વડાપ્રધાન મોદીએ રવાન્ડામાં 200 ગાય દાનમાં આપી એ ગીરીન્કા પ્રોજેક્ટ શું છે?

0
254
Photo Courtesy: hindustantimes.com

હિન્દુ સંસ્કૃતિમાં ગાય માતાના સ્વરૂપે પૂજવામાં આવે છે. આજના સમયમાં શહેરી વિસ્તારોમાં ગાયને આપણે ભલે ઓછું મહત્ત્વ આપતા હોઈએ, પરંતુ ગાય માતા કેમ છે તે અંગે આપણા શાસ્ત્રોમાં સવિસ્તર સમજણ આપવામાં આવી છે.

Photo Courtesy: hindustantimes.com

હાલના સમયમાં ભારતમાં ગાયને માત્ર ભૂખ સંતોષવા અને ધાર્મિક લડાઈઓ ઉભી કરવાનું સાધન ભલે બનાવી દેવામાં આવ્યું હોય પરંતુ દૂર આફ્રિકાના સહુથી ગરીબ દેશોમાંથી એક એવા રવાન્ડામાં ગાયને ખૂબ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે જેની માહિતી વડાપ્રધાન મોદીની હાલની રવાન્ડા યાત્રા દરમ્યાન મળી હતી.

રવાન્ડા સરકાર અને ખાસકરીને ત્યાંના રાષ્ટ્રપતિ પોલ કગામેના સહુથી મનપસંદ ગીરીન્કા પ્રોગ્રામ હેઠળ રવાન્ડાના દરેક ગ્રામીણોને ગાય ભેટમાં આપવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો ત્યાં ગાયનું પણ દાન આપવામાં આવે છે.

લાગતું વળગતું: સહારા રણ વિસ્તારના લોકોને થયો અભૂતપૂર્વ અનુભવ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોતાની બે દિવસની રવાન્ડા યાત્રા દરમ્યાન રવાન્ડાના રવેરુ ગામડામાં જઈને રવાન્ડા સરકાર તરફથી ત્યાંના ગ્રામીણોને 200 ગાય દાનમાં આપી હતી. આ પ્રસંગે રાષ્ટ્રપતિ કગામે પણ હાજર રહ્યા હતા.

ભારતીય સંસ્કૃતિ અને પુરાણોમાં ગાયના જે ફાયદા વર્ણવામાં આવ્યા છે તેના પર જ આ ગીરીન્કા પ્રોગ્રામ આધારિત હોય એવું લાગી રહ્યું છે. છેક 2006થી રાષ્ટ્રપતિ પોલ કગામે રવાન્ડામાં આ યોજના ચલાવી રહ્યા છે. આ યોજના હેઠળ ગામડાનો કોઇપણ વ્યક્તિ પોતાને ઘેર જન્મેલી પ્રથમ ગાયને (બળદ નહીં) તેના પડોશીને ફરજીયાત દાન કરે તેવો કાયદો છે. બસ આ કાયદો એટલે ગીરીન્કા પ્રોગ્રામ.

આ પાછળ રવાન્ડા સરકાર અને રાષ્ટ્રપતિનું માનવું છે કે ઘરમાં ગાય હોય તો તેનું દૂધ પી ને ઘરનું બાળક તંદુરસ્ત થાય, કારણકે રવાન્ડામાં અન્ય આફ્રિકન દેશોની જેમ કુપોષણની સમસ્યા અત્યંત ઘેરી છે. આ ઉપરાંત ગાયથી જન્મેલું પુરુષ વાછરડું મોટું થઈને ખેતીના કાર્યમાં સાથ આપે, એટલુંજ નહીં ગાયનું દૂધ વેંચીને આવક પણ ઉભી થઇ શકે છે. છે ને બિલકુલ ભારતીય સંસ્કૃતિમાં જોવામાં આવતા વિચારોનું અનુકરણ?

વડાપ્રધાન મોદીએ દાનમાં આપેલી 200 ગાયો રવાન્ડાના જુદાજુદા હિસ્સાઓમાંથી રવેરુ ગામમાં લાવવામાં આવી હતી અને વડાપ્રધાનના હસ્તે તેને વિવિધ ગ્રામીણોને વિનામૂલ્યે સોંપવામાં આવી હતી.

રવાન્ડા સરકારની ગીરીન્કા યોજનાથી વડાપ્રધાન મોદી પણ ખાસ્સા પ્રભાવિત થયા હતા. તેમણે પોતાના હસ્તે 200 ગાય દાનમાં આપ્યા બાદ ટિપ્પણી કરી હતી કે ભારતીયોને સુદૂર રવાન્ડામાં પણ ગાયને આટલું બધું મહત્ત્વ આપવામાં આવે છે તે જાણીને સાનંદ આશ્ચર્ય થશે.

વડાપ્રધાનની વાત તો સાચી છે, પરંતુ ભારતમાં ખરેખર જો રવાન્ડાની માફક ગાયનું મહત્ત્વ એટલીસ્ટ શહેરોમાં તેને સન્માન આપવા પુરતું પણ વધે તો રખડતી ગાયોની સમસ્યા મોટે અંશે હળવી થઇ શકે છે. આ ઉપરાંત રખડતી ગાયોને ઉપાડી જઈને તેની કતલ કરવાની પ્રવૃત્તિઓ પર પણ કદાચ અંકુશ આવી શકે તેમ છે.

જો કે ભારતના કૃષિપ્રધાન ગામડાઓમાં ગાય હજી પણ માતાનું સ્થાન ધરાવે છે તે રાહતની બાબત છે.

eછાપું

તમને ગમશે: પ્લેસિબો ઈફેક્ટ એટલે ટીકડીઓ વગર સાજા થવાની તરકીબ!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here