ઇતના સન્નાટા ક્યૂં હૈ ભાઈ? આખરે મમતા દીદીએ ગૃહયુદ્ધની ધમકી આપી છે!

0
278
Photo Courtesy: rightlog.in

ગમે તેટલી કોશિશો કરીશું પરંતુ આપણે આપણા મિડિયાના ધારાધોરણો સમજવા જઈશું તો ક્યારેય સમજી નહીં શકાય એ હકીકત ફરી એકવાર સાબિત થઇ ગઈ છે. નાનામોટા નેતાઓના નાનામોટા નિવેદનો પર રોજના પાંચ કલાકનો પ્રાઈમ ટાઈમ વેડફી નાખનારું આપણું મિડિયા મમતા બેનરજી દ્વારા આપવામાં આવેલી ગૃહયુદ્ધની અતિશય ગંભીર અને ગુનાહિત અસર રાખતી ધમકી અંગે ચુપકીદી સેવી રહ્યું છે.

Photo Courtesy: rightlog.in

મમતા બેનરજી સાક્ષી મહારાજ જેવા સામાન્ય નેતા નથી, તેમનું રાજકીય જીવન લગભગ 48 વર્ષ અગાઉ શરુ થયું હતું. તેમની રાજકીય સિનીયોરીટીને બાજુમાં મુકીએ તો પણ મમતા દીદી અત્યારે દેશના મહત્ત્વના રાજ્ય એવા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી છે. કોઈ જેવાતેવા નેતાએ ગૃહયુદ્ધની ધમકી આપી હોત તો એને કદાચ ઇગ્નોર કરી શકાત પરંતુ જો કોઈ રાજ્યના મુખ્યમંત્રી આવું કહે તો એ અતિશય ગંભીર બાબત કહી શકાય.

NRC જેના પર લંબાણપૂર્વક અલગથી કોઈ આર્ટિકલ લખી શકાય તેમ છે તેણે મમતા દીદીને પેટનું દર્દ આપ્યું છે. એક સમયે પશ્ચિમ બંગાળમાં ગેરકાયદે ઘૂસી આવેલા બાંગ્લાદેશીઓનો ભરી સંસદમાં કાગળો ઉડાડીને વિરોધ કરનારા આ દીદી આજે કેન્દ્ર સરકારને એવી ધમકી આપી રહ્યા છે કે એક પણ બાંગ્લાદેશીને જો હાથ પણ લગાડવામાં આવશે તો દેશભરમાં ‘ખૂન કી નદિયાં’ વહેવા માંડશે!

લાગતું વળગતું: આવો જઈએ રોહિન્ગ્યા મુસ્લિમોની સમસ્યાના મૂળમાં

કારણ સ્પષ્ટ છે, જે બાંગ્લાદેશીઓ આજથી દસ-બાર વર્ષ પહેલા મમતા દીદીને પશ્ચિમ બંગાળમાંથી લેફ્ટનો કાંટો કાઢવાના એમના મિશનમાં નડતરરૂપ લાગી રહ્યા હતા એ જ બાંગ્લાદેશીઓમાં આજે તેમને પોતાની સત્તા ટકાવી રાખવાની વોટબેંક દેખાઈ રહી છે. વર્ષો સુધી બંગાળ પર એકહથ્થુ શાસન કરનાર ડાબેરીઓએ બાંગ્લાદેશીઓને પોતાના રાજ્યમાં આવવા દઈને, તેમને નાગરિકત્વ આપવા સુધ્ધાંનું પાપ કરીને પોતાની સત્તા ટકાવી રાખવાની કોશિશ કરી હતી. દીદી અત્યારે બસ એમ જ કરી રહ્યા છે.

