ગુજરાતી ફિલ્મ ‘મચ્છુ’નું પોસ્ટર થોડા દિવસ પહેલાં રજૂ થયું. આ ફિલ્મ 1979માં બનેલી મોરબીની હોનારત પર આધારિત છે અને એમાં ‘કરસનદાસ પે એન્ડ યુઝ’ ફિલ્મમાં તિલોક (તિલ્યા)નું પાત્ર ભજવનાર મયુર ચૌહાણ ઉર્ફે માઈકલની એક પૂરપીડિતની ભૂમિકા હશે. પોસ્ટરને બરાબર જોશો તો નીચે લખેલું છે – Act of God. અને સાચે જ આ જળપ્રકોપ થોડો શાંત થયો પછી સરકારે અને મિડીયાએ એને Act of God કહીને મામલો રફાદફા કરી દીધેલો. પણ હાર્વર્ડ યુનિવર્સિટીના બે વિદ્યાર્થીઓ ટોમ વૂટન (Tom Wooten) અને ઉત્પલ સાંડેસરા (Utpal Sandesara)એ પોતાના પુસ્તક No One Had A Tongue To Speak માં Act of God ની થિઅરીને નકારી છે.

પુસ્તકની શરૂઆત થાય છે એક વાણિયણના મરશિયાંથી. 1790 થી 1827 દરમિયાન મોરબી પર રાજ કરનાર રાજા જિયાજી જાડેજાની વાસનાથી બચવા માટે મચ્છુમાં છૂપાયેલી વાણિયણે શ્રાપ આપેલો કે ‘તારી સાત પેઢી પછી ના તો તારો વંશ રહેશે અને ના તો તારું આ શહેર’. અને 1978માં, જ્યારે ડેમનું બાંધકામ પૂર્ણ થયું ત્યારે જિયાજી જાડેજાનો સાતમો વંશજ મયુરધ્વજ યુરોપમાં મૃત્યુ પામેલો. બીજા જ વર્ષે ડેમ તૂટ્યો અને શહેરમાં ખરાં અર્થમાં પાણી ફરી ગયું. પુસ્તક લખનાર વિદ્યાર્થીઓમાં ઉત્પલ, એક NRI છે. અમેરિકામાં 2004 માં સુનામીની દુર્ઘટના વખતે તેની માતાએ ઉત્પલને મચ્છુ હોનારતની વાત કરી હતી એ પછી ઉત્પલ અને વૂટનને 2006 માં હાર્વર્ડમાંથી સંશોધન માટેની સ્કોલરશીપ મળી હતી. જૂનથી ઓગસ્ટ 2006 માં તેમણે મોરબી, તેના આસપાસના ગામો, રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર અને નવી દિલ્હીમાં સંશોધન કર્યું. સરકારી અધિકારીઓ અને રાહત કાર્યકરોની મુલાકાત લેવા ઉપરાંત, બન્નેએ અખબારના લેખોથી માંડી રાહત અહેવાલો સુધી અને પૂર વખતના તત્કાલીન મુખ્યમંત્રી બાબુભાઇ પટેલના વ્યક્તિગત પત્રકારો પાસેથી હજારો દસ્તાવેજો એકત્ર કર્યા હતા. લેખકો મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પણ મળ્યા, જેમણે પૂર બાદ રાહત કામગીરીમાં સ્વૈચ્છિક રીતે સેવા બજાવી હતી. તેમણે કહ્યું કે મોદીએ તેમને સરકારી દસ્તાવેજોની અગત્યની ઍક્સેસ આપી દીધી અને આપત્તિનો સંપૂર્ણ ઇતિહાસ લખવાની મંજૂરી આપી હતી.
લાગતું વળગતું: સુરેન્દ્રનગરના કાર્યપાલક ઈજનેર ફરજ બજાવવામાં ઉણા ઉતરતા રુપાણીએ ફરજીયાત રજા પર ઉતારી દીધા |
આ પુસ્તક તે પૂર વિશેના સત્યને ઉઘાડા પાડીને કાર્યવાહી તપાસ કમિશનની દુ:ખદ વાતોની વધુ વિગત આપે છે. 1980 ના દાયકામાં 18 મહિના માટે, કમિશનના સભ્યોએ ડેમની નિષ્ફળતાના તકનિકી કારણો પર અને આકસ્મિક જોખમોના ડાઉનસ્ટ્રીમ નાગરિકોને ચેતવણી આપવાના પ્રયત્નોની પર્યાપ્તતા પર પુરાવાઓ એકત્ર કર્યા . પછી, સિંચાઇ વિભાગમાં ખોટી ડિઝાઇન પ્રણાલીઓ પર તપાસ કરવામાં આવી ત્યારે ઇજનેરોએ તત્કાલીન મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીને ફરિયાદ કરી હતી. માધવસિંહે કમિટીની કાર્યવાહી પૂરી થાય એ પહેલાં જ એને બરખાસ્ત કરી દીધી, એવો દાવો પણ આ પુસ્તક કરે છે. છેલ્લે 1980 ના દાયકાના અંત સુધી, બચી ગયેલા લોકો માટે (જેમને ક્યારેય એ ખબર ન પડી કે એમના પરિવારજનો કયા કારણે પૂરમાં મૃત્યુ પામ્યા) ડેમને ફરીથી બાંધવામાં આવ્યો. આ જ પુસ્તક મુજબ, જિલ્લા કલેકટર એ. આર. બેનરજીએ તરત જ રાહત કામગીરીના સંકલનનું કામ હાથમાં લીધું. પૂરની સરકારી વ્યવસ્થા અંગેના તિરસ્કૃત અહેવાલ લખ્યા પછી કેટલાક મહિનાઓ પછી તેમની પરિસ્થિતિ કથળી અને એમને પોતાનો હોદ્દો ગુમાવવો પડ્યો.
