ઈદ અને સલમાન ખાનની ફિલ્મને એટલો સંબંધ છે જેટલો મોદીસાહેબ અને ‘મિત્રો’ શબ્દ વચ્ચે છે. ઈદના પવિત્ર દિવસે જ સલમાનની નવી ફિલ્મના પડદા ઊંચકાય. જ્યારે મોદીસાહેબના દરેક ભાષણ મિત્રો શબ્દથી શરું થાય. સલમાનને ઈદના પાવન દિવસ કરતા તેની ફિલ્મના વકરામાં વધું રસ હશે, જ્યારે મોદીસાહેબને મિત્રો શબ્દ કરતા તે શબ્દ બોલ્યાં પછી શ્રોતામાંથી કેટલા મંત્રમુગ્ધ થયા તે જાણવામાં રસ હશે!
સલમાન પોતાની ઈદને દિવસે રજુ થયેલી ફિલ્મના કેવા રિવ્યુ આવે છે તેની તપાસ કરવામાં જ વ્યસ્ત હશે! આ કારણે ઈદ સાચા હૃદયે માનવતો હશે એ મારો ખુદા જાણે! બીજી બાજુ મોદી સાહેબ ભલે મિત્રો મિત્રો બોલતાં હોય તેની નિજી જિંદગીમાં કેટલા મિત્રો છે એ મારો રામ જાણે!
વેલ, સલમાન ખાનની મોકાણમાં મોદીસાહેબની પિદુડી કાઢી નાખી તે બદલ ભક્તોની હું દંડવત ક્ષમા માંગુ છું. અરે હા ભક્તોથી યાદ આવ્યું સલમાનને ‘ભાઈ’ ના માન વાચક શબ્દથી બોલાવાય છે, જેવી રીતે ભક્તો શ્રીઅમિત શાહને મોટા ભાઈ કહી નવાજે છે એમ જ! હે સલ્લુભાઈના ચાહકો, આ ભાઈ કહેવાની લ્હાયમાં સલમાનના લગ્ન હજુ સુધી થયાં નથી. કારણ કે બધી ચકુડીયું તેને બેન ના માનતી હોય?

મુદાની વાત કહું તો આ વખતે સલમાનની ફિલ્મ ઈદ પર રજૂ થવાની નથી. ભાઈના ચાહકો નિરાશ થશે. ભાઈના ફેનની દીવાલો પર ટીંગાતી ભાઈની તસ્વીર, ગરીબ રથ ટ્રેનના થર્ડ ક્લાસ ડબ્બામાં હાથોની નજાકતથી પથ્થરા વગાડી, ગાતા ગાતા ભીખ માંગતા અંધ ભિક્ષુકો જેવી ગરીબડી થશે. ભાઈના ફેન્સના મોબાઇલની રિંગટોન અને કોલર ટ્યુનમાં ભાઈનું ગળું ભરાઈ આવશે, ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોવા થનગનતા ભાઈના ચાહકો ના છૂટકે શ્રાવણનો ઉપવાસ કરશે અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોશે!
ફુલમ ફાસ્ટ અંગ્રેજી જાણતા લોકો અંગ્રેજી ફિલ્મમાં સબ ટાઈટલને અવગણે તેવી રીતે જ સલમાનના ચાહકો ભાઈની ફિલ્મમાં સ્ટોરીને અવગણે. સલમાનને અને સ્ટોરીને બારમો ચંદ્રમા, ચાહકોને તો સલમાનને જ રૂપેરી પરદે જોવો હોય. વગર સ્ક્રીપ્ટ, વગર ટેલેન્ટ માત્ર બોડી અને ચહેરાથી જ હીટ થતો કોઈ હીરો આ ધરતી પર પાક્યો હોય તો તે સલમાન જ હશે! દર્શકોની નાડ પારખું દિગ્દર્શક ભાઈની એન્ટ્રી જ એવી રીતે બતાવે કે ભાઈના ચાહકોના પચાસેક કરોડ રૂંવાડા ઉભા થઈ જાય. સિટીઓ, કોલાહલથી સિનેમા હોલ એવો ગૂંજી ઉઠે કે સિનેમાની બહાર રહેલી KTS (ખેતલા બાપા ટી સ્ટોર)માં ચાની ચૂસકી મારતાં લોકોને ય ખબર પડી જાય કે ભાઈ આ ગયા….અબ ગુંડો કી ખેર નહીં.
