સંજુ – સંજય દત્તની હાજરી ઠેરઠેર પરંતુ રાજકુમાર હિરાણી ઘેર હાજર

0
351
Photo Courtesy: indianexpress.com

આખરે સંજુ જોવાનો મેળ પડી જ ગયો. ખબર નહીં પણ કેમ એવું ઘણીવાર બને છે કે જે ફિલ્મ જોવાની ઇન્તેજારી ખૂબ હોય તેને જ જોવાનો મેળ અઠવાડિયાઓ સુધી ન પડે. સંજુ જોવાનું ખાસ કારણ રાજકુમાર હિરાણી એક ફિલ્મ સાથે પરત થઇ રહ્યા છે એ હતું અને સંજુ જોયા બાદ એ જ કારણે સહુથી મોટી નિરાશા આપી.

Photo Courtesy: indianexpress.com

ફિલ્મ રિલીઝ થયાને એક મહિના ઉપરનો સમય વીતી ગયો છે એટલે એના પર રિવ્યુ લખવા જેવી મૂર્ખતા કોઈ ન કરે, પરંતુ જે અહીં કહેવાની ઈચ્છા છે એ છે સંજુ વિષે જે માન્યતાઓ સોશિયલ મિડીયામાં ફેલાઈ હતી એ કેટલી હદ સુધી ફિલ્મમાં સાચી પડે છે એ અંગે ધ્યાન દોરવાની છે.

સંજુ રિલીઝ થયા અગાઉ અને બાદમાં આ ફિલ્મ સંજય દત્તની ઈમેજ સુધારવા માટે ખાસ  બનાવવામાં આવી હોય એવી એક લાગણી સોશિયલ મિડિયામાં ફરી રહી હતી. પણ મારા મનમાં એક જ સવાલ આવતો હતો અને એ પણ જ્યારે આજથી વર્ષ-દોઢ વર્ષ અગાઉ સંજય દત્તના જીવન પર બાયોપિક બનાવવાની જાહેરાત થઇ ત્યારથીજ, કે Who is Sanjay Dutt? આખરે એના જીવન પર બાયોપિક બનાવવાની આટલી જરૂર અને ઉતાવળ શા માટે?

ફિલ્મ જોતા જોતા જ મારા આ સવાલનો જવાબ જાણેકે દરેક સીન આપતો હોય એવું લાગ્યું. સંજય દત્ત એ બદનામ વ્યક્તિ છે, એ આર્મ્સ એક્ટ હેઠળ સજા પૂર્ણ કરીને આવેલો બોલિવુડ કલાકાર છે. બોલિવુડમાં પણ સંજય દત્તે કોઈ ખાસ ઝંડા ગાડ્યા નથી. સંજય દત્તે મુન્નાભાઈ MBBS કે પછી લગે રહો મુન્નાભાઈ સિવાય એકલેહાથે યાદગાર ફિલ્મો આપી હોય તો એનું લિસ્ટ આપણી આંગળીઓના વેઢામાં સમાઈ જાય એનાથી વધુ નહીં જ હોય.

લાગતું વળગતું: વિવાદાસ્પદ સંજય દત્ત ની આત્મકથા આવતાની સાથેજ વિવાદમાં ઢસડાઈ

અંગતરીતે મારું એવું માનવું છે કે જો કોઈ અત્યંત ખરાબ વ્યક્તિ કે પછી કોઈ અત્યંત સફળ વ્યક્તિના જીવન પર બાયોપિક બનાવો તો તે જોવાની મજા પડે અથવાતો એનો અર્થ સરે. બેન્ડીટ ક્વીન જે ફૂલનદેવીના જીવન પર આધારિત ફિલ્મ હતી કે પછી Netflix પર ધૂમ મચાવી ચૂકેલી સિરીઝ Narcos એ પાબ્લો એસ્કોબાર જેવા અઠંગ ડ્રગ વ્યાપારી તેમજ ક્રૂર વ્યક્તિના જીવન પર આધારિત સિરીઝ હતી.

તો સામે પક્ષે ગાંધી, ભગત સિંહ કે એવા અન્ય મહાન વ્યક્તિઓ કે ઇવન મહાવીર સિંઘ ફોગાટ અને એમની સુપુત્રીઓ જેવા ખેલાડીઓ પર એટલેકે સારી અને સફળ વ્યક્તિઓના જીવન પર બનેલી ફિલ્મોમાંથી કેટલીક સફળ રહી તો કેટલીક યાદગાર બની રહી.

