1લી ઓગસ્ટ એટલે ટ્રેજેડી ક્વીન મીનાકુમારી નો જન્મદિન. 1933માં પ્રભાદેવી નામની સ્ત્રીએ અલીબક્ષ નામના પઠાણ-સુન્ની સાથે લગ્ન કરીને પોતાનું નામ ઈકબાલ બેગમ રાખેલું, પણ પોતે ‘કામિની’ નામ રાખીને ફિલ્મોમાં નૃત્ય કરતી. મુંબઈના દાદરમાં રૂપતારા સ્ટુડિયો પાસેની મીઠાવાલા ચાલ નામની ઝૂંપડપટ્ટીમાં પ્રભાદેવી રહેતી. ઝૂંપડામાં સૂવાવડ થઈ શકે એમ નહોતી એટલે પૈસા ઉછીના લઈને ડૉ. ગદ્દેના મેટરનિટી હોમમાં દીકરીનો જન્મ થયો. રૂપરૂપના અંબાર જેવી દીકરીને ઝૂંપડપટ્ટીની ગોબરી વસ્તીમાં સાચવી શકાશે નહીં એવું વિચારીને સારા ઉછેર માટે પિતા અલીબક્ષ દીકરીને નજીકના અનાથાશ્રમમાં મૂકી આવ્યા. માતા પ્રભાદેવી ખૂબ રડ્યાં, આંસુ સુકાતાં નહોતાં, બાપનું મન દ્રવી ઊઠ્યું અને દીકરીને પાછી ઘરે લઈ આવ્યાં. કાંતિ ભટ્ટે એક અહેવાલમાં આવી ઘણી હકીકતો લખી છે.

તે લોકોની ચાહનારી દીકરી બને એટલે દાદીએ ‘મહઝબીન-બાનો’ નામ રાખેલું. મિયાં અલીબક્ષ હાર્મોનિયમ વગાડીને ગુજરાન ચલાવતા. ફિલ્મી સંસાર સાથે જોડાયેલા હતા ઍટલે ફિલ્મોમાં પણ નાના મોટા રોલ લઈ લેતાં. મહઝબીન છએક વર્ષની થઈ ત્યારે ચાલતા, રમતા, નખરાં કરતી એ જોઈ પિતાને લાગ્યું કે દીકરીમાં જન્મજાત અભિનયના સંસ્કાર છે, ફિલ્મોમાં કામ કરશે, ચમકશે અને કુટુંબને ઝૂંપડામાંથી બહાર કાઢશે. ગુજરાતી નિર્માતા-નિર્દેશક કલાકાર વિજય ભટ્ટ પાસે માતા દીકરીને લઈ ગઈ અને ‘ફરઝંદ-એ-વતન’ નામની ફિલ્મમાં છ વર્ષે કામ અપાવ્યું. વિજયભાઈએ દીકરીનું નામ ‘બેબી મીના’ રાખ્યું. એ જ વિજય ભટ્ટે 1952માં બૈજુ બાવરા માટે સાઈન કરી ત્યારે ‘બેબી મીના’ યૌવનના પગથિયાં ચઢી ગયેલી ‘મીનાકુમારી’ બની ગઈ હતી. મીના એ નારીસૌંદર્યથી સમૃદ્ધ હતી પણ બચપણ અને કુમાર્યાવસ્થા ગરીબી અને સ્ટ્રગલમાં પસાર થઈ હતી.
38 વર્ષની ઉંમરમાં મીનાકુમારીએ 92 ફિલ્મોમાં કામ કર્યું. પાકિઝા, સાહિબ બીબી ઔર ગુલામ, દિલ અપના ઔર પ્રીત પરાયી, મેરે અપને, આરતી, બૈજુ બાવરા, દિલ એક મંદિર, ફૂટપાથ, કાજલ જેવી અનેક સુપરહીટ ફિલ્મો કરી. મીનાકુમારીની ઓનસ્ક્રીન કારકીર્દીના લગભગ રોલમાં પ્રભાવશાળી પુરુષથી પિડાતી સ્ત્રીના રોલ જ ભજવ્યા છે. ફિલ્મફેર એવોર્ડ્સની શરૂઆત 1954માં થઈ અને પહેલાં બે વર્ષ લગાતાર મીનાકુમારીએ બૈજુ બાવરા અને પરિણીતા માટે શ્રેષ્ઠ અભિનેત્રીના એવોર્ડ જીત્યા. એ સિવાય 10મા ફિલ્મફેર એવોર્ડ (1963)થી અત્યાર સુધી એક પણ અભિનેત્રી એવી નથી જેણે શ્રેષ્ઠ અભિનેત્રીની શ્રેણીમાં બધાં જ નોમિનેશન મેળવ્યા હોય. મીનાકુમારીની આત્મકથા લખનાર પત્રકાર વિનોદ મેહતાએ લખ્યું છે કે મીનાકુમારીના રોલ એવા પ્રભાવશાળી હતા કે તેણી સાથે કામ કરનારા હિન્દી ફિલ્મોના દિગ્ગજો પણ પરસેવે રેબઝેબ થઈ જતાં. ટ્રેજેડી કિંગ દિલીપ કુમાર હોય કે રાજ કુમાર, તેઓ પણ ડાયલોગ ભૂલ્યાના દાખલા છે. મીનાકુમારી નવા કલાકારોને ખૂબ પ્રોત્સાહિત કરતી. સુનિલ દત્ત, રાજેન્દ્ર કુમાર, ધર્મેન્દ્ર અને વિનોદ ખન્ના જેવા કલાકારોને મીનાકુમારીનો ઘણો સાથ મળતો.