ભગવાન શ્રીરામ અને સલમાનમાં એક સામ્યતા છે બંને એ હરણ માર્યું પછી તેની જિંદગીમાં ભૂકંપ આવ્યા! હરણ થકી પ્રભુ શ્રીરામથી સીતા અને સલમાનથી એશ્વર્યા વિખૂટી પડી. સારું છે ચિંકારા હરણના શિકારની લત ભાઈના ચાહકોને લાગી નથી, નહી તો હરણોનું આ દેશમાંથી નામું નંખાઈ જાત! આપણા છોકરાઓને ડિસ્કવરી ચેનલ સિવાય હરણો જોવા ન મળત. કેટલાક તો ભગવાનમાં માનતા ન હોવા છતાં સલમાનને જેલમાંથી છૂટવા માટે બાકાયદા માનતા કરતાં! સલમાને હિટ એન્ડ રન કેસમાં ઉપયોગ લેવાયેલી ભાંગેલી XUVની જાહેર હરાજી કરી હોત તો સલમાનનો આ કેસ પાછળનો ખર્ચો, ડ્રાઈવરને ખોટી ગવાહી આપવા માટે આપેલી માતબર રકમ તેમજ બીજા પરચુરણ ખર્ચા જેટલી કિંમત તેમના ચાહકો ઉપજાવત!
લાગતું વળગતું: Race 3 નો સટીક રિવ્યુ: ભાઈ તો ભાઈ છે મજાક થોડી છે? |
મારો પુત્ર પરમ સલમાનનો અઠંગ ભક્ત છે, ટીવીમાં સલમાનની ફિલ્મો જ જોયા રાખે. પત્ની ઘણી વખત બરાડે કે, “વાંચ..વાંચ, પરીક્ષામાં કાય સલમાન નહીં આવે.”
એનો જવાબ આપતા હું ધ્રુજતા શ્વરે કહું: “ફૂટપાથ પર કટાણે પુગે એ પરીક્ષામાં આવે ય ખરો”
મારો વ્યંગ નહી સમજતી અબળા નારીઓ જ સલમાનની ફેન છે! (મારી પત્નીને પણ અબળા ગણવી)
સલમાને પોતાની લોકપ્રિયતાને હકારાત્મક રીતે લેવાની જરૂર છે. ઝાડું પકડી સ્વચ્છતા અભિયાનનો રોજ પ્રચાર કરે તો આ દેશના રોડ, રસ્તા, ગઢના કાંગરાથી લઈ દરેક બારી-બારણાંના નકુચે નકુચા ચોખ્ખા ફૂલ જેવાં થઈ ગયા હોત એવુ એનું ફેન ફોલોવિંગ છે! પણ તે છાશવારે મીડિયા સામે ભાંગરો વાટતો જોવા મળે છે. એમના પિતાશ્રી સલીમ ખાને અસંખ્ય વખત જાહેરમાં પોતાના દીકરાની અવળચંડાઈની માફી માંગી છે!
પુત્ર તરીકે શ્રવણને શ્રેષ્ઠ ગણવામાં આવતો હોય તો પિતા તરીકે સલીમ ખાનને વિશ્વના બેસ્ટ પાપા કહેવામાં જરાકેય અતિશયોક્તિ નથી. જો સલમાન ખાન એવું કહે કે અમેં ત્રણેય ભાઈઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વેલ સેટ છીએ, તેનો ભાવાર્થ એવો કરવો જોઈએ કે વિખ્યાત, લોકપ્રિય ફિલ્મ કથા લેખક શ્રી સલીમ ખાનને ત્રણ જ પુત્રો છે! (થોડું અઘરું લખ્યું પણ તમે સમજી જશો)
કોઈનું ચાહક હોવું એ હરગીજ ગુન્હો નથી. ગોડસેના ચાહકો છે, હિટલર અને મુસોલીનીના ય ચાહક છે જ. પણ સલમાનના ચાહકો થોડાં વધું પડતાં પાગલ છે. કદાચ સલમાન ત્રણ કલાક આંખો બંધ કરી પલાંઠી મારી સમાધિમાં બેઠો હોય એનો વિડિઓ ઉતારી ફિલ્મ તરીકે ખપાવી, રિલીઝ કરી દેવામાં આવે તો ય એ ફિલ્મ સો કરોડની કમાણી કરી લે! આવી જેપી (જડથી પ્રજા) નો એક અનોખો વર્ગ સલમાનનો ચાહક છે.
શ્રાવણ મહિનો ચાલું છે, ગુજરાતમાં જુગારની સિઝન આવી. ધારોકે સલમાન તેના ગુજરાતી ચાહકો સાથે પત્તે રમતો હોય તો ભાઈના ફેન્સ ભાઈને રમતો નીરખી કેવાં વિધાનો બોલે. જુઓ એક ઝલક…
– વાહ! શું ઝભ્ભો લેંઘો છે ભાઈનો, આવા કપડાં પહેરીને જ જુગાર રમાય, ખુલ્લું ખુલ્લું લાગે. પર્સ, પૈસા સાચવવામાં પણ મજા આવે! ભાઈના કપડાંની ચોઈસને કોઈ ના પહોંચે.
