શું ‘નમૂને’ સિરીયલ પુ.લ.ની છબીને આધારે TRP પુલ કરી શકશે?

1
288
Photo Courtesy: marathistars.com

વાચકમિત્રો, ગયા મંગળવારે આપણે પુ.લ.દેશપાંડેના જીવનચરિત્ર વિશે વાતો કરી. આજે એમણે લખેલા ચરિત્રો વિશે વાત કરવી છે. આ ચરિત્રો અને પાત્રો પર આધારિત શ્રેણી સબટીવી પર શરૂ થઈ. જે રીતે ‘વાગલે કી દુનિયા’ થી લઈને ‘આર.કે.લક્ષ્મણ કી દુનિયા’ – દરેક સિટકોમના કેન્દ્રમાં રહેલો હતો મારા તમારા જેવો મધ્યમવર્ગીય આમ-આદમી! એ જ રીતે નમૂને ના કેન્દ્રમાં રહેલો છે નિરંજન અગ્નિહોત્રી નામનો મોંઘવારીથી ત્રસ્ત, મિડલક્લાસની હાડમારી વેઠતો સાદો-ભોળો-સામાન્ય માણસ. પોતાની પત્ની, માતા અને બે સંતાનો સાથે રહેતો નિરંજન દરેક સુખમાં કંઈક ને કંઈક ખામી કાઢતો જ હોય એવું પ્રોમોસમાં બતાવવામાં આવ્યું છે. પણ એના દુઃખોને દૂર કરવાની દવા લઈને એક દિવસ પ્રગટ થાય છે ‘પુ.લ. દેશપાંડે’. અને પુ.લ. એકલા નથી, એમની સાથે છે એમના નમૂને.

Photo Courtesy: marathistars.com

1943માં વડોદરાથી રજૂ થતા મેગેઝીન ‘અભિરુચી’ના એક અંકમાં પુ.લ.એ ‘અન્ના વડગાંવકર’ નામનું એક વ્યક્તિચિત્ર લખ્યું. એ માસિકના જાણકાર વાચકો માટે પુ.લ.નું નામ નવું હતું પણ વાચક-મંડળમાં એમનું લખેલું વ્યક્તિચિત્ર ખૂબ જ ગાજ્યું. કોમેડીના ક્ષેત્રમાં આ નવો નિશાળિયો કોણ? આવા સવાલો અને ઉત્કંઠા લોકોમાં થવા લાગી. આ ક્ષેત્ર એ સમયે અત્રે, શામરાવ ઓક, ચિં.વિ. જોશી નામના હાસ્યલેખકોથી ગાજતું હતું. બીજા પણ ઘણાં હાસ્યલેખકો હતાં જે જનતા જનાર્દનને હસાવવા માટે ફાંફા મારતાં. એવામાં આ તેજપુરુષ લોકોના આંખોમાં અંજાઈ ગયો.

તેઓ હંમેશા કહેતાં કે विदूषक, गायक आणि लेखक आहे माझ्या मनात એટલે કે એમની અંદર એક વિદૂષક (કે જોકર), એક લેખક અને એક ગાયક હંમેશા રહેલો હોય. કોણ કયા સમયે, કોની સામે બહાર આવી જાય એની કોઈ ગેરેંટી નહીં. પુ.લ.નો દેખાવ એવો હતો કે કાર્ટૂનિસ્ટો હંમેશા એમના ચિત્રો દોરવા માટે ઉત્સુક રહેતા. એમના પિતાશ્રી કાગળના વેપારીને ત્યાં નોકરી કરતા ત્યારે એમણે સપનેય વિચાર્યું નહીં હશે કે આપણો પુત્ર આ જ કાગળો પર ઉચ્ચ કોટીનું સાહિત્ય લખનારો બેતાજ બાદશાહ બનશે.

લાગતું વળગતું: પુ.લ. દેશપાંડેને આપણે તારક મહેતાની હરોળના દિગ્ગજ કહી શકીએ?

