તમારા AADHAR કાર્ડનો ડેટા હાલપૂરતો સુરક્ષિત છે તે સાબિત કરતી ઘટના

0
380
Photo Courtesy: pune365.com

જ્યારથી નરેન્દ્ર મોદીએ વડાપ્રધાનનું પદ સાંભળ્યું છે અને સરકારે અમુક યોજનાઓમાં AADHAR નું લિંકિંગ ફરજીયાત કર્યું છે ત્યારથી અમુક લોકોને ઝાડા થઇ ગયા છે. સરકારની AADHAR કાર્ડ ને બેન્ક, વીમા અને ફોન સાથે લિંક કરાવવાની કવાયત પર પ્રાઇવસીના નામે અમુક લોકો એ વાયા સુપ્રીમ કોર્ટ રોક લગાવી છે અને પ્રાઇવસીના મુદ્દે ઘણા લોકોની ચિંતા વ્યાજબી પણ છે. પણ સામે સરકારે આ જ AADHAR કાર્ડ અને એના લિંકિંગ નો ઉપયોગ કરી લાખો વચેટિયા અને કૌભાંડીઓને સિસ્ટમ માંથી દૂર કર્યા છે અને આ લોકોને એક પણ પૈસો ખવરાવ્યા વગર દેશના કરોડો લાભાર્થીઓને ડાયરેક્ટ લાભ આપ્યો છે. અને એટલેજ આ વચેટિયાઓ દુખે છે પેટ અને કૂટે છે માથું, એ લોકો પ્રાઇવસીના નામે આધારને નેસ્તોનાબુદ કરવાની ખોટી માંગણીઓ ચલાવે રાખે છે. આ લોકોને કાયમ માટે ચૂપ કરવા TRAIના ચેરમેન રામ સેવક શર્મા (R.S. શર્મા) એ ટ્વીટર પર “હેકર્સ” ને એક ચેલેન્જ આપી. જેમાં એમણે પોતાનો આધાર નંબર ટ્વીટર પાર ખુલ્લેઆમ મૂકીને લોકો ને પોતાની જાતને નુકસાન કરવાની ખુલ્લી ચેલેન્જ આપી.

આ ચેલેન્જને આધારના વિરોધીઓ એ બહુ ઉત્સાહથી સ્વીકારી લીધી. AADHAR અને UIDAIને અસુરક્ષિત સાબિત કરવાનો એક સરસ મોકો હતો. જો આ ચેલેન્જના લીધે શર્માજીને કોઈ પ્રકારનું નુકસાન પહોંચ્યું હોય એવું સાબિત થાય તો સરકાર અને આધાર બંનેને નીચાજોણું થાય અને કદાચ AADHAR અને એના લિંકિંગની યોજનાઓને કાયમ માટે બંધ કરવી પડે. ઉપરાંત સરકાર એનો બીજો ઉપાય વિચારે એ પહેલા આ વચેટિયા દેશને ઘણું નુકસાન કરી શકત. હવે આ બધી ગડમથલમાં એક ફ્રેન્ચ “સેલિબ્રિટી” હેકર “ઇલિયટ એલ્ડરસન” પણ પડ્યો અને એણે શર્માજી ની અમુક ડિટેઇલ “જાહેર” કરી. જે તમે નીચેની ટ્વીટર થ્રેડમાં જોઈ શકો છો. આ ડિટેઈલમાં શર્માજીના ફોન નંબર, પાન નંબર સહીતની અમુક માહિતીઓ હતી.

હવે, આને હેકિંગ તો સહેજ પણ ન કહેવાય, ઇલિયટ એલ્ડરસને જે વિગતો જાહેર કરી એ પહેલેથી જાહેર જ હતી. શર્માજી ઘણા વર્ષોથી સરકારી કર્મચારી છે, અને તેઓ TRAIના ચેરમેન જેવો મહત્વનો હોદ્દો પણ સંભાળે છે, એટલે એનો ફોન નંબર, ઇમેઇલ, વોટર આઈડી કાર્ડ જેવી ઘણી વિગતો સરકારી વેબસાઈટ પર મુકેલી હોય છે. વોટર આઈડી અને પાન નંબર જેવી વિગતો સરકાર માત્ર શર્માજી જેવા મોટા ઓફિસરની નહિ, મારી તમારી જેવા સામાન્ય નાગરિકની પણ જે તે વેબસાઈટ પર મૂકે છે. નીચે ટ્વીટર થ્રેડ માં આવી વિગતો ક્યાંથી અને કઈ રીતે મળી શકે એ બધું લખેલું છે. આ વિગતો માત્ર જાહેરમાં ઉપલબ્ધ છે એટલું જ નહિ, આ વિગતો મેળવવામાં શ્રીમાન એલ્ડરસન કે કોઈ હેકરે આધારના ડેટાબેઝનો ઉપયોગ કર્યો હોય એવું ક્યાંય સાબિત થયું નથી.

