આપણે બધા અનેક પ્રોગ્રામ્સ, ઈવેન્ટ્સમાં હાજરી આપતા હોઈએ છીએ, પ્રોગ્રામ કે ઇવેન્ટ કોઈપણ પ્રકારના હોય જેમ કે, સંગીત સમારોહ, બુક લોન્ચ, ગીતોનો કાર્યક્રમ, સ્કુલ, કોલેજ કે કોઈ ઈન્સ્ટીટ્યુટનાં પ્રોગ્રામ, વેડિંગ પ્રોગ્રામ્સ, સાહિત્યને લગતા પ્રોગ્રામ, મોટીવેશનલ સેમિનાર આ દરેકમાં કોમન એક જ વસ્તુ હોય છે અને એ છે એન્કરીંગ. કોઈપણ પ્રકારનો પ્રોગ્રામ હોય એન્કરીંગ વગર તો ન જ ચાલે. આવા દરેક પ્રોગ્રામમાં સૌથી વધારે ધ્યાન એન્કર જ ખેચે છે, આપણા માનસપટલ પર એક આવરણ થઇ જતું હોય છે એન્કરનાં જ્ઞાનનું.

સારું, ટૂંકું અને વિષયવસ્તુને લગતું એન્કરીંગ પ્રોગ્રામની શોભા વધારે છે. ક્યારેક વિષયવસ્તુથી વિમુખ થઇને કોઈ એન્કરીંગ કરે તો ઘણું બોરિંગ થઇ જતું હોય છે. ઘણાયે લોકોનું આ સપનું હોય છે કે તેમના પણ હાથમાં માઈક હોય, તેઓ પણ પોતાના સચોટ જ્ઞાનનો ધોધ લોકો સમક્ષ વહાવી શકે, પરંતુ ક્યારેક હિંમત નથી હોતી, ક્યારેક આ બાબતે ઓછું જ્ઞાન પણ જવાબદાર હોય છે.

તો ગુજરાત યુનિવર્સીટી લઇ આવી છે આવો એક સરસ મજાનો કોર્સ, આ કોર્સનું નામ છે ‘ડિપ્લોમા ઈન એન્કરીંગ’. ગુજરાત યુનિવર્સીટીના ડીપાર્ટમેન્ટ ઓફ લેંગવેજીસમાં ગુજરાતી ભાષાનાં પંદર વર્ષથી હેડ ઓફ ધી ડીપાર્ટમેન્ટ તથા ૨૬ વર્ષથી શિક્ષક છે તેવા ડો. શ્રી કીર્તિદાબેન શાહને આ કોર્સની વિગતો મેળવવા મળવા પહોચી ત્યારે તેઓ લગભગ સાત જેટલા લોકોને એક સાથે ખુબ જ સરસ રીતે અને એકદમ ફ્રેન્ડલી બિહેવિયર રાખી અને કોર્સ વિષે સમજાવતા હતા અને ત્યારબાદ મેં પણ આ કોર્સ બાબતે જાણકારી મેળવી જેની વિગત નીચે પ્રમાણે છે.
ડીપ્લોમા ઈન એન્કરીંગ કોર્સની સમય મર્યાદા એક વર્ષની છે જેનાં વર્ગ અઠવાડિયામાં સોમવારથી ગુરુવાર સાંજે 4 થી 6 લેવામાં આવશે. તેનો સમય સાંજનો એટલે રાખવામાં આવ્યો છે જેથી વધુમાં વધુ પ્રોફેશનલ્સ તેનો લાભ લઇ શકે. આ કોર્સમાં જોડાવા માટે ઓછામાં ઓછું ૧૨ પાસ કરેલું જરૂરી છે. આ કોર્સમાં કોઈ વયમર્યાદા રાખવામાં આવી નથી. આ કોર્સ બે ટર્મમાં વહેચાયેલો છે જેમાં ફર્સ્ટ ટર્મમાં થીયરી શીખવવામાં આવશે અને બીજી ટર્મમાં પ્રેક્ટીકલ પર ભાર મુકવામાં આવશે. ત્યારબાદ થીયરી અને પ્રેક્ટીકલ પરિક્ષા યુનિવર્સીટીનાં નિયમાનુસાર લેવામાં આવશે અને તેનું સર્ટીફીકેટ ગુજરાત યુનિવર્સીટી આપશે.