ખરી વાત તો એ છે કે પુ.લ.ના દરેકે દરેક પુસ્તક સુપર-ડુપર હીટ રહ્યાં છે પણ એમના મરાઠી સાહિત્યરસિકોને ગોખાઈ ગયેલા બે પુસ્તકો એટલે ‘વ્યક્તિ આણી વલ્લી’ અને ‘બટાટ્યા ચી ચાળ’. ‘વ્યક્તિ આણી વલ્લી’ પુસ્તકમાં 20 પાત્રાલેખન છે અને આ પાત્રોના આધારે એ જ નામના કેટલાક નમૂને સબ ટીવીએ લોકો સમક્ષ મૂક્યા છે. આ દરેક વ્યક્તિઓમાં વલ્લી (ચરિત્રો) પણ છે અને દરેક વલ્લીમાં વ્યક્તિત્વ પણ છે! પુ.લ.ની 60મી વર્ષગાંઠ પર કોઈએ કહ્યું કે આટલું સરસ, સર્વતોમુખી (Versatile) જીવન જીવ્યા છો તો તમે આત્મકથા કેમ નથી લખતા? ત્યારે પુ.લ.એ જવાબ આપ્યો કે ‘મેં લખેલા પાત્રો જ મારી આત્મકથા છે.’ એમની જે ડોક્યુમેન્ટ્રીની વાત ગયા લેખમાં કરેલી એ જ વિડીયોમાં દૂધવાળો, છાપાવાળો, મીઠા(નમક)વાળો, બટેટા-કાંદાવાળો, ભંગાર-બાટલી વાળો, વેણીવાળો, હાપુસ-પાયરી કેરી વાળો, વિક્ટોરિયા ઘોડાગાડીનો અવાજ, અને કુલ્ફીવાળો કેવા જુદા જુદા અવાજે પોતાની જવાબદારીઓ નિભાવે છે એ દરેકના અવાજ આબેહૂબ કાઢીને પુ.લ. હાસ્ય ઉત્પન્ન કરે છે.

જો કે નમૂને ના ટ્રેલરમાં ફક્ત પાંચ નમૂને લોકો સમક્ષ મૂકાયા છે – નારાયણ, નામૂ પરીટ, નાથા કામત, પરોપકારી ગંપૂ અને બબડૂ. બીજા પંદર વ્યક્તિત્ત્વના નામ છેઃ હરિતાત્યા, સખારામ ગટણે, નંદા પ્રધાન, બોલટ, ભય્યા નાગપૂરકર, દોન વસ્તાદ, ગજા ખોત, અન્ના વડગાંવકર, ચિતળે માસ્તર, લખૂ રિસબૂડ, બાપૂ કાણે, તે ચૌકોની કુટુંબ, તો, પેસ્તનકાકા અને અંતૂ બર્વા! આ બધાં પણ ધીમે ધીમે આવશે એવી આશા છે. આ દરેક પાત્રો વિશે લખવું તો અહીં શક્ય નથી, પણ મરાઠી માનસપટલ પર છવાયેલા પાત્રો વિશે થોડી માહિતી આપી દઉં.

સૌથી પહેલું પાત્ર છે ‘નારાયણ’, જેનો અભિનય સિરીયલમાં દેવેન ભોજાણી કરે છે. નારાયણ એક સાર્વજનિક નમૂનો છે. આવા નમૂને દરેક કુટુંબમાં હોય જ. કોઈપણ મંગળ કાર્યમાં સમાજસેવા અને સ્વયંસેવકગિરી કરવી એ એનો જન્મસિદ્ધ અધિકાર છે. ખાસ કરીને લગ્ન પ્રસંગમાં દરેક વસ્તુમાં એને (અને ફક્ત એને જ) સૂચકો પડતો હોય. પહેલી વાર છોકરા-છોકરી જોવાનો પ્રોગ્રામ હોય ત્યાંથી મંડપમાં કન્યા વિદાય થાય ત્યાં સુધી નારાયણ સૌનો માનીતો એકમેવ સોર્સ ઓફ એવરીથીંગ હોય. લગ્નની ખરીદી વખતે કઈ દુકાને શું સારું મળે, લગ્નમાં કોને શું પહેરામણી કરવી, કંકોત્રીનું પ્રૂફરિડીંગ, ડિઝાઈન, છાપખાનું, કયા ફોન્ટ અને રંગ વગેરેમાં નારાયણ વગર પાંદડું ન હલે.