હોનારત થઈ એ જ વર્ષે એ વખતના MLA ગોકળદાસ પરમારે લખેલું કે કેન્દ્ર સરકારની વારંવારની ચેતવણીઓની અવગણના કરીને રાજ્ય સરકારના ઈજનેરો ડેમમાં મહત્તમ પાણીની ક્ષમતાને જૂની રીતોથી ગણતા રહ્યાં. દર સેકંડે 220 હજાર ક્યુબિક ફીટના પાણીની કેપેસિટીવાળા ડેમમાં હોનારતના આગલા દિવસે 400 હજાર ક્યુબિક ફીટ કરતા પણ વધારે પાણી ભરાયું હતું. આ ઘટનાને પરમારે ઈજનેરી નિષ્ફળતા અને શરતચૂકનું પરિણામ જાહેર કરી દીધી.
વર્ષો જૂના સાપ્તાહિક ચિત્રલેખાએ 27 ઑગસ્ટ 1979ના રોજ ‘મોરબીનું જળતાંડવ’ નામથી એક સ્પેશિયલ અંક બહાર પાડેલો જેમાં ચિત્રલેખાની ટીમે આ હોનારતનું સચિત્ર ખરેખરું દ્રશ્ય વર્ણન આ રીતે કરેલું છેઃ શ્રાવણ મહિનાનો જુગાર રમનારા કેટલાક બાબુ મેઘજીની ક્લબમાં પાના ટીચતા હતા. કોળીવાસમાં રહેતી મિયાણી અને કોળણ વેશ્યા તેના વકરાના અંદાજ કાઢતી હતી. હુરબાઈ, ફાતમા, રેવલી કોળણ, ગતિબાવી, કંચન, સમજુ બધી કોઠાવાળી હુરબાઈના બંગલામાં મળીને આર્યપાન હાઉસના પાન ચાવતી હતી. સારા ઘરની બહેનો બોળચોથની સવારે સીમમાં જતી ગાય અને વાછરડાના પૂજન કરી, બાજરાનો રોટલો, પલાળેલા મગ અને વેલણાથી વાટેલા મરચાનું શાક ખાઈને બપોરના ઠામડાં માંજી હાશકારો કરતી હતી. કેટલાક વેપારીઓ અને ભાગ્યશાળી બાઈઓ બપોરની નીંદર ખેંચતી હતી. પરશુરામ રામાનંદી, લખુભાઈ અને રામભાઈ મટકાની ચિઠ્ઠીનો વકરો ગણતા હતા. બોટલ દીઠ રૂપિયા 5નો દારૂ વેચનારા જન્માષ્ટમીના મેળા માટે વધુ દારૂના પુરવઠાની ફિકરમાં હતા.
એવા વખતે મોરબીમાં ગુજરાત સરકારની ગરબડી સાયરન વાગી. સાયરનનો પીપુડી જેવો અવાજ ભાગ્યે જ કોઈએ સાંભળ્યો હશે ત્યાં ત્રણેક વાગે મચ્છુ ડેમની કાચી દિવાલો તોડીને કોંકર્ડ વિમાનની ઝડપને શરમાવે એવા વિરાટ જળધોધે મોરબીનો ભરડો લીધો. માત્ર દસ જ મિનિટમાં શહેરનાં ઘરો પર 25 થી 30 ફૂટ પાણી ચઢી ગયાં. રૂપિયા સાડા ત્રણ કરોડના ખર્ચે બંધાયેલા મચ્છુ ડેમમાં એ પ્રદેશનું આખી સીઝનનું વરસાદનું પાણી પડે એટલું બધું પાણી બે જ દિવસમાં પડ્યું.