-ગોગલ્સ પહેરીને જ જુગાર રમાય, ભાઈની સ્ટાઈલ મસ્ત છે હો.
– ભાઈ બંધમાં રમે જ નહીં, આવી રીતે જ રમાય. જોઈને જ ચાલ ચલાય. આટલા કાવડિયા હોવા છતાં કેવી કરકસરતા ભાઈની!
– ભાઈ મસ્ત સ્ટાઈલથી ડબ્બાના દસ રૂપિયા ફિલ્ડમાં ફેંકે છે હો.
– ભાઈની પત્તા જોવાની સ્ટાઈલ તો જો! બેય હાથના ગોટલા ફૂલી જાય એવા પત્તાને ખેંચે છે. જીઓ ભાઈજાન.
– સલ્લુ…ચાલ એ રીતે ચાલે કે સાલ્લી ખબર જ ન પડે કે દો તીન પાંચમાં ચાલ્યો કે ટ્રાયો લઈ ને. આવા જ ફેસ પર સપાટ એક્સપ્રેશન હોવા જોઈએ ભીડું.
– બોસ પત્તામાં કાતર મારવાની સ્ટાઈલ તો ભાઈ ની જ હો
– પત્તા બાટવામાં સલ્લુનો જવાબ નથી! એવાં પત્તા ફેંકે કે આપણે લંબાવું જ ન પડે, આપણી પાસે જ બાજી પહોંચી જાય. પાછું બાટતી વખતે ક્યારેક કોઈ પત્તુ ચતું ન પડે, કોઈને દેખાય ય નહી બોલો.
– ભાઈ, બાજીમાં હારે તો ય હસતો જ હોય, કેવી નિખાલસતા!
-પોતાની બાજીમાં કશું ના આવે તો બીજાની બાજી ય જાણે પોતાની છે એવા ડેડીકેશનથી રમે… ભાઈને કોઈ મોટાઈ નહીં. આવું જ હોવું જોઈએ.
–મારી પાસેથી ભાઈએ ઊછીના પૈસા માગ્યા! બોસ મારા જેવો લકી દુનિયામાં કોઈ નથી.
–હું ભાઈ સાથે ચતો પડી ગયો, હવે આપણી ભાયબંધી ભાઈ સાથે પાક્કી બોસ
– ભાઈ ચાર પાંચ કલાકથી એમનમ બેઠાં છતાં હલતા નથી, થાકતા નથી. જબરી સ્ટેમીના ભાઈની.
– જગ્યા ચેન્જ કરવાનું ય ભાઈ કહેતાં નથી, ખાંભી ખોળીએ તો ય ગુસ્સો કરતા નથી…ગુડ લકમાં ય માનતા નથી. આવું હોવું જોઈએ, નો અંધશ્રદ્ધા, સમજ્યા?
– કરોડપતિ અને આવડો મોટો માણસ છતાં દસનો ડબ્બો આપણી સાથે રમે! ખરેખર ભગવાનનો માણહ હો. એટલે જ આપણે ભાઈ પર ફિદા છીએ.
– ભાઈ શંકરદાદાનો પ્રસાદ પણ ભાવથી આરોગે! કેવી ધર્મનિરપેક્ષતા ભાઈની! ભગવાન ભાઈને સો વર્ષના કરે.
– શેરમપટ્ટી, અંચાઈ કરે જ નહીં.. સ્પોર્ટ્સમેન સ્પિરિટ તો ભાઈની જ બોસ, માની ગયા.
કોક અપલખણો એવું ય કહે કે ભાઈ સાથે રમવામાં એક વાતનું સુખ, પોલીસ પકડી જાય તો એના અનુભવે આપણે તરત છૂટી જાય!
આવા નમૂના એક શોધો ને હજાર મળે ..
અંતે ભાઈ ને એક સલાહ કે તમારી બાયોગ્રાફી બનાવો, પાકિસ્તાનની GDPને ય ટપી જાય એટલી કમાણી થશે. ખોટી વાત છે મારી?
કોઈ સલમાનનો પ્રસંશક શર્ટની બાયું ચડાવી “મિત્રોઓઓ, આજ કુછ તૂફાની કરતે હૈ” એમ કહી મને મારવા લે એ પહેલાં હું પાટી દફતર પેક કરી દઉં છું.
eછાપું
તમને ગમશે: થાનોસની સફરમાં પડ્યું છે Pun ક્ચર! કોઈ છે સાંધવાવાળું?
સલમાન ના ફેન ની જબરી કોમેડી કરી
આપણા પ્રિય રમતને આવરી લઈને! 😉
Agree with u…….salman is very potential actor bt bollywood is nt interested in using his acting talent , r only intersted in his stardome to make money.
હમમમ… એવું હોઈ શકે