બીજું પાત્ર ‘પરોપકારી ગંપૂ’. આ પાત્ર પરેશ ગણાત્રા ભજવશે. ગંપૂ વિશે પુ.લ. લખે છે કે ગંપૂનો જન્મ જ હિતચિંતક તરીકે થયો હશે. પોતાના જન્મ વખતે માતાને નહીં પણ સુયાણીને તો ગંપૂએ પૂછ્યું જ હશે, “કેમ છો ગોપિકાબેન, તબિયત-પાણી સારા ને?” પિતાના વારસાને આગળ ધપાવવા કે માતાની વાત્સલ્યભાવનાએ તૃપ્ત કરવા નહીં, ગંપૂનો જન્મ લોકો પર ઉપકાર કરવા માટે જ થયો છે. ગંપૂ કપડાં સીવડાવે છે એ બાબૂરાવ દરજી પર ઉપકાર, ત્રણ ટંક જમે છે એ દુકાનો અને હોટલો પર ઉપકાર, સરકારી કચેરીમાં નોકરી કરે છે એ પંચવાર્ષિક યોજનાઓ પર ઉપકાર, સ્કૂલ-કોલેજમાં ભણે છે એ શિક્ષકો-પ્રોફેસરો પર ઉપકાર, ગંપૂએ લગ્ન કર્યા એ પણ શ્વસૂરપક્ષ પર ઉપકાર. આવો પરોપકારી ગંપૂ લોકોનું ભલું કરવા જાય પણ ઊલ-માંથી-ચૂલ-માં પડતો રહે છે.

નેક્સ્ટ નમૂને ઈઝ, સખારામ ગટણે. એક વાચકે પુ.લ.ને એકવાર પત્ર લખેલો કે તમારી સાહિત્યસાધનાનો સમય કયો? આ પત્રથી પ્રેરણા લઈને પુ.લ.એ ‘સખારામ ગટણે’નું પાત્રાલેખન કર્યુ. સખારામ ગટણે એ સાહિત્યરસિક, જોડણીરસિક, શુદ્ધ ઉચ્ચાર રસિક એવું પાત્ર છે જે 110% ચોખ્ખું મરાઠી બોલે છે. જુદા જુદા સાહિત્યકારોએ તેમના પુસ્તકો અને લેખોમાં કયા પૃષ્ઠ પર કયું વાક્ય લખ્યું છે એ સખ્યાને મોઢે હોય. પુસ્તકોમાંથી આવા ક્વોટ્સ શોધી આવે અને પાનાં પર લખે. પછી એ જ લેખકનો ક્વોટ નીચે ઓટોગ્રાફ લે અને પોતાની રૂમમાં ફ્રેમ કરીને લટકાવે. આવા ને આવા ક્વોટ ભેગા કરવામાં પુ.લ.ના જ લખેલા એક ક્વોટ ‘સાહિત્ય સાથે એકનિષ્ઠ રહો’ને સાચું માની લગ્ન માટે આનાકાની કરતો સખારામ ગટણે.

ભય્યા નાગપૂરકરનું પાત્ર એ પુ.લ.ની કોલેજમાં લોકોની નજરમાં ખોટી રીતે છવાયેલું રહેતું. લખનઉથી આવેલો એક દિલદાર ભૈયો સર્વસાધારણ લોકો માટે ‘એક નંબરનો મવાલી’ બની જાય છે. પુ.લ. સાથે એનો એક અજીબ રિશ્તો છે – શેરો-શાયરીનો. એક ચાની લારીએ ‘ઓ પિલાનેવાલે નજરસે નજર મિલા કે પિલાઓ’ જેવી શાયરીથી બંનેની ઓળખાણ થાય છે અને કોલેજકાળની યાદોને વાગોળતું આ પાત્ર પુ.લ.ના મનની ખૂબ જ નજીક હતું.

