મમ્મી પપ્પાના વહાલા, કહે છે તને મોબાઈલ કહેવાય. તારો આકાર મારા બિસ્કિટ જેવો દેખાય છે, એને કદાચ લંબચોરસ કહે છે. તારા આકારને કારણે જ મને તને ખાવાનું મન થયા કરે છે. હાથમાં આવે તો તને રીતસર ચાવું છું.
પરંતુ તું મારા હાથમાં આવે તો ને?

મને તારી ઈર્ષ્યા નથી પણ જે જગ્યા મારી હોય એ તું પચાવી પાડી ચીટકી ગયો છે. હું બસ એક ના એક રમકડાઓથી રમ્યા કરું, એ લોકોનું ધ્યાન ખેંચવા અવાજો કરું, ઉછળકુદ કરું પણ મારી સામે ક્ષણભર જુએ તો જુએ, એ લોકો તારામાં જ મગ્ન હોય છે. હું મોટો હોત અને સ્ત્રી હોત તો કહેત કે એવું તે શું બળ્યું છે એનામાં જે મારામાં નથી?
એનામાં એટલેકે તારામાં કઈંક છે તો ખરું. મારૂં પણ ધ્યાન ગયા કરે છે. કઈંક હાલતું ચાલતું રંગબેરંગી. એટલે જ તો હું એક ખૂણામાં પડ્યો બેઠો કે કંઈક પકડીને ઉભો હોઉં, મારી એમને કાંઈ પડી નથી હોતી, જેટલી તારી પડી છે.
મને ખબર છે, મારા આગમન માટે એ લોકોએ કઈં કેટલા દેવદેવીઓની માનતા માનેલી ત્યારે ભગવાને મને આદેશ આપ્યો કે મારે માણસ બની એમના ઘરમાં જન્મવું. હું જન્મ્યો. એ લોકો મને ઉછાળે, તેડે પણ માંડ બે મિનિટ. હું કઈંક બતાવવા જાઉં એટલે “હા.. જો એ વાવા” કહી એની સામે મને મૂકી દે, અને તારામાં મો નાખી દે. તું દુકાનદારનો દીધેલો છે, હું દેવનો દીધેલો. તું પૈસાથી ખરીદાયેલો છે હું આશીર્વાદથી આવેલો. તું કદાચ મોટી ઉમરના માણસોનું રમકડું છે જેવું મારી જેવડાનું આ ચાવી વાળું છે.પણ હું જીવતુ જાગતું રમકડું છું. જો રમકડું એટલે આનંદનું સાધન હોય તો.
મારી સાથે રમો ,હું અનેક ગણો આનંદ આપીશ.
મને તારામાં આવતાં ચિત્રો ગમે છે, ક્યારેક મારી નાનકડી કાયા તારા ટચુકડા સ્ક્રીન પર જોવી ગમે છે. કોઈક કાર્ટુન જેવું ચિત્ર કે કોઈ પશુ પંખી જેવું તારામાં હું કુતૂહલથી જોઈ લઉં છુ. તારામાં વાગતાં કેટલાંક ગીતો મને પણ ગમે છે અને એટલે જ હવે હું તારી દોસ્તી માંગુ છું. કમ સે કમ એટલો વખત મમ્મી પપ્પાની સાથે બેસાય?
લાગતું વળગતું: પિત્ઝા નો ટુકડો – સિક્યોરીટી ગાર્ડના જીવનના સંઘર્ષ પર મીઠડી લઘુકથા |
એ લોકો સવારે મમ્મી ટિફિન બનાવે અને મને ઉઠાડી ઝડપથી નવરાવી કોઈ બાઈ પાસે મુકી ભાગ ભાગ નીકળી જાય છે. હા, સાંજે આવતાં જ મમ્મી મને તેડે, ચૂમે, દૂધ પાય થોડી વાર એટલે કે દસ મિનિટ જેવું રમાડે. પછી રસોઈ શરૂ એ સાથે કોઈ સાથે વાતો ને વચ્ચે વચ્ચે પેલા રંગીન ચિત્રો પર આંગળી ફરતી જાય જે મારા વાળમાં ફરતી હોવી જોઈએ.
