વડાપ્રધાન ઇમરાન ખાન હોય કે બીજો કોઈ પાકિસ્તાન તો આવું જ રહેવાનું

0
599
Photo Courtesy: dawn.com

પેલું કહેવાય છે ને કે “પુત્રના લક્ષણ પારણામાંથી અને વહુના બારણામાંથી!” એવું જ પાકિસ્તાનના નવા વડાપ્રધાન ઇમરાન ખાન સત્તા પર આવતા જ થયું છે. નવી સરકાર રચાયા બાદ પોતાની પ્રથમ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા નવા પાકિસ્તાની વિદેશમંત્રી શાહ મહેમૂદ કુરેશીએ પોત પ્રકાશી દીધું હતું. કુરેશીનું એવું કહેવું હતું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇમરાન ખાનને પાકિસ્તાનના વડાપ્રધાનને અભિનંદન આપવા સાથે તેઓ તેમની સાથે વાતચીત કરવા માટે પણ તૈયાર છે એવું એક પત્રમાં જણાવ્યું છે.

Photo Courtesy: dawn.com

જેવા આ સમાચાર આપણી ન્યૂઝ ચેનલો પર વહેતા થયા કે ભારતનું વિદેશ મંત્રાલય હરકતમાં આવ્યું અને કુરેશીના બયાનને તરતજ નકારી દેવામાં આવ્યું. આપણા વિદેશ મંત્રાલયે ચોખવટ પણ કરી કે વડાપ્રધાને ઇમરાન ખાનને માત્ર અભિનંદન આપ્યા છે અને તેનાથી વિશેષ બીજું કશુંજ કહ્યું નથી.

નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા બાદ કદાચ પાકિસ્તાન સાથે ભારત કેવો સંબંધ રાખશે એ સ્પષ્ટ થયું છે. એમણે ભારત સાથે સંબંધ સુધારવા માટે એક સમયના પાકિસ્તાની વડાપ્રધાન નવાઝ શરીફને બે તક પણ આપી હતી. પહેલાતો એમણે અન્ય SAARC દેશોના વડાઓ સાથે શરીફને પણ પોતાના શપથવિધિ સમારોહમાં આમંત્રણ આપ્યું હતું જેમાં નવાઝ શરીફ હાજર પણ રહ્યા હતા.

ત્યારબાદ લગભગ બે વર્ષ અગાઉ મોદી જ્યારે અફઘાનિસ્તાનની યાત્રાએ ગયા ત્યારે છેલ્લી ઘડીએ કાબુલથી દિલ્હી આવતા ઇસ્લામાબાદમાં ઉતરાણ કરી અને નવાઝ શરીફને ઘરે ગયા હતા. તે સમયે શરીફના ઘેર લગ્ન પ્રસંગ હતો એટલે ત્યાં તેમણે મીઠાઈ પણ ખાધી હતી અને જાણવા મળ્યા અનુસાર નવાઝ શરીફના માતાને પગે પણ લાગ્યા હતા.

લાગતું વળગતું: અમેરિકાને હિઝબુલ મુજાહીદ્દીનને વૈશ્વિક આતંકવાદી સંગઠન જાહેર કરવાની કેમ જરૂર પડી? આ રહ્યા કારણો

પરંતુ, નરેન્દ્ર મોદીના ભારત પરત આવ્યાના ટૂંકાગાળામાં જ ઉરીના સૈન્ય કેમ્પ પર ભયંકર આતંકવાદી હુમલો થયો અને પછી ભારતે લગભગ એકાદ  મહિના બાદ સર્જીકલ સ્ટ્રાઈક કરીને પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીરમાં આતંકવાદી કેમ્પ ઉડાડી દીધા હતા. તે દિવસ છે અને આજની ઘડી છે પાકિસ્તાન સાથે DGMO સ્તરથી આગળ વાત વધી નથી. હા વચ્ચે વચ્ચે ક્યારેક બંને દેશોના સુરક્ષા સલાહકાર મળી લેતા હોય છે.