ચિતળે માસ્તરનું પાત્રાલેખન લગભગ ૧૪ પાના ભરીને લખાયેલું છે. ડાબા હાથમાં ધોતિયું પકડેલું, એક સમયે વાદળી રંગનો હશે એવી શંકા ઉત્પન્ન કરનારો ખાદીનો ડગલો, મસ્તકને નૈઋત્ય-ઈશાન દિશા દેખાડનારી કાળી ટોપી, ટોપીમાંથી બહાર આવતા બે-ચાર વાળની લટ, રામ ગણેશ ગડકરીને હતી એવી મૂંછો. ‘એક્વાર ચિતળે માસ્તરના હાથમાં બાળક સોંપી દીધું પછી વાલીને કોઈ જ પ્રકારની ચિંતા નહીં, એવું લોકોના મનમાં ચિતળે માસ્તર ઘર કરી ગયા હતા. ટાઈમટેબલમાં કોઈ પણ વિષયનો પિરીયડ હોય, જે વિષયનું પુસ્તક ચિતળે માસ્તર લઈને આવ્યા હોય એ જ પિરીયડ માનવામાં આવતો.

‘અરે, પુરાવો આપીને સાબિત કરીશ’ એવું વાતે વાતે કહેનારા, લોકોને ‘અરે’-‘તુરે’-‘તુંકારે’ બોલાવનારા હરિતાત્યા પુ.લ.ના ઘરના એક સભ્ય જેવા જ હતાં. માદરપાટનું પહેરણ, પોતળી અને માથે ટોપી (જેની પહેરવાની સ્ટાઈલ જોઈને પુ.લ.એ નામ રાખેલું – હોકાયંત્ર ફેશન). મરાઠી ઈતિહાસના પાત્રો – તુકારામ, શિવાજી મહારાજ, રામદાસ સ્વામી, મોરોપંત, વામનપંડિત – ને પોતે સાથે એક શેરીમાં રહેતાં હોય એમ ઓળખતાં અને ગણપતિની આરતી ગાતી વખતે શબ્દોને અનુરૂપ અભિનય પણ કરી જાણતાં.

નમૂને માં છેલ્લું પણ મહત્ત્વનું પાત્ર છેઃ બબડૂ. આ પાત્ર તદ્દન એક મુંબઈના ભાઈ જેવું. પુ.લ. સાથે સ્કૂલમાં ભણતો. હુતુતૂ અને ક્રિકેટ સરસ રમતો. ગામની ગુંડાઓની ઝૂંપડપટ્ટીમાં રહેતો. બેક બેન્ચર હતો અને છેલ્લી પાટલીએ સૂઈ જતો. શિક્ષકો પણ બબડૂને વધુ ગણકારતાં ન હતા, અથવા તો વતાવતા ન હતા. પરીક્ષાના રીઝલ્ટ પર પોતે જ પોતાના વાલીની સહી કરતો, અને કહેતો, અપના બાપ અખ્ખા દિન દારૂ પીકે પડા રહેતા હૈ….સ્કૂલ પછી કોઈ મારવાડીના ઘરે દરોડા પાડવાના દોષે જેલમાં પણ ગયેલો. પણ દિલનો ખૂબ જ સાફ હતો.

મજાની વાત એ છે કે એમના આ પાત્રોને ફક્ત પુસ્તકમાં જ વાંચી શકાય એવું નથી. પોતે એ પાત્રો વિશે લખ્યા પછી દરેક પાત્રાલેખન એમણે સ્વમુખે લોકો સમક્ષ વાંચન કરીને એને Youtube પર ફ્રી મૂક્યાં છે. જ્યારે મન પડે ત્યારે જુઓ, સાંભળો અને પેટ ભરીને હસો.

પડઘોઃ

ચોરી કરવામાં કંઈ જ ખોટું છે કે નહીં એ તમે શું ચોરી કરો છો એના પર આધાર રાખે છે. કોઈનું મન ચોરવું, એમાં શું ખરાબ છે?

– પુ.લ.

eછાપું 

તમને ગમશે: ફેસબુક અને પોલીટીક્સ- ડેટા સે ખુલ્લમ ખુલ્લા પ્યાર કરેંગે હમ દોનો

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here