https://twitter.com/WoCharLog/status/1023274716226703361

સામાન્ય રીતે હેકર બે પ્રકારના હોય છે. એક પોતાની જાતને સિક્યુરિટી રિસર્ચર તરીકે ઓળખાવાનું પસંદ કરે છે અને બીજા ખરેખર હેકર હોય છે. સિક્યુરિટી રિસર્ચર કોઈ એપ્પ કે સાઈટ ની સિક્યુરિટીને તોડવાની કોશિશ કરે છે અને જો એમને કોઈ સિક્યુરીટીમાં પ્રોબ્લેમ દેખાય તો એ જે-તે ઓથોરિટી(મૉટે ભાગે એપ્પ કે સાઈટ ના ડેવલપર)ને જાણ કરે છે, અને એને બદલામાં મોટી રકમ મળે છે જેને બગ બાઉન્ટી તરીકે ઓળખાય છે. જયારે બીજા પ્રકારના હેકર્સ મૉટે ભાગે કોઈ ખોટા નામ કે કોડવર્ડ ની પાછળ રહે છે, એમનું કામ સિક્યુરિટી રિસર્ચર જેવું જ હોય છે પણ હેકર્સ થોડા વધારે નેગેટિવ અને ભાંગફોડિયા હોય છે. કદાચ આ “ઇલિયટ એલ્ડરસન” પણ એક હેકર છે. આ નામ એનું સાચું નામ નથી. ઇલિયટ એલ્ડરસન એક અમેરિકન સિરિયલ મિસ્ટર રોબોટ ના નાયકનું નામ છે અને આનું ટ્વીટર હેન્ડલ પણ મિસ્ટર રોબોટ ની ટિમ એફ-સોસાયટી ને અમુક અક્ષરની જગ્યાએ સરખા દેખાતા આંકડા મૂકીને બનાવેલું છે. બાય ધ વે આ સિરીઝ મિસ્ટર રોબોટ હેકિંગ અને આઇટી ઇન્ડસ્ટ્રીને બહુ સચોટ રીતે દેખાડે છે અને એની ત્રણ સીઝન એમેઝોન પ્રાઈમ પર ઉપલબ્ધ છે.

લાગતું વળગતું: AADHAR ને લગતી તમામ શંકાઓને ધ્વસ્ત કરી દેતા બિલ ગેટ્સ…

અને આવું પહેલી વાર નથી થયું કે આ એલ્ડરસને કોઈ દાવો કર્યો હોય અને એને થુંકેલુ ચાટવું પડ્યું હોય. આ પહેલા પણ એણે એવો દાવો કર્યો હતો કે વન પ્લસ ફોન માંથી તમે કઈ કોપી કરો એટલે એ ડેટા ચાઈનાના સર્વરમાં જાય છે. અને એક સેલિબ્રિટી હેકર હોવાના નાતે એણે કરેલા દાવાએ મોટો વિવાદ ઉભો કરી દીધો હતો. આશરે 20 કલાક પછી આ એલ્ડરસન સાહેબને ખબર પડી કે ચાઈનાના સર્વરમાં ડેટા મોકલવા વાળો કોડ ખાલી ચાઈનીઝ વન પ્લસ ફોન માટે જ છે એ પહેલા આ વિવાદની આગ છેક વન પ્લસ સુધી લાગી ગઈ હતી. અને વન પ્લસને જાહેરમાં પોતાનો કોડ દેખાડવા પર મજબુર થવું પડ્યું હતું.

