Digital Health એટલે આજના મોડર્ન જમાનાનું ઇન્ટરનેટીયું ડોશીમાનું વૈદું…

7
521
Photo Courtesy: yourstory.com

ત્રણેક દિવસની વાત છે એક જુના પેશન્ટનો કોલ આવ્યો કે બે-ત્રણ વાર બી.પી માપ્યું સાહેબ 148-96 ની આજુબાજુ જ આવે છે શું દવા લેવી? એની મેડીકલ હિસ્ટ્રી નજર સામે હોઈ હું દવા સજેસ્ટ કરવાનું વિચારતો હતો ત્યાંજ લાઈટ થઇ કે આનું બી.પી આટલું તો ન જ હોઈ શકે.. મેં પૂછ્યું કયા મશીન થી માપ્યું? કયા ડોક્ટર ને બતાવ્યું? મને ક્યે: મોબાઈલ માં અંગુઠો મૂકી માપીએ એ…જે શી ક્રષ્ણ…હું આખી વાત સમજી ગયો કે ઓત્તારીની આ તો Digital Health!

Photo Courtesy: yourstory.com

ચાલો સમજીએ શું છે આ Digital Health?

3 એપ્રિલ,1973 માં પહેલો વહેલો સેલ્યુલર ફોનકોલ કરવામાં આવ્યો હતો ત્યારથી માંડીને 21મી સદીના સ્માર્ટ ફોન સુધી અનેક બદલાવ આવી ગયા છે. મોબાઈલ હેલ્થ, ઈ હેલ્થ કે ટેલીમેડીસીનના નામથી 2018માં Digital Health જેવો એક નવો જ યુગ શરુ થઇ ગયો છે. જ્યારે મોબાઈલ, ટેબ્લેટ્સ, ડીજીટલ વોચ, ડીજીટલ ચશ્માં વગેરે જેવા ગેજેટ્સથી રોગોનું નિદાન, સારવાર, પરેજી અને વખતોવખત ડોઝમાં બદલાવ સૂચવવામાં આવે ત્યારે એને ડીજીટલ હેલ્થથી ઓળખવામાં આવે છે. કન્સલ્ટીંગથી બચવા દેશમાં આવી લેભાગુ Digital Health એપ્સની ભરમાર છે.

જ્યારે આરોગ્ય પૂરું પાડતા સ્ટ્રક્ચર અને દર્દી વચ્ચે લાંબુ અંતર હોય અને આવી એપ્સ ખરેખર કોઈ ફીજીશીયનની દેખરેખ હેઠળ દર્દી વાપરતો હોય તો આ એક આશીર્વાદ છે. પણ જાતે કરવાના નુસખામાં Digital Health થી મોટું ઘાતક હથિયાર બીજું કોઈ જ નથી. આનું 97% માર્કેટ એન્ડ્રોઈડ અને IOS દ્વારા આરક્ષિત છે અને માત્ર હેલ્થ અને ફિટનેસની બેરોકટોક 3 થી 4 લાખ Digital Health એપ્સ છે. જેમાં શરદીથી લઇ કેન્સર સુધીના નિદાનો, દવાના ડોઝ આવી જાય છે. આમતો સહેલી લાગતી આ એપ્સ જ્યારે કોઈને ઇન્સ્યુલીનનો ડોઝ સેટ કરી આપે અને જ્યારે કોઈના પેસમેકરને રીપ્રોગ્રામ કરી આપે ત્યારે દર્દીને તેની ઘાતકતા ખ્યાલ આવે છે. Digital Health એપ્સના ફાયદા ખુબ જ છે, સમય અને પૈસા નો બચાવ, રોગીને ઘણી બધી બાબતો યાદ નથી રાખવી પડતી વગેરે..વગેરે ખુબ જ ફાયદા છે પરંતુ આ લેખમાં Digital Health એપ્સની આડઅસરો ખાસ જણાવીશું કેમકે ફાયદા તો ગમેતેમ કરી આપ જાણીને ડાઉનલોડ સુધી પહોંચી જવાના જ છો…

દોડવા,ચાલવા, પગલા ગણવા, વાનગી દીઠ કેલેરી માપવા, અરે! હાર્ટએટેક અને કેન્સર નિદાન કરવાની પણ એપ્લીકેશન મોબાઈલમાં મૌજુદ છે. એક્સ રે પડે, તાપમાન, બીપી, સુગર, ફેફસા-હદયની કાર્યપ્રણાલી, ઓક્સીજનનું શરીરમાં પ્રમાણ, લોહીના તત્વો બધું મોબાઈલમાં જ મપાઈ જાય તો પછી ઘરની બહાર નીકળવાની જરૂર જ નથી! બસ ઇસકો લગા ડાલા તો લાઈફ જીંગા લાલા…પણ આવી Digital Health એપ્લીકેશનું માં કેટલાય લાલા ધંધે લાગી ગયા હોવાના રીપોર્ટ છે. 4 હજારનો મોબાઈલ એક્સ રે પાડતો હોય તો 5-10 લાખ ના એક્સ રે મશીન રેડીયોલોજીસ્ટ શું કામ લાવતા હશે? કેન્સરને હાર્ટએટેકનું નિદાન કોઈ એપ દ્વારા થતું હોય, તો સ્પેશિયાલિસ્ટ શું લેવા આંખો ફોડી ભણતા હશે? ભલા લોહીને બહાર કાઢ્યા વગર કે રીપોર્ટ બનાવતા ઉપકરણને લોહીના સંપર્કમાં લાવ્યા વગર લોહીના ઘટકોનું પ્રમાણ કેવી રીતે જાણી શકાય?

