અન્નાદ ભૂતાનિ જાયન્તે…પાણીપુરી રૂપી ભેળસેળિયા અન્ન ની આસપાસ…

7
592
Photo Courtesy: mogulnaan.com

અન્ન થી જ પ્રાણીઓ ઉત્પન્ન થાય છે,અન્ન થી જ વૃદ્ધિ થાય છે,પ્રાણીઓ દ્વારા અન્ન નું ભક્ષણ થાય છે અને તે અન્ન જ પ્રાણીઓ નું ભક્ષણ કરે છે.આ એટલે યાદ આવ્યું કે પાણીપૂરીથી ઘણા અધિકારીઓ અને ભૈયાઓની વૃદ્ધિ થઇ અને છેલ્લે એજ પાણીપૂરી એમને ખાઈ ગઈ.

એક બે રોગચાળા ફાટી નીકળે એટલે અચાનક આરોગ્ય અને ફૂડવાળાને અચિંત્ય શક્તિનો પવન આવે એમ તવાઈ આવે છે, બે-ચાર જગ્યાએ સેમ્પલ લઇ એક બે તપેલા ઉંધા કરી બધાને ઉંધા બનાવાય છે પણ આ સેમ્પલોનો રીપોર્ટ શું આવ્યો એ ક્રમશ: મીડિયા ક્યારેય બતાવતું નથી કે બે મહિના પહેલા ફલાણી જગ્યાએથી આ સેમ્પલ લીધેલું એમાં આ આવ્યું ને આ મુજબ સજા થઇ. હકીકતમાં અન્ન ખવડાવવાના બિઝનેસ સાથે સંકળાયેલા લોકોનું દિલ ને દિમાગમાં જેવું હોવું જોઈએ એવું હશે તો જ સમાજ સ્વસ્થ રહી શકશે પણ આતો ગંદા હૈ પર ધંધા હૈ એવું છે. વર મરો વરની મા મરો પણ ગોરનું તરભાણું ભરો એ ખેલ સમાજને ચોક્કસ કેન્સર અને એઇડ્સ જેવા રોગો તરફ ધકેલી રહ્યો છે. એક ચોક્કસ જગ્યાએથી નાની ખીલી નીકળી જવાથી હજારો લોકો મૃત્યુ પામ્યા હોય અને એક નાની સિગરેટના તણખાથી કરોડોની મિલકતો રાખ બની હોય એના દાખલા છે.

ભેળસેળ સમાજ માટે હંમેશા નુકસાનકારક હોય છે એ માણસજાતના જનીનમાં હોય કે તેના અન્ન માં કે શાકભાજીમાં. આટઆટલું મીડિયામાં છપાવા છતાં કેમિકલવાળા પાણીને પાણીમાં દેડકા મુકવાની વાતોના અહેવાલ આવવા છતાં સ્ટ્રીટ ફૂડમાં નંબર વન રહેલી પાણીપૂરી હમેશાં નંબર વન રહેવાની જ. કેમકે સ્ટ્રીટફૂડમાં હું પાણીપૂરી છું કૃષ્ણ બોલી ગયેલા એટલું જ ગીતામાં ઉમેરવાનું બાકી છે. ગળથૂથીમાં પણ પાણીપૂરી મંગાય એવી પેદાશો આવે એમાં નવાઈ નહીં પણ ખેર જીભની લોલુપતા કે અજ્ઞાન વશ ખાધેલું અન્ન ચોક્કસ અનારોગ્ય તરફ દોરી જાય છે..

