કરતા અલગ અને કઠોર લવ સ્ટોરીનો ગત સદીમાં અમે માણેલો નવો અનુભવ અનુભવવામાં મજા આવશે.

ઇશાન ખટ્ટર અને જ્હાનવી બંને ઈમ્પ્રેસ કરી જાય છે. શ્રીદેવીના આજન્મ ફેન તરીકે એમ કહેવાનું જરૂર મન થાય કે જ્હાનવીની આંખો, એનું કપાળ અને એની ભ્રમરો આખી ફિલ્મ દરમ્યાન સતત એની મમ્મીની યાદ અપાવે છે. અદાકારી પણ બંને નવા કલાકારોએ કરી જાણી છે અને બંને લાંબી રેસના અનુક્રમે ઘોડી અને ઘોડા છે, જો હવેની ફિલ્મો બરોબર વિચારીને સાઈન કરશે તો. ફિલ્મમાં આશુતોષ રાણા સિવાય કોઇપણ અન્ય જાણીતો અદાકાર નથી અને આશુતોષ રાણાએ એમની ઈમેજ પ્રમાણે કામ કરી દેખાડ્યું છે.

નિર્દેશક શશાંક ખેતાન અને નિર્માતા કરન જૌહરે સૌથી ડાહ્યું કામ એ કર્યું છે કે સંગીતકાર તરીકે સૈરાટની જ જોડી અજય-અતુલને અહીં પણ જાળવી રાખ્યા છે. ફિલ્મના ચાર ગીતોમાંથી ઝીંગાટ જો મરાઠીમાં સાંભળવું વધુ ગમે તો બાકીના ગીતો હિન્દીમાં માણવાની વધુ મોજ પડે છે, એમાંય ટાઈટલ સોંગ થિયેટરની બહાર આવીને પણ સતત ગણગણ્યા કરવાનું મન થાય એવું છે. મારા જેવા કલકત્તા સોરી કોલકાતા ચાહકો માટે તો વળી અહીં કોલકાતાને, હાવડા જંક્શન, રોબિન્દ્ર સેતુ અને હાવડા બ્રિજને ફરીથી જોવાનું બોનસ પણ મળે છે.

શશાંક ખૈતાન આપણા માટે હવે નવું નામ નથી. આમ તો આપણે આગળ વાત કરી એમ ધડક ને ધડક બનાવી રાખીને તેમજ સંગીતકારો જાળવી રાખીને એમણે અડધો જંગ જીતી લીધો છે. ધડક જોતા અગાઉ એક લાગણી એવી પણ હતી કે શું પાર્થવી એ આર્ચી જેટલીજ હિરો કરતા પણ સવાયી પ્રભાવશાળી હશે? શશાંક ખૈતાને જ્યાં જરૂર પડી છે ત્યાં જ્હાનવીને ઇશાન કરતા વધારે પ્રભાવશાળી દેખાડી છે અને બંને પાસેથી એ પ્રકારની એક્ટિંગ પણ કરાવડાવી છે. સહુથી મહત્ત્વની વાત કે રાજસ્થાનનું બેકગ્રાઉન્ડ હોવા છતાં ઉંચનીચની જાતિગત વાતો એમણે અન્ડર ટોનમાં રાખી છે એ પણ એમની સફળતા ગણાય કારણકે પદમાવતનું ઉદાહરણ આપણા માટે જુનું નથી જ.

છેવટે…

છેવટે એટલું કહી શકાય કે ધડકને જોવા જઈએ તો આપણે એક નવી હિન્દી ફિલ્મ જોવા જઈએ છીએ એટલુંજ વિચારવાનું છે. ધડક મહાન કે અદભુત ફિલ્મ નથીજ, આ એક સામાન્ય લવ સ્ટોરી છે જે બોલિવુડના સ્ક્રિન પર વારંવાર કહેવાઈ ગઈ છે, ફરક માત્ર એટલો જ છે કે આ એક મરાઠી ફિલ્મની રિમેક છે, બસ એટલુંજ. જો તમે સૈરાટના ચાહક છો તો તમને ખબર જ છે કે ખુદ નાગરાજ મંજુલે પણ ફરીથી સૈરાટ બનાવે તો પણ એવી નહીં બને. આથી ધડક એ ધડક છે અને સૈરાટ એ સૈરાટ છે એટલે જાજી અપેક્ષા વગર માત્ર ફિલ્મ માણવાની દ્રષ્ટિએ તેને જોવામાં આપણું જ હિત સમાયેલું છે.

૨૦.૦૭.૨૦૧૮, શુક્રવાર

અમદાવાદ

eછાપું

તમને ગમશે: Xiaomi નો Redmi Note 5 Pro – આધુનિક ટેક્નોલોજી મળશે અને ખિસ્સું પણ ખુશ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here