અને આ ચેલેન્જ આપનાર શર્માજી કોઈ જેવા તેવા સરકારી બાબુ નથી,તેઓ BSc છે, IIT કાનપુરમાં મેથેમેટિક્સ સાથે માસ્ટર કરેલું છે અને કેલીફોર્નીયાથી કમ્પ્યુટર સાઇન્સ માં માસ્ટર કરેલું છે, અને 1986થી પ્રોગ્રામિંગ કરે છે. એ પોતે AADHAR ની મૂળ સિસ્ટમની ડિઝાઇન અને ડેવલપમેન્ટ સાથે પહેલેથી જોડાયેલા છે. અને પોતે જે પ્રોજેક્ટ માં લોહી પાણી એક કર્યા હોય એવા પ્રોજેક્ટ સામે આવા ધડ માથા વગરનાં દાવા થાય, અને દેશનાં ભલા માટે બનેલા પ્રોજેક્ટને કોઈ ખાસ કારણ વગર ડિસ્ટ્રોય કરવાની વાતો થાય ત્યારે માત્ર શર્માજીનો જ નહીં પરંતુ કોઈપણ નો પિત્તો તો છટકે જ. આ ચેલેન્જ પણ શર્માજીએ ગુસ્સે થઈને અચાનક આપેલી ચેલેન્જ ન હતી. ધ ઇન્ડિયન એક્સપ્રેસમાં લખેલા આ આર્ટિકલ મુજબ આ એક સમજી વિચારીને પગલું હતું, જેનાથી આધાર વિરોધીઓના અમુક દાવાને ખોટા પાડી આમ જનતાને એની સુરક્ષાનો અહેસાસ કરાવી શકાય.

બાય ધ વે આ આધાર ચેલેન્જનું શું થયું એ ખુદ શર્માજીએ બે દિવસ પછી રિઝલ્ટ આપી દીધું. ચેલેન્જ શર્માજીને નુકસાન કરવાની હતી, અને આ “હેકર્સ” એમાનું કઈ કરી ન શક્યાં. અમુક સો કોલ્ડ હેકર્સે જે એક બે બેન્ક ડિટેઇલ જાહેર કરી એ પણ ખોટી નીકળી. અને ખુદ શર્માજીના કહેવા પ્રમાણે આ લોકો એમને નુકસાન કરવાનું તો દૂર એના આધાર રિલેટેડ ખાતામાં UPI થી એક રૂપિયો પણ જમા કરાવી ન શક્યા. રૂપિયો જમા કરાવવું એ કોઈ નુકસાન હોય તો આવા નુકસાન તો ગમે તેને પોસાય. હા વચ્ચે “ધ વાયર” માં એક એવા સમાચાર આવ્યા હતા કે શર્માજીની દીકરીને અમુક હેકર્સે ઇમેઇલ દ્વારા કોઈ ધમકી આપી છે. પણ “ધ વાયર” ને સરકાર અને ખાસ કરીને મોદીજી સામે બહુ મોટો વાંધો છે એટલે આવા સમાચાર માં એની વિશ્વસનીયતા શંકાસ્પદ છે. અને બીજે ક્યાંય આવા સમાચાર જાણવા નથી મળ્યા એટલે આ ઇમેઇલ વળી વાત ફેક ન્યુઝ પણ હોઈ શકે છે.

વિપક્ષ અને AADHAR ના વિરોધીઓ જયારે જયારે આધારને અસુરક્ષિત સાબિત કરવાનો પ્રયાસ કરે છે ત્યારે ઊંધે કાંધ પછડાય છે અને વધારાની ગાળો ખાય છે તે અલગ થી. હમણાં હમણાં આધારનાં પહેલેથી સેવ થયેલા નંબર વિષે વિરોધીઓ એ કરેલા કાળા કકળાટમાં પણ આ આધાર વિરોધીઓને જોરદાર તમાચો મળ્યો હતો જયારે લોકોને એ જાણવા મળ્યું કે આ નંબર પહેલેથી સેવ કરવો એ UPA સરકારનો આદેશ હતો અને ગૂગલે એનું માત્ર પાલન જ કરેલું. આધાર સેફ છે કે નહિ એ એક અલગ મુદ્દો છે. તેર ફૂટની દીવાલ અને 500 રૂપિયામાં મળતા આધારનાં ડેટાબેઝની વચ્ચે આધારની સુરક્ષા ક્યાંક ઝોલા ખાય છે. કદાચ AADHAR એ સર્વાંગ સંપૂર્ણ સિસ્ટમ નથીજ, આ ડેટા ની સુરક્ષા અને સલામતી ના મુદ્દે સરકારે ઘણું ધ્યાન રાખવું પડશે. પણ અત્યારે આ એક સારી અને સચોટ સિસ્ટમ છે અને જો એનો સારી રીતે ઉપયોગ કરી શકાય તો દેશને ઘણો ફાયદો થઇ શકે છે એ NDA સરકારે સાબિત કર્યું છે. આશા રાખીએ કે આ સરકાર અને ભવિષ્યની સરકારો આ સિસ્ટમને વધુ સારી બનાવે અને કોઈના દબાણ સામે ઝુકે નહિ.

મે ધ ફોર્સ બી વિથ યુ…. 

eછાપું

તમને ગમશે: ઓલરાઉન્ડર કાકડી અને તેમાંથી બનતા એક સૂપ અને મીઠાઈની રેસિપી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here