ફેન થિયરીઝ – જયારે ફેન્સ પોતે વાર્તા લખવા લાગે છે ત્યારે…

0
577

ફેન થિયરીઝ, આમ તો આ શબ્દની કોઈ કાયદેસર વ્યાખ્યા નથી. પણ અન ઓફિશિયલ એવી અર્બન ડીક્ષનરી પ્રમાણે ફેન થિયરી એટલે કોઈ ફિલ્મ કે પુસ્તકની કોઈ નાની મોટી ડિટેઇલ પકડીને એ ફિલ્મ કે પુસ્તકના ફેન્સ એ ડિટેઇલ ની મદદથી “ખરેખર શું થયું હશે” એની થિયરીઝ લગાવે છે અને એના પર આગળ વધીને આખી નવી વાર્તા પણ બનાવી નાખે છે. આ ફેન્સ જે તે પરિસ્થિતિ અને એમાં ભાગ લેતા પાત્રોની નાની નાની ડીટેઇલનું ધ્યાન રાખીને આવી આગાહી કરે છે. જેમકે જેમ્સ બોન્ડ ને લગતી એક ફેન થિયરી એવી પણ છે કે ફિલ્મ સ્કાયફોલનો વિલન સિલ્વા એ બોન્ડની બોસ એમ નો દીકરો હતો અને એને આતંકી થવાના (અથવા ગુમાવવાના) દુઃખથી પીડાતી એમ એ બોન્ડને પોતાના દીકરાની જેમ સાચવ્યો અને એના ઉપર ધ્યાન આપ્યું.

આ સિવાય પણ જેમ્સ બોન્ડ નું પાત્ર અલગ અલગ એક્ટરો એ ભજવ્યું હોવાને લીધે એક થિયરી એવી પણ છે કે જેમ્સ બોન્ડ એક નામ નહીં પણ એક કોડનેમ હોવું જોઈએ અને ડબલ ઓ પ્રોગ્રામ ના શ્રેષ્ઠ જાસૂસોને જેમ્સ બોન્ડ નું કોડનેમ અપાતું હોવું જોઈએ, પણ આ ફેન થિયરી ને ખુદ જેમ્સ બોન્ડના સર્જકોએ ખોટી પાડી છે. સ્કાયફોલમાં જેમ્સ બોન્ડનું પૈતૃક ઘર એક વાર્તા કહેવાના અગત્યના પોઇન્ટ સિવાય આ થિયરી ને ખોટી સાબિત કરવાના કામમાં પણ આવેલું, ઉપરાંત બોન્ડના અમુક નાના પણ વ્યક્તિગત લક્ષણોને શોન કૉનેરી થી લઇ પિયર્સ બ્રોસ્નાન સુધીના બોન્ડ માં એવા ને એવા જ રાખીને બોન્ડનાં સર્જકોએ આ ફેન થિયરીનો છેદ ઉડાવી દીધો હતો. આવી ઘણી ફેન થિયરીઓ છે જેના ઉપર મૂળ સર્જકોએ કોઈ પ્રતિક્રિયા આપી હોય. અને આવી થિયરીઓ જેને મૂળ સર્જકોએ સ્વીકારી હોય એને ઓફિશિયલ કેનન (Cannon) નું સ્વરૂપ મળે છે. પશ્ચિમમાં હેરી પોટર, સ્ટાર વોર્સ, માર્વેલ કોમિક્સ જેવી અસંખ્ય વાર્તાઓ છે જેને ફેન્સ વર્ષોથી ફોલો કરતા હોય અને એ વાર્તાઓ ઉપર અસંખ્ય નવી અને જૂની ફેન થિયરીઝ બની છે.

