“આજે તમે જરા બહાર જશો સાંજે? અને હા… બાળકોને પણ સાથે લઈ જજો.” અથવા તો, “આજે બપોરથી સાંજ હું બહાર છું. જરા બાળકોને ધ્યાન આપજો.” પહેલાં તો પતિદેવોને સમજવું પડે કે આ વિનંતી હતી કે ઓર્ડર!! પણ સાદી ભાષામાં, વિનંતી સમજો કે ઓર્ડર, પતિએ દર મહિને એક વાર બાળકોને સાથે લઈને બહાર જવું જ પડે અથવા બાળકોને ઘેર મમ્મી વગર રહેવું પડે, તેવી સ્થિતિ ઉભી થવા પાછળ એક જ કારણ છે, કિટ્ટી પાર્ટી!

જેમ સોસાયટીમાં સાર્વજનિક ગણપતિ હોય, નવરાત્રિ હોય, હોળી રમાતી હોય, તેવી જ રીતે મોટા ભાગની સોસાયટીમાં એક કિટ્ટી ગ્રુપ હોય જ. આ ગ્રુપ, અલગ અલગ રીતે ભેગા થવાના નિયમો પર ચાલતું હોય છે. ફંડ ફાળો ઉઘરાવીને “ઘરનાં” નિયમો પર ચાલતી આજનાં જમાનાની કિટ્ટી પાર્ટી વિશે આપણે થોડું જ્ઞાન પ્રાપ્ત કરીએ.
દર મહિને નક્કી કરેલી તારીખે અથવા તો પતિદેવની નોકરી કે ધંધાને ધ્યાનમાં રાખીને, જેમનો વારો હોય તે સન્નારી, અગાઉથી કિટ્ટી ગ્રુપમાં કેમ વટ પાડવો, તેના માટે કમર કસી લે છે. થીમ બેઝ કિટ્ટી પાર્ટીનું ચલણ પણ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળે છે. જાતજાતના વસ્ત્રો પહેરીને, ભાતભાતના પોઝ આપીને, એ ફોટાઓનો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ઉપર પ્રહાર કરવામાં આવે છે. કદાચ મોટી ઉંમરની મહિલાઓ માટે પણ આ નવું નથી.
લાગતું વળગતું: દીકરીનાં માતાપિતા માટે Menstruation (માસિક સ્ત્રાવ) વિશે અગમચેતી જ સાવધાની |
પહેલાના સમયમાં કિટ્ટી પાર્ટી, એટલે કોઈ એક ઘેર ભેગા થઈ, જરાક અમથી ગોષ્ઠી કરી, ચા – કોફી વિથ નાસ્તા ગ્રહણ કરી, બીજા મહિને કોનો વારો આવશે તે નક્કી કરી, છૂટાં પડવું. હા, સાસુઓની કિટ્ટી પાર્ટી, વહુઓની સરખામણીમાં જ પૂરી થતી. ઘરનો કકળાટ પણ કિટ્ટીમાં મજા લેતો હશે. પણ હવે, થોડું ક્રિએટિવ ડિસ્કશન પણ થતું હશે, તેવું માનું છું.
થીમ કિટ્ટી પાર્ટી રાખવાનો વિચાર જ આજની નારીઓની ક્રિએટિવિટીની ચાડી ખાય છે. નિતનવી વાનગીઓ, ગેમ્સ, અને મોજમજાથી ભરપૂર કિટ્ટીમાં મોટેભાગે ઘરમાં જ રહેતી ગ્રુહિણીઓને એક સારો એવો ચેંજ મળે છે. એટલે આ કિટ્ટીનો સૌથી મોટો ફાયદો આ જ છે. બીજો ફાયદો એ છે કે સ્ત્રીઓ પોતાની ઉંમરની સ્ત્રીઓને મળીને એકબીજાની જીવનશૈલી પર વિચારી શકે છે. એકબીજાનાં અનુભવ (જો ખરેખર શેર થતાં હોય તો) ઉપરથી પોતપોતાની લાઇફને સુંદર દિશામાં પણ લઈ જઈ શકાય છે. માત્ર ટીકા ટિપ્પણી કરવા કરતાં, પોઝીટીવ વિચારોનું વાવેતર પણ આવી જ પાર્ટીમાં કરી શકાય છે. આપણા ઘરોમાં ન બનતી વાનગીઓની રેસિપિ પણ શીખી જવાય છે. સાથે સાથે બહાર જમવાના, મૂવી જોવાના, ક્યારેક ક્યારેક બાળકોને સાથે લઈને જમવા જવાના પ્રોગ્રામ પણ આજના કિટ્ટી કલ્ચરના પરિણામો છે.
ઈન્ફેક્ટ, કોઈ પણ સ્ત્રી, કોઈ પણ પ્રકારના ચિંતા ભર્યા વાતાવરણમાં રહેતી હોય, તેના માટે આ જ કિટ્ટી પાર્ટી, એક કાઉન્સિલિંગનું કામ પણ કરી જાય છે. પરંતુ જો સમજશક્તિનો અભાવ ન હોય તો જ. બાકી દેખાદેખી, ઈર્ષા, દંભ, મોહ, જેવાં દૂષણોનો આવી કિટ્ટી જ ઉદભવ થાય છે. એટલે જો મન ઉપર સંયમ ન હોય તો આમાંથી એકાદ દૂષણ આપણા ઘરમાં પણ આવી શકે છે. સતત સરખામણી કરતી સ્ત્રીઓ માટે કિટ્ટી પાર્ટીમાં જવું પર્સનલ રીતે જોખમી સાબિત થઈ શકે છે.
એમાં પણ ખાસ કરીને ઉચ્ચ વર્ગ સાથે સંકળાયેલા કુટુંબો માટે આ એક મેળાવડા કરતાં માથાકૂટ સાબિત થાય છે.. કપડાંથી લઈને ખાવાપીવામાં, બધી જ વસ્તુઓમાં ભાર મુકવામાં આવે છે. (એટલે મારે હિસાબે કિટ્ટી પાર્ટી માટે પણ એક એંટ્રી ફોર્મ હોવું જોઈએ.) “વિભિન્નતામાં એકતા” નો રૂલ સૌથી પહેલાં અપનાવી શકે તેવા ગ્રુપમાં જોડાવું, એ આદર્શ સાબિત થઈ શકે છે. બાકી “ચાદરની સાઇઝ હોય તેટલા જ પગ લાંબા કરાય” એ વાક્યને હંમેશા યાદ રાખીને નિર્ણયો લેવામાં સમજદારી છે.
આશા રાખીએ કે આજની નારીઓ કિટ્ટીમાં “ચાર મળે ચોટલા, તો ભાંગે કૈંકનાં ઓટલા” એ કહેવતને ચરિતાર્થ નહીં જ કરતી હોય.
અસ્તુ!!
eછાપું
તમને ગમશે: અને કોઈકે શીતલીને કહી દીધું કે… યુ આર માય ક્રશ…શીતલ