ત્યાં પપ્પા આવે. થોડી વાર મને ખોળામાં બેસાડે, મારાથી રમે. હા, હું ફ્રેશ થવાનું રમકડું છું. એ વખતે તું ચાર્જ થતો હોય પણ મારો બધો જ ચાર્જ ઉતરી જવા પર હોય કેમ કે આખો દિવસ ખાવાપીવા આપવા સિવાય બાઈ પણ એના મોબાઈલ માં જ મગ્ન હોય. બસ પછી મારાથી ચા પીવાય નહીં એટલે એક મને તેડી હાથ પગ આમથી આમ આમળે બીજું ચા પીવે. પછી બસ. પેલા ચિત્રો, એમની ફટાફટ આંગળીઓ અને મારું એકના એક બોલ અને બે ચાર રમકડાં સાથે રમવું , એ લોકો કોઈ બીજી દુનિયામાં ખોવાઈ જાય. તારા સ્ક્રીન ની.
કહે છે મારી જેવડાં ખૂબ નાનાં બાળકોએ ટીવી જોવું જોઈએ નહીં કેમ કે સાચું શુ અને દ્રશ્ય શુ એ અમને ખબર પડે નહીં. પણ મને બધી ખબર પડે કે આ ટીવીની અંદરનું અને આ સાચું. ટીવીના કાર્ટુન ના કૂતરા બિલાડા જોઈ મઝા આવે છે પણ સાચાં કૂતરાં કે બિલાડી જોઈ બીક લાગે છે ને?
ઉલ્ટું એ લોકો ફેસબુક વોટ્સએપની વર્ચ્યુઅલ રિયાલિટી સાચી માની એમાં ખોવાઈ જાય છે, એ ભૂલી જાય છે કે સામે હસતો ફેસ છે એ રિયલ બુક છે અને એમની ફેસબુક માત્ર ચિત્રો જ છે. વોટ્સએપ કૃત્રિમતા છે. જિંદગીની અને એમાં જીવાતા જીવનની. મને ફેસબુક અને વોટ્સએપ શુ છે એ ખબર છે. સ્કાઇપ પર દાદા, મામા, કાકા સાથે તારાથી વાત કરાવે જ છે.
બસ એટલા જ કારણે તું મને ગમે છે.
અને એટલા જ કારણે એ લોકોને તું વધુ ગમતો લાગે છે એ મને નથી ગમતું.
ચાલ તો આપણો પ્રણય ત્રિકોણ શરૂ. તું મારો બેસ્ટ ફ્રેન્ડ, રાતે દાદાજી, નાના નાની, મામા મામી સાથે તારા સ્ક્રીનમાં જોઈ વાત, વ્હીલ્સ ઓફ બસ આર મુવિંગ રાઉન્ડ જેવા બાળ ગીતો, નાની મારી આંખ એ જોતી કાંક કાંક જેવું મારુ પ્રિય ગીત (ખરેખર મારી નાની આંખો ઘણું જુએ છે અને મગજ સમજે છે).. અને સુંદર ચિત્રો હું મમ્મી પપ્પા સાથે તારામાં જોઉં.એ લોકો થોડું તારામાં ખોવાય પછી હું એમને જડું એ રમત શરૂ. મને મારું શૈશવ મળશે, મા બાપ ને હું ‘મળીશ’ અને મને તું એક નવા જમાના નું રમકડું .
મને એ લોકો સાથે વાંધો નથી, કોઈ સાથે નથી, તારી સાથે પણ નથી. બસ મારી ઉપર પણ ધ્યાન આપો. એ વખત બહુ ઓછો રહેશે. આજ કાલ.મોબાઈલ જોતાં હું પણ ક્યારે મોબાઈલ બની ઘરમાંથી પગ કાયમ માટે બહાર લઈ જાઉં એ ખબર નથી. પછી મોબાઈલ તો નવા આવતા ને મળતા રહેશે, બાળક ક્યારેય બાળક તરીકે નહીં મળે.
લી. તને મોં માં નાખી ચાટવા આવતો તારો ટચૂકડો મિત્ર માનવ બાબો.
eછાપું
તમને ગમશે: Sapiens – માનવતાના ઇતિહાસની એક ટૂંકી નોંધ (ભાગ – 1)