ઉપવાસ: નહીં કરોગે તો ઇસમેં હૈ તેરા ઘાટા … મેરા તો કુછ નહીં જાતા…

3
537
Photo Courtesy: presentationparish.org

નવી પેઢી જવાબદારીનો બોજ લઇ જીવવા માંગતી નથી, કોઈ વાતમાં બંધાવું હવે જુનવાણી લાગે છે. કદાચ દેખાદેખીથી જ્યારે ઉપવાસ જેવા ધાર્મિક આચરણોનું અનુસરણ કરાવાય ત્યારે તેના છીંડા આ પેઢી તરત કાઢે છે. પણ જ્યારે સાચો સનાતન ધર્મ અનુસરાતો નથી ત્યારે કદાચ ઈશ્વર પણ બોલતો હશે કે ઇસમેં તેરા ઘાટા … મેરા કુછ નહિ જાતા…

Photo Courtesy: presentationparish.org

આ ઉપવાસ ની મૌસમ છે. ચોમાસામાં અનાજ અને શાકભાજી નવું પાણી પી ને પચવામાં ખુબ ભારે બની જાય છે. દરેક વ્યક્તિની પાચનશક્તિ આ ઋતુમાં મંદ થઇ જાય છે ઋતુનો પ્રભાવ પણ એવો જ છે. પાણી ભલભલા અગ્નિને ઠારી નાંખે તો જઠરાગ્ની શું વાઘનું માથું લાવ્યો છે? (ના,જવાબ પૂરો). એટલે શરીરનું સ્વાસ્થ્ય સુધારવા ઉપવાસને આ ઋતુમાં ધર્મ સાથે જોડી દેવાયો છે. શરૂઆત ચાતુર્માસથી થાય છે જેમાં પ્રથમ એકટાણું કરવું સાથે શાકભાજી છોડાય છે. અન્નમાં માદકતા હોય છે એટલે જ જ્યારે ભોજન કરીએ છીએ પછી આળસ કે મીણો ચઢતો હોય એવી ફીલિંગ આવે છે. એટલે જ ખાલી પેટ આમ તેમ મનને ભટકવા દેતું નથી ન તો ઇન્દ્રિયોને કેફ ચઢાવે છે.

ગાડીથી લઇ નાનામાં નાની યાંત્રિક વસ્તુ સમયાંતરે સર્વિસ માંગે છે. 24 કલાક ચાલતાં પ્લાન્ટ ૩-૪ દિવસે બંધ રાખી સર્વિસ કરાય છે. તો શરીરની સર્વિસ નું શું? ખોરાક લઇએ અને તેનું વિસર્જન થાય ત્યાં સુધી પાચનતંત્રના એકપણ અવયવને આરામ નથી મળતો, નથી તેના બગડેલા પાર્ટ્સની મરામત થતી નથી. તેનું એકેય ફંકશનનું સોફ્ટવેર અપગ્રેડ થતું.

લાગતું વળગતું: અધીજનનશાસ્ત્ર: ગર્ભસંસ્કારની જરૂરીયાત

સીધી વાત મનુષ્ય માનતો નથી, પણ જ્યારે ધર્મની વાત આવે છે ત્યારે ઘૂંટણે પડી તોહફા કુબૂલ કરાવે છે. શ્રાવણમાસ,રોજા કે ઈસ્ટરના ઉપવાસ ધર્મ આ બાબતે સમાન છે. સાદો ખોરાક શરીરમાં પચતા 16-48 કલાક લાગી શકે એક ખોરાક પચ્યો ન હોય ત્યાં બીજો પધરાવી દેવાથી ખોરાકનું યોગ્ય પાચન થતું નથી. ખોરાક અધકચરો પચે છે જેને કાચો આમ કહે છે. આમ એટલે ખોરાકમાંથી બનતું ધીમું ઝેર. આ કાચો આમ શરીરમાં અનેક રોગો કરે છે અને જ્યાં જાય ત્યાં તકલીફ કરે છે. આ કાચા આમથી હદયરોગ પણ થાય અને ચામડીના રોગ પણ થાય. વળી તે એકદમ ચીકણો અને ધીમે થી ગતી કરવાના સ્વભાવવાળો હોઈ જ્યાં જાય ત્યાં ચોંટી સ્થાન જમાવી બેસી જાય છે. આવા કાચા આમને દુર કરવા ઉપવાસ બેસ્ટ છે.

