મૃત્યુ બાદ પણ અટલજી દ્વારા ઘણા બધા મહોરાઓ ખુલ્લા પાડવામાં આવ્યા

0
387

કોઈના જન્મદિવસે અને મૃત્યુ બાદ તેની ટીકા ન કરવી એ આપણી સંસ્કૃતિ છે. પરંતુ સોશિયલ મિડિયાના આ જમાનામાં આ સંસ્કૃતિ પણ ફ્લેક્સીબલ થઇ ગઈ છે. હજી એક અઠવાડિયા અગાઉજ કરુણાનિધિના અવસાન સમયે તેમની ટીકા કરનારાઓની ટીકા કરનારાઓ જ અટલજી ના નિધન સમયે ખુલ્લા પડી ગયા હતા.

 

જો તાર્કિક રીતે વિચારવામાં આવે તો કરુણાનિધિ કે પછી અટલજી, બંનેમાંથી એકપણ વ્યક્તિ પોતાના સ્વધામ સિધાવી ગયા બાદ તુરંત તો ટીકાને પાત્ર ન જ હતા. પરંતુ, કરુણાનિધિ અને અટલજીની ટીકાઓ પાછળના કારણો અલગ હતા અને મહોરાઓ પણ અલગ હતા. કરુણાનિધિની ટીકા કરનારાઓમાં મોટેભાગે તેમના જાહેરમાં રામમંદિર વિરોધી વલણ તેમજ તમિલ ટાઈગર્સને તેમણે આપેલા ખુલ્લા ટેકાનો વિરોધ કરનારાઓ હતા.

જ્યારે અટલજીની ટીકા કરનારાઓમાં ભાજપ અને મોદીદ્વેષીઓ વધુ પ્રમાણમાં હતા અને એક નવા પ્રકારના સ્વાદરૂપે કેટલાક હિંદુ વિરોધી ધાર્મિક કટ્ટરવાદીઓ પણ ભળ્યા હતા.

અટલજી ખુદ એવું કહેતા કે તેમના માટે એવું કહેવાય છે કે આ માણસ તો સાચો છે પણ ખોટી પાર્ટીમાં છે. પરંતુ તેમનાજ શબ્દોમાં કહીએ તો સાચો માણસ ક્યારેય ખોટી પાર્ટીમાં ન હોય. ટૂંકમાં કહીએ તો આ બધી વાતો મનના સમાધાન માટે છે.

ભાજપ વિરોધીઓ અટલજીનો સુરજ ચમકતો હતો ત્યારે તેમને સારા અને અડવાણીજીને કટ્ટર હિંદુવાદી નેતા ગણતા અને જ્યારે નરેન્દ્ર મોદીનો સુરજ મધ્યાન્હે ચમકી રહ્યો છે ત્યારે અડવાણીજીને સારા અને મોદીને કટ્ટર ગણાવી રહ્યા છે. કાલ સવારે કોઈ બીજો ચમકતો ભાજપી નેતા આવશે તો આ જ નરેન્દ્ર  મોદી તેમના માટે સારા થઇ જશે એ નક્કી જ છે.

એટલે અત્યારે અટલજી સારા હોવાની બે ડિગ્રી વધારે ધરાવતા હોવાથી એમના અવસાનના બહાને વિરોધીઓએ નરેન્દ્ર મોદી પર નિશાન તાંક્યું છે. પરંતુ, સોશિયલ મિડિયામાં શાણા લોકોની કમી નથી અને જે લોકો જેમને મૂર્ખ ગણીને ઉપર કહ્યા મુજબની હરકત કરવા જાય છે એ આ શાણા લોકો તરતજ સમજી જાય છે અને પેલાઓ જાતેજ મૂર્ખ સાબિત થઇ જતા હોય છે.

