ઓફીસમાં મન ન લાગે અને ગુલ્લી મારવી પડે એ આપણો જન્મસિદ્ધ અધિકાર છે. પણ અહિયાં પશ્ન છે કે તમે ઓફીસમાંથી ગુલ્લી મારવા કઈ હદ સુધી જઈ શકો છો?
લોકો પોતાના દાદા દાદીને વહેલા કે પછી ફરી એકવાર સ્વર્ગે સિધાવી દેતા હોય છે છે બસ એક દિવસની રજા લેવા માટે. ગુલ્લી મારવા સૌથી કોમન કારણ છે તબિયત ખરાબ હોવી. એમાં પણ માથું દુખવું, એ એવી બીમારી છે કે જેના લક્ષણ બહાર નથી દેખતા એટલે જરાક માથા પર હાથ રાખો એટલે બોસ રજા આપી દે, પણ આ વાર્તા છે એક એવા ભાઈ ની કે જેણે પોતાની ગુલ્લી મારવાના ચક્કર માં અમેરિકી સરકાર ને 450 મીલીયન ડોલર નું નુકશાન કરવી નાખ્યું.
કેસી ફ્યુરી(ના, એ નીક ફ્યુરીનો કોઈ સગો નથી) એ એક સિવિલિયન પેન્ટર અને સેન્ડ બ્લાસ્ટર છે. તો ઘટના કૈક એવી બની, 23 મે 2012ના રોજ આ ભાઈ અમેરિકાની પરમાણુ સબમરીન USS MIAMI પર કામ કરતા હતા. એ સબમરીન આલા ગ્રાન્ડ હાલતમાં હતી પણ એને હજી વધારે વર્ષો સુધી કામમાં ચાલુ રાખવા એનું સમારકામ થઇ રહ્યું હતું.

હવે એક વસ્તુ જાણવા જેવી, આ સબમરીનનો ઈતિહાસ એટલો જોરદાર છે કે એની પાછળ અમેરિકન સરકાર ગમેતે ખર્ચો કરવા તૈયાર હતી. આ પહેલી સબમરીન હતી જેણે બીજા વિશ્વયુધ પછી સેનાના બે ઓપરેશનમાં ભાગ લીધો. એક હતો ઓપરેશન ડેઝર્ટ ફોક્સ જે ઈરાક પર બોમ્બમારો કરવાનું હતું અને બીજું હતું ઓપરેશન એલાઈડ ફોર્સ જે નાટો દ્વારા યુગોસ્લાવિયા પર બોમ્બમારો કરવાનું હતુ, અને હા, આ એક ન્યુક્લિયર સબમરીન હતી.
તો એ દિવસે આપણા કેસી ભાઈ થોડા ડિપ્રેસ હતા, એને ગુલ્લી મારીને ઘરે જવું જતું પણ જવાય એમ નહતું. એને એક વિચાર આવ્યો, કોઈ પણ જહાજ કે સબમરીનમાં કોઈ દુઘર્ટના થાય, ભલે સાવ નાની કેમ ના હોય તો એની મહિનાઓ સુધી એની જાંચ પડતાલ થાય. એટલે એણે પોતાના ખિસ્સા માંથી લાઈટર કાઢ્યું અને એક પ્લાસ્ટિકની કોથળીને સળગાવી અને બહાર જતો રહ્યો.

એને ક્યાં ખબર હતી કે એ “નાનકડી” આગ થી શું થઇ શકે છે. એ આગ લીવીંગ ક્વાટર એટલે કે જ્યાં લોકો સુવે છે, કમાંડ સેન્ટર અને ટોરપીડો રૂમ સુધી પહોચી ગઈ. સાત જણા એ આગમાં ઘાયલ થયા અને એ આગ બુઝાવતા 100 ફાયર ફાઈટરની ગાડીઓ ને બાર કલાક લાગ્યા. સબમરીનની અંદર કોઈ પણ બે મિનીટથી વધારે આગ ઓલવા રોકાઈ નહતું શકતું કેમકે ગરમી જ એટલી હતી.
લાગતું વળગતું: વ્લાદિમીર પુતિન એકવાર પેસેન્જર એરક્રાફ્ટને ઉડાવી દેવાનો હુકમ આપી ચૂક્યા હતા |
ભલું થાજો કે એ આગ ન્યુક્લિયર રીએક્ટર સુધી ન પહોચી, બાકી અમેરિકાના લોકોને પહેલી વાર અનુભવ થાત કે હિરોશીમા ને નાગાસાકીવાળા ને કેવું લાગ્યું હશે. અને પેલો ભાઈ બહાર ઉભો ઉભો જોતો હતો કે સેકડો ફાયર ફાઈટર માત્ર ગુલ્લી મારવાના આશયથી એણે લગાવેલી આગને બુજાવવા કેટલી મેહનત કરતા હતા. આ ઘટનાથી એને એટલો સદમો લાગ્યો કે એને યાદ પણ ન રહ્યું કે એ તે દિવસે ત્યાં હતો કે નહીં.
અમેરિકન સરકારને તો આ આગથી 450 મિલીયન ડોલરનું નુકશાન થયું અને પેલા કેસી ભાઈને સત્તરવર્ષ ની જેલ ની સજા. પડ્યા ઉપર પાટું એમ પડ્યું કે એને 400 મિલીયનની ભરપાય નો આદેશ આપવામાં આવ્યો. એટલે હવે આખી જિંદગી જે કઈ કમાઈ એ બધું સરકાર ને આપી દેવાનું.
પછી એ લોકો વધારે માહિતી મેળવી કે કુલ કેટલું નુકશાન થયું અને હજી કેટલા ડોલર્સ લાગશે સમારકામમાં, તો ખબર પડી કે આનું બીલ તો 750 મીલીયન ડોલર સુધી પહોચશે. એ સમયે અમેરિકામાં બજેટ કટ ચાલતું હતું એટલે સરકાર પાસે એટલા ડોલર્સ જ ન હતા. પરિણામે એક સારી કંડીશનની ન્યુક્લિયર સબમરીન ને ભંગાર માં નાખી દેવી પડી, બસ એટલે માટે કે એક ભાઈ ને ગુલ્લી મારીને ઘરે જવું હતું અને એની પાસે કોઈ બહાનું નહતું.
મારા ખ્યાલથી આ ઈતિહાસનો એકલો એવો કિસ્સો હતો કે જેમાં નોકરી પરથી ગુલ્લી મારીને રજા લેવાના ચક્કર માં એટલું બધું નુકશાન કરાવી નાખ્યું. એટલે હવે જો તમને ઓફીસમાંથી ગુલ્લી મારીને રજા લેવાનું મન થાય તો USS MIAMIને યાદ કરીને સીધા સાદા બહાના બનાવજો ઓકે?
eછાપું
તમને ગમશે: આધુનિક ભારતને મૂંઝવતો પ્રશ્ન – નારી તું ખરેખર નારાયણી છે ખરી?