લાગતું વળગતું: પાણીપુરી પર પ્રતિબંધ અને તેની સામાજીક તેમજ આર્થિક અસરો – એક નિબંધ

આયુર્વેદમાં લખ્યું છે કે હોજરીના ચાર ભાગ કલ્પી બે ભાગ ઠોસ અન્નથી અને એક ભાગ પાણી જેવા લીક્વીડ પદાર્થોથી ભરવો અને ચોથો ભાગ વાયુના વિચરણ માટે ખાલી રાખવો તો જ ખોરાક બરાબર વલોવાય છે. આમ જોવા જઈએ તો પાણીપૂરી ખાઈએ તો બે ભાગ ચણા-બટેટા થી, એક ભાગ ફુદીનાના પાણીથી અને ચોથો ભાગ બટેટા ચણાથી ઉત્પન્ન ગેસ ને ફરવા ખાલી રહે એટલે પાણીપૂરી પરફેક્ટ ફૂડ ગણાય નહીં? પણ ના બંધુ લખાણું એ વંચાણું એ ન્યાયે દરેક આઈટમને કેલેરી અને ફેટ-પ્રોટીન-કાર્બોહાઈડ્રેટના ચોકઠાંમાં ફીટ કરી ખાવી યોગ્ય નથી. એમ તો ઝેરમાંથી પણ આ તત્વો મળી જાય કે ભૂંડના માંસમાંથી પણ. પણ એ ખાવું યોગ્ય હોય તો જ ને??? વ્યવસ્થિત પચ્યા પછી ભોજનની, વૃદ્ધાવસ્થામાં પત્નીની, યુદ્ધમાંથી ઘરે પાછા ફર્યા બાદ વીરની અને ખેતરમાંથી ઘરે પહોચ્યા બાદ પાકની પ્રશંસા થાય છે અર્થાત એની સાચી કિંમત સમજાય છે, આથી ભોજન રાસાયણિક દ્રષ્ટિથી ભલેને ગમે તેટલું સંતુલિત કેમ ન હોય પણ જ્યાં સુધી એ શરીરમાં સંપૂર્ણ પાચન પામી શરીરને હાની ન પહોંચાડે ત્યાં સુધી તે યોગ્ય કહેવાતું નથી જ માટે કેલેરીવાદ કે ફેટ-પ્રોટીનવાદના કોઠાઓમાં પડ્યા વગર પાચનશક્તિને અનુસરી ખોરાક લેવાનો આગ્રહ રાખવો.

ખાટું-મીઠું-તીખું હોય એવું મિશ્રણ સહેજ મોમાં તમતમાટ પેદા કરે છે જેનાથી શરીરમાં એન્ડોર્ફિન નામનો અંતઃસ્ત્રાવ પેદા થાય છે. જયારે તમે સંભોગમાં કાર્યરત હોવ કે જમતાં હોવ ત્યારે તૃપ્તિનો આનંદ આ અંતઃસ્ત્રાવ પેદા થવાથી આવે છે. દુઃખાવા સામે લડવા કે હસતા હોઈએ કે એરોબિકસ જેવી હળવી કસરતો કરીએ ત્યારે પણ આ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થઇ શરીરને એક પ્રકારનો આનંદ કે ફિલ ગુડ કરાવે છે. બસ આ પાણીપૂરીમાં પણ એવું જ સહેજ તીખું  તમતમાટ થાય પછી ખબર નહીં કેમ આંસુના રેલા આવે પણ મજા જ આવે રાખે છે. થોડી ભૂખ પણ ઉઘડે છે અને ભારતીય મસાલાને ફુદીનો પાચન વધારી પેટ પણ સાફ લાવી દે છે, રવાની કડક પૂરી જીભના સ્વાદને ગ્રહણ કરતા રીસેપ્ટર્સને ઘસીઘસીને ઉત્તેજિત કરતી જાય છે. જુના સેલ્સ ઘસાઈ નવા ઉપર આવી વધુ તમતમાટ પેદા કરે છે અને દરેક પકોડી સાથે જતું સરેરાશ 15-50 મિલી ફુદીના, આમલી, સિંધવનું પાણી જઠરાગ્નિને ઠારતું અને જઠરને ભરતું જાય છે એટલે પાણીપૂરી અબાલવૃદ્ધ સહુની પ્રિય છે, ભારતભર માં વિવિધ સ્વરૂપે અને વિવિધ નામે ખવાય છે અને જાત જાતના મિશ્રણો બનાવી વિવિધતા લવાતી જાય છે.

