સિરિયલ ની વાત નથી પણ ખરેખર અરીસામાં જોતા જોતા આપણને અચાનક એવો વિચાર આવે કે આ પ્રતિબિંબને એમનું એમ રાખવા માટે શું કરવું જોઈએ ? ખૂબ મનોમંથન કરવું પડે. હેલ્થ ક્લબ, ફિટનેસ સેંટર કે પછી યોગ ક્લાસીસની મુલાકાત લઈએ ત્યારે જરા સરખો ફેરફાર દેખાય. પણ લાંબા સમય સુધી સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે ઘણી મહેનત કરવી પડે છે.
હવે વિચારો!!! આ સિરિયલમાં બતાવવામાં આવતા સંબંધો અને તેને ભજવતાં પાત્રો આપણા જીવન સાથે મેળ ખાય ખરા? અને આ વિચાર કરતાં કરતાં જોગાનુજોગ એકતા કપૂરની સિરિયલ યાદ આવી. પછી જે થયું તેનું વર્ણન અહીં લખી જ નાખ્યું…

પહેલાં તો મેં “ક્યુંકી સાસ ભી કભી બહુ થી” યાદ કરી. એય ને ઓલા “ઠાકુરજી ઠાકુરજી” કહેવાવાળા બા, ને એની પાછળ ફરતાં બાબુજી, ને બા ના ત્રણ દીકરા, ને એ ત્રણેય દીકરાની પત્નીઓ અને તેમનાં છોકરાં. આહા… શું સિરિયલ હતી? તુલસી જેવી સંસ્કારી વહુ બારણું ખોલીને આવો… આવો… એટલે કે સ્વાગત કરતી ત્યારે બધા જ બાળા – બુઢ્ઢાઓને એમ થતું કે TV માં જવાતું હોત ક્યારના ઘુસી ગ્યાં હોત. ધોમ ધખતા તાપમાં પણ ચમકીલા કપડાં પહેરીને આમતેમ આંટા મારતી ઘરની લક્ષ્મીઓ ભલેને એકબીજાથી વિપરીત વિચારસરણી ધરાવતી હતી પણ, હંમેશા સજીધજીને જ્યારે ફરતી ત્યારે આપણા સગાવ્હાલાંને જોઈને ચોક્કસ એમ થતું કે આ બધાં ક્યાંથી આવ્યા હશે? જન્મે જ ઘરડાં હશે કદાચ. પછી તુલસી પોતે સાસુ બની અને તેની ય વહુઓ આવી. પણ ઓલા બા તો બા જ રહ્યાં. 100-110 વર્ષીય થઈ ગ્યાં હશે તોય આમતેમ ફરતા જોવા મળે ત્યારે ઘણાં રિઅલ લાઇફ દાદીઓ અરીસા સામે એકવાર જોઈને મન મનાવતા.
લાગતું વળગતું: ટીવી સીરીયલના ફેસબુકીયા વિવેચકોને પહોંચી ન વળાય |
પછી કહાની ઘર ઘર કી, કસૌટી ઝિંદગી કી, કસમ, કુમકુમ, ને એવી કાંઈક સિરિયલ આવી. જેમાં જુઓ તેમાં યંગ, મોર્ડન, ટીપટોપ મમ્મીઓ અને સાસુઓ જોવા મળતી. એમ થાય કે આ બધી શું ખાતી હશે? લિપસ્ટિક, મોટો ચાંદલો, બંગડીઓ, મોટી મોટી બુટ્ટીઓ, મંગળસૂત્ર લટકાવી રાખતી પાર્વતી, તુલસી, પ્રેરણા, કુમકુમ, વિગેરે આટલી તકલીફો અને દુઃખ પછી પણ આટલા યંગ કેવી રીતે દેખાય છે? સમ ખાવા પુરતા પણ સફેદ વાળ ન દેખાતા હોય અને ત્રણ – ચાર વખત લગ્ન થઈ જતાં હોય, એવા શેખચલ્લીના વિચારો એકતા કપૂરને જ આવી શકે. પાછી મનમાં ને મનમાં બોલે એટલે કે બબડાટ કરે, ષડયંત્ર કરે, અને ત્યાં સુધી કે કોઇને મારવાના પણ પ્લાનિંગ પ્લોટીંગ કરે તે વાત કેવી રીતે ગળે ઉતરતી!!! કદાચ ગામને પોતાનાં તુચ્છ વિચારોની સિરિયલરુપે લહાણી કરતી એક્તા કપૂરે પણ નહીં વિચાર્યું હોય આટલું સિરિયલ બનાવતાં.
