વિદેશમાં સિરીઝ જીતવાનો આનંદ અમને ક્યારે અપાવશો સર્વશ્રી કોહલીજી અને શાસ્ત્રીજી?

0
311
Photo Courtesy: hindustantimes.com

આમતો મીડ-સિરીઝ રિવ્યુ કરવાનો વિચાર હતો, કારણકે ક્રિકેટ એવી રમત છે કે જે કોઇપણ સિરીઝની શરૂઆતમાં કરેલી આગાહી સાવ ખોટી પાડવામાં એક્સપર્ટ છે. પરંતુ જે રીતે ભારતીય ટીમે ઇંગ્લેન્ડની ટૂરની પહેલી જ બે ટેસ્ટમાં દેખાવ કર્યો છે એ જોઇને ભારતની સિરીઝ મધ્યે પહોંચ્યા પહેલા જ ડૂબી ગઈ હોય એવો ભાસ થઇ રહ્યો છે.

Photo Courtesy: hindustantimes.com

ક્રિકેટ ફેન તરીકે કાયમ પોઝીટીવ રહેવાનો અને ભારતીય ટીમની ક્યારેય below the belt જઈને ટીકા ન કરવાનો નિયમ જાળવ્યો છે અને એ જાળવવો જ છે, પરંતુ પહેલી બે ટેસ્ટમાં આપણી ટીમનો દેખાવ જોઇને જે દુઃખ થાય છે એ ક્યાંક જઈને તો વ્યક્ત કરવું ને?

પહેલી ટેસ્ટમાં ભારતીય ટીમે અને ખાસકરીને જેમ કાયમ બનતું આવ્યું છે એમ વિદેશી સિરીઝ હોય ત્યારે બોલરોએ ફાઈટ દેખાડી હતી, જેનાથી એવી આશા તો બંધાઈ જ હતી કે એટલીસ્ટ જ્યારે પોતાને અનુકુળ પરિસ્થિતિ હશે ત્યારે બોલરો આપણું નાક રાખશે.

લોર્ડ્ઝ ટેસ્ટમાં બેશક હવામાને પણ આપણી સાથે રમત રમી લીધી હતી એમાં કોઈને પણ શંકા ન હોઈ શકે. ભારતની બંને ઇનિંગ્સ વાદળછાયા વાતાવરણમાં રમાઈ જે એન્ડરસન પ્રકારના બોલરને વધારે ઘાતક બનાવે છે. જ્યારે ઇંગ્લેન્ડની એકમાત્ર ઇનિંગ સર્વાંગ અને સંપૂર્ણ સુર્યપ્રકાશ હેઠળ રમાઈ અને એ સુર્યપ્રકાશ થકી તેણે એટલા બધા રન બનાવી લીધા જેના સુધી પહોંચવા વાદળછાયા વાતાવરણમાં ભારત માટે મુશ્કેલ બની રહેવાનું હતું જ.

પરંતુ આ કોઈ એક્સક્યુઝ ન હોઈ શકે. જ્યારે વિદેશમાં સિરીઝ રમાવાની હોય અને ખાસ તો ઇંગ્લેન્ડમાં ત્યારે આખી ટૂરમાં સુરજદાદા તમને ભાગ્યેજ જોવા મળશે એવી માનસિક તૈયારી સાથે જ પ્લેનમાં બેસવું પડે. વાંક અહીં વાતાવરણ કરતા ભારતે જે ટોપ ઓર્ડર પસંદ કર્યો એનો વધારે છે. શિખર ધવનનો વિદેશી ભૂમિ પરનો રેકોર્ડ ચિત્કાર કરી કરીને કહે છે કે એ વિદેશમાં ખાસ કશું ઉકાળી શકતો નથી, તો પણ એને રમાડવાનો આગ્રહ.

લાગતું વળગતું: વિદેશી ધરતી પર ફરીથી હાર્યા એમાં શું?

કે એલ રાહુલ બહુ જલ્દીથી બીજો શિખર ધવન બની જાય એટલી હદે એની તરફેણ. આ બંને સરળતાથી અવગણી શકાય એવા મુદ્દાઓ ભારતને સિરીઝ ની પહેલી બે ટેસ્ટમાં જ નડી ગયા અને હવે ભારતીય ટીમને બાકીની ત્રણ ટેસ્ટમાં, જો ત્રીજી ટેસ્ટ આપણે જીતીએ કે ડ્રો જાય તો, સતત ટેન્શનમાં રહેવું પડશે. સવાલ એ છે કે શું આપણા ડોમેસ્ટિક ક્રિકેટમાં કોઈ એવા ચોટડૂક ટોપ ઓર્ડર ખેલાડીઓ જ નથી જે શિખર ધવન જેવા ‘મહાન’ બેટ્સમેનનું સ્થાન લઇ શકે?

વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રીની જોડીએ જો કાયમ આશ્ચર્યચકિત કર્યા હોય તો એ તેમના ટીમ સિલેક્શન દ્વારા. સિરીઝ કોઇપણ હોય, વનડે હોય, ટેસ્ટ હોય કે પછી ટ્વેન્ટી20 આ લોકોએ ઘણીવાર સ્વાભાવિક લાગતા ટીમ કોમ્બિનેશનને અચાનક જ બદલી નાખ્યું છે. હા, તેઓ કદાચ મોટેભાગે તેમાં સફળ ગયા હશે, પરંતુ વિદેશી ભૂમિ પર, ટેસ્ટ સિરીઝ જ્યારે શરુ થતી હોય ત્યારે ચેતેશ્વર પૂજારા, જે આ આખી ટુરીંગ પાર્ટીમાં એક માત્ર ‘ટેસ્ટ પ્લેયર’ છે એને જ તમે ડ્રોપ કરો તો પછી તમારી માનસિકતા પર સવાલ ઉભા થાય એમાં ના નથી. જો પૂજારાને ડ્રોપ કરવા પાછળ એના હાલના ખરાબ ફોર્મનું કારણ અપાતું હોય તો બીજાઓએ ચાર ઇનિંગ્સમાં શું ઉકાળી લીધું એ પણ જરા જણાવો?

પરંતુ, ઉતાવળે આંબા ન પાકે કે પછી તરસ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય એ ન્યાયે ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા કે પછી સાઉથ આફ્રિકામાં અજેય રહેવું હશે તો અત્યારથી જ તૈયારીઓ શરુ કરવી પડશે. ડોમેસ્ટિક ક્રિકેટના હીરલાઓને પસંદ કરીને શિયાળામાં ઉત્તર ભારતના કેટલાક મેદાનોમાં ઇંગ્લેન્ડમાં વપરાતા ડ્યૂક બોલથી પ્રેક્ટીસ કરાવવી પડશે. તો અમુક મેદાનોમાં ખાસ સિમેન્ટ ટ્રેક બનાવીને ટેનિસ બોલ દ્વારા બાઉન્સ સામે કેમ લડી શકાય એની ટ્રેનિંગ આપવી પડશે. પરંતુ ઇંગ્લેન્ડ સિરીઝ પત્યા બાદ આમાંનું કશુંજ નહીં થાય એની ગેરંટી પણ અત્રેથી આપવામાં આવે છે.

એક બીજો વિચાર એ પણ છે કે દરેક આંતરરાષ્ટ્રીય ક્રિકેટરને સિઝનમાં મિનીમમ ત્રણ રણજી ટ્રોફીની મેચ રમાડવાનો આગ્રહ રાખવો પડશે, પરંતુ આપણી ટીમનું આંતરરાષ્ટ્રીય કેલેન્ડર જ એટલું ટાઈટ છે કે એ હાલપૂરતું શક્ય લાગતું નથી.

હા જો કોઈ સાંત્વના લેવી જ હોય તો એમ લઇ શકાય કે આજે એક પણ ટીમ ટેસ્ટમાં વર્લ્ડ ચેમ્પિયનના બિરુદને છાજે એવી રહી નથી. ઇવન ઓસ્ટ્રેલિયા પણ હવે વિદેશમાં ડંકો વગાડી શકે એમ નથી. સાઉથ આફ્રિકા હાલમાં જ શ્રીલંકા જેવી ટીમ સામે શ્રીલંકામાં ટેસ્ટ સિરીઝ હારી ચૂક્યું છે. ઇંગ્લેન્ડ પણ આપણી જેમ જ જ્યારે ભારતમાં આવીને ટેસ્ટ સિરીઝ રમે છે ત્યારે તેમની હાલત દયામણી જ હોય છે.

પરંતુ, આપણે તો આપણી ટીમની ચિંતા કરવાની છે નહીં કે વિદેશી ટીમોની. એટલે થોડી મહેનત હાલની ટીમ પર, થોડી મહેનત આવનારી જનરેશન પર કરવામાં આવે, ઉપરાંત ટીમ સિલેક્શનમાં એક નીતિને બને ત્યાંસુધી વળગી રહેવામાં આવે તો  કદાચ એકાદી વિદેશ સિરીઝ બાદ સફળતા મળી શકે એમ છે.

eછાપું

તમને ગમશે: Mother’s Day Special: માતાઓની માતા બોલિવુડની માતા નિરુપા રોય

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here