જાણીએ રાજસ્થાની ફૂડ લાંબો સમય કેમ ટકી શકે છે? દહીં પાપડની સબ્જી કેવી રીતે બનાવાય?

1
419
Photo Courtesy: Aakanksha Thakore

રાજસ્થાની ક્વીઝીન તેના રહેવાસીઓની યુદ્ધ જેવી જીવનશૈલી અને આ શુષ્ક પ્રદેશમાં સામગ્રીઓની ઉપલબ્ધતા બંને દ્વારા પ્રભાવિત હતી. અહી એવા જ ખોરાકની પસંદગી કરવામાં આવે છે જે કેટલાક દિવસો માટે ટકી શકે છે અને ગરમ કર્યા વગર પણ ઉપયોગમાં લઇ શકાય. પાણીની અને તાજા લીલા શાકભાજીની તંગીની અસર અહીની રસોઈ પર જોવા મળે છે.

રાજસ્થાન ફૂડ મુખ્યત્વે શાકાહારી હોય છે અને અનેક રસપ્રદ વાનગીઓના ખૂબ જ સુંદર વિકલ્પ ઉપલબ્ધ છે. રાજસ્થાની ખોરાકમાં મસાલા સામગ્રી અન્ય ભારતીય રસોઈપ્રથા સરખામણીમાં ખૂબ ઊંચી હોય છે, પરંતુ ખોરાક સંપૂર્ણપણે ઉત્તમ છે. રાજસ્થાનીઓ મોટા ભાગની રસોઈ માટે ઘી વાપરે છે. રાજસ્થાની ખોરાક તેના મસાલેદાર શાક અને સ્વાદિષ્ટ મીઠાઈઓ માટે જાણીતું છે. પાણીની તંગીને કારણે રાજસ્થાનના રણ વિસ્તારમાં ખોરાક રાંધવા મોટા પ્રમાણમાં દૂધ અને માખણ વાપરવા માટે પસંદ કરવામાં આવે છે, જેને લીધે રાંધવામાં પાણીનો ઉપયોગ ઘટાડી શકાય

સૂકી દાળ અને સાંગરી જેવા છોડના બીજનો રાજસ્થાની વાનગીઓની બનાવટમાં વ્યાપક ઉપયોગ થાય છે. ચણાનો લોટ અમુક વાનગીઓ જેવી કે  “ગટ્ટે કી સબ્જી” અને  “પકોડી” ને બનાવવામાં ઉપયોગી એવી એક મુખ્ય સામગ્રી છે. દળેલી દાળનો ઉપયોગ પાપડ ની તૈયારી માં વપરાય છે. રાજસ્થાનીઓ ચટણીપ્રેમી હોય છે. તેઓ કોથમીર, હળદર, લસણ અને ફુદીનો જેવી વિવિધ સામગ્રીઓનો ઉપયોગ કરીને અનેક પ્રકારની ચટણીઓ બનાવે છે.

અહીની બિકાનેરી ભુજિયા, જોધપુરના મિર્ચી બડા અને પ્યાજ કચોરી જેવી વાનગીઓ નાસ્તા માટે જાણીતા છે. અન્ય વિખ્યાત વાનગીઓમાં બાજરે કી રોટી અને લહસુન કી ચટણી તો મીઠાઈમાં જોધપુરની માવા કચોરી, અલવર કા માવા, પુષ્કર ના માલપુઆ, જયપુરનો ઘેવર અને મેવાડની પનિયા અને ઘેરીયા જેવી વાનગીઓ મશહૂર છે.

દહીં પાપડની સબ્જી

Photo Courtesy: Aakanksha Thakore

સામગ્રી:

4 ટીસ્પૂન તેલ

½ ટીસ્પૂન રાઈ

½ ટીસ્પૂન જીરું

ચપટી હિંગ

થોડા મીઠા લીમડાના પાન

1 ડુંગળી, ઝીણી સમારેલી

1 ટીસ્પૂન આદુ – લસણ પેસ્ટ

½ ટીસ્પૂન હળદર

1 લીલું મરચું, ચીરો પાડેલું

1 ટીસ્પૂન કાશ્મીર લાલ મરચું પાવડર

½ ટીસ્પૂન ધાણા પાઉડર

1 કપ પાણી

1 કપ ફેંટેલું દહીં

4 શેકેલા પાપડ

¼ ટીસ્પૂન મીઠું

½ ટીસ્પૂન ગરમ મસાલા

1 ટીસ્પૂન કસુરી મેથી, મસળેલા

2 ટેબલસ્પૂન કોથમીર, ઝીણી સમારેલી

રીત:

  1. સૌથી પહેલાં એક કઢાઈમાં તેલ લો. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું, હિંગ અને મીઠા લીમડાના પાન નાંખી ને તેને તતડવા દો.
  2. હવે તેમાં ડુંગળી ઉમેરીને તેને બરાબર સાંતળો. ત્યારબાદ તેમાં આડું-લસણની પેસ્ટ અને મરચું ઉમેરીને એ બરાબર સંતાળાય એટલે તેમાં હળદર, લાલ મરચું પાઉડર અને ધાણા પાઉડર ઉમેરીને ધીરા તાપે સાંતળો.
  3. મસાલાની સુગંધ આવવા લાગે એટલે એમાં પાણી અને ફેંટેલું દહીં ઉમેરી, દહીં બરાબર ભળી ન જાય ત્યાં સુધી સતત હલાવતા રહો, નહીતો દહીં છૂટું પાડવા લાગશે.
  4. હવે પાપડનાં ટુકડા કરીને ગ્રેવીમાં ઉમેરો.
  5. મીઠું ઉમેરી સબ્જીને બે મિનીટ ખદખદવા દો. ત્યારબાદ તેમાં ગરમ મસાલો, કસુરી મેથી અને કોથમીર ઉમેરી બરાબર મિક્સ કરી દો.
  6. દહીં પાપડની સબ્જી તૈયાર છે, એને રોટલી, પરાઠા કે જીરા રાઈસ જોડે ગરમાગરમ પીરસો.
લાગતું વળગતું: મારા ‘કિચન’ પ્રયોગો: રેસ્ટોરન્ટ ફૂડ ઘેરે કેવી રીતે બનાવશો?

ચુરમા

 

Photo Courtesy: gayathriscookspot.com

સામગ્રી:

2 કપ ઘઉંનો લોટ

1/2 કપ શુદ્ધ ઘી (ઓગાળેલું)

4 ટેબલસ્પૂન સોજી (રવો)

3/4 કપ બૂરું ખાંડ

1/4 ટીસ્પૂન લીલી ઇલાયચીનો ભૂકો

10 કાજુ (સમારેલ)

10 બદામ (સમારેલ)

10 કિસમિસ

જરૂર પ્રમાણે દૂધ

રીત:

  1. એક વાટકી માં ઘઉંનો લોટ અને સોજી ભેગા કરો અને તેમાં અડધા કપ ઘી ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
  2. જરૂર મુજબ દૂધ ઉમેરી એક સખત કણક બનાવો અને તેના લગભગ બાર જેટલા લીંબુ જેવડા બોલ્સ બનાવો.
  3. એક કઢાઈમાં પૂરતું ઘી ગરમ કરો અને તેમાં આ બોલ્સને ડીપ ફ્રાય કરો.
  4. બોલ્સ બરાબર ચઢી જાય એટલે તેને ઘીમાંથી કાઢી, ઠંડા થવા દો.
  5. એક મિક્સરમાં આ બોલ્સ નાખી તેનું એક કકરું મિશ્રણ બનાવો.
  6. તેમાં બુરું ખાંડ, એલચી પાવડર, કાજુ, બદામ અને કિસમિસ ઉમેરો અને ઘી સાથે સર્વ કરો.

બદામ કા હલવા

Photo Courtesy: myindianplatter.com

સામગ્રી:

1 કપ બદામ

½ કપ ઘી

¾ કપ દૂધ

1 ટેબલસ્પૂન ઘઉંનો લોટ

¾ કપ ખાંડ

3-4 તાંતણા કેસર

½ ટીસ્પૂન ઈલાયચી પાઉડર

રીત:

  1. બદામને લગભગ 4 થી 5 કલાક માટે નવશેકા પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ તેનું પાણી નીતારી બદામ પરની છાલ પણ ઉતારી દો. આ બદામને પાણી કે દૂધ ઉમેર્યા વગર મિક્સરમાં કકરી વાટી લો.
  2. એક ડીપ નોન-સ્ટીક કઢાઈમાં બદામનું મિશ્રણ ઉમેરી તેને મધ્યમ આંચે બરાબર શેકો.
  3. અન્ય એક ડીપ પેનમાં દૂધ અને ½ કપ પાણી ઉમેરી તેને 3 થી 4 મિનીટ માટે ઉકાળી, બાજુ એ રહેવા દો. સહેજ ઠંડુ પડે એટલે એમાં કેસર ઉમેરો.
  4. બદામના મિશ્રણમાં ઘઉંનો લોટ ઉમેરી, લગભગ 2 મિનીટ માટે હલાવતા રહી બરાબર પકવો.
  5. હવે તેમાં દૂધ અને પાણીનું મિશ્રણ ઉમેરી લગભગ 5 મિનીટ સુધી પકવો. ખાંડ ઉમેરી, સતત હલાવતા રહી 1 થી 2 મિનીટ માટે પકવો.
  6. ગેસ બંધ કરી, તેમાં ઈલાયચી પાઉડર ઉમેરી તેને બરાબર મિક્સ કરી લો.
  7. બદામની કતરણ થી સજાવીને ગરમાગરમ પીરસો.

eછાપું

તમને ગમશે: લ્યો રજનીકાંત પણ જ્યારે ગણિતથી ગભરાય છે ત્યારે આપણો કોઈ વાંક ખરો?

 

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here