Photo Courtesy: georgetownvoice.com

આપણા ભારતમાં પણ ફેન થિયરીઝ ચાલે છે. અને એ પણ આજકાલની નહીં, સદીઓથી. આપણા વેદ અને પુરાણ એ જ્ઞાની ઋષિમુનિઓએ કહેલી વાર્તાઓ અને ફિલોસોફીઓ હતી, અને એને વર્ષો થી કહી અને લખીને એના મૂળ રૂપને જાળવી અને સમય પ્રમાણે નવી વાર્તાઓ કે નવા અર્થઘટન કરીને એ વાર્તાઓના ફેન્સ એટલે કે આપણી પ્રજાએ આ વાર્તાઓ ને જીવતી રાખી છે. દા.ત. ભગવાન રામની કથા મહર્ષિ વાલ્મીકિએ રામાયણમાં કરેલી પણ પાછલા અંકમાં જોયું એમ રામાયણનાં એ જમાનામાં થઇ ગયેલા એક મોટા ફેન એવા ગોસ્વામી તુલસીદાસે રામચરિતમાનસ એ જ કથા થોડી ઘણી ચેન્જ કરી નાખી. અને રામાયણ અને શિવકથાનાં આ જમાનાનાં એક ફેન એવા અમીષ ત્રિપાઠીએ શિવા ટ્રાઈલોજી અને રામચંદ્ર સિરીઝમાં પોતાની થિયરી પ્રમાણે તત્વો ઉમેરીને એક નવી જ સૃષ્ટિ રચી છે. એ જ રીતે જૈન રામાયણ, બૌદ્ધ રામાયણ કે આપણી પૌરાણિક કથાઓના અન્ય વર્ઝન પણ એક ફેન થિયરી જ છે, જેને જે તે સાધુઓએ, અને વિદ્વાનોએ પોતાની રીતે રજુ કર્યા છે. હેરી પોટર, સ્ટાર વોર્સ કે માર્વેલ સિરીઝ અને આપણી આ ફેન થિયરીઝમાં એક મોટો ફરક એ છે કે પશ્ચિમી ફેન થિયરીઝમાં શું ઓફિશિયલ કેનનમાં હશે અને શું નહિ એ નક્કી કરતા લોકો છે, જયારે આપણે આવા કોઈ લોકો નથી જે આવી પૌરાણિક વાર્તાઓમાં આપણું ક્યુ અર્થઘટન સાચું અને ક્યુ ખોટું એ કહી શકે.

લાગતું વળગતું: આવો જાણીએ હોલીવુડની અજબ સ્પેશીયલ ઈફેક્ટસ ની ગજબ કહાની

સામાન્ય રીતે બધી જ વાર્તાઓની ફેન થિયરી બની શકે નહીં. એક સારી ફેન થિયરી બનવા માટે જે-તે વાર્તા એટલી સારી હોવી જોઈએ કે જેના બહુ બધા ફેન્સ હોય. સાથે સાથે એ વાર્તા એવી પણ હોવી જોઈએ કે જેમાંથી કઈ નવું નીકળી શકવાનો સ્કોપ હોય. સામાન્ય રીતે ફેન થિયરી એવી વાર્તાઓ માંથી નીકળે છે જે મોટી હોય. મોટી ટીવી સિરીઝ કે એક કરતા વધારે ફિલ્મોની વાર્તામાંથી ફેન થિયરીઝ સારી રીતે નીકળી શકે. અને એક સારી ફેન થિયરી ભવિષ્યવેતા ની જેમ શું થશે એની આગાહી કરવા કરતા એક ડિટેક્ટિવની જેમ શું થયું છે એની સાબિતી મેળવવાનો પ્રયાસ કરતી હોય. અને એ ચર્ચા કરવા માટે એની પાસે સાબિતીઓ પણ હોય.