સંજય દત્ત આ મામલે મધ્યમમાર્ગી રહ્યો છે. એ ગુનેગાર સાબિત થયો અને જેલની સજા પણ ભોગવીને આવ્યો તો એ લોકપ્રિય ફિલ્મ અદાકાર પણ રહ્યો, ભલે મહાન અદાકારોમાં એની ગણના ક્યારેય નહીં થાય. આથી અહીં રાજકુમાર હિરાણી પણ ગોથું ખાઈ જાય તો એમનો વાંક નથી. ન તો તમે સંજય દત્તને પૂરેપૂરો ખરાબ દેખાડી શક્યા, ફૂલનદેવી કે એસ્કોબારની જેમ, કે ન તો તમે ગાંધી કે ફોગાટ સિસ્ટર્સની જેમ સફળ બતાવી શક્યા. સંજય દત્તનું ખુદનું જીવન એટલું નબળું રહ્યું છે કે નબળા રો મટીરીયલ પરથી બનેલી પ્રોડક્ટ નબળી જ હોય એ સંજુ દ્વારા એક સફળ ઉત્પાદક રાજકુમાર હિરાણી સાબિત કરી બેઠા.

રાજકુમાર હિરાણી એક એવા નિર્દેશક છે જેમની ફિલ્મના દરેક સીનમાં એમની છાપ જોવા મળે. એમની ફિલ્મોના ગીતોનો પણ એક અલગ સાઉન્ડ હોય, જેમકે સુભાષ ઘાઈ, રાજ કપૂર, યશ ચોપરા કે આજની પેઢીમાં કરણ જૌહર, ભલે કરણ ફિલ્મને પ્રોડ્યુસ પણ કરતા હોય પરંતુ એમની છાપ એની ફિલ્મમાં જરૂર દેખાય. સંજુમાં રાજકુમાર હિરાણીની આ છાપ સંદતર ઘેર હાજર છે. ફિલ્મ જોતા સતત એમ લાગે કે પોતાના આસિસ્ટન્ટને ફિલ્મ ડીરેક્ટ કરવાનું કહીં રાજકુમાર હિરાણી પોતે નજીકના ગલ્લે ચ્હા પીવા જતા રહ્યા હશે કે શું?

એક ફિલ્મ તરીકે સંજુ માત્ર બોર જ નથી કરતી પરંતુ દર્શક સાથે ઘણીવાર સંપર્ક પણ ગુમાવી બેસે છે, રાજકુમાર હિરાણી માટે આવું સ્વપ્નમાં પણ વિચારી ન શકાય પરંતુ સંજુમાં એવું બન્યું છે. હવે કદાચ તેઓ ખુદ કોઈ બાયોપિકને હાથ ન લગાવે તો નવાઈ નહીં.

હવે વાત કરીએ પેલી લાગણીનું અથવાતો પેલા આરોપનું જેમાં વારંવાર કહેવામાં આવ્યું છે કે સંજુ, એ સંજય દત્તની છબી સાફ કરવાનો પ્રયાસ હતો. ફિલ્મ જોયા બાદ અંગતરીતે સંજય દત્ત વિષે મારો મત એ જ રહ્યો છે જે ફિલ્મ જોયા અગાઉ હતો. પહેલેથી એવું માનતો આવ્યો છું કે બાવીસ-પચીસ વર્ષના ઢાંઢાંને એટલી ખબર ન હોય કે કયું શસ્ત્ર ઘરમાં રખાય અને કયું ન રખાય? અરે એસોલ્ટ રાઈફલ જે એણે પોતાની અને પોતાના પિતાની રક્ષાના બહાના હેઠળ ઘરમાં રાખી હતી એ તો શું નાની અમથી પિસ્તોલ રાખવી હોય તો પણ સરકાર પાસેથી લાઇસન્સ લેવું પડે એટલું સામાન્ય જ્ઞાનતો એના જેવું જીવનસ્તર જીવતા લોકોમાં હોયજ, હોવુંજ જોઈએ.

ફિલ્મમાં દત્તે રાઈફલ રાખવા પાછળ ઉપરનું કારણ દર્શાવવામાં આવ્યું છે અને એ પણ એ સીન બાદ જેમાં સંજય દત્ત એવો દાવો કરે છે કે એને ડ્રગ્ઝ પહોંચાડનાર એનો મિત્ર ખુદ મીઠી ગોળી ખાતો હતો અને એને ડ્રગ્ઝ મોંઘા ભાવે વેંચીને એનું જીવન બરબાદ કરતો હતો એ હકીકતનો ખ્યાલ તેને વિદેશમાં ઉપચાર કરાવતી વખતે આવ્યો. જો તેને આટલી બુદ્ધિ આવી ગઈ હોય તો રાઈફલ ઘરમાં રાખવી જોઈએ કે નહીં એટલી અક્કલ કેમ ન આવે? આથી ફિલ્મમાં પણ એને બચાવવા માટે જો રાઈફલ સુરક્ષા માટે રાખવામાં આવી હતી એ કારણ અપાયું હોય તો એ ખોટું પડે છે અને કોઇપણ સમજદાર દર્શકના મનમાં સંજય દત્ત વિષેની છબી સુધરતી નથી.

