આજે લંચ બોક્સ માં શું આપું? હવે આ ટેન્શનને કાયમ માટે રજા આપી દો

2
409
Photo Courtesy: Aakanksha Thakore

રોજ સવારે ઉઠીને એક જ ટેન્શન હોય છે, આજે લંચ બોક્સ માં શું બનાવવું. કેમકે રૂટીન ખાવાનો કંટાળો આવે છે, ઠંડુ ખાવાની મજા નથી આવતી, શાકભાજીનો ટેસ્ટ બરાબર નથી હોતો, વગેરે વગેરે વગેરે.

તો આજે આપણે જોઈશું અમુક એવી રેસીપી કે જે ઠંડી ખાવાની પણ મજ્જા આવે, ટેસ્ટમાં પણ મસ્ત હોય અને રૂટીન પણ ના હોય અને લંચ બોક્સ લઇ જનારાને પણ મજા આવે!

લંચ બોક્સ માટે ખાસ આપવામાં આવેલી પહેલી રેસીપીમાં તમે આગળના દિવસે મોટાભાગની તૈયારી કરી રાખીને બીજે દિવસે ફક્ત ભેગું કરવાનું જ બાકી રહે તેવી રીતની તૈયારી કરી શકો છે.

કોર્ન એન્ડ પીઝ ટાર્ટ:

Photo Courtesy: Aakanksha Thakore

સામગ્રી:

બેઝ માટે:

1 કપ મેંદો + ½ કપ ઘઉંનો લોટ

100 ગ્રામ માખણ + ગ્રીઝીંગ માટે થોડું માખણ

મીઠું સ્વાદ મુજબ

1 થી 2 ટેબલસ્પૂન પાણી

ફીલિંગ માટે:

1 કપ મકાઈના દાણા (બાફેલા)

1 કપ વટાણા (બાફેલા)

2 ટેબલસ્પૂન માખણ/ઘી

2 ટેબલસ્પૂન મેંદો

2 કપ દૂધ

મીઠું, મરી સ્વાદમુજબ

1 કપ ખમણેલું ચીઝ (ઓપ્શનલ)

રીત:

  1. બેઝ બનાવવા માટે, એક કથરોટમાં મેંદો અને ઘઉંનો લોટ લઇ તેમાં માખણનું મોણ અને મીઠું ઉમેરી બરાબર ભેળવી લો, જેથી લોટનું ટેક્સચર, અડકતા, ભીની માટી જેવું લાગે.
  2. હવે 1 કે 2 ટેબલસ્પૂન પાણી ઉમેરી તેની સરસ કણક બાંધી લો. માખણના મોણને કારણે કણક સહેજ ઢીલી રહેશે, તેથી કણકને મસ્લીન ક્લોથ કે ક્લિંગ ફિલ્મમાં વિંટાળી લગભગ એકાદ કલાક માટે ફ્રીજ કરી દો.
  3. કણક સેટ થાય ત્યાં સુધી ફીલિંગ બનાવવા માટે, એક પેનમાં બટર લો. બટર પીગળે એટલે એમાં મેંદો ઉમેરી બરાબર મિક્સ કરી લો અને લોટ બરાબર શેકી લો. હવે તેમાં ધીરે ધીરે દૂધ ઉમેરતા જાઓ અને બરાબર હલાવતા જાઓ જેથી મેંદાના ગઠ્ઠા ન રહે અને મેંદો બરાબર ભળી જાય. દૂધ ઘટ્ટ થવા લાગે એટલે એમાં બાફેલા મકાઈના દાણા, વટાણા, મીઠું અને મરી ઉમેરી બરાબર મિક્સ કરી લો. ફીલિંગ તૈયાર છે.
  4. 1 કલાક પછી, કણક તૈયાર થઈ જાય એટલે તેને ફ્રિજમાંથી કાઢી, જાડા વેલણની મદદ થી લગભગ ½ ઇંચ જાડાઈ વાળું અને ૯ ઇંચના વ્યાસ વાળી રોટલી વણો.
  5. હવે તેને સાચવી રહીને ગ્રીઝ કરેલા ટાર્ટ કે પાઈ મોલ્ડ માં ગોઠવી દો, વધારાનો લોટ કાપી લો.
  6. બેઝને ફરીથી દસ મિનીટ માટે ફ્રીજમાં સેટ થવા દો.
  7. હવે ઓવનને 100 ડીગ્રી તાપમાને ગરમ કરી, બેઝને પહેલા 10 મિનીટ સુધી બ્લાઈંડ બેક કરો, અને ત્યારબાદ બીજી બે મિનીટ માટે સાદો બેક કરો.
  8. બેઝ તૈયાર થઇ જાય એટલે તેમાં ફીલિંગ ભરી, ઉપરથી જો નાખવું હોય તો ચીઝ નાંખી, બીજી 10 મિનીટ, અથવા ચીઝ પીગળે ત્યાંસુધી, બેક કરો.
  9. સરખા ટુકડા કરીને લંચ બોક્સ માં પેક કરો!