પ્રાણીઓના જઠરમાં હું અગ્નિ છું અને ચાર પ્રકારનું અન્ન પચાવું છું એવું બોલનાર કૃષ્ણ પણ હવે ચાઇનીઝ, પનીર અને પીઝા પચાવતા થાકી જાય એવા ડૂચા મરાય છે. અનલિમિટેડની આડમાં ચીઝ-બટર-ગ્રેવીઓ થી ભરેલા શાક, મેંદાની વ્હાઈટ સિમેન્ટ જેવી રોટલીઓ, એસીડીક અથાણાં અને સાથે ડ્યુડ બનવા પીવાતા સોફ્ટડ્રીંક ભલભલા કૃષ્ણનેય ખોરાક પચાવવાનું મેદાન છોડી રણછોડ બનવા મજબુર કરી દે. અકરાંતિયાની જેમ ખાવું અને ભૂખ વગર ખાવું એ પણ એક જાતની રાક્ષસ વૃત્તિ જ થઇ. ચરક કહે છે કે અગ્નિને ભગવાન ગણી તેને યોગ્ય સમિધ ધરીએ એમ ભોજન કરે એ જિતેન્દ્રિય મનુષ્ય ક્યારેય દુઃખી થતો નથી.

પણ આપણે ચરક ને ભૂલી ગયા, મનુષ્યએ ઈચ્છાઓનું પોટલું છે એમાંય ખાવાની ઈચ્છા એ સહુથી પ્રબળ હોય છે અને તમામ ઇન્દ્રિયો જાણે જીભને પાનો ચઢાવતી હોય એમ હોડ જમાવે છે. ઓવરઇટીંગમાંથી મોટાભાગના બાકાત નથી. ગાંધીજી કહેતા કે “જરાપણ સ્વાદ થયો એટલે શરીર ભ્રષ્ટ થયું અને એના કારણે જ ઉપવાસ જેવા વ્રત નો વિચાર થયો… ઉપવાસને અંતે વિષયેચ્છા અને સ્વાદો તીવ્ર થાય છે. એટલે કે, ઉપવાસ દરમિયાન વિષય રોકવાની અને સ્વાદને જીતવાની સખત ભાવના હોય તો જ તેનું શુભ ફળ આવે. હેતુ વિના, મન વિના થયેલા શારીરિક ઉપવાસનું સ્વતંત્ર પરિણામ વિષય રોકવામાં નીપજશે.” હકીકતમાં માત્ર પાચનતંત્ર જ નહીં પરંતુ તમામ ઇન્દ્રિયોને એના ઉપભોગ ન મળે અને ઇન્દ્રિયો તપે એજ સાચો ઉપવાસ.એથી માનસિક શક્તિઓનો વિકાસ થાય છે. મનમાં ધૈર્ય, શાંતિ, દૃઢતા, વિશ્વાસ અને ઉત્સાહ વધે છે. માનસિક શક્તિને અને પાચન પ્રણાલીને નવજીવન નવું બળ મળે છે અને સ્વાભાવિક ભૂખ પણ વધે છે. ઉપવાસના દિવસોમાં વ્યક્તિ જે ધર્મ પાળતી હોય, એ ધર્મના અથવા પોતાની રુચિ પ્રમાણેના પુસ્તકો વાંચે અને પ્રિય વ્યક્તિઓ સાથે ચર્ચા કરે. આજકાલના ફાસ્ટફુડીયા અને વ્યસ્ત જીવનમાં મનની શાંતિ એ જ ઉત્તમ સ્વાસ્થ્ય છે.

સહુ પ્રથમ તો છોડવાની વૃત્તિ ઉપવાસમાં વધુ કામ લાગે છે. થોડું પણ અજીર્ણ જેવું લાગે તો એકાદ ટંક ભોજન છોડવાથી અવયવોને આરામ મળે છે. આંતરડામાં ભરાયેલો કચરો દુર થાય છે અને અમુક દ્રવ્યો કે જે હાનીકારક જીવાણુઓને જીવવા માટેનું માધ્યમ પૂરું પાડે છે તેવા દ્રવ્યોનો શરીરમાંથી નિકાલ થવાથી આ જીવાણુઓનું પણ મૃત્યુ થાય છે. ઉપવાસની શરુઆત મળની શુદ્ધિ થી થવી જોઈએ. એના માટે પેટ સાફ કરવાના ચૂર્ણની ફાકીઓ કરતા વૈદ્ય જોડે જઈ એનીમા લેવો જોઈએ.

જુલાબની દવાઓ શરીરનું જરૂરી પાણી પણ કાઢી નાખી આંતરડા નું બિનજરૂરી ધોવાણ કરી નાંખે છે પરિણામે આંતરડા અને એને જોડી રાખતા સ્નાયુઓ નબળા પડે છે. આખો દિવસ નવશેકું પાણી પીતા રહેવું જોઈએ. ગરમ પાણી જુના ચોંટી ગયેલા મળને ઉખાડીને નીચેની તરફ ધકેલે છે, આંતરડાની ચીકાશ ને દુર કરે છે અને આંતરિક અવયવોને પુનર્જીવિત કરે છે. ત્યારબાદ એકાદ ખટાશવાળું ફળ માફક હોય તો ખાવું, વિટામીન C ની મદદથી કોલેસ્ટ્રોલનું બાઈલ્સમાં રૂપાંતર થાય છે, જેથી શરીરમાં કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. તે ખૂબ શક્તિશાળી એન્ટી-ઓક્સીડંટ છે. શરીરમાંના ફીરેડીકલનો નાશ કરવામાં અને એ રીતે એ શરીરનું રક્ષણ કરે છે. સંતરા, બીજોરા, મોસંબી જેવા ફળો ચોથાભાગે પાણી ઉમેરી ખાવા તો લીંબુ જેવાનું ખુબ પાણી ઉમેરી સિંધવ, મરી પાવડર નાખી પાચક સરબત બનાવી પીવું.