કાંતિ ભટ્ટે એવું પણ લખે છે કે મીનાકુમારીને એમ કે પરણીને ઠરી-ઠામ થઈશ તો પ્રેમને પ્યાસમાં રાહત મળશે પણ કમાલ અમરોહી ખાવિંદ તરીકે મીના ઉપર સખત ચોકી રાખતા. મીનાએ કઈ ફિલ્મમાં કામ કરવું, કયા પ્રકારના રોલ કરવા, કયા હીરો સાથે કેવા સીન કરવા એ બધી બાબતો અમરોહી જ નક્કી કરતા. 1950ના દાયકામાં મીનાકુમારીને ફિલ્મમાં લેવા માટે નિર્માતાઓ પડાપડી કરતા. બિમલ રોયે ‘દેવદાસ’ માટે પારોનું પાત્ર મીનાકુમારી પાસે કરાવવું હતું પણ અમરોહી અને બિમલ રોય વચ્ચે મનદુઃખ હતું એટલે મીનાને કામ કરવા દીધું નહીં. આવા માલિકીભાવવાળા પ્રેમી અને પતિથી મીનાકુમારી ગળે આવી ગઈ હતી એટલે તલાક ઈચ્છતી હતી અને બંને પક્ષે એ વાતની સંમત્તિ પણ હતી. (જો કે પછી સુનિલ દત્ત-નરગિસે બંને વચ્ચેની ખટાશને દૂર કરી હતી).
છેલ્લે 1964માં બંનેનું લગ્નજીવન ભંગ થયું. દાદીની ઈચ્છા હતી કે મહઝબીન પ્રેમાળ, નિખાલસ અને નિર્મળ પત્ની બને. એમની દ્રષ્ટિએ મહઝબીનનો એક દુર્ગુણ એવો હતો કે એ જલ્દીથી દિલ દઈ બેસતી. પ્રેમમાં પડે તો પેશનેટ પ્રેમમાં પડે. “પ્રેમમાં પડે તો ઊંધે કાંધ પડે. એવું ઝંપલાવે કે કશું બચાવે જ નહીં. હ્રદયના ટુકડે ટુકડા થવા દે અને ચીરીને ટીપે-ટીપું પ્રેમ આપી દે. પણ એ લગ્ન માટે સર્જાઈ જ નહોતી. She can be difficult to live with and love with. એના ગ્રહો જ એવા હતા” આ શબ્દો છે જુલિયા પાર્કર નામની જ્યોતિષીના, જે ભારત આવીને જ્યોતિષ વિદ્યા શીખી હતી. પ્રેમની હંમેશા ભૂખ રહેતી એને, એટલે જ કદાચ પોતાની ઉંમરથી 15 વર્ષ મોટા ફિલ્મ નિર્માતા નિર્દેશક કમાલ અમરોહી સાથે પરણી ગઈ.
લાગતું વળગતું: મેરિલીન મનરો જો ખરેખર ડમ્બ હોત તો એ કદાચ વધારે સુખી હોત… |
‘પિંજરે કે પંછી’ ફિલ્મના શૂટીંગનું મુહુર્ત હતું, મીનાકુમારી પોતાના મેક-અપ રૂમમાં હતી અને અચાનક કમાલ અમરોહીનો અસિસ્ટન્ટ બકર અલી આવીને મીના કુમારીને લાફો મારે છે. કારણ? મીનાકુમારીએ ફિલ્મના ગીતકાર ગુલઝારને પોતાના મેક-અપ રૂમમાં આવવાની પરવાનગી દીધી. તરત જ મીનાકુમારીએ બકર અલીને કહ્યું, “કમાલ સાહબ કો કહ દો કે આજ રાત કો મૈં ઘર નહીં આઉંગી.” બસ, એ દિવસ પછી મીનાકુમારી પોતાની બહેન મધુ (જેના નિકાહ એક્ટર-કોમેડીયન મહેમૂદ સાથે થયેલા)ના ઘરે રહેવા લાગી. અમરોહી કે લાખ મનાને પર ભી મીના કુમારી નહીં માની. પછી કદી પણ મીનાકુમારી અમરોહીના ઘરે ગઈ નહીં.
‘નાઝ’ ઉપનામથી મીનાકુમારી ગમગીનીમાં કવિતાઓ અને શાયરીઓ લખતી. ઈશ્વરે એનાં જીવન પર કરૂણતાનું બારીક નકશીકામ કરેલું. ‘ચાંદ તનહા’ નામનો મીનાકુમારીનો ગઝલસંગ્રહ છે.