ચાલો, અટલજીના બહાને મોદીને નિશાન બનાવ્યા એ તો સમજી શકાય છે કારણકે આવતે વર્ષે દેશમાં સામાન્ય ચૂંટણીઓ આવી રહી છે. પરંતુ અટલજીના અવસાનને હજી બે-ત્રણ કલાક પણ નહોતા વીત્યા કે એમની એવી ટીકા કરવામાં આવી જે આપણી સંસ્કૃતિની ફીલસુફીની સાવ વિરુદ્ધનું હતું. જો પ્રેક્ટિકલ બનીએ તો એક કહી શકાય કે કોઈ વ્યક્તિના ગયા પછી એની ટીકા ન જ થાય એવું જરૂરી નથી. ફાઈન! ઓકે! જેવી જેની મરજી, પરંતુ એટલીસ્ટ અંતિમ સંસ્કાર સુધીતો રાહ જોવી જોઈએ કે નહીં? માત્ર ચોવીસ કલાક સુધી તમારી ચળ દબાવી રાખવામાં તમને તકલીફ શેની પડે છે?

લાગતું વળગતું: મહાન માણસોની ટીકા કરવા માટે આપણી પાસે આ એક જ દિવસ છે?

આપ સાથે સીધો સંપર્ક ધરાવતા અને ‘આપનું’ જ મુખપત્ર હોય એવી એક વેબસાઈટ ચલાવતા એક પત્રકારે અટલજીના અવસાનના થોડા જ કલાકમાં એમને ‘શ્રદ્ધાંજલિ’ અર્પણ કરતા એમની આકરી ટીકા કરી. રાબેતા મુજબ આ સાહેબની ટીકા થતા તેમણે એ tweet તો ડિલીટ ન જ કરી કે ન તો માફી માંગી પણ પોતાના અગાઉના સ્ટેન્ડ પર તેઓ કાયમ રહ્યા અને વળી ઉમેર્યું પણ ખરું કે આ તેમનો અધિકાર છે. લોકશાહીમાં અભિવ્યક્તિની આઝાદીના ઓઠા હેઠળ ઘણાની પંક્ચરવાળી નાવડીઓ પણ તરી ગઈ છે તો આ એક ભાઈ બીજા એમાં શું?

તો કેટલાક કટ્ટરવાદી માનસિકતા ધરાવતા લોકોએ અટલજી ના અવસાનને એમના ‘રબ’ નો ઇન્સાફ ગણાવ્યો. હવે અહીં ઈશારો સીધેસીધો બાબરી મસ્જીદના માળખાના ધ્વસ્ત થવા તરફ હતો. જો ટેક્નિકલી જોવા જઈએ તો આ મામલે અદાલતમાં કેસ ચાલી રહ્યો છે અને આ લખનારની બુદ્ધિ જ્યાં સુધી દોડે છે તો અટલજી તેમાં ચાર્જશીટ થયા નથી, ક્યારેય થયા નથી. જો થયા પણ હોત તો તેઓ વડાપ્રધાન ક્યારેય બની શક્યા ન હોત. અરે! અટલજી પહેલા એવા વ્યક્તિ હોત જેમણે માત્ર પોતે ચાર્જશીટ થવા બદલ સામેચાલીને વડાપ્રધાનપદ નકારી દીધું હોત.

ચાલો, તો આપણે એવું માની લઈએ કે બાબરી માળખાના ધ્વસ્ત થવા પહેલા અને પછી અટલજીના વિચારો અને ભાષણો એ માળખાના વિરોધમાં હતા. હા હતા, હોઈ શકે, પરંતુ શું પોતાના ધર્મના યુગપુરુષના જન્મસ્થળ પર બળજબરીથી જ્યારે મસ્જીદ બનાવી દેવામાં આવી ત્યારે શું એ રબ નો ઇન્સાફ હતો? રબ તો બળજબરીથી પોતાની બંદગીનું સ્થાન ન બનાવી શકાય કે પછી જ્યાં અમુક સમય સુધી નમાજ ન પઢાઈ હોય એને બંદગીનું સ્થાન ગણવા પણ તૈયાર નથી, તો આપણે રબ ના નિયમોને સિલેક્ટીવલી લેવાના છે?