તાવની પહેલી દવા લાંઘણ છે, તાવમાં દવા પચે એટલી પણ શરીરમાં શક્તિ હોતી નથી પરિણામ સ્વરૂપે પ્રથમથી જ લંઘન કરવાથી તાવ લાવનારા તત્વો પાછા પડે છે અને ત્યારબાદ દવા કરવાથી તાવ કાબુમાં આવે છે. તાવમાં ગ્લુકોઝના પાણી કે સતત લીંબુ સરબત પીવું એ તાવનું જોર વધારવા બરાબર છે.

જેનું લોહીનું દબાણ વધુ રહેતું હોય એ સતત પાણી પી ઉપવાસ કરે તો લોહીમાંથી વધારાનો ભાર અને પાણીનો ભાગ ઓછો થાય છે અને એ પ્રમાણે લોહીના કુલ જથ્થામાં આંશિક ઘટાડો થવાથી હદય અને લોહીની નળીઓને પણ આરામ મળે છે. હદયરોગમાં જામેલી નળીઓની ચરબી ક્રમશ: ગરમ પાણી ઉખાડતું રહે તો હદયની મજબુતાઈ પણ વધે છે માત્ર ઉપવાસથી જ હદયરોગ મટી જાય કે ઓપરેશન ટળી જાય એવો વાહિયાત દાવો અહી નથી કરતા.

હવે સંયમિત ભોજનના કેટલાક નિયમો જોઈએ…

એકાસણું: ચોવીસ કલાકમાં માત્ર એક જ વાર એક જ આસને બેસી ભોજન કરવામાં આવે છે.

બેસણું: ચોવીસ કલાકમાં બે વાર ભોજન પણ દરેક ભોજન વખતે ઉભા થવાનું હોતું નથી.

એકાન્ન ભોજન: જમતી વખતે કોઇપણ એક જ અન્ન ખાવાનું હોય છે. રોટલી અને શાક ખાઈએ અથવા ભાત અને શાક ખાઈએ, પણ દાળભાત ખવાતા નથી કેમકે એમાં બે અન્ન આવી જાય છે.

અલુણાવ્રત: તેમાં મીઠા વગરનું ભોજન એક વાર લેવાનું હોય છે અથવા છોકરીઓ અલુણા વ્રત કરે એમ પણ કરાય છે.

ઉણોદરીય ભોજન: ભૂખ હોય એનાથી ઓછું જમવું. જઠરના ચાર ભાગ કલ્પી તેમાંથી બે ભાગ ઠોસ અન્ન થી, એક ભાગ લીક્વીડથી ભરવો અને ચોથો ભાગ વલોવવા માટે ખાલી રાખવો.

મર્યાદિત વ્યંજન: 2-3 કે એક જ વાનગી ખાવી બીજી વાનગીનો ત્યાગ કરવો તે. બે વાનગીનું વ્રત હોય તો દાળ-ભાત કે રોટલી-શાક એમ ગમે તે એક જોડકાંમાં જ ખાઈ શકાય.

એક વાર પીરસેલું: થાળીમાં પ્રથમવાર જેટલું પીરસાય એજ ખાવું બીજી વાર માંગણી ન કરવી, પણ હા એક જ વારમાં બુફેની જેમ થાળી ભરી લેવાનું આમાં આવતું નથી. વળી પીરસેલું બધું જ ખાઈ જવાનું હોય છે.

ગણેલા કોળિયાનું ભોજન: આમાં ચોક્કસ સંખ્યામાં કોળિયા ગણીને એ મુજબના કોળિયા જ રોજ ખાવાના હોય છે. આમાં વધારે ઓછી સંખ્યા કરાતી નથી.

ડબકું:

કૃષ્ણને 16,000 રાણીઓ હોવા છતાં બ્રહ્મચારી હતા અને દુર્વાસા પેટભરી ભોજન કરનાર હોવા છતાં સદાકાળ ઉપવાસી હતા કેમકે કૃષ્ણ જિતેન્દ્રિય અને દુર્વાસા સ્વાદ સંયમસિદ્ધ હતાં.

 eછાપું

 તમને ગમશે: રિશી કપૂર: ઝંઝીરને મળવાનો એવોર્ડ મેં બોબી માટે 30 હજારમાં ખરીદ્યો

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here