સિદ્ધુ અને વડાપ્રધાન મોદી પાકિસ્તાન જાય એ બન્ને ઘટનામાં ફેર ખરો કે નહીં?

0
309
Photo Courtesy: newsmobile.in

આટઆટલા યુદ્ધો આટઆટલા આતંકવાદી હુમલાઓ છતાં આપણા નેતાઓ અને બુદ્ધિજીવીઓમાં પાકિસ્તાન સાથેના સંબંધો જાળવી રાખવાની જાણેકે અચલ ચળ ઉપડતી રહેતી હોય છે. આ પ્રકારના કિસ્સાઓમાં નવા પાત્ર તરીકે જોડાઈ ગયા છે પંજાબના મંત્રી નવજોત સિંગ સિદ્ધુ. સિદ્ધુ માત્ર કોંગ્રેસી નેતા જ નથી પરંતુ પંજાબની જનતા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિ પણ છે અને પંજાબ એ અન્ય રાજ્યોની જેમજ ભારતનું અભિન્ન અંગ છે.

Photo Courtesy: newsmobile.in

બલકે પંજાબના શીખ સમુદાયે ભારતીય સેનાની જેટલી સેવા કરી હશે તેટલી સેવા અત્યારસુધી ભાગ્યેજ કોઈ ભારતીય સમાજે કરી હશે. આ જ પંજાબે ગઈ સદીમાં પંજાબે જે પાકિસ્તાન દ્વારા શરુ કરવામાં આવેલા આતંકવાદનો સામનો કર્યો હતો એ જ પાકિસ્તાનના લશ્કરી વડાને જ્યારે પંજાબના મંત્રી નવજોત સિદ્ધુ ગળે વળગાડે ત્યારે આશ્ચર્ય ન થાય, ત્યારે ગુસ્સો આવે.

શરૂઆતમાં પોતાના શપથવિધિ સમારોહમાં મનોનીત વડાપ્રધાન ઇમરાન ખાને સુનિલ ગાવસ્કર, કપિલ દેવ અને નવજોત સિદ્ધુને આમંત્રણ આપ્યું હોવાની વાત થઇ હતી. ગાવસ્કરે પોતે ઇંગ્લેન્ડમાં કોમેન્ટ્રી આપવામાં બીઝી હોવા છતાં જો ભારત સરકાર મંજૂરી આપશે તો સમય કાઢીને તે ઇસ્લામાબાદ જવા તૈયાર છે એમ કહ્યું હતું. બાદમાં ગાવસ્કરે ન જવાનું સ્પષ્ટ સ્ટેન્ડ લીધું. કપિલ દેવનું શું થયું એ ખાસ ધ્યાનમાં નથી આવ્યું પરંતુ નવજોત સિદ્ધુ તો જાણે પહેલેથી જ બેગાની શાદી મેં અબ્દુલ્લા દિવાનાની જેમજ કુદી રહ્યા હતા.

વચ્ચે તો એવા સમાચાર પણ આવ્યા કે સિદ્ધુને તો આમંત્રણ આપવામાં જ નહોતું આવ્યું પરંતુ તેમ છતાં તેઓ ઈમરાનની શપથવિધિમાં જવા માટે આશ્વસ્ત હતા. જે હોય તે પણ સિદ્ધુને બાદમાં આમંત્રણ મળ્યું અને તેઓ એવા સમયે પાકિસ્તાન ગયા જ્યારે સમગ્ર દેશ અને એક જમાનામાં જેમને તેઓ પિતાતુલ્ય અને પોતાના માર્ગદર્શક ગણાવી ચુક્યા હતા તેવા ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની પાટનગરમાં અંત્યેષ્ઠી ચાલી રહી હતી.

લાગતું વળગતું: મોદી મેજીક?- કેપ્ટન અમરિંદર સિંઘ ને આખરે કેનેડાના વડાપ્રધાન ટ્રૂડો મળશે

ચાલો પાર્ટી છોડી દીધી એટલે પિતાતુલ્ય અને માર્ગદર્શક સમાન વ્યક્તિને કોઈ ભૂલી જાય એ સમજી શકાય તેમ છે, પરંતુ ઇસ્લામાબાદમાં જઈને પણ સિદ્ધુ બેપરવાહ બન્યા. પહેલા તો તેમને પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીરના વડાપ્રધાનની બાજુની સીટ પર બેસાડવામાં આવ્યા. સિદ્ધુ ભલે પોતાના મશ્કરીભર્યા સ્વભાવ માટે જાણીતા હોય પરંતુ તેઓ એટલા મુર્ખ તો નથી જ કે તેમને પાકિસ્તાનના કબ્જા  હેઠળના કાશ્મીરના વડાપ્રધાન કોણ છે તેનો ખ્યાલ ન હોય.

જુદાજુદા કાર્યક્રમોમાં પોતાની દેશભક્તિથી ભરપૂર શેરો-શાયરીઓ પર તાલી ઠોકવા માટે કહેતા સિદ્ધુની દેશભક્તિ ઈમરાનની મહેમાનગતી માણવામાં જાણેકે સાવ સુકાઈ ગઈ હતી અને તેઓ બેજીજક POKના કહેવાતા વડાપ્રધાનની બાજુમાં બેઠા જેને ભારતીય સંસદે વારંવાર ભારતનો અંતરંગ હિસ્સો ગણાવ્યો છે.