તો શું એક સેક્યુલર દેશમાં જ્યાં ન્યાયતંત્ર હજી પણ વ્યવસ્થિત ચાલી રહ્યું છે અને દરેકને અભિવ્યક્તિની આઝાદી છે એ મર્યાદામાં રહીને કોઈ ધર્મની ટીકા ન કરી શકે? કે પછી ફક્ત એક જ ધર્મના લોકો જે દેશના સંસાધનો પર પ્રથમ હક્ક ધરાવે છે એવું એક ભૂતપૂર્વ વડાપ્રધાન કહી ગયા છે એમને જ બીજા ધર્મોની ટીકા કરવાનો અધિકાર છે?

ચાલો, તમને કોઈ વ્યક્તિની ધાર્મિકતા અંગે વાંધો હોઈ શકે, પરંતુ તેમના મૃત્યુનો ઉત્સવ ઉપરવાળાના નામે મનાવવો જરૂરી છે? અને અટલજી તો કુદરતી મૃત્યુ પામ્યા છે નહીં કે અફઝલ ગુરુ કે ઓસામા બિન લાદેનની જેમ કોઈના હાથે મર્યા કે ફાંસી પામ્યા છે, જે ખરેખર રબ નો જ ઇન્સાફ હતો, કારણકે તેઓએ અસંખ્ય નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા.

એક તો પત્રકાર અને બીજા કટ્ટરવાદી, પરંતુ જ્યારે કોઈ જવાબદાર ધારાસભ્ય પણ લીમીટ ચૂકી જાય ત્યારે? ગુજરાતના એક ધારાસભ્યને એ બાબતનું વધારે દુઃખ હતું કે હવે ‘રાજધર્મ’નું પાલન કરવાની સલાહ આપનાર અને એ સલાહ આપ્યા બાદ ખુદે મોદીનું રાજીનામું ન લઈને પોતાના રાજધર્મનું પાલન ન કર્યું એ વ્યક્તિ હવે રહ્યો નથી. આટલી હદે દ્વેષ? આગળ વાત થઇ એમ ટીકા કરવાનો કોઈજ વાંધો નથી પરંતુ એનો પણ એક સમય હોય.

અને આ રાજધર્મની વાત અધુરી છે. સમય મળે તો YouTube પર આ વિડીયો ઉપલબ્ધ છે, જોઈ લેજો. અટલજીએ જ્યારે નરેન્દ્ર મોદીને રાજધર્મનું પાલન કરવાની સલાહ આપી ત્યારે નરેન્દ્ર મોદીએ જવાબમાં કહ્યું હતું કે અમે એ જ કરી રહ્યા છીએ. ત્યારબાદ અટલજીએ ઉમેર્યું હતું કે તેમને આશા છે કે નરેન્દ્રભાઈ એમ કરી રહ્યા છે. પરંતુ છેલ્લા પંદર વર્ષથી છેલ્લી લાઈન જાણીજોઈને કાપી નાખીને અર્થનો અનર્થ કરવામાં આવી રહ્યો છે. આ વાત જો પેલા ધારાસભ્ય સમજી જાય તો એમના દ્વેષપૂર્ણ રાજકારણની દુકાન ત્યાંજ બંધ થઇ જશે એવો એમનો ભય સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.

જે હોય તે અટલજી દેશ માટે જીવ્યા હતા અને હવે તો એમણે મૃત્યુપર્યંત પણ દેશવિરોધી તત્વોને ઉઘાડા પાડી દઈને દેશસેવા કરી લીધી છે.

eછાપું

તમને ગમશે: Sapiens: (એગ્રી) કલ્ચર, વ્યાપાર, ધર્મ અને આપણો વર્તમાન

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here