નોંધ: બ્લાઈંડ બેકિંગ એટલે જેમાં બેઝને ફીલિંગ ભર્યા વગર, પરંતુ તે ફૂલી ન જાય તે માટે તેમાં વજન મૂકીને, બેક કરવામાં આવે તે પદ્ધતિ. આ વજન તરીકે તમે કોઈપણ કઠોળ મૂકી શકો.

આ વાનગીમાં મહેનત બહુ લાગતી હોય અને ઘરમાં ઈડલીનું ખીરું પડ્યું હોય, તો મેક્સિકન આપ્પે લંચ બોક્સ માટે મસ્ત વાનગી છે!

લાગતું વળગતું: ખીચડી: ખરેખર ‘નેશનલ ફૂડ’ કહી શકાય?

મેક્સિકન આપ્પે:

Photo Courtesy: Aakanksha Thakore

સામગ્રી:

1 કપ ઈડલીનું ખીરું

1 ટામેટું, ઝીણું સમારેલું

1 ડુંગળી, ઝીણું સમારેલી

1 મરચું, ઝીણું સમારેલું

1 ટેબલસ્પૂન સમારેલી કોથમીર

1 ટેબલસ્પૂન ટોમેટો કેચપ

મીઠું, સ્વાદ મુજબ

તેલ, જરૂર મુજબ

રીત:

  1. સૌથી પહેલા આપ્પે પેનને મધ્યમ આંચ પર ગરમ થવા મૂકો. દરેક ખાનને તેલથી ગ્રીઝ કરી લેવા.
  2. હવે એક બાઉલમાં ટામેટું, ડુંગળી, મરચું, કોથમીર, ટોમેટો કેચપ અને મીઠું લઇ બધું બરાબર મિક્સ કરો.
  3. હવે આપ્પે પેનના દરેક ખાનામાં પહેલા એક એક ચમચી ઈડલીનું ખીરું મૂકો, તેમાં ઉપર બનાવેલ સાલસા સોસ ઉમેરી, જરૂર મુજબ ફરીથી ખીરું ઉમેરો.
  4. આપ્પે પેનને ઢાંકણું ઢાંકી લગભગ 2 થી 3 મિનીટ રહેવા દો.
  5. હવે આપ્પે જો નીચેથી ગોલ્ડન બ્રાઉન થઇ ગયા હોય તો ઉલટાવી દો.
  6. બીજી બાજુથી પણ ગોલ્ડન બ્રાઉન થઇ જવા દો.
  7. સાલસા અને રેન્ચ સોસ સાથે લંચ બોક્સ માં ભરી દો!

આ બધાની સાથે તમારે રોજ ગળ્યું પણ ખાવા જોઈએ છે? અને તમે હેલ્થ કોન્શિયસ પણ છો? તો રોજ લંચ બોક્સ માં ખજૂર બોલ્સ લઇ જાવ! ગળપણ પણ આવી જશે અને હેલ્થી પણ છે.

ખજૂર બોલ્સ:

Photo Courtesy: Aakanksha Thakore

સામગ્રી:

2 કપ ડીસેડેડ ખજૂર

2 કપ અખરોટ

1 કપ બદામ

1 કપ પીસ્તા

1 ટેબલસ્પૂન ખમણેલુ કોપરૂં

1 ટેબલસ્પૂન ઘી

રીત:

  1. તમામ સામગ્રીને ફૂડ પ્રોસેસરમાં લઇ, બરાબર મિક્સ કરી લો.
  2. હવે તે મિશ્રણમાંથી થોડું થોડું લઇ તેના સમાન આકારના બોલ્સ વાળી લો.
  3. બોલ્સને ફ્રીજમાં રાખો. રોજ એક એક બોલને લંચ બોક્સ માં બીજી વાનગી સાથે પેક કરો.

આશા છે આવતીકાલથી દરરોજ સાંજે તમને લંચ બોક્સ લઇ જનારાના  કોમ્પ્લીમેન્ટસ જરૂરથી મળવા લાગશે.

eછાપું

તમને ગમશે: eછાપું Exclusive: ગુજરાતી ફિલ્મ પ્રમોશનનું ભગીરથ કાર્ય કરતા ચેતન ચૌહાણ

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here