બીજી ટર્મ વખતે પ્રેક્ટીકલ જ્ઞાન વધે તે હેતુથી એજ્યુકેશનલ ટુરનું પણ આયોજન થઇ શકે છે. આ કોર્સની ખુબ જ મર્યાદિત એટલેકે માત્ર 30 સીટ રાખવામાં આવી છે. મે ડો. કીર્તિદાબેનને પૂછ્યું કે જો વધારે લોકો આવા ઇનોવેટીવ કોર્સમાં રસ ધરાવતા હશે તો સીટ વધારવામાં આવશે? તો તેમનો જવાબ હતો કે ના, ફક્ત 30, જે બહાર નીકળે ત્યારે ટકોરાબંધ એન્કર્સ બનીને બહાર નીકળશે. અને અત્યારસુધીમાં 20 સીટ નું એડમીશન થઇ પણ ગયું છે. આ કોર્સની ભાષા શુદ્ધ ગુજરાતી રહેશે અને ગુજરાતી સાહિત્યના જાણીતા નામ જેમ કે, શ્રી તુષાર શુક્લા, શ્રી જય વસાવડા, શ્રી અંકિત ત્રિવેદી, શ્રી સતીશ વ્યાસ, શ્રી ભૂમિ ત્રિવેદી તથા શ્રી ડો. કીર્તિદાબેન શાહ તેના વર્ગ લેશે તેવું આયોજન કરવામાં આવ્યું છે.
આ કોર્સની ખુબ જ સરસ રચના કરવામાં આવેલી છે. અનેક એવા વિષયોને તથા મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે જે સામાન્ય રીતે આપણે વિચારતા પણ નથી હોતા. આ કોર્સમાં મુખ્યત્વે કથન કળા, વાંચન કળા, લેખન કળા, સંપાદન કળા, સામગ્રીનું ચયન, લાઈબ્રેરીમાંથી પુસ્તક કેવી રીતે લઇ શકાય? આપણામાં રહેલા જ્ઞાનનો સારામાં સારો ઉપયોગ કેવી રીતે કરી શકાય? તથા આ ઉપરાંત પણ અનેક મુદ્દાને આવરી લેતો આવો યુનિક કોન્સેપ્ટ વાળો કોર્સ જરૂરથી લોકોને ઉપયોગી થઇ શકે.
આ કોર્સમાં અનેકવિધ વ્યવસાયિકોએ અત્યાર સુધી એડમીશન લીધા છે જેમાં દરેક વયના લોકો છે, અલગ અલગ પ્રકારના વ્યવસાયિકો અને અનુભવી લોકો સાથે અને પાસેથી ઘણું નવું જાણવા મળે.
ડીપ્લોમા ઈન એન્કરીંગની આખા વર્ષની ફી રૂ. 10,580 રાખવામાં આવી છે જે શરૂઆતમાં એક સાથે જ ભરવાની રહેશે 6 ઓગસ્ટ, 2018 એડમીશન માટેની છેલ્લી તારીખ છે અને 9 ઓગસ્ટથી આ કોર્સના વર્ગ શરૂ થશે. તો જો ખરેખર તમારા સપનાઓને આ કોર્સથી પાંખ મળતી હોય તો તમારે જરૂરથી આવા ઈનોવેટીવ કોર્સમાં જોડાઈ જવું જોઈએ.
eછાપું
તમને ગમશે: વાલીઓ માટે ચેન્નાઈની સ્કૂલનું ‘હોલીડે હોમવર્ક’ – અબ આયા ઊંટ પહાડ કે નીચે!