બંને સરકારો આ હોનારતને પોલિટીકલ સ્વરૂપ આપવા માંગતી હતી. રાજ્ય સરકારે 1800નો તો વિપક્ષે 25000નો મરણાંક બતાવ્યો. જોકે મચ્છુ ડેમ છલકાઈને મોરબીને ડુબાવી દે એવો ભય ગુરુવાર તારીખ 9મી ઑગસ્ટે જ ઊભો થયેલો અને મોરબી આસપાસના 31 ગામોને માત્ર પૂરની ચેતવણી અપાઈ હતી. કેટલાક ગામના લોકોને ગામ છોડીને સલામત સ્થળે જવાનું કહેવામાં આવ્યું હતું. મોતના દ્રશ્યોની નગ્ન તસ્વીરો પણ છપાયેલી. શંકર મંદિરનો આશરો લેનાર એક સ્ત્રી-પુરુષની જોડી શિવલીંગની બાથ ભીડીને ખરાં અર્થમાં શંભુના શરણે પડી ગયા. બે બાળકોની માતા પૃથ્વી અને અંબરની વચ્ચે નગ્ન હાલતમાં એક થાંભલે લટકતી હતી. એક ઈલેક્ટ્રીક થાંભલા પર તો ભગરી ભેંશ અને એક કુમળા બાળકનું ઘોડિયું લટકતું હતું. ઈજીપ્તમાં લગભગ 4600 વર્ષ પહેલાં બાંધેલો કફારા ડેમ તૂટ્યો ત્યારે હજારો માણસો મરી ગયા. એ પછી ડેમનું નામ લેતાં કોઈ પણ ઈજનેરને ભાળે કે સાંભળે ત્યાં જ ઈજીપ્તનો રાજા ગુસ્સે થઈ જતો. બસ, એ જ રીતે મચ્છુ હોનારત પછી લોકો ડેમના નામથી થરથરતાં.
શિતળા સાતમ અને જન્માષ્ટમીના મેળા આપણા ગુજરાતમાં ઘણી જગ્યાએ ભરાતા આવ્યા છે. 11 ઑગસ્ટ, 1979નો એ કાળો દિવસ જે દિવસે મોરબીમાં સાતમ-આઠમનો મેળો ભરાયો, એ પણ સ્મશાનમાં, એ પણ મડદાઓનો! મચ્છુ નદીએ તેના ડેમનાં પાણી છોડી મુકીને કાળો કેર વરસાવ્યો. નાનકડી સાકરની ઢગલી હોય અને એની પર ધોધનું પાણી પડે તો એ ઢગલીની શી હાલત થાય? બસ, એવી જ હાલત મુઠ્ઠી જેવડાં મોરબીની થઈ ગઈ. આ એ વખતની વાત છે જ્યારે કોઈ ઈન્શ્યોરેન્સ પોલિસીની જાહેરાતો ટી.વી.માં કે રેડિયોમાં આવતી ન હતી. ‘સમજદાર મા-બાપો વીમો ઉતરાવે છે’ એવું એક પાટિયું મોરબીના એક ચોકમાં લગાડવામાં આવ્યું. ગામના લોકોએ આ પાટિયું જોયુ-નજોયું કરીને એના છાંયડામાં બેસવાનું વધુ પસંદ કર્યું. કોને ખબર હતી કે આ જ પાટિયું લોકો સામે દાંતિયા કરતું વળીવળીને લળીલળીને મજાક કરશે?
મારી પાસે ચિત્રલેખાના અંકની PDF કૉપી છે. કોઈ વાચકમિત્રોને વાંચવાની ઈચ્છા હોય તો મને સંપર્ક કરશોજી.
પડઘોઃ
ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં મચ્છુ હોનારતનું નામ ‘સૌથી ખરાબ અને વિનાશક જળપ્રલય’ તરીકે ઉમેરવામાં આવ્યું છે.
eછાપું
તમને ગમશે: દીકરીઓ હવે સ્પોર્ટ્સને કરિયર તરીકે અપનાવે તેવા વિચારનું સ્વાગત કરીએ
Dear sanjaybhai, plz send me the PDF copy of chitralekha either on [email protected] or WhatsApp 9374081300…Thank you
Thank you for your interest Virendra bhai. I have sent the pdf copy to the mentioned email ID.
Please send me a pdf copy
[email protected]
Thank you for your interest. I have sent the pdf copy to the mentioned email ID.
Pdf sir??
Email ID please?
Thank you for your interest. I have sent the PDF to your email ID.
Please send me PDF.
[email protected]
Thank you for your interest. I have sent the PDF copy to the mentioned email ID.
Dear sanjay bhai
આપ શ્રી PDF મોકલવા મહેરબાની કરશો.
Thank you for your interest. I have sent the PDF to your email id.
Hello sanjay…please send me pdf
[email protected]
Hi Jigar, Thank you for your interest. I have sent the PDF on mentioned email ID.