દાખલા તરીકે મારી એક પર્સનલ ફેન થિયરી છે. ફિલ્મ રોક્સ્ટારમાં માં હીરના લગ્ન પછી જોર્ડન ડ્રગ એડિક્ટ થઇ ગયો હતો અને એ પછી આપણે ફિલ્મમાં જે કઈ પણ જોયું એ જે કઈ થયું એ જોર્ડને એના બંધાણનાં લીધે વધારી ચડાવીને કહેલું વર્ઝન છે. સાબિતી તરીકે ફિલ્મમાં જોર્ડન જેને પોતાનો આદર્શ માનતો હતો એ રિયલ લાઈફ રોકસ્ટાર જિમી મોરિસન પણ પોતાના ઘણા સમકાલીનોની જેમ ડ્રગ્સ અને એવા નશાનો બંધાણી થઇ ગયો હતો. અને જનાર્દન જાખડ માંથી જોર્ડન બની ગયા પછી પણ એનું ઘણું વર્તન એવું હતું કે જેમાં આ વાત ની સાબિતી મળે. જેમકે જોર્ડનનો આવો ગુસ્સો અને એની આસપાસના બીજા લોકો સાથેનો એનો સ્વભાવ.

ઉપરાંત હીર ની બગડતી તબિયત એ બીજું કઈ ન હતું પણ જોર્ડન ધીરે ધીરે ડ્રગ્સ અને સંગીતની મદદથી હીર સાથેના એના એકતરફી “બ્રેકઅપ” માંથી ઉગરી રહ્યો હોવાની નિશાનીઓ હતી. ફિલ્મનાં અંતમાં હીર જોર્ડનને જે રીતે મળે છે એ દેખાડીને એવી વાત મુકવાનો પ્રયાસ કર્યો છે કે હવે જોર્ડનનાં મગજમાંથી એ “બ્રેકઅપ” ની યાદો જતી રહી છે અને હીર સાથેની માત્ર સારી યાદો જ રહી છે. ઉપરાંત જયારે અંતમાં જોર્ડન જે લાઇન્સ બોલે છે એવી ઊંડાણ વળી કવિતાઓ અને ગીતો 70s થી ડ્રગ્સનાં બંધાણી એવા બેન્ડ અને રોક્સ્ટાર્સ ની પાસે થી મળતા રહ્યા છે.

Courtesy- Quora

પણ ઉપર કહેલા એવા ઘણા પોઈન્ટ્સ આ ફેન થિયરી માટે પણ લાગુ પડે છે, ખાસ તો વાર્તાનો એવો પોઇન્ટ જેમાં આવી સંદિગ્ધતા અને ડાઉટ્સ હોય. રોકસ્ટાર ના છેલ્લા સીનમાં હીર જીવે છે કે મૃત્યુ પામી એ ક્યાંય કહેલું નથી, અને ફિલ્મની કોઈ કાસ્ટ કે ક્રુએ આ વાત માં મગનું નામ મરી પાડ્યું નથી, ઉપરાંત અમુક સાબિતી વાળા પણ પોઈન્ટ્સ છે જે સામાન્ય રીતે લોકોના ધ્યાન માં આવી ન હોઈ શકે. પણ ઘણા સમય પહેલા બનાવેલી મારી આ થિયરી કેટલી સાચી અને કેટલી ખોટી એ તો ઈમ્તિયાઝ અલી જ નક્કી કરી શકે.

આવી ઘણી ફેન થિયરીઝ છે. પર્સનલ ફેવરિટ સોશિયલ નેટવર્ક એવા રેડ્ડિટ ઉપર આવી કમ્યુનિટીઓ બહુ સક્રિય છે. અને આવી થિયરીઝ વિષે આપણે ઘણી વાત કરવાની છે. જેમની અમુક સાચી પડેલી અને સ્વીકારાયેલી ફેન થિયરીઝ વિષે આપણે વાત કરીશું આવતા સોમવારે.

ત્યાં સુધી,

મે ધ ફોર્સ બી વિથ યુ……

eછાપું 

તમને ગમશે: લગ્ન પછી સરનેમ બદલાય તો શું સ્ત્રીની ઓળખ પણ બદલાઈ જાય?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here