હવે જ્યારે કેન્દ્ર સરકાર સુપ્રિમ કોર્ટના માર્ગદર્શન હેઠળ આ બાંગ્લાદેશીઓની ઓળખ કરી રહી છે અને પ્રારંભિક આંકડાઓ અનુસાર લગભગ ચાલીસ લાખ લોકોના નામ આ NRCમાં નથી, ત્યારે મમતા બેનરજીને પોતાના વર્તમાન અને ભવિષ્યના ચાલીસ લાખ વોટ પોતાનાથી દૂર થવાનો કદાચ એટલો જબરદસ્ત ભય લાગી રહ્યો છે કે તેઓએ પોતાની જીભ પર નો કાબુ ગુમાવી દીધો છે અને પોતાનાજ સમર્થકોને લોહી વહેવડાવવા કે પછી ગૃહયુદ્ધ કરવા માટે ઉત્તેજીત કરી રહ્યા છે.

જેમ આગળ વાત કરી એમ નાના અમથા નેતાઓના બેજવાબદાર બયાનો પર સમય બગાડનાર આપણા મિડિયાના મોટાભાગના સેક્શને મમતા બેનરજીની ગૃહયુદ્ધની ધમકીને કાં તો ઇગ્નોર કરી છે અથવાતો “બાળક છે ભાઈ ભૂલ થઇ જાય” એવા બહાના હેઠળ તેને હળવાશથી લીધી છે. જ્યારે તેમણે દેશના એક રાજ્યના મુખ્યમંત્રી જેવા જવાબદાર સ્થાનેથી આ પ્રકારની વાત કરનાર નેતાની તેમણે પાછળ પડી જવાનું હતું ત્યારે તેઓ અત્યંત શાંતિથી આ મામલો શાંત પડી જાય એનું ધ્યાન રાખી રહ્યા છે.

આપણે તો મિડિયાનો આ ખેલ બહાર બેઠાબેઠા જોવાનો જ છે અને માત્ર કલ્પનાઓ જ કરવાની છે કે જો પાત્રો બદલાઈ જાય તો? ફક્ત એટલુંજ વિચારીએ કે મમતા બેનરજીની જગ્યાએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આવું કશું કહી દીધું હોત તો?

જો સાક્ષી મહારાજના બેજવાબદાર બયાનો પાછળ પાંચ દિવસ ચર્ચા ચાલી શકતી હોય તો યોગી જેવા મોટા નેતા પાછળ પંદર વીસ દિવસ તો TRP મેળવવાની કસરત આરામથી થઇ શકે બરોબરને? ડાબેરી વિચારસરણી ધરાવતા મિડીયાને તો ભાજપ કે તેનો કોઇપણ નેતા બસ જરાક અમસ્તી ભૂલ કરી બેસે એટલે એનું એન્કાઉન્ટર કરી નાખવાની તક ઝડપવા માટે ટાંપીને જ બેઠું હોય છે.

જો કે સાંભળવા મળ્યા અનુસાર મમતા બેનરજીના આ બેજવાબદારીપૂર્ણ બયાન સામે યુથ ભાજપના કોઈ નેતાએ પોલીસ ફરિયાદ પણ કરી છે, પરંતુ આવી ફરિયાદોના શા હાલ થાય છે એની આપણને સુપેરે ખબર છે જ.

મમતા બેનરજીનું બયાન રાજકીય છે આથી એની સામે રાજકીયરીતે જ લડી શકાય એમ છે, જે અંગે ભાજપની નેતાગીરીએ કોઈને કોઈ રણનીતિ અપનાવવાનું જરૂર નક્કી કર્યું હશે. પરંતુ, મજાની વાત એ છે કે વર્ષો સુધી મમતા બેનરજીને પોતાના પર્સનલ દુશ્મન માનનારા ડાબેરીઓ પોતાના જૂના પાપ સંતાડવા એમના આવા બેજવાબદાર નિવેદન પર કોઈજ કડક પ્રતિક્રિયા આપવાથી ડરી રહ્યા છે!

eછાપું

તમને ગમશે: “અખિલ ભારતીય પારકી પંચાત એસોશિયેશન”ની રચના વિષે તમે શું વિચારો છો?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here