એવા ગેરકાયદેસર દબાણ જે નહેરા સાહેબ પણ દુર કરી શકતા નથી

0
222
Photo Courtesy: Twitter

હમણાં હમણાં ગેરકાયદેસર દબાણ દુર કરવાની કાર્યવાહી પુરજોશમાં ચાલી રહી છે. અમદાવાદ જેવા શહેરને દબાણથી મુક્ત બનાવવાની ઝુબેશ જોરદાર ગતિએ ચાલી રહી છે ચારેકોર તંત્રના વખાણ થઇ રહ્યા છે પરંતુ એવા કેટલાય ગેરકાયદેસર દબાણો છે જે તંત્રના ધ્યાને પણ છે પણ તે કાઈ કરી શકતું નથી.

Photo Courtesy: Twitter
 1. ગુડમોર્નીગ ગુડનાઈટની મોટી મોટી ઈમેજ મોકલીને તમારી ફોન મેમરીમાં ગેરકાયદેસર દબાણ કરતા લોકો.
 2. બેડ ઉપર નાનકડી જગ્યામાં દબાણો ઉભા કરીને નોકરીએથી થાકીહારીને આવેલા પરણિત પુરૂષને ઉંઘવા ન દેતા પત્ની અને બાળકો
 3. નવરાત્રીમાં જોરદાર ગોળ કાયા ધરાવતા લોકો ગોળ ગોળ ફરીને ગરબા રમે ત્યારે અડધા ઉપર પાર્ટીપ્લોટમાં તેમના દ્વારા થતું દબાણ
 4. શું બનાવું? તમે કહો એ બનાવું? અરે! એ બનાવા માટે ઘરે કશું નથી તમે લઇ આવો તો બનાવું આવી રીતે આપણને બનાવીને છેલ્લે ખીચડી ખાવા કરાતા ગેરકાયદેસર દબાણો.
 5. “તમારે મારા કોઈ સગાના ત્યાં તો કોઈ દિવસ આવવું જ નથી હોતું, મને બધીજ ખબર પડે છે!” એવું કહીને પત્ની દ્વારા થતું ઈમોશનલ ગેરકાયદેસર દબાણ .
 6. “અલ્યા ભાઈબંધ થઇ ને મારા માટે આટલું નહીં કરે યાર! આવું ગેરકાયદેસર ઈમોશનલ અત્યાચાર કરતા ભાઈબંધોની ભાઈબંધીના ઝેરીલા  દબાણો.
 7. વધતી કાયામાં બેલ્ટ પહેર્યા પછી કમરનો લચી પડતો ભાગ એ ગેરકાયદેસર દબાણ ગણાય છે. એ અંગે જોકે થોડાક પગલા લીધા છે. “ચાલો દબાણની ગાડી આવી કહીને જેમ ફેરિયાઓભાગાભાગ કરવા લાગે છે એમ આવનારી લગ્નની સિઝનમાં મીઠાઈ, ફરસાણ ક્યાંક ઓછા ન ખાવા પડે એના ડરથી નજીકમાં આવેલા પાર્કમાં આપણે પણ દોડાદોડી શરુ કરી દઈએ છીએ.
 8. રસ્તા ઉપર બેઠેલી ગાયના દબાણો, તમે હોર્ન મારો હટ કહો ગમે તે કરો ગાય ઉભી જ ન થાય એક જ સંજોગમાં ગાય ઉભી થાય જો તમે સ્પેલેન્ડર બાઈક ઉપર મોટી લાકડી બાંધીને ડચકારા બોલાવતા બોલાવતા ચલાવતા હોવ તો.
 9. તમારા દિલ અને દિમાગ ઉપર પ્રેમી/પ્રેમિકા એ કરેલું ગેરકાયદેસર દબાણ.
 10. મારી પાસે તો ફલાણા ફંકશનમાં પહેરવા સરખી સાડી જ નથી એવું કહી કહી ને અડધા ઉપર કબાટમાં ગેરકાયદેસર કબજો ધરાવનાર પત્નીઓના એ ગેરકાયદેસર દબાણો હજુ દુર કરી શકાતા નથી.
 11. દર ચોમાસે છાપાવાળાઓ માત્ર ભીંજાયેલી છોકરીઓના જ ફોટા કેમ છાપે અને છોકરાઓના કેમ નહીં એ વિચારવાયુનું દબાણ.

અજ્ઞાન ગંગા

મિત્ર ૧ : આ ગેરકાયદેસર દબાણનું જબરું ચાલ્યું છે નહીં?

મિત્ર ૨ : હા યાર હારું મગફળીમાં પણ માટીનું ગેરકાયદેસર દબાણ પણ નથી ચલાવી લેતા આજકાલતો.

લી – વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી.

eછાપું

તમને ગમશે: Avengers infinity war નો Thanos કેમ ભારત પર આક્રમણ નથી કરતો???

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here