આટલું વાંચી પકોડી ભરાય એટલી લાળ તો મોમાં છૂટી જ ગઈ હશે પણ ખેર આયુર્વેદમાં કહ્યું છે કે અતિ માત્રામાં અન્ન ગ્રહણ ન કરવું પણ આતો અન્નની શ્રેણીમાં નથી છતાં વીસથી ચાળીસ પાણીપૂરી સહજતાથી આરોગી જવાય છે જે નુકસાનકારક છે. સ્વસ્થ વ્યક્તિએ ચારથી આઠ પાણીપૂરી ખાઈ સંતોષ માનવો જોઈએ જેથી અજીર્ણ ન થાય. કેમકે બટાટા અને ચણા વાયુકારક તો છે જ ઉપરથી પડી રહેલું અન્ન પચવામાં અતિ ભારે થઇ જાય છે જેથી શરીરને વધુ શ્રમ પડે છે. વધુમાં માસિકધર્મ વખતે અને સ્તનપાન કરાવતી માતાઓએ પાણીપૂરીના અતિરેક થી ખાસ બચવું. અગાઉ પણ આ કોલમમાં જણાવાયું છે કે માસિક ધર્મ વખતે સ્ત્રી શરીરમાં ચોક્કસ પ્રકારની અમ્લતા વ્યાપેલી હોય છે જે વખતે ચરબીયુક્ત ખોરાક ખવાય તો તેનું પૂર્ણત: પાચન થતું નથી અને હાનીકારક ચરબી વધતી જાય છે માટે જ આ વખતે ખટાશ કે તીખાશ વાળા પદાર્થો હોર્મોનનું લેવલ બગાડી સ્ત્રીત્વને નુકસાનકારક સાબિત થઇ શકે છે.

જો આપ ચામડીના કે સાંધાના રોગોના દર્દી હોવ તો પાણીપૂરીનું પાટિયું પણ જોવું ન જોઈએ. આ રોગો ધીરેધીરે વિકરાળ રૂપ પકડે છે. વળી ચામડીના કે સાંધાના રોગો ખાવા-પીવાની ખરાબ ટેવ કે અન્ય આદતોથી જ મોટેભાગે થાય છે. આવા ખોરાક મોટેભાગે રક્તધાતુને દુષિત કરી ચામડીના રોગોને ઓર વકરાવે છે અને સાંધાના રોગોને ગઠીયો વા જેવા રોગોમાં સાંધાને નુકસાન કરી સોજા પણ વધારી શકે છે.

હરસ,મસા કે મરડાના રોગીની પાચનશક્તિ મંદ પડી ગયેલ હોય છે આવા લોકોએ પણ પાણીપૂરી જેવા ખોરાક નો ત્યાગ કરવો. ચોમાસામાં નવા અન્ન પાણી અને વધુ પડતા પાણી પી ને શાકભાજી પચવામાં ભારે થઇ જાય છે. વાદળોનો જેમ ગડગડાટ થઇ સૃષ્ટિમાં વાયુ વધે છે એમ ચોમાસામાં શરીરમાં પણ વાયુ વધે છે આથી આવા ખોરાક પેટની ગડબડ ચોક્કસ કરી શકે માટે તેમને ત્યજવાજ વધુ યોગ્ય છે.

પાણીપૂરીએ રાજસિક ખોરાકની શ્રેણીમાં આવે છે. તીખાં તમતમતા, ખાટા, ચટપટા, લૂખા ઘી તેલ વગરના, શરીરમાં બળતરા કરનારા તમામ ભોજન રજોભાવની શરીરમાં વૃદ્ધિ કરે છે. આવા ખોરાક રોગો પેદા કરવામાં ચોક્કસ કારણભૂત હોય જ છે. જ્યારે ઘી-દૂધ યુક્ત મધુર ખોરાક સાત્વિક શ્રેણીમાં આવે છે. તેનાથી આયુષ્ય, મનોબળ, શરીરનું બળ, સ્વાસ્થ્ય, સુખ-પ્રેમ વગેરે વધે છે અને અન્ન એવું મન એ સહુ કોઈ જાણે જ છે. આથી સત્વને પ્રેમ કરનાર કે સત્વમાર્ગી લોકોએ આવા અન્ન નું વારંવાર સેવન ન કરવું જોઈએ અને વિદ્યાર્થીઓ એ ખાસ.

કોરી પૂરી:

સારી રીતે પચેલું અન્ન, અનુશાસિત સંતાન, ખુબ જ ચિંતન કરી બોલેલું મીડિયા બાઈટ, ખુબ જ વિચારી કરેલું કર્મ અને બહુમતીથી ચૂંટાયેલી સરકાર ક્યારેય લાંબો સમય પસાર થવા છતાં મનમાં અવિશ્વાસ લાવી બગડી શકતા નથી. ક્યારેય એના શરીર, પિતૃ કે દેશરૂપ સ્વામીનું નુકસાન કરતા નથી.

eછાપું

તમને ગમશે: ભારત એટલે બળાત્કારીઓનો દેશ જ્યાં દર ચાર રસ્તે બળાત્કાર થાય છે

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here