चाँद तन्हा है आसमां तन्हा, दिल मिला है कहां कहां तन्हा |
बुझ गई आस छुप गया तारा, थरथराता रहा धुआँ तन्हा |
ज़िन्दगी क्या इसी को कहते हैं, जिस्म तन्हा है और जाँ तन्हा |
हमसफ़र कोई गर मिले भी कहीं, दोनो चलते रहे तन्हा तन्हा |
जलती बुझती सी रौशनी के परे, सिमटा सिमटा सा एक मकां तन्हा |
राह देखा करेगा सदियों तक, छोड़ जाएँगे ये जहां तन्हा |
ચૌદ વર્ષ ફિલ્મ ‘પાકીઝા’ની શૂટીંગ ચાલી. પ્રેમને ભૂલ સમજવાની અને ભૂલથી પ્રેમ કરવાની કિંમત મીનાકુમારીને મોંઘી પડી. દારૂ એમનાં જીવનનો પર્યાય બની ગયો. મીનાકુમારીની દારૂની લત એક અજીબ રીતે થઈ. એમના ડૉક્ટરે એમને ઊંઘ આવવા માટે બ્રાન્ડીનું સૂચન કરેલું, જે પછી મીનાકુમારી માટે ઘાતક નીવડ્યું. એમના બાથરૂમમાં પણ એન્ટીસેપ્ટીકની બાટલીમાં દારૂ ભરેલી ઘણી વાર કમાલ અમરોહીએ પકડી પાડ્યું હતું. તલાક વખતે મીનાકુમારીએ લખેલું:
तलाक़ दे रहे हो नज़रे-कहर के साथ
जवानी भी मेरी लौटा दो मुझे महर के साथ|
મુમતાઝે મીનાકુમારી માટે એક ફિલ્મ કરેલી જેના 3 લાખ રૂપિયા પોતાની અંતર્ગત અને પર્સનલ હાલતને કારણે ચૂકવી ન શકી. છેલ્લા દિવસોમાં મુમતાઝને બોલાવીને મીનાકુમારીએ કહ્યું કે મારો હવે કોઈ ભરોસો નથી. તમારા 3 લાખ રૂપિયા માટે હું મારો કાર્ટર રોડ વાળો બંગલો તમારા નામે કરું છું. કમાલ અમરોહીના માલિકીભાવવાળા પ્રેમને તાબે થઈને ‘પાકીઝા’ ફિલ્મમાં દિલ દઈને કામ કરી મીનાકુમારી પોતે જ તેની ભયંકર હતાશાઓને ઉરમાં ઘોળીને સ્વરચિત ઝેરથી મરીને ફક્ત 38 વર્ષની ઉંમરે દુનિયા છોડી ગઈ. જન્મ વખતે સૂવાવડના પૈસા નહતા એ જ રીતે મીનાકુમારીના મૃત્યુ વખતે એમનું કફન ખરીદવાનાં પણ પૈસા નહોતા.
न हाथ थाम सके, न पकड सके दामन
बडे करीब से हठकर चला गया कोई
વસિયતમાં મીનાકુમારીએ લખેલી કવિતાની ડાયરીઓ ગુલઝાર સાહેબને સોંપી ગયા છે. અપ્રાપ્ય એવું ગુલઝાર સાહેબનું સંપાદન ‘मीनाकुमारी की शायरी’ ના નામે પ્રગટ થયું છે. (અંકિત ત્રિવેદી એ થોડા અંશો શેઅર કરેલા) આ શાયરીઓ મીનાકુમારીએ પોતાના છેલ્લા શ્વાસ સુધી સાથે રહેનાર ખુરશીદ આપાને અર્પણ કરી છે.
सो जा मेरी मुहब्बत मेरी बेजबां सहेली
यूं ही सुबह तक रहेगी मेरी दास्तां पहेली
तुझे दिल की धडकनों में न छूपा सकेगा कोई
तेरे आंसुओं की किंमर न चुका सकेगा कोई
यूं ही उम्र-भर रहेगी तेरी आत्मा अकेली
मेरे दिल की धडकनो को न सिखा नए बहाने
न पुकार जिन्दगी को सखी मौत के सिरहाने
सो जा में दे रही हुं तुझे लोरियां नशीली
અંકિત ત્રિવેદી લખે છે કે ફિલ્મોમાં બીજાએ લખેલાં ડાયલોગ બોલનારી પ્રસિદ્ધ અભિનેત્રી કરૂણતાની ચરમસીમા પર અભિનયકલા સાથે કવિતાકલાનો પણ હાથ પકડે છે અને પોતાની અંદરના ડાયલોગ કવિતાઓમાં ઠાલવે છે.
तुम्हें चाहा सभीने दिल समझकर
कि धोखा खा गये मंझिल समझकर
પડઘોઃ
कोई चाहत है, न जरुरत है, मौत क्या इतनी खूबसूरत है
– મીનાકુમારી
eછાપું
તમને ગમશે: Amitabh Bachchan ને ગમતી એક ગુજરાતી કવિતા કઈ છે?
Superb