ગૂગલ વિરુદ્ધ યુરોપિયન યુનિયન અને એપ્પલ વિરુદ્ધ TRAI

0
328

જ્યારથી ડેટા એ ઓઈલનું સ્થાન લીધું છે ત્યારથી દુનિયાભરની સરકારો ની નજર આના ઉપર પડી છે. અને એટલે આ ડેટા અને ડેટા જ્યાંથી આવે છે એ બધા સ્ત્રોતને પોતાના ફાયદા માટે કંટ્રોલમાં કરવા એ બધી સરકારો માટે પ્રાથમિકતા વાળું કામ બની રહ્યું છે, જયારે બીજી તરફ સરકારો ની ચુંગાલ માંથી બચીને પોતાના બિઝનેસ અને યુઝર્સ નું હિત જળવાઈ રહે એવો આ ટેક કંપનીઓનો પ્રયાસ રહ્યો છે. અને આ બંને પરિબળો વચ્ચે જબરી ખેંચતાણ ચાલી રહી છે, અને એના તાજેતરના બે ઉદાહરણ છે ગૂગલ વિરુદ્ધ યુરોપિયન યુનિયન અને TRAI વિરુદ્ધ એપ્પલ.

ગૂગલ વિરુદ્ધ યુરોપિયન યુનિયન

ગૂગલ વિરુદ્ધ યુરોપિયન યુનિયન courtesy: TechCrunch

હજી દસ બાર દિવસ પહેલા જ યુરોપિયન યુનિયને ગૂગલ પર એન્ડ્રોઇડના વર્ચસ્વનો દુરુપયોગ કરવા બદલ 300 અબજ ડોલરનો દંડ ફટકાર્યો. યુરોપિયન યુનિયનના કહેવા પ્રમાણે એન્ડ્રોઇડના વર્ચસ્વનો ગૂગલે ત્રણ મુદ્દામાં ફાયદો લીધો.

  • ગૂગલે એન્ડ્રોઇડ ફોનના ઉત્પાદકો પાસે પોતાની એપ્પ (ગૂગલ સર્ચ અને ક્રોમ) નખાવવા ફરજ પાડી અને ગૂગલ સર્ચને ફરજીયાત ડિફોલ્ટ એપ્પ તરીકે રાખવા પણ ફરજ પાડી.
  • ગૂગલે પોતાના સર્ટિફાઈડ એન્ડ્રોઇડ સિવાય બીજા કોઈ પણ હરીફ એન્ડ્રોઇડ ના વર્ઝન ન વેચવા માટે ફરજ પાડી.
  • અને ટેલિફોન કેરિયર અને ફોન ઉત્પાદકોને પોતાનીજ એપ્પ (સર્ચ અને ગૂગલ મેસેજ) નો ઉપયોગ વધુ કરાવવા માટે નાણાકીય વળતર (વાંચો પ્રલોભન) આપ્યું.

યુરોપિયન યુનિયનના કહેવા પ્રમાણે પહેલા બંને મુદ્દાઓમાં ગૂગલે એવું વાતાવરણ ઉભું કર્યું જેમાં ગૂગલ સિવાય કોઈ હરીફ એપ્પ કે સર્વિસ એન્ડ્રોઈડમાં ફાવી જ ન શકે અને કદાચ કોઈ ફાવી પણ જાય તો એનો વિકાસ રૂંધવા માટે ગૂગલે નાણાકીય કોથળી તો ખુલ્લી જ રાખી હતી. અને આ મુદ્દે યુરોપિયન યુનિયન સાચું હતું.

સામે ગૂગલ પાસે પણ બહુ સાચી દલીલો હતી, જેને સમજવા માટે આપણે અગિયાર વર્ષ પાછળ જવું પડશે.

2007માં આઈફોન લોન્ચ થયો અને તરતજ લોકપ્રિય થઇ ગયો ત્યારે ગૂગલને પોતાની પ્રોડક્ટ અને ઇન્ટરનેટનું ભવિષ્ય કોઈ એકજ કંપનીના હાથમાં જતું રહેશે એનો ડર  લાગ્યો, એપ્પલની ટેવ અને આ પહેલા માઈક્રોસોફ્ટના કરેલા પાપને લીધે ગૂગલની આ બીક જરા પણ ખોટી ન હતી. એટલે એપ્પલના આ સંભવિત વર્ચસ્વને પડકાર દેવા માટે ગૂગલે એક ઓપન હેન્ડસેટ એલાયન્સ (OHA) ની જાહેરાત કરી, જેનો મુખ્ય ઉદ્દેશ મોબાઈલ ડિવાઈઝ માટે એક એવા સ્ટાન્ડર્ડ બનાવવાનો હતો જેને કોઈપણ જોઈ શકે. અને એન્ડ્રોઇડ આ OHAની મુખ્ય ઓપરેટિંગ સિસ્ટમ બની રહી હતી, જેને ગૂગલ એક ઓપન સોર્સ સોફ્ટવેર તરીકે બનાવી રહ્યું હતું. ઓપન સોર્સ સોફ્ટવેર એટલે એવું સોફ્ટવેર જેમાં જે તે સોફ્ટવેર ખુલ્લે આમ બને છે, એ સોફ્ટવેર ને બનાવવા માટે નો કોડ પબ્લિકલી જાહેર પ્લેટફોર્મ પર મુકવામાં આવે છે જેને કોઈ પણ જોઈ શકે, કોઈ પણ એમાંથી પોતાની કોપી બનાવી શકે અને કોઈ પણ એ સોફ્ટવેરમાં પોતાની રીતે ફેરફાર કરી શકે. સેમસંગ, મોટોરોલા, સોની, એસર જેવા મોબાઈલ ઉત્પાદકો  આ એલાયન્સના સભ્યો હતા. અને આ રીતે બનેલા એન્ડ્રોઇડ ફોનમાં એન્ડ્રોઇડ માર્કેટ એપ્પથી કોઈ પણ એપ્પ નાખી શકાતી હતી.

પણ શરૂઆતના એન્ડ્રોઇડ ફોન એટલા સફળ ન હતા, એન્ડ્રોઇડ એક ઓપન પ્લેટફોર્મ હતું એટલે કોઈ પણ કંપની એમાં પોતાની રીતે ફેરફાર કરી શકતા. સેમસંગ, LG, HTC જેવા ઉત્પાદકો આવી રીતે એન્ડ્રોઇડમાં ફેરફાર કરી પોતાના મોબાઈલ ફોન વેંચતા હતા, અને એના લીધે એક જ એન્ડ્રોઇડનું વર્ઝન સેમસંગમાં અલગ રીતે ચાલતું હોય, LG કે મોટોરોલામાં અલગ રીતે ચાલતું હોય, જે પાછું ગૂગલે પોતે બનાવેલા એજ વર્ઝન કરતા સાવ અલગ હોય. આવા સમયે જે તે ડેવલપર માટે એના યુઝર્સને પોતાની એપ્પ નો દરેક મોબાઈલમાં સરખો અનુભવ દેવો એ બહુ અઘરું કામ હતું, અને આ વાત માં ગૂગલ અને એની એપ્પ્સને પણ સામાન્ય ડેવલપર જેવીજ હેરાનગતિ ભોગવવી પડતી. (બાય ધ વે, આ એક સમાચારમાં લખવા માત્રની વાત નથી, મેં મારી પ્રોફેશનલ એન્ડ્રોઇડ ડેવલપર તરીકેની શરૂઆત પણ આવા જ સમયે કરેલી, એટલે મને ખબર છે કે આ કેવી માથાકૂટનું કામ હતું.)

લાગતું વળગતું: iPhone ની સળી કરતી Samsung ની નવી એડ

એટલે 2012માં આ બધી માથાકૂટ નો વન્સ એન્ડ ફોર ઓલ અંત લાવવા માટે ગૂગલ એના ઓપન સોર્સ મોડેલથી ધીરે ધીરે દૂર થવા લાગ્યું અને એની શરૂઆત કરી એન્ડ્રોઇડ માર્કેટના બદલે ગૂગલ પ્લે સ્ટોર મૂકીને. ગૂગલ પ્લે સ્ટોર ખાલી એ ઉત્પાદકોના મોબાઈલમાંજ  નાખી શકાય છે જે OHAના સભ્ય હોય, આ ઉપરાંત જે – તે ડિવાઇસ ને ગૂગલના સખત ટેસ્ટિંગ માંથી પસાર થવું પડે છે અને એ સિવાય એક અલગ લાઇસન્સ લેવું પડે જેની અમુક શરતો હોય છે, જેમાં જે-તે ઉત્પાદકે ગૂગલ સર્ચ, ગૂગલ ક્રોમ અને એ સિવાય અમુક નક્કી કરેલી એપ્પ્સ પહેલેથી ઇન્સ્ટોલ્ડ રાખવી પડે. અને એ એપ્પસનાં લિસ્ટમાં એક સિસ્ટમ એપ્પ છે જેનું નામ છે ગૂગલ પ્લે સર્વિસીસ. આ એપ્પ તમારા ડિવાઇસ માંથી અનઇન્સ્ટોલ નથી કરી શકાતી અને આ એપ્પ વગર આપણી પુરી સિસ્ટમ બંધ થઇ જશે.

ગૂગલ પ્લે સર્વિસીસની મદદથી યુઝર અને ડેવેલપર બંને ગૂગલની એ સર્વિસીસનો ઉપયોગ કરી શકે છે જે ગૂગલની માલિકીની અને ખાનગી હોય. આ એપ્પનો વધારાનો એક ઉદ્દેશ જે-તે મોબાઈલમાં ડેવલપર અને યુઝર સરખો અનુભવ કરી શકે એ પણ હતો. અત્યારે પ્લે સર્વિસ એ ગૂગલના સમાન એન્ડ્રોઇડ અનુભવના પ્રોજેક્ટનો એક ભાગ માત્ર છે અને છેલ્લા બે-ત્રણ વર્ષમાં આ ક્ષેત્રે બહુ પ્રગતિ થઇ છે, દા.ત. સેમસંગ અને LG જે મોંઘામાં મોંઘા ફોનમાં અપડેટ ન આપવા માટે કુખ્યાત છે એવા ફોનમાં ઓ એસ અપડેટ સરળતાથી નાખી શકાય એટલે ગૂગલે એક એવો પ્રયાસ કર્યો છે કે ઓપરેટિંગ સિસ્ટમ અને ડિવાઇસ ડ્રાયવર (એવા પ્રોગ્રામ જે સ્ક્રીન, સ્પીકર, વાઇફાઇ જેવા હાર્ડવેર સાથે કામ પાડે છે) ને અલગ કરી શકાય. અને એની મદદથી ઓએસ અપડેટ સરળતાથી મળી શકે. આ ઉપરાંત શાઓમી અને HTC જેવા ઉત્પાદકો એન્ડ્રોઇડ વન નામના કાર્યક્રમમાં પણ જોડાયા છે જેમાં પણ અપડેટ્સ સરળતાથી અને જલ્દી આવી શકે. અને આ કાર્યક્રમમાં નોકિયા આગળ પડતું છે. નોકિયાના બધા જ ફોનમાં અત્યારે એન્ડ્રોઇડ ઓએસ નું લેટેસ્ટ વર્ઝન છે અને હવે પછી આવનારું વર્ઝન (જે સામાન્ય રીતે ઓક્ટોબર-નવેમ્બરમાં આવે છે) પણ બે-ત્રણ મહિનામાં એના બધાજ ફોનમાં આવી જશે.

આ બધાજ ઇનોવેશન ઉપર કહ્યું એમ ગૂગલ ખુલ્લેઆમ કરે છે, અને મફતમાં કરે છે.  વિન્ડોઝ ઓએસ ની જેમ આપણે ઓએસ ના લાયસન્સના અલગથી ભાવ નથી આપતા. અને ગૂગલના આ સંશોધનો નો ફાયદો ઉઠાવવો હોય તો ગૂગલની અમુક શરતોનું પાલન કરવું પડે, જેમકે તમે તમારા ડિવાઇઝમાં એવું કોઈ વર્ઝન ન નાખી શકો જે એન્ડ્રોઇડનું હરીફ હોય. એસરએ ચાર પાંચ વર્ષ પહેલા ચીનની અલીબાબા દ્વારા બનાવેલી aliyun ઓએસ વાળા ડિવાઇસ ની જાહેરાત કરેલી, aliyun એન્ડ્રોઇડ ની જ કોપી છે પણ ગૂગલના એન્ડ્રોઇડથી થોડું અલગ છે. એટલે આ “દગા” થી ગિન્નાયેલા ગૂગલે એસરને OHA માંથી રાતોરાત કાઢી મૂક્યું હતું અને યુરોપિયન યુનિયનને ગૂગલના આવા વલણથી વાંધો હતો.

જોકે ગૂગલના હરીફ એન્ડ્રોઇડ વર્ઝન પણ છે, એમેઝોન પોતાના ફાયર ટેબ્લેટ, ફાયર ફોન અને ફાયર ટીવી સ્ટિક બહાર પાડે છે એ બધા એન્ડ્રોઇડના જ અલગ વર્ઝન છે. 2013માં નોકિયા પણ પોતાના એન્ડ્રોઇડ વર્ઝન લઇ આવ્યું હતું, અને એની સામે ગૂગલને કોઈ વાંધો ન હતો, કેમકે એમેઝોન કે નોકિયા જે-તે સમયે OHA ના સભ્યો ન હતા. આ ઉપરાંત શાઓમી કે સેમસંગ જેવા ઉત્પાદકો પણ ગૂગલની એપ્પ જેવીજ એપ્પ પોતાના ફોનમાં પરાણે નાખે છે અને એ એપ્પ અનઇન્સ્ટોલ પણ કરી શકાતી નથી. પણ એની સામે યુરોપિયન યુનિયનને વાંધો નથી કેમકે એ લોકો માર્કેટમાં એકહથ્થુ મોનોપોલી નથી ભોગવતા.

અહીંયા ગૂગલ અને યુરોપિયન યુનિયન બંને પોતપોતાની રીતે સાચા છે. આવો જ એક બીજો કેસ આપણા ઘર આંગણે થવા જઈ રહ્યો છે જે છે.

એપ્પલ વિરુદ્ધ TRAI

એપ્પલ વિરુદ્ધ TRAI- Courtesy: DailyHunt

એક તરફ ગૂગલનો નિર્ણય લેવાઈ રહ્યો હતો ત્યારે અહીંયા  Telecom Regulatory Authority of India એટલેકે TRAI એ એક એવો નિર્ણય લઇ લીધો જેના લીધે આવતા છ મહિના પછી ભારતમાં રહેલા બધા આઈફોન બંધ થઇ શકે છે. TRAI ના નિર્ણય મુજબ જે મોબાઈલ ડિવાઈસ એની DND એપ્પ ન નાખવા દે એ ડિવાઇસ ને ભારતમાં અયોગ્ય જાહેર કરી દેવો અને પછી કોઈ સર્વિસ પ્રોવાઇડર આ ડિવાઇસ માં ન ચાલી શકે એવું કરવું.

ટેલીકોલર અને ટેલીમાર્કેટર નો અને નક્કામા SMS કેવા ત્રાસ દાયક છે એ આપણને ખબર છે, અને એટલે આ ત્રાસમાંથી બચવા માટે TRAI એ DND ની સેવાઓ ભારતમાં લાગુ પાડી છે. અને આપણા ટેક્નોસેવી પ્રધાનમંત્રીની પ્રેરણાથી દરેક જરૂરી સેવાઓની જેમ આના માટે પણ એક એપ્પ બનાવવામાં આવી છે. DND 2.0 ના નામે ઓળખાતી આ એપ્પ આપણા ફોનમાંથી કોલ લોગ્સ, અને SMS વાંચી શકે છે અને આપણે એ એપ્પમાંથી જ જે-તે કોલ અથવા મેસેજને Do Not Disturb માં સ્પામ તરીકે રિપોર્ટ કરી શકીએ છીએ.

TRAI ની આ એપ્પ ગૂગલના પ્લે સ્ટોરમાં થોડા સમય થી ઉપલબ્ધ છે, પણ એપ્પલના એપ્પ સ્ટોરમાં આ એપ્પ નથી અને એપ્પલના નિયમ મુજબ આ એપ્પ પ્રતિબંધિત છે. એપ્પલે આની પાછળ એવું કારણ આપ્યું છે કે પ્રાઇવસી ને ધ્યાનમાં રાખીને આવા પ્રકારની કોઈ એપ્પ ને એપ્પ સ્ટોર પાર ચડાવવા દેવાય નહીં. આ એપ્પ વિષે TRAI અને એપ્પલ વચ્ચે છેલ્લા બે વર્ષથી વાતચીત ચાલે છે પણ એપ્પલના જક્કી વલણના લીધે વાત અટકી પડી છે. અને હવે જો છ મહિનામાં આ વાત નો કોઈ ઉકેલ ન આવે તો એપ્પલના ડિવાઇસને (વાંચો આઈફોનને) ભારતના કોઈ પણ મોબાઈલ નેટવર્ક ઉપયોગ કરવા પર TRAI દ્વારા લાદવામાં આવેલો પ્રતિબંધ આવી શકે છે.

TRAI પોતાના નો-નોનસેન્સ વિચારો માટે જાણીતું છે. જે નેટ ન્યુટ્રાલિટી ની લડતમાં ફેસબુક જેવા મહામહિમ સામે અમેરિકન સરકાર જુકી ગઈ એ નેટ ન્યુટ્રાલિટીના વિરોધીઓને TRAI એ ભારતમાં ફાવવા દીધા નથી. એટલે એપ્પલ પણ પોતાનું જક્કી વલણ નહિ છોડે તો ભારતમાં માંડ માંડ બનેલી આઈફોનની બજાર બંધ થઇ જશે. આશા રાખીએ કે એવું કઈ ન થાય અને TRAI સાથે સમાધાન કરી લે.

ત્યાં સુધી

મે ધ ફોર્સ બી વિથ યુ…

eછાપું 

તમને ગમશે: કાવેરી જળવિવાદ એટલે રાજકારણ,સંવેદનાઓ અને ચુકાદાઓની ભરમાર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here