ટૂંકમાં ભારત સરકારનો સંકેત સ્પષ્ટ છે કે જ્યાં સુધી પાકિસ્તાન ભારતમાં આતંકવાદીઓને મોકલવાનું બંધ નહીં કરે ત્યાં સુધી વાતચીત કરવાનું શક્ય નથી. હવે આટલો સરળ સંકેત પાકિસ્તાનના નવા વડાપ્રધાન ઇમરાન ખાન કે પછી એમના વિદેશમંત્રી શાહ મહેમૂદ કુરેશી ન સમજે એટલા તેઓ ભોળા તો નથી જ. બલકે અગાઉના પાકિસ્તાની શાસકોની જેમજ તેમણે પોતાની નવી સરકારના પહેલા દિવસે ભારતને એક ખોટા બયાન દ્વારા ભેરવવાની કોશિશ કરી  હતી.

ઉપર ચર્ચા કરી તેમ ભારતની હાલની સરકારની પાકિસ્તાન નીતિ આટલી બધી સ્પષ્ટ હોવા છતાં ઇમરાન અને કુરેશીએ જાણીજોઈને ખોટી બયાનબાજી કરી અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભ્રમ ફેલાવવાની કોશિશ કરી છે કે ભારત નવી પાકિસ્તાની સરકાર સાથે ચર્ચા કરવા તૈયાર છે. જો કોઈને મોદી સરકારની પાકિસ્તાન નીતિ વિષે બે ટકા પણ જ્ઞાન હોય તો તેને ખ્યાલ હશે જ કે ભારત સરકારને ખબર છે કે વડાપ્રધાન ઇમરાન ખાન હોય કે અન્ય કોઈ પાકિસ્તાનમાં સરકાર તો લશ્કર જ ચલાવે છે.

પાકિસ્તાનનું લશ્કર અને ISI આતંકીઓ સાથે મળીને કાશ્મીરમાં આતંકવાદ ફેલાવી રહ્યા છે, આથી લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકાર સાથે ચર્ચાનું નાટક કરીને કોઈ ફેર પડવાનો નથી. પાકિસ્તાનમાં લશ્કરને ખુદ સરકાર ચલાવવા કરતા આ રીતે કઠપૂતળી સરકાર ચલાવવામાં કદાચ વધારે મજા આવે છે, જે રીતે એક જમાનામાં આપણા ડાબેરી બંધુઓએ મનમોહન સિંગ સરકારને બહારથી ટેકો આપીને નચાવે રાખી હતી.

ભારત સરકાર એલર્ટ રહી અને કુરેશીના બયાનની મિનિટોમાં જ એ બયાનને રદિયો આપી દેવામાં આવ્યો અને આથીજ પાકિસ્તાન સરકારે પણ છેક સાંજે કહેવું પડ્યું કે શાહ મહેમૂદ કુરેશીના બયાનના મીસક્વોટ કરવામાં આવ્યું છે!! કહેતા ભી દીવાના ઔર સુનતા ભી દીવાના?

પાકિસ્તાનમાં ઇમરાન ખાન લશ્કરના આશિર્વાદથી જ સત્તા પર આવ્યા છે એ હકીકત લાહોર, કરાંચી કે પછી ઇસ્લામાબાદનું બે વર્ષનું બાળક પણ જાણે છે, આથી કુરેશી દ્વારા પાકિસ્તાની લશ્કરે ફક્ત પાસો ફેંકી જોયો છે કે નવી સરકાર, નવા વાતાવરણના બહાના હેઠળ શું ભારત કાયમની જેમ ઈમોશનલ થઈને વાતચીત માટે તૈયાર થાય છે કે નહીં?

પરંતુ નરેન્દ્ર મોદી એ મનમોહન કે વાજપેયી નથી.

eછાપું

તમને ગમશે: આદરણીય રાહુલ ગાંધી તમને આવા આઈડીયાઝ કોણ આપે છે?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here