રાત્રે આઠ વાગ્યા નથી ને ઘરનાં વડીલો TV સામે ગોઠવાઈ જાય. કદાચ હજી પણ આ સમસ્યા મોટા ભાગના ઘરમાં જોવા મળશે. જમવાની વ્યવસ્થા પણ TV સામે જ હોય. એકતા કપૂરનાં એકચક્રી શાસન દરમિયાન ઘણાં ઓટલા પર સવાર સાંજ TV સિરિયલની ચર્ચાઓ પણ સાંભળી હશે. એટલું ઓછું પડતું હોય તેમ રિપીટ ટેલીકાસ્ટ જોવાવાળા વર્ગની પણ કમી નહોતી અને હજી નથી. સાડીઓ, ઘરેણાં, હેર સ્ટાઈલ વિગેરેમાં પણ સિરિયલની ઝલક જોવા મળી આવે.
આપણી વિધાનસભા અને લોકસભા જેટલી ચર્ચાઓ સિરિયલ પુરી થાય એટલે ઘરમાં શરૂ થાય. આ ચાર – પાંચ પેઢીઓ સુધી અડીખમ રહેતાં “બા” અને “બાબુજી” ક્યારે વિદાય લેશે? મિહિર ક્યારે પાછો આવશે? પાર્વતી કેટલી સરળ છે? જસ્ટ ઈમેજિન, આપણી મમ્મીઓ સવારે ઊઠીને સેલું પહેરીને, ઘરેણાં ચડાવીને, મોટો ચાંદલો કરીને, મેક – અપ કરીને નાસ્તો કે જમવાનું પીરસે….
ક્યાં હમલોગ, તમસ, મુંગેરીલાલ કે હસીન સપને, મિસ્ટર યોગી, ફૌજી, સર્કસ, નુક્કડ, રામાયણ, મહાભારત જેવી સિરિયલ અને ક્યાં આજકાલની સિરિયલ.
બસ!!! આગળ વિચારો એ પહેલાં જ અરીસામાં ફરીથી જોઈ લેવું અને વિચારવું કે તન અને મન સ્વસ્થ હોય તો “ગમે તેવો” દેખાવ પણ “ગમે” એવો થઈ જાય છે. એનાં માટે ચહેરા પર લપેડા કરવાથી કાંઈ નહીં વળે. આંતરિક સુંદરતા જોવા માટે સ્વસ્થ મનની જરૂર છે. હા, આપણામાંથી બધાં જ મોટી ઉંમરે ફિટ ન પણ હોઈ શકે. એટલે આપણે ઘરમાં એક ચોક્કસ વાતાવરણ ઊભું કરીએ જેથી આપણને ઘડપણ જલ્દી ન આવે.
મનોરંજન માટે ફરવા જાઓ, ખાઓ – પીઓ, ફિલ્મો જુઓ, ક્રિકેટ જુઓ, પણ.. અમુક સામાજિક ઉધઈ સમાન સિરિયલથી દૂર રહેવું.
અસ્તુ!!
eછાપું
તમને ગમશે: Veere Di Wedding – ઓપન કલ્ચરને નામે સંસ્કારોનું વસ્ત્રાહરણ