મોબ લીન્ચિંગ પરની ચર્ચા: કહીં પે નિગાહેં હૈ ઔર કહીં પે નિશાના હૈ

0
525
Photo Courtesy: dnaindia.com

આજકાલ ન્યૂઝ ચેનલો જોઈએ તો એમ લાગે કે ભારતભરમાં ટોળાશાહી ચાલી રહી છે અને દેશ આખો મોબ લીન્ચિંગ જેવા નવા શોખને માન આપી રહ્યો છે. મોબ લીન્ચિંગ જાણેકે ભારતનો ફેવરીટ ટાઈમપાસ હોય એ પ્રકારે આખા વિષયને ચિતરવામાં આવી રહ્યો છે અને જેને કારણે મૂળ મુદ્દા પરથી ધ્યાન ભટકી ગયું છે અથવાતો ભટકાવવામાં આવી રહ્યું છે.

Photo Courtesy: dnaindia.com

મુદ્દો શું છે? મુદ્દો છે ગેરકાયદેસર ગાયની કતલ. દેશની એંશી ટકા બહુમતિ ધરાવતા હિન્દુ સમાજમાં પણ ગૌમાંસ ખાવા અંગે વિવિધ વિચારો અસ્તિત્વમાં છે, પરંતુ મોટેભાગે હિન્દુઓ ગાયને પવિત્ર માને છે અને પોતાની માતાનું સ્થાન તેઓ આપતા હોય છે. જો કે રસ્તે રખડતી આપણી આ માતાઓ માટે આપણે શું વિચારીએ છીએ એ વળી ચર્ચાનો બીજો વિષય છે.

પરંતુ એનો મતલબ એવો તો નથી જ કે રખડતી ગાયોની કતલ જ કરવા માંડવાની? આજકાલ રાજસ્થાનના અલવરમાં જે રીતે ગાયની તસ્કરીના શકમાં એક વ્યક્તિને ટોળાએ ન્યાય તોળીને તેને મારીમારીને મૃત્યુને શરણ કર્યો એ કોઇપણ સભ્ય સમાજ માટે શરમજનક ઘટના છે. પરંતુ જો વધુ તપાસ કરવામાં આવે તો છેલ્લા ઘણા વર્ષોથી અલવર અને મેવાતનો એ આખો બેલ્ટ ગાયની તસ્કરી માટે કેમ બદનામ છે એ અંગે કોઈને પણ ચર્ચા કરવાની જરૂર નથી લાગી.

લાગતું વળગતું: શું કોંગ્રેસ મુસ્લિમ પાર્ટી છે એટલે જ્યોતિરાદિત્ય એ નારીયેળ ફેંકી દીધું?

જો રાજસ્થાન સરકાર જ્યાં છેલ્લા બે-ત્રણ વર્ષથી વારંવાર મોબ લીન્ચિંગ જેવી જઘન્ય ઘટનાઓ બને છે તેને રોકવામાં નિષ્ફળ ગઈ છે તો તે એ વિસ્તારમાં ગાયની તસ્કરી રોકવામાં પણ નિષ્ફળ ગઈ છે એ મુદ્દો આગળ લાવવામાં કદાચ કોઈને પણ રસ નથી, એ લોકોને પણ નહીં જે હિન્દુઓના ઠેકેદારો છે અને દર વર્ષે હિન્દુઓની લાગણીઓને મત રૂપે એનકેશ કરી લેતા હોય છે.

મોબ લીન્ચિંગ અમાનવીય છે પરંતુ બહુમતીની લાગણી ગાય પ્રત્યે હોવા છતાં પોતાની ભૂખ સંતોષવા ગમેતે રીતે ગાયને પકડી જઈને એની કતલ કરવી જ કરવી એ ક્યાંનો ન્યાય? શું આ મુદ્દે પણ ચર્ચા કરવાની કોઈને જરૂર લાગે છે ખરી?

મોબ લીન્ચિંગ એ મુખ્યત્વે અફવામાંથી ઉદભવતી ઘટના છે. માત્ર ગાયોની તસ્કરી જ નહીં પરંતુ હાલમાં આપણે ગુજરાતમાં બાળકોને ઉઠાવી જતી ટોળી અંગે પણ મોબ લીન્ચિંગની ઘટનાઓ થવાનો અનુભવ કર્યો હતો. તો આ અફવાઓ ફેલાવે છે કોણ એની તપાસ કરવાની કોઈએ ફિકર કરી કે નહીં? શું આ કોઈ રાજકીય લાભ લેવાની પેરવી ન હોઈ શકે? શું માત્ર હિન્દુ તરફી સંસ્થાઓ જ ભડકાઉ પ્રવૃત્તિ કરી શકે? હિન્દુઓની ગાય પ્રત્યેની લાગણીઓનો દુરુપયોગ કરી અને ખોટી અફવાઓથી તેને ભડકાવીને મુસ્લિમોના મત અંકે કરી લેવાની કોઈની દાનત પણ હોય એવા એન્ગલથી કોઈએ વિચાર કર્યો ખરો?

મોબ લીન્ચિંગ એટલેકે ટોળાનો ન્યાય ખોટો છે અને દેશમાં કાયદાનું શાસન છે તો જરા પણ શંકા હોય એવા કિસ્સામાં પહેલા પોલીસ ફરિયાદ કરવી જોઈએ એવી સામાન્ય સમજ આપણે ત્યાં સામાજીક સંસ્થાઓ અથવાતો NGOs ફેલાવવાની ક્યારે શરુ કરશે? શું પર્યાવરણની જાળવણી કે પછી અમન કી આશા એ જ દેશ માટે મહત્ત્વના છે અને સામાજીક જાગૃતિ એમના લિસ્ટમાં છેલ્લું સ્થાન ધરાવે છે?

એક સમજદાર નાગરિક તરીકે આપણે પણ તમામ મુદ્દે વિચારવાની જરૂર છે. મોબ લીન્ચિંગ ખોટું છે એટલે છે જ પછી આપણે 1984ના શીખ નરસંહાર કે પછી 2002ની સાબરમતી એક્સપ્રેસની ઘટના પણ થઇ હતી એમ કહીને અન્યો પર દોષારોપણ કરીને છટકી જવાની કોશિશ ન કરવી જોઈએ. જો આપણા સમાજમાં સમજદારી ઓછી છે અને આપણે તેને સીધી રીતે સુધારી નથી શકતા તો શું આપણે સોશિયલ મિડિયાનો સહારો લઈને આપણા વિચારો ફેલાવવાની નાની અમથી કોશિશ ન કરવી જોઈએ?

અન્યોની ભાવનાને પૂરતું સન્માન આપવું અને ગુનેગારને સજા ન્યાયતંત્ર આપશે સરફિરાઓના ટોળા નહીં આટલી સમજ વિવિધ સમાજો કેળવે અને ન્યાયતંત્ર જેમાં પોલીસ પણ સામેલ છે એ કોઇપણ ઘટનાના મૂળ સુધી જવાના બનતા પ્રયાસ કરે અને આવા મામલામાં ગુનેગારને પકડી લઈને ત્વરિત કાર્યવાહી કરે તો પ્રજાનો વિશ્વાસ ન્યાયતંત્રમાં પુનઃ સ્થાપિત થશે અને ધીમેધીમે મોબ લીન્ચિંગ ઉર્ફે ટોળાનો ન્યાય ખતમ થઇ જશે.

eછાપું

તમને ગમશે: ક્રિકેટ, કોંગ્રેસ અને નમો વિષે નવજોત સિદ્ધુ પોતાનું બેબાક મંતવ્ય આપે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here