“મમ્મી.. ભાઈ મને હેરાન કરે છે…”, “મમ્મી.. આને કહેને… મારા ફ્રેન્ડ્સ સાથે હું બહાર જાઉં છું તો મારી સાથે આવવાની જીદ પકડીને બેઠી છે…”, “પપ્પા.. તમે ભાઈને રાત્રે બહાર જવા દ્યો છો.. મને નહીં..” વગેરે જેવા એક્દમ સામાન્ય લાગતા વાક્યોની પાછળના સંજોગો યાદ કરીએ એટલે એક આછું સ્મિત મોઢા પર આવે. ખાસ કરીને, લગ્ન થઈ ગયા હોય તેવાં ભાઈઓ અને બહેનો માટે રક્ષાબંધન એક મીઠું સંભારણું છે.

ભાઈ સાથેના નાનપણનાં સંબંધો દર વર્ષે રક્ષાબંધન આવતાં જ તાજા થઈ જાય. મોટો ભાઈ હોય તો તેની નાની બહેન પ્રત્યેની જવાબદારી અલગ હોય. પણ નાનો ભાઈ હોય તો પણ બહેન સાથે તેના સંબંધોમાં જવાબદારી જોવા મળે જ. સાથે મોટાં થતાં થતાં, ઘણી વાર એકબીજાથી વિપરીત પણ મોટે ભાગે એકબીજાનાં પર્યાય બનતાં ભાઈ – બહેનો માટે રક્ષાબંધન એક ખાસ પર્વ છે.
શ્રાવણની પૂનમ કે જે નાળિયેરી પૂનમ પણ કહેવાય છે, ત્યારે આવતા આ ફેસ્ટિવલની સાથે ક્રિએટિવ રાખડીઓ, મીઠાઈઓ અને ભેટ – સોગાદો જોડાયેલા છે. રક્ષા બાંધીને પોતાની મનગમતી ગિફ્ટ લેતી બહેનો, ભાઈ પાસે પોતાનો અધિકાર વ્યકત કરી શકે છે. ભાઈ પણ પોતાની બહેનને એ દિવસે યથાશક્તિ ભેટ આપી, તેમનો દિવસ યાદગાર બનાવે છે. રક્ષાબંધન કેમ ઉજવાય છે અને તેનું મહત્વ તો લગભગ બધાને ખબર જ હોય છે. એટલે એનાં વિશે વાત ન કરતાં, તેની સાથે સંકળાયેલા સંબંધ વિશે વાત કરવી યોગ્ય છે.
લાગતું વળગતું: આપણા દીકરા શું દીકરીઓથી કમ છે? – ચાલો નવી દ્રષ્ટિ કેળવીએ |
બાળપણમાં પોતાનાથી ભાઈ મોટો હોય કે નાનો, બહેનને સતત પ્રોટેક્ટ કરતો તેનો વીર જ્યારે કિશોરાવસ્થામાં પ્રવેશે છે ત્યારે તેની સાથે સાથે તેની જવાબદારીઓ પણ વધે છે. ભાઈ પોતાની બહેનને તકલીફમાં ક્યારેય જોઈ શકતો નથી, એ મોટા ભાગના કિસ્સાઓમાં સાચું ઠર્યું છે. પણ એવી બહેનો પણ છે કે જેઓ રાખડી બાંધવા સુધી સંબંધ સીમિત રાખે છે. અથવા તો એવા ભાઈઓ છે કે જેઓ બહેનોને માત્ર રક્ષાબંધન આવે ત્યારે જ યાદ કરે છે. પોતાના ભાઈનું તેડું આવે તેની રાહ જોતી બહેન પણ અસ્તિત્વમાં છે. ખાસ કરીને સાસરે રહેતી બહેન.
રક્ષા માટે આમ જુઓ તો રાખડી બાંધવાની પણ જરૂર નથી. ભાઈ અને બહેન વચ્ચેનો પ્રેમ તથા લાગણી જ બંનેની રક્ષા કરવા માટે પૂરતા છે. પણ ઘણાં સંબંધો ફક્ત એક દિવસ પૂરતા જોવા મળે છે. સોશિયલ પ્રોબ્લેમ્સમાં આ એક મોટો ઇસ્યુ છે. “ભાઈ બોલાવે તો જઈએ” ની પ્રકૃતિ વિકાસ પામી રહી છે. પરંતુ બીજી તરફ ભાઈ સાથે એક ઘરમાં વર્ષો સુધી સમય ગાળ્યા બાદ, તેનાં એક તેડાં માટે તરસતી બહેન પણ છે આ સમાજમાં. અને સાસરે ફરજ બજાવતા બજાવતા, તેનાં પોતાના ભાઈને ઓછો સમય આપી શકતી બહેનો પણ છે આ સમાજમાં.
પરંતુ, દિવસનું મહત્વ સમજીને ભાઈને મળવા માટે તત્પર, એવી બહેનને ક્યારેય રોકવી નહીં. બીજી તરફ, આખું વર્ષ જવાબદારી ઉપાડતાં અને પોતાનાં ફેમિલીને વધારે સમય આપતા ભાઈને રક્ષાબંધને અચૂક બહેન સાથે સાંકળવા માટે પ્રયત્ન કરવામાં જરા પણ વિચારવું નહીં. કદાચ દિવસો સુધી ફોન પર વાત ન કરી શકતાં હોય, પણ એ જ ભાઈ – બહેન જ્યારે રૂબરૂ મળે, ત્યારે તેમને કોઈ જ રંજ હોતો નથી.
સામાજિક જવાબદારીઓ ભાઈને ઘેરે છે, તો કૌટુંબિક ફરજ બહેનને. ફ્રેન્ડશીપ ડે પર જેમ બધાં જ મિત્રો સમય કાઢીને બહાર નીકળી પડે છે, તેમ રક્ષાબંધને ભાઈ – બહેન પણ તેમનાં બાળપણની યાદો તાજી કરી જ શકે છે. લોહીના એ સંબંધને જીવંત રાખવા માટે પ્રયત્નો થાય તેટલા ઓછા. એમાં ક્યારેય કોઈએ અડચણરૂપ બનવું નહીં. વર્ષે એક વખત આવતા આ તહેવારને વધાવીએ અને તેનું મહત્વ આપણા બાળકોને પણ જણાવીએ. આપણાં તહેવારો આપણી સંસ્કૃતિનાં પ્રતિબંબ સમાન છે. દેખાવ અને પહેવેશથી ભલે મોર્ડન રહીએ, પણ હ્રદયની લાગણીઓ હંમેશા પારંપરિક રાખીએ તો સંબંધમાં મીઠાશ બની રહેશે.
અસ્તુ!!
eછાપું
તમને ગમશે: ફૂટબોલ સ્ટોરીઝ: યાદ આવી ગયું એક યાદગાર વર્લ્ડકપ સેલિબ્રેશન