ચાલો આ બાબતે પણ સિદ્ધુને બેનિફિટ ઓફ ડાઉટ આપી દઈએ, પરંતુ હદ તો ત્યારે થઇ જ્યારે તેમણે પાકિસ્તાનના લશ્કરી વડા બાજવાને બાથમાં લીધા. આ એજ બાજવા છે જેમના સીધા નિર્દેશ હેઠળ પાકિસ્તાન જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓની સપ્લાય કરે છે. આ હકીકત જગજાહેર છે પરંતુ તેમ છતાં પાકિસ્તાન પહોંચીને અત્યંત ઉત્સાહમાં આવી જઈને હરખપદુડા થઇ ગયેલા સિદ્ધુ બાજવાને ભેટી પડ્યા!

હવે આવી હરકત કરે એટલે ભારતમાં એની ટીકા તો થાય જ અને જો ટીકા થાય તો તેનો જવાબ પણ આપવો પડે. સિદ્ધુ પણ ટીકાનો ભોગ બન્યા પરંતુ તેમણે જે જવાબ આપ્યો તે અત્યંત હાસ્યાસ્પદ બની રહ્યો. સિદ્ધુએ આશા અનુસાર જ કહ્યું કે જો વાજપેયી અને મોદી પાકિસ્તાન જઈ શકતા હોય તો તેઓ કેમ નહીં? તો એનો જવાબ એ છે કે વાજપેયી વિદેશમંત્રી અને વડાપ્રધાનની હેસિયતથી પાકિસ્તાન ગયા હતા અને મોદી પણ અચાનક જ જ્યારે પાકિસ્તાન જઈ ચડ્યા હતા ત્યારે તેઓ ભારતના વડાપ્રધાન જ હતા.

સિદ્ધુ ન તો ભારતના વડાપ્રધાન છે કે ન તો રાષ્ટ્રપતિ, તેઓ એક રાજ્યના વિધાનસભ્ય અથવાતો મંત્રી જ છે. સિદ્ધુએ ઇસ્લામાબાદ જતા અગાઉ કદાચ ભારત સરકારની મંજુરી લીધી જ હશે પરંતુ અત્યારે પાકિસ્તાન વિરુદ્ધ દેશમાં જ્યારે જનમત એટલો મજબૂત છે ત્યારે તેઓએ ત્યાં જવાથી દૂર રહેવા જેવું હતું. વળી વડાપ્રધાન પોતાના હોદ્દાની રૂ એ પાકિસ્તાન સહીત કોઇપણ દેશની મુલાકાત લેતા હોય છે કારણકે તેમની સાથે થયેલી વાતચીત અધિકારીક ગણાતી હોય છે અને તે અંગે લેવાયેલા નિર્ણયો બાબતે તેઓ પ્રજાને સીધા જ જવાબદાર હોય છે.

વાજપેયી અને મોદી બંનેએ પાકિસ્તાન મુલાકાત દ્વારા પાકિસ્તાની સરકારને તક આપી હતી કે તે ભારત સાથે સંબંધ સુધારે અને આંતકવાદને પોષવાનું બંધ કરે. પોતાના હોદ્દાને લીધે તેમની વાતનું વજન પણ પડે અને જો તેમાં નિષ્ફળ જાય, જેમ વાજપેયીની લાહોર યાત્રા બાદ કારગીલ થયું અને મોદીની ઇસ્લામાબાદ યાત્રા બાદ ઉરી થયું તો તેમના પગલા માટે તેમણે પ્રજાને જવાબ આપવો પડ્યો હતો, જ્યારે સિદ્ધુની મુલાકાતનો પણ કોઈ મતલબ ન હતો અને હવે પાકિસ્તાન કાશ્મીરમાં કોઈ નવાજુની કરે તો તે અંગે પણ સિદ્ધુ કોઇપણ રીતે જવાબદાર ન ગણાય, આથી તેમની અને વડાપ્રધાનપદે રહેલા મોદીની સરખામણી જ અસ્થાને છે.

પોતાના બચાવમાં વળી સિદ્ધુએ એમ કહ્યું કે તેમણે બાજવાને ભેટતા સમયે તેમના કાનમાં વર્ષોથી પાકિસ્તાન જતી શીખોની કોઈ ખાસ ધાર્મિક યાત્રા જે બંધ કરી દેવામાં આવી છે તેને ફરીથી શરુ કરવાની વિનંતી કરી હતી. આ બચાવ પણ નબળો જ છે કારણકે પાકિસ્તાની લશ્કરી વડો કોઈ દેશના એક પ્રાંતના મંત્રીની વાત શા માટે માને? એક એવો મંત્રી જેને પોતાની સરકારનો (પોતાની એટલે દેશની સરકારનો) વાતચીત કરવાનો કોઈ મેન્ડેટ નથી એની સાથે કોઈ અધિકારીક ચર્ચા કેમ કરે?

બીજું, નવજોત સિદ્ધુના ખુદના મુખ્યમંત્રી અમરીન્દર સિંગે સિદ્ધુ ઇસ્લામાબાદ ગયા તેની ટીકા કરી છે. હવે જ્યારે ખુદના મુખ્યમંત્રીએ તેમને જવાની મંજુરી નહોતી આપી એવા સમયે સિદ્ધુ કઈ હેસિયતથી બાજવાને કોઇપણ પ્રકારની વિનંતી કરી શકે?

બહેતર એ રહેત કે સિદ્ધુ પોતે ઇમરાન ખાનની દોસ્તી નિભાવવા અંગત મુલાકાતે ઇસ્લામાબાદ જઈ રહ્યા છે એવું પહેલેથી બોલ્યા હોત તો આ વિવાદ ઉભો ન જ થયો હોત. પરંતુ સિદ્ધુએ શાંતિદૂત બનવાનો અભરખો બતાવ્યો અને આથીજ તેઓ દેશવાસીઓની યોગ્ય ટીકાઓનો જ ભોગ બન્યા છે.

eછાપું

તમને ગમશે: રમજાનમાં અધિક માસ એટલે મહિનાઓનો સેક્યુલર સમન્વય

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here