લાગતું વળગતું: શિયાળામાં કરાવો તેલ માલીશ અને આજીનો મોટોથી દૂર રહો

ઘણી વાર આવી Digital Health એપ્સ અમુક સોફ્ટવેર શીખતા વિદ્યાર્થીઓ પ્રોજેકટના ભાગરૂપે બનાવી માર્કેટમાં છૂટી મૂકી દેતા હોય છે, આવી એપ્સમાં સમયાંતરે અપડેશન થતું હોતું નથી, રોગો અને શરીરની તાસીર મુજબ એમાં પ્રશ્નોનું પૃથ્થકરણ થયેલું હોતું નથી. ધારોકે એમાં પ્રશ્ન પૂછવાનો ક્રમ જ આડોઅવળો થઇ જાય અથવા સોફ્ટવેરની ખામીથી અમુક પ્રશ્નો જ ઉડી જાય તો ઘણી વાર હાસ્યાસ્પદ નિદાનો થતા હોય છે. મોટેભાગે ચોક્કસ ગણતરીપૂર્વક ડોઝ લેવો, સારવાર લેવી કે નિદાન કરવું એટલી બાબતોમાં આવી એપ્સનો સહારો ન જ લેવો જોઈએ.

મોટેભાગે 15-20% જ એપ્સ ચાર્જેબલ હોય છે જયારે મહ્દઅંશે મફત મળતી એપ્સ એમાં જાહેરાત મુકીને કમાય છે. કેટલીક Digital Health એપ્સ પાયલોટ પ્રોજેક્ટ્સ સિદ્ધ કરવા બનાવી હોય છે, તો કેટલીક ડેટા ભેગા કરવા બનાવાઈ હોય છે. દર્દીનો ખાનગી ડેટા, રીપોર્ટસ બારોબાર ચોરાઈ ચોક્કસ ડેટા બનતો હોય તોપણ ખ્યાલ આવતો નથી. જોર સે બોલો… જય માતાજી! ની જેમ આપણે ટર્મ્સ એન્ડ કન્ડીશન્સના ચોરસમાં ટીકમાર્ક કરી આગળ વધીએ છીએ પણ ક્યારેય પ્રોવાઇડર ખરેખર કોણ છે એના સર્ટીફીકેટ કયા છે, મોબાઈલ માટે સેફ છે કે નહીં વગેરે બારીકી તપાસતા જ નથી.

ખેર આવી Digital Health એપ્લીકેશન બનાવનારા ને મેડીકલ ફિલ્ડ સાથે ઘણીવાર સ્નાનસુતકનોય સંબંધ હોતો નથી. આ એક સોફ્ટવેર છે જેને બનાવતી વખતે કોઈ ફીજીશીયનને હાજર રાખવામાં આવતા જ નથી. માત્ર વેચાણ કે જાહેરાતના ઉદ્દેશ્ય થી આ બનાવેલી એપ્લીકેશનો તો ખરેખર ઘાતક સાબિત થાય છે. એમાય એવા દેશમાં જ્યાં સેલ્ફ મેડિકેશન ચરમસીમાએ હોય..ઘડીક સુઈ જા સારું થઇ જશે… થી માંડીને એન્ટીબાયોટીક સુચવનારાઓ ઢગલે મોંઢે મળતા હોય, ત્યારે તો ખાસ!

Digital Health એપ્લીકેશન્સ – શું કરી શકાય? શું ધ્યાને લેવું????

  • સોફ્ટવેર અને મેડીકલ ફિલ્ડ સાથે બહુ જુનો સંબંધ છે. બીપી માપવાનું ઇલેક્ટ્રિક મશીન હોય કે MRI મશીન, સોફ્ટવેર વગર બધા નકામાં છે. પરંતુ આજ સોફ્ટવેર જ્યારે સમાજને લોકભોગ્ય બનાવવાના ઈરાદાથી પીરસવામાં આવે ત્યારે એ ચોક્કસ તકલીફ ઉભી કરે છે.
  • દવાના ડોઝ, નિદાન વગેરે તમારા રેગ્યુલર ડોક્ટર્સને જ બતાવો. કેમકે રીપોર્ટસ મુજબ 20-25% Digital Health એપ્સ જ ફીજીશીયનના સુપરવિઝનમાં બનાવેલી અને અપડેટ થતી હોય છે. ચામડીના કેન્સરનો ફોટોઈમેજ જોઈ નિદાન કરતી ઘણી એપ્સ માત્ર તુક્કા લગાવતી હોય એમ વર્તતી જોવા મળી છે.
  • શરીરની તાસીર અને શક્તિ મુજબ વર્તો, નહીં કે ફિટનેસ ની એપ્સ મુજબ.
  • ચોક્કસ સિક્યુરીટીની જવાબદારી લેતી એપ્સમાંજ આપના રોગના ડેટા, રીપોર્ટસ મુકવાનું રાખો નહીતો એનો ડેટા ચોરાઈ અન્ય ઉપયોગ થઇ શકે છે.
  • બને ત્યાં સુધી ગ્રાહકોના રીવ્યુ, પ્રોવાઇડર, સર્ટીફીકેટ વગેરે ચેક કરો. છેલ્લે એપ ક્યારે અપડેટ થઇ છે એ જોવો પછી જ ડાઉનલોડ કરો. જો આપની Digital Health એપ્સ સમયાન્તરે અપડેટ ના થતી હોય તો ડીલીટ કરી દેવી જ હિતાવહ છે. રીવ્યુ ખરેખર કોના છે કેટલા લોકોના છે તે પણ જરા જોવો.
  • દરેક એપ્સના પરિણામો 2-3 વાર ચેક કરો તથા અન્ય સાધનો કે ડોક્ટર પાસે ક્રોસચેક કરાવો પછી જ દવા ચાલુ કરો. ઘણી એપ્સ નિદાન કરી દવા પણ સુઝાડતી હોય તો એના ચક્કરમાં પડશો નહીં.
  • સાવ ટેકનોક્રેટ બનવાના ધખારામાં પોતાને નુકસાન ન પહોંચે એ જોવો. કેટલીક બાબતોમાં જાતે અખતરા કર્યા કરતા અભણ હોવું પણ એટલું જ જરૂરી છે.
  • ખોટી જણાતી Digital Health એપ્સની તેના પ્રોવાઇડર અને સરકારમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં જાણ કરતો પત્ર લખવો જોઈએ એ સાથે સાથે એપ્સના રીવ્યુમાં તેને ઉઘાડો કરવો જોઈએ. એટલે જ એપ્સનો રીવ્યુ થોડો સમય વાપર્યા પછી જ લખવો નહીકે ડાઉનલોડ કર્યા પછી તરત જ.
  • Digital Health એપ્સનો મહ્દઅંશે ઉપયોગ ડોક્ટર સાથે સંપર્ક કરવા (એપોઇન્ટમેન્ટ લેવી,વિડીઓ કન્સલ્ટેશન) કે પછી ડોક્ટરને જરૂરી રોગ અંગેની જાણકારી પૂરી પાડવા કરવો.
  • વજન ઘટાડવું, અમુક સાધનોને વાપરવાની જાણકારી, પ્રાથમિક સારવાર, કસરતો, ઊંઘ અને મેડીટેશન, પ્રેગ્નન્સીના ફેરફારો, રોગના તબક્કાવાર લક્ષણો, પરેજી શું રાખવી વગેરે બાબતો માટે એપ્સ વાપરી શકાય પણ એકાદવાર તેના નિષ્ણાંતને મળી હું આ Digital Health એપ્સથી આટલું કરું છું તેવું ખાસ જણાવવું.
  • માત્ર સ્માર્ટફોનની સ્ક્રીન પર આંગળી મૂકી થાય તેવા ટેસ્ટ ખોટા જ હોય, પરંતુ સ્માર્ટફોન સાથે ડીવાઈસ જોડીને શરીરના પ્રવાહીની સ્લાઈડ મૂકી કરતા ટેસ્ટ સાચા હોય પણ સામાન્ય રીતે મોંઘા પણ હોય. એઇડ્સનો ટેસ્ટ કરતું આવું એક ડીવાઈસ એક ટેસ્ટ ના 18 હજાર ડોલર ચાર્જ કરે છે. એના પરથી મફતિયા એપ્લીકેશનોની વિશ્વસનીયતા જાણી શકાય.
  • સરકારને પત્ર લખી જાગૃતતા લાવી આવી એપ્સ અંગેના નીતિનિયમો અને એપ્સની દેખરેખ ડોક્ટરની નજર હેઠળ થાય તેવું ફરજીયાત કરવાને જણાવી શકાય.
  • સરકાર પણ વહેલી જાગે અને આ દિશામાં નક્કર કાયદા અને દેખરેખ રાખે તો પ્રજાની એક મોટી સેવા ગણાશે.

eછાપું

તમને ગમશે: ઘરનું બજેટ: દર વર્ષની શરૂઆતમાં બચત અને રોકાણનું આયોજન કરો

7 COMMENTS

  1. Bahu saras.
    Badhi rite samaj ne upyog.
    Eye opener.
    Tamari sachot rite vat ne kahevani / rajuat karvani style game Che. Ane apriya hoy to pan Satya lokone kahevama sankoch rakhavo nahi Eva attitude ne 100-100 Naman

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here