સંજય દત્ત પર બીજો આરોપ હતો ઘરમાં RDXનો ટ્રક રાખવા માટે. અહીં ખુલાસો એવો કરવામાં આવ્યો છે કે આ આખોય મામલો મિડિયા દ્વારા ઉભો કરવામાં આવ્યો હતો અને સંજય દત્તને જે આરોપો હેઠળ ગુનેગાર ઠરાવવામાં આવ્યો હતો તેના ચૂકાદામાં આ RDX અંગે કશુંજ કહેવામાં આવ્યું નથી. ફેયર ઈનફ! પણ મિડીયાના દુષ્પ્રચારથી કોણ બચી શક્યું છે? અમિતાભ બચ્ચન પર પણ બોફોર્સમાં કટકી લેવાનો આરોપ હતો, પરંતુ લગભગ બે દાયકા પછી લંડનની એક કોર્ટમાં કોઈ સાક્ષીના બયાનમાં અમિતાભને આ અંગે જાણકારી પણ ન હતી એવું સાબિત થયું.

જો એ સમયે મિડિયા સંજય દત્ત વિરુદ્ધ હતું તો લાંબો સમય તેની સાથે પણ હતું, ખાસકરીને મુન્નાભાઈની સફળતા બાદ, જેની નોંધ ફિલ્મમાં પણ લેવાઈ છે. તો આ સમય દરમ્યાન તે RDXનો મામલો મિડિયા સામે લાવીને તેને સ્પષ્ટ કરી શક્યો હોત. હવે જો આ ફિલ્મ દ્વારા તે પોતાની નિર્દોષતા સાબિત કરવા માંગતો હોય તો સોરી, પણ ઘણું મોડું થઇ ગયું છે અને અહીં ફરીથી સંજય દત્તની અયોગ્યતા પણ પૂરવાર થાય છે.

ફિલ્મના જ એક સીનમાં સંજય દત્ત કોઈ મોટા વકીલ સમક્ષ ગુસ્સામાં કહે છે કે તે પોતે વકીલ નથી પરંતુ એટલું જરૂરથી જાણે છે કે જો તે બોમ્બે બોમ્બ બ્લાસ્ટના કેસમાં તાજનો સાક્ષી બની જશે તો પોતે આતંકવાદી છે એ પુરવાર થઇ જશે. એ પોતે તો દેશ છોડીને જતો રહેશે પરંતુ પોતાના પિતા અને બહેનો પર આતંકવાદીના પરિવાર તરીકેનું કલંક આખી જિંદગી લગાવીને જશે. જો આટલું તે વકીલ ન હોવાને લીધે પણ સમજી શક્યો હોત તો કોર્ટમાં જઈને RDX અંગેની સ્પષ્ટતા ખુદ કોર્ટ કરે એવી કોઈ પીટીશન એણે દાખલ કેમ ન કરી?

અંતે એટલું કહી શકાય કે સંજુ બોક્સ ઓફિસ પર સફળ થઇ છે પરંતુ તે દર્શકોના મનમાંથી સંજય દત્તની છબી બદલી નાખવામાં નિષ્ફળ ગઈ છે. કોઇપણ સમજદાર વ્યક્તિ ઉપર આપેલા કારણો પર વિચાર કરશે તો તેને એ નિષ્ફળતા જરૂર ઉડીને આંખે વળગશે. બાકી સંજય દત્તને કોર્ટે ખુબ ચાન્સ આપ્યા છે એની આપણને બધાને ખબર છે. સંજય દત્તે સજા મેળવ્યા પહેલા છેક રિવ્યુ પીટીશન સુધી દરેક વિકલ્પનો ઉપયોગ કરી લીધો હતો. સામેપક્ષે સુપ્રિમ કોર્ટે પણ દત્ત પ્રત્યે દયા દેખાડતા જેલમાં જતા અગાઉ પોતાની બાકી ફિલ્મોનું શુટિંગ પૂરું કરવા એક મહિનાનો સમય પણ આપ્યો હતો તો જેલમાં ગયા પછી પણ તે ઘણીવાર પેરોલ અને ફર્લો પર બહાર આવી ચૂક્યો છે.

હા, સજા કાપ્યા પછી માત્ર સંજય દત્ત જ નહીં પરંતુ કોઇપણ વ્યક્તિ સાથે ઓરમાયું વર્તન ન થવું જોઈએ એ માત્ર કાયદો જ નથી જણાવતો પરંતુ તે આપણી સંસ્કૃતિ પણ છે. પરંતુ એ બધું આપણે સામાન્ય વ્યક્તિઓએ ઓછું વિચારવાનું છે કારણકે સંજય દત્ત આપણા બધાના જીવનનો અંતરંગ હિસ્સો નથી.

બસ રાજકુમાર હિરાણી હવે એમની આગવી સ્ટાઈલમાં હસતા રમતા આપણને કોઈ સંદેશ આપી જાય એવી ફિલ્મ લઈને આવે એની રાહ આપણે જોવાની શરુ કરી દેવી જોઈએ એ વાત નક્કી છે.

eછાપું

તમને ગમશે: ઓનલાઈન પ્રાઈવસી ભાગ 1 – સાઈટ અને એપ્સ વિષે